Bhaskar News, Rajula
Jan 23, 2016, 23:59 PM IST
Jan 23, 2016, 23:59 PM IST
- મોટા રીંગણીયાળામાં અગાઉ 23 ભેંસના મોત થયા હતા ગાંધીનગરની ટુકડી તપાસમાં આવશે
- નમુનાઓ ભોપાલ લેબોરેટરીમાં મોકલાશે
- નમુનાઓ ભોપાલ લેબોરેટરીમાં મોકલાશે
રાજુલા: અમરેલી જીલ્લાના પશુધનમાં અવાર નવાર વિચિત્ર રોગચાળો ફેલાતો રહે છે. રાજુલા તાલુકાના રીંગણીયાળા ગામે ગત વર્ષે પણ ભેદી રોગચાળામાં 23 ભેંસના મોત થયા બાદ ફરી એકવાર અહિં ભેંસોમાં ભેદી રોગચાળો ફેલાતા છ ભેંસના મોત થયા છે અને હજુ વધુ 10 ભેંસ બિમાર હાલતમાં છે. પશુપાલન વિભાગ દ્વારા આ ભેંસોમાં કયા પ્રકારનો રોગચાળો છે તે જાણવા તપાસ શરૂ કરાઇ છે.
ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં પશુપાલન વ્યવસાય વિકસ્યો છે. ગીરના વન્ય પ્રાણીઓ હવે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ વસતા હોય રેવન્યુ વિસ્તારમાં પાલતુ પ્રાણીઓમાં કોઇ રોગચાળો ન ફેલાઇ તે જરૂરી છે. કારણ કે વન્ય પ્રાણીઓ અવાર નવાર આ પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય આવો રોગચાળો વન્ય પ્રાણીઓમાં પણ ફેલાવાની ભીતી રહે છે. રાજુલા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલ મોટા રીંગણીયાળા ગામમાં ભેંસોમાં ભેદી રોગચાળો ફેલાયો છે. અહિંના માલધારીઓની ભેંસો ટપોટપ બિમાર પડી રહી છે અને મોતને ભેટી રહી છે.
ગત વર્ષે અહિં 23 ભેંસના મોત થયા હતાં. આ વર્ષે પણ ફરી આવો રોગચાળો દેખાતા ગામના સરપંચ બાબુભાઇએ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીને જાણ કરી હતી અને હિરાભાઇ સોલંકી દ્વારા આખરે આ અંગે પશુપાલન મંત્રી બાબુભાઇ બોખીરીયાને જાણ કરાઇ હતી. મોટા રીંગણીયાળા ગામમાં હાલમાં વધુ 10 ભેંસો બિમાર છે. ગયા વર્ષે ગામના ભરવાડ જીણાભાઇ ઘેલાભાઇ અને અન્યની 23 ભેંસો મોતને ભેટી હતી. જો કે રોગચાળા બાદ સરકાર દ્વારા કોઇ સહાય અપાઇ ન હતી. ફરી એકવાર ભેદી રોગચાળો ફેલાતા માલધારીઓ સરકારી સહાય મળે અને રોગચાળો ડામવા પગલા લેવાય તેવું ઇચ્છી રહ્યા છે.
ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં પાલતુ પશુઓમાં કોઇ ભેદી રોગચાળો ફેલાઇ તો તે સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓ માટે પણ જોખમી બનતુ હોય છે. કારણ કે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ-દિપડાની સંખ્યા ઘણી વધારે છે અને આ વન્ય પ્રાણીઓ દ્વારા પાલતુ પશુઓનુ મારણ પણ થતુ હોય છે. વન્ય પ્રાણીઓ અને અન્ય પાલતુ પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇને પણ આ રોગચાળો ડામવા નક્કર પગલા લેવાવા જોઇએ.
પશુ ડોક્ટરોની ટીમ દોડી આવી
રીંગણીયાળામાં પશુઓમાં ભેદી રોગચાળા અંગે છેક પશુ પાલન મંત્રી સુધી રજુઆત થતા ઉપરથી મળેલી સુચનાને પગલે પશુ ડોક્ટરોની ટીમ મોટા રીંગણીયાળા દોડી ગઇ હતી. અમરેલીના પશુ ચિકિત્સક ડો. સાવલીયા, ડો. વાઢેળ અને ડો. ગૌસ્વામી દ્વારા ભેંસોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું.
ચાર માસ પહેલા લેવાયેલા નમુનાનો રીપોર્ટ બાકી
ચાર માસ પહેલા પણ જ્યારે મોટા રીંગણીયાળામાં ભેંસોમાં આ રીતે રોગચાળો ફેલાયો ત્યારે ગાંધીનગરથી દોડી આવેલી ટીમે જરૂરી નમુનાઓ લઇ ભોપાલ લેબોરેટરીમાં મોકલ્યા હતાં. જો કે હજુ તેનો રીપોર્ટ આવ્યો નહી હોવાનું જાણવા મળેલ છે.
પશુ પાલન મંત્રીને રજૂઆત કરવામાં આવી
ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા ભેંસોમાં ભેદી રોગચાળા અંગે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રીને રજુઆત કરાયાને પગલે પશુ પાલન વિભાગ દ્વારા એક ખાસ ટુકડી પણ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જે કયા પ્રકારનો રોગચાળો છે તે જાણવા પ્રયાસ કરશે.
No comments:
Post a Comment