Monday, December 17, 2012

મિતિયાળા પાસે મારણ છીનવાઇ જતાં ચાર સાવજો રઘવાયા થયા.

Bhaskar News, Amreli | Dec 17, 2012, 00:59AM IST
સાવરકુંડલા નજીક મિતીયાળા પાસે ગઇકાલે ચાર સાવજો દ્વારા ત્રણ ગાયનું મારણ કરવામાં આવ્યા બાદ વનવિભાગ દ્વારા આ મારણને રોડના કાંઠેથી દુર જંગલ વિસ્તારમાં નાખી દેવાયુ હતુ. મારણ છીનવાઇ જતા આ સાવજો રઘવાયા થયા હતા અને અહીથી પસાર થતા વાહનો પાછળ દોટ મુકતા હોય વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

મિતીયાળા કૃષ્ણગઢ રોડ પર બની હતી. અહીના ભગાભાઇ ભરવાડની ત્રણ ગાયોને ગઇ બપોરે ચાર સાવજોએ મારી નાખી હતી. ગાયોને માર્યા બાદ સાંજ પડવાની રાહ જોઇ સાવજો થોડેદુર ટેકરા પર બેઠા હતા. આ દરમિયાન માલધારીએ વનવિભાગને જાણ કરતા વન કર્મચારીઓ અહી દોડી આવ્યા હતા. અને આ મારણને વાહનમાં નાખી દુર જંગલમાં મુકી આવ્યા હતા. રોડ આસપાસ તથા લોકોની અવરજવરવાળા વિસ્તારમાં મારણ થાય ત્યારે સામાન્ય રીતે વનવિભાગ આવુ કરે છે.

બીજી તરફ મારણ છીનવાઇ જતા સાવજો જાણે રઘવાયા થયા હતા. અને અહીથી પસાર થતા વાહનોની પાછળ દોટ મુકતા હતા. આ દરમિયાન અન્ય પાંચ સાવજો અહી આવી ચડતા નવ જેટલા સાવજોની ત્રાડોએ આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરાવ્યો હતો. વનવિભાગે ખરેખર તો આ મારણ સાવજો પહોંચી શકે તેટલા અંતરે થોડે દુર નાખવુ જોઇએ પરંતુ આ કિસ્સામાં મારણ ખુબ દુર ફેંકાયુ હોવાનુ કહેવાય છે. વન કર્મીઓને સાવજોની રક્ષા માટે ખડાપગે રહેવુ પડે તે માટે મારણ ખુબ દુર ફેંકાયુ તો નહી હોય ને તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે

No comments: