Monday, December 17, 2012

આદ્રીનાં વન્યપ્રેમીએ કાચબાંનાં અસંખ્ય બચ્ચાંને બચાવ્યા.


Bhaskar News, Veraval | Dec 13, 2012, 01:01AM IST
- માળો કરી જન્મ આપતા જળપ્રાણી કાચબાનાં અસંખ્ય બચ્ચાંને ફરી દરિયામાં તરતા મૂક્યા

દરીયાઇ કાંઠા વિસ્તારમાં માળો કરી જન્મ આપતા જળ પ્રાણી કાચબાનાં અસંખ્ય બચ્ચાંને જીવ તથા વન્યપ્રેમીએ બચાવી દરિયામાં તરતા મૂકી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા દસેક વરસથી જીવદયા કાર્યકર્તા વન્યપ્રેમી આદ્રીના મેરામણભાઇ રામ વ્હેલી સવારે તેના નિત્યક્રમ મુજબ આદ્રી ગામના દરિયાકિનારે મોર્નીંગ વોકમાં નિકળ્યા હતા. ત્યારે તેમની નજરે દરિયાકિનારે રેતીનાં પેટાળમાં માળો બનાવી રહેતા કાચબાએ ૧૦૦ જેટલા બચ્ચાંઓને જન્મ આપતાં તે સમુદ્રમાં જવાના બદલે માર્ગ ભુલી જંગલ તરફ જતા હોવાનું જણાયું હતું. આથી તેમણે તુરંત જ તે વિસ્તારનાં ફોરેસ્ટર વિક્રમભાઇ સોલંકીને બોલાવી બંનેએ સાથે મળી એક પછી એક ૭૮ જેટલા કાચબાનાં બચ્ચાંઓને એકઠા કરી દરિયાના જળમાં તરતા મુકી જીવદયાનું કાર્ય કર્યું હતું.

મેરામણભાઇ રામના જણાવ્યા મુજબ, કાચબાનાં બચ્ચાંનો જન્મ થયા પછી પચાસેક દિવસ બાદ તે દરિયા તરફ જતા રહેતા હોય છે. પરંતુ ઘણીવાર તે માર્ગ ભૂલી જઇ જંગલ તરફ જતા હોય ત્યારે રસ્તામાં જનાવરો, કૂતરાં, શિયાળ જેવાં પશુઓ તેનો કોળીયો કરી મારી નાંખતા હોય છે. આવી ઘટના ન બને તે માટે હંુ અવાર-નવાર દરિયા કિનારે વોકીગમાં ખાસ નિકળી અવળે માર્ગે જતા કાચબાનાં બચ્ચાંઓને મોતના મુખમાં જાય એ પહેલાં બચાવીને દરિયામાં તરતા મુકવાની પ્રવૃતિ ઘણા સમયથી કરૂં છું અને અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં કાચબાનાં બચ્ચાંઓને બચાવ્યા હોવાનું તેઓએ એક વાતચીતમાં જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-save-mamy-kacabam-in-veraval-4110171-NOR.html

No comments: