Bhaskar News, Amreli | Mar 20, 2013, 00:03AM IST
અમરેલી જિલ્લામાં પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા
પ્રકૃતિ પ્રેમીઓની મદદથી જીલ્લાના પ૦૦થી વધુ ગામોમાં આવતીકાલથી મોર ગણતરીનો
આરંભ કરવામાં આવશે. સાથે સાથે દેશી કુળના પક્ષીઓની પણ ગણતરી કરાશે. આ
સંસ્થા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી મોર ગણતરી કરાઇ રહી છે. જેનો આરંભ કાલે
બાબાપુરથી થશે. સાથે સાથે લોકોમાં મોરની રક્ષા માટે જાગૃતિ આવે તે માટે
અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતના રાષ્ટ્રીયપક્ષીની
અમરેલી જીલ્લામાં કેટલી વસતી છે તેની ગણતરીનું નવતર કાર્ય અહિંના પર્યાવરણ
અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.આ સંસ્થા દ્વારા પાંચ વર્ષ પહેલા ૨૦૦૮માં જીલ્લાભરમાં મોરની ગણતરી કરવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ હવે ફરી આવતીકાલથી આ અભીયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે આવતીકાલે ચકલી દિન નિમિતે બાબાપુર ખાતે જૈવિક વિવિધતા નામક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અને તે સાથે જ આ ગામથી જ મોર ગણતરી શરૂ કરાશે.
આવતીકાલથી શરૂ થનારી આ મોર ગણતરી આગામી અઢી માસ સુધી ચાલશે. જેમાં પ૦૦ સ્વયંસેવકોની મદદ લેવાશે. અમરેલી જીલ્લાના પ૦૦થી વધુ ગામોમાં તબક્કાવાર આ મોર ગણતરી કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે મોર ગણતરી વખતે જે તે ગામમાં ચહલ પહલ વધતા લોકોમાં મોર અંગે જાગૃતિ આવશે. તો બીજી તરફ મોર ગણતરીની સાથે સાથે કાગડા, તેતર, કાબર, ચકલી, કોયલ, હોલા, પોપટ, સમડી જેવા દેશી કુળના પક્ષીઓની પણ ગણતરી કરવામાં આવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં કરવામાં આવેલી મોર ગણતરી દરમીયાન અમરેલી જીલ્લામાં અઢાર હજારથી વધુ મોર હોવાનું બહાર આવ્યુ હતું. ત્યારે બીજી ગણતરી પર પ્રકૃતિપ્રેમીઓની મીટ મંડાઇ છે.
દરિયા કાંઠાના ગામોમાં વધુ મોર હોવાનું જણાયું છે
આમ તો જીલ્લાભરમાં પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા આવતીકાલેથી મોર ગણતરી શરૂ કરાશે. પરંતુ રાજુલાના ચાંચ, વિક્ટર ઉપરાંત જુના સાવર બાબાપુર અને નાના સમઢીયાળા એમ પાંચ ગામોમાં મોર ગણતરી શરૂ કરી દેવાઇ છે. દરીયાકાંઠાના ગામોમાં પાછલી ગણતરી કરતા વધુ મોર હોવાનું પણ જણાયુ છે.
ગારીયાધાર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ ગણતરી
પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ તળાવીયાએ જણાવ્યુ હતું કે અમરેલી જીલ્લા ઉપરાંત ભાવનગર જીલ્લાના ગારીયાધાર, પાલીતાણા અને મહુવા તાલુકામાં પણ મોર ગણતરી કરવામાં આવશે. આ ત્રણેય તાલુકામાં પણ મોર ગણતરી માટે પ્રકૃતિપ્રેમીઓની મદદ લેવાશે.
No comments:
Post a Comment