Monday, February 18, 2013

ક્રાંકચમાં સિંહણનાં મોતની તપાસ માટે એસીએફ દોડી આવ્યા.


Bhaskar News, Liliya | Feb 17, 2013, 00:10AM IST
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં એક કુવામાં પડી જતા ત્રણ વર્ષની સિંહણનું મોત થયા બાદ આ પ્રકરણની તપાસ માટે એસીએફ ભાવસાર આજે લીલીયા દોડી આવ્યા હતાં અને ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યુ હતું.
 
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૦થી વધુ સાવજોનો વસવાટ છે જે પૈકી એક સિંહણનું બે દિવસ પહેલા કુવામાં પડી જવાથી મોત થયુ હતું. વન વિભાગના પ્રાથમીક તારણમાં શીકાર પાછળ દોડતી વખતે સિંહણ કુવામાં પડી જતા મોત થયાનું અનુમાન લગાવાયુ હતું. આમ છતાં સિંહણના આ મોતે અનેક સવાલો ઉભા કર્યા હતાં. જેને પગલે આ કેસની તપાસ એસીએફ ભાવસારને અપાતા તેઓ સ્થળ તપાસ માટે ક્રાંકચ દોડી આવ્યા હતાં.
 
તેમણે સિંહણ જે કુવામાં ડુબી હતી તેનું પણ નિરીક્ષણ કર્યુ હતું. કુવામાં સિંહણના નહોરના નિશાન પણ મળી આવ્યા હતાં. પીએમ દરમીયાન સિંહણની હોજરીમાંથી પાણી પણ મળ્યુ હોય વન વિભાગ દ્વારા ડુબી જવાથી સિંહણનું મોત થયાનું મનાઇ રહ્યુ છે. આમ છતાં વન વિભાગ દ્વારા સિંહણના મોત અંગે તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

No comments: