Monday, February 18, 2013

મહેમાન પક્ષીઓ કેમ ટપોટપ મરી રહ્યાં છે ? આંકડો વધ્યો.

Bhaskar News, Amreli | Feb 17, 2013, 23:53PM IST
- રાજુલા, જાફરાબાદ, લાઠી સહિતમાં પક્ષીઓનાં કમોત તપાસ માંગે છે
- વનવિભાગ લેબોરેટરી રીપોર્ટની રાહ જોઈ રહ્યું છે : જ્યારે પક્ષી પ્રેમીઓ આ ઘટનાથી વ્યથિત


અમરેલી જિલ્લાનાં વિવિધ જળાશયોમાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ  અમરેલી જિલ્લાના વિવિધ જળાશયો પર પ્રવાસી પક્ષીઓના ધાડેધાડા ઉતરી આવે છે. અને શિયાળો પુરો થતા પોતાના વતનમાં પરત ઉડી જાય છે.

પરંતુ આ વખતે જુદાજુદા જળાશયો પર આ પ્રવાસી પક્ષીઓના ભેદી સંજોગોમાં મોતની ઘટનાઓ અનેક બની હતી. આ ઘટનાઓ ખાંભા રાજુલા જાફરાબાદ લાઠી અને અમરેલી તાલુકામાં નોંધાઇ હતી. આ પક્ષીઓ ક્યા કારણે મોતને ભેંટયા તેની તપાસ થવી ખુબ જ જરૂરી છે.

રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ ઉતરી આવે છે. દરિયા કાંઠાના આ પ્રદેશો છેક સાયબેરીયાથી હજારો કીમીનો પંથ કાપી શિયાળો ગાળવા આવતા આ પ્રવાસી વધારે અનુકૂળ આવે છે. અહી શિકારની પણ ભરમાર છે અને આ પક્ષીઓને માફક આવે તેવુ વાતાવરણ પણ છે. આ ઉપરાંત જિલ્લાના જુદાજુદા ડેમ કે તળાવોના કાંઠે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ઉતરી આવ્યા હતાં.

આ પક્ષીઓમાં સૌથી વધારે સંખ્યા કુંજ કરકરા અને ફલેમીંગો પક્ષીની હતી. પરંતુ આ વખતે અજીબ રીતે આ પ્રવાસી પક્ષીઓ ભેદી રોગચાળાનો ભોગ બન્યા અને મોટી સંખ્યામાં મોતને ભેંટયા. સામાન્ય રીતે દર વર્ષે આવુ બનતુ નથી. ટપોટપ પક્ષીઓ મોતને ભેંટયા તેનુ કારણ શું ?. આ ઘટનાને લીધે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. શું આ પક્ષી આ વિસ્તારમાં આવ્યા ત્યારે સાથે જ કોઇ રોગચાળો લઇને આવ્યા હતાં?. કે આ વિસ્તારમાં આવ્યા બાદ કોઇ રોગચાાનો ભોગ બન્યા ?  કે પછી આટલા પક્ષીઓની સંખ્યામાં આટલા પક્ષીના મોતની ઘટના સામાન્ય છે.

પણ લોકોમાં પક્ષીઓ અંગે આવેલી જાગૃતિના કારણે આ સંખ્યા વધુ દેખાઇ રહી છે.  બર્ડ ફલુની જેમ માણસમાં ફેલાય તેવો ગભીર રોગચાળો લઇને તો આ પક્ષીઓ નથી આવ્યાને વગેરે પ્રકારના સવાલ ઉઠવા પામ્યા છે. વિકટમાં સંખ્યાબંધ પક્ષીઓના મોત બાદ વન વિભાગ દ્વારા આ પક્ષીઓના મૃતદેહમાંથી જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. હકીકત જે હોય તે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે.

- ક્યાં ક્યાં મોતને ભેંટયા પ્રવાસી પક્ષી

વિકટર ગામના ખારામાં પ્રવાસી પક્ષીઓના મોતની ઘટના સૌથી વધુ બની હતી. અહીં સતત પંદર દીવસ સુધી પ્રવાસી પક્ષીઓના મોતની ઘટના બનતી રહી છતાં તંત્ર કશુ કરી શક્યુ ન હતું. આ ઉપરાંત લાઠીના ચેક ડેમમાં અને અમરેલીના કામનાથ ડેમમાં પણ આવી જ ઘટના બની હતી. હવે રાજુલાના ધાતરવડી ડેમમાં પણ મોટી સંખ્યામાં આ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. પણ તંત્ર લાચાર છે.

- બગલામાં પણ પ્રસર્યો રોગચાળો ?

એવુ નથી કે માત્ર પ્રવાસી પક્ષીઓ જ મર્યા છે. બગલાના સામુહીક મોતની ઘટનાઓ પણ બની છે. અમરેલી તાલુકાના વાંકીયા ગામે એક સાથે ૫૦ જેટલા બગલા મરી ગયાં હતાં. આવી જ એક ઘટના લીલીયા તાલુકામાં પણ બની હતી. અંટાળીયા ગામે મહાદેવના મંદીરે એક સાથે ૪૦ બગલાના મોતની ઘટના બની હતી. પ્રવાસી પક્ષીઓનો રોગચાળો સ્થાનીક પક્ષીઓમાં પ્રસર્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે.

No comments: