Bhaskar News, Babra | Mar 26, 2013, 23:31PM IST
- મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નખાયા પરંતુ વન વિભાગનું ભેદી મૌન
અમરેલી જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી થાય અને વન વિભાગ દ્વારા લાખોની
સંખ્યામાં વૃક્ષ વવાયાની જાહેરાત કરાય છે. પરંતુ સત્ય હકીકત એ છે કે વન
વિભાગ વન અને વૃક્ષોની રક્ષામાં ઘોર બેદરકાર છે. બાબરા પંથકમાં ઘુઘરાળા,
ઇસાપર માર્ગ પર પાછલા કેટલાય દિવસોથી વૃક્ષોનું ગેરકાયદે કટિંગ ચાલી રહ્યુ
છે. આસપાસના ગામોના લોકો વાહનોમાં ભરીને આ કપાયેલી વૃક્ષોના લાકડા લઇ જઇ
રહ્યા છે. ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોનો સોથ વાળી દેવાયો છે. પરંતુ જંગલખાતુ
કુંભકરણની નિંદ્રામાં છે.
અમરેલી જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વન વિભાગની ઘોર બેકાળજીના કારણે
વૃક્ષોનું નકિંદન નિકળી રહ્યુ છે. થોડા સમય પહેલા ચલાલા અને સાવરકુંડલા
પંથકમાંથી ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃતિના કારણે ટ્રક મોઢે લાકડા ઝડપાયાની
ઘટના હજુ તાજી છે ત્યાં હવે બાબરા પંથકમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે
વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાનું બહાર આવેલ છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર બાબરા પંથકમાં ઘુઘરાળા-ઇસાપર માર્ગ પર
મોટી સંખ્યામાં વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવી રહ્યા છે. અહિં પડતર જમીનમાં
દેશી કુળના વૃક્ષો ઉગી નિકળ્યા છે. પરંતુ લેભાગુ તત્વો અહિં પ્રકૃતિની ઘોર
ખોદવા બેઠા થયા હોય તેમ વૃક્ષોનું આડેધડ નકિંદન કાઢી રહ્યા છે. આ પ્રવૃતિ
પાછલા એકાદ પખવાડીયાથી ચાલી રહી છે અને ખુબ મોટી સંખ્યામાં વૃક્ષો કાપીને
તેનું લાકડુ લઇ જવાયું હોવા છતાં વન વિભાગનો સ્ટાફ અહિં ડોકાયો પણ નથી.
અહિં વૃક્ષ છેદન ચાલી રહ્યુ છે તેવી કદાચ સદાય બેદરકાર વન વિભાગને જાણ પણ
નહી હોય. ઘોર નિંદ્રામાં રહેતા વન વિભાગના કર્મચારીઓ આ વિસ્તારમાં ડોકાયા
પણ નથી જેને પગલે લેભાગુ તત્વોને મોકળુ મેદાન મળી ગયુ છે. સરકાર ગ્રીન
ગુજરાતની કલ્પનાઓ કરે છે. વૃક્ષોના વાવેતરના મોટા મોટા આંકડાઓ જાહેર કરે
છે. પરંતુ તેમાંથી કેટલા વૃક્ષો સરકાર ઉછેરી શકે છે તે સૌ કોઇ જાણે છે.
પરંતુ હયાત વૃક્ષોને બચાવવામાં પણ સરકારીતંત્ર વામણુ પુરવાર થઇ રહ્યુ છે.
- વાહનોમાં ભરી વૃક્ષો લઇ જવાયા
બાબરા તાલુકામાં ઘુઘરાળા-ઇસાપર માર્ગ પર લેભાગુ તત્વો ધોળા દિવસે તંત્રના
ડર વગર બિલકુલ નિરાતે વૃક્ષો કાપે છે અને બાદમાં તેનું લાકડુ રીક્ષા કે
અન્ય વાહનોમાં ભરી સગેવગે કરે છે. અહિંથી પસાર થતા લોકો કકળતા જીવે
વાહનોમાં કપાયેલા વૃક્ષોને ભરાતા જુએ છે. પરંતુ તંત્રની બેદરકારી સામે લોકો
પણ લાચાર છે.