- Bhaskar News, Rajula
- Jan 30, 2016, 10:19 AM IST
- લાઇટ હાઉસ વિસ્તારમાં માછલી જોવા લોકો ઉમટી પડ્યા
રાજુલા: જાફરાબાદના દરીયામાં આજે અચાનક જ 25 જેટલી ડોલ્ફીન માછલીઓ આવી ચડતા અને દરીયામાં મનમોહક રીતે ભારે ઉછળકુદ કરી મુકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. આ માછલીને નિહાળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. માછીમારી કરતા અનેક લોકોએ તેની તસવીરો પણ ખેંચી હતી. સામાન્ય રીતે જાફરાબાદ તથા આસપાસના દરીયામાં આ રીતે ડોલ્ફીન માછલી જોવા મળતી નથી.
અરબી સમુદ્રના આ ખુણામાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ડોલ્ફીન જોવા મળી હતી. આજે એક સાથે 25 જેટલી ડોલ્ફીન જાફરાબાદના દરીયાકાંઠા સુધી આવી પહોંચી હતી. અહિંના લાઇટ હાઉસ વિસ્તારના દરીયામાં આ ડોલ્ફીન માછલીએ ભારે ધીંગા મસ્તી કરી મુકી હતી. જોતજોતામાં આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાઇ હતી. જેને પગલે માછીમાર પરિવારો પણ ડોલ્ફીનને નિહાળવા દરીયાકાંઠે ઉમટી પડયા હતાં.
દરીયાકાંઠે ડોલ્ફીનની ધીંગામસ્તી નિહાળી માછીમાર પરિવારો પણ ચોંકી ઉઠ્યા હતાં. માછીમારી કરવા માટે જતી આવતી બોટોના ખલાસીઓ પણ આ દ્રશ્ય જોઇ રોમાંચીત થયા હતાં અને આ દ્રશ્ય પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતાં. જો કે બાદમાં આ માછલીઓ અહિંથી નિકળી ગઇ હતી. આ માછલીઓ આઠ થી દશ ફુટ ઉંચે સુધી દરીયામાં છલાંગ લગાવતી હતી.
No comments:
Post a Comment