Tuesday, February 16, 2010

રાજુલાના દેવકામાં સિંહોના ટોળાએ ચાર ગાયોનું મારણ કર્યું.

રાજુલા, તા.૧૫

રાજુલા તાલુકાના દેવકા ગામે રાત્રીના સમયે સિંહોના ટોળાએ ગાયોના મારણ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ ખાતાની ટીમ તત્કાલ દોડી આવી હતી. આ અંગે વધુ તપાસ ફોરેસ્ટ ખાતાની ટીમ કરી રહી છે.રાજુલા તાલુકામાં સિંહના ટોળા અવારનવાર દેખાતા હોય છે અને પશુઓના મારણ કરતા હોય છે. તેવી જ ઘટના ગત રાત્રીના સમયે બનવા પામેલ છે. રાજુલા તાલુકાના દેવકા ગામના જીણાભાઈ વાવડીયાના ખેતરમાં વાડો ભારે રાખી રહેતા અને માલ ઢોરનો ઉછેર કરતા ભરવાડ ગોકળભાઈ બીજલભાઈ રાત્રીના સમયે સુતા હતાં. ત્યારે સિંહોના ટોળા ખેતરના વાડામાં બાંધેલ ચાર ગાયોને ફાડી ખાધી હતી. આ બાબતની જાણ ગોકુલભાઈ ભરવાડે ફોરેસ્ટ ખાતાને કરતા ફોરેસ્ટ ખાતાની ટીમ તત્કાલ ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફોરેસ્ટની ટીમે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી.

સિંહોના ટોળાએ ગાયોના મારણ કર્યાની વાતો વાયુવેગે ફેલાય જતા ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા જોવા મળ્યા હતા. ગાયોના મૃત્યુની ઘટનાની બાબતે લોકોએ દુઃખ વ્યક્ત કર્યુ. આવી ઘટનાઓ રાજુલા પંથકમાં વારંવાર બનતી હોયછે. જેના કારણે હાલ લોકોમાં સિંહના નામનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમજ માલધારી લોકોને તેમના માલઢોરની ચિંતા સતાવી રહી છે. કારણ કે, સિંહોના ટોળા રાત્રીના સમયે આવી ઢોરનું મારણ કરતા હોય છે. જેના લીધે હાલ રાજુલા પંથકના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. ઉપરોક્ત ઘટના બાબતે ફોરેસ્ટ ખાતાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ રાજુલા પંથકના લોકોનો સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે. હાલ રાજુલાના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160057

દીપડાએ પાછળ દોટ મુકતા યુવાનના હોંશકોશ ઉડી ગયા.

અમરેલી,તા,૧પ :

ધારીના દિતલાની સીમમાં સાવરકુંડલાના એક કોળી યુવાનની પાછળ એક દિપડાએ દોઢસો ફૂટ સુધી દોટ મુકતા યુવાનના હોંશકોશ ઉડી ગયા હતા. સદનસીબે યુવાન બાઈક પર હતો તેથી, રાડો પાડતા બાઈક ભગાવતા દિપડો પાછો વળી ગયો હતો. અને યુવાનનો જીવ બચી ગયો હતો.

સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા અને જમીનની લે-વેંચ કરતા ખેડૂત ગોકળભાઈ વલ્લભભાઈ કોળી ધારીથી ૩૦ કિમી દુર આવેલા દિતલાના સરપંચ બચુભાઈ ઝાલાના ઝાલા ફાર્મ હાઉસે કેરીની કલમો લેવા ગયા હતા ત્યારે ફાર્મ હાઉસના ડેલા પાસે તેઓ પહોંચ્યા ત્યારે ડેલા પાસે એક ખૂંખાર દિપડો બેઠો હતો. દિપડો ગોકળભાઈ સામે ઘૂરકીયા કરી તેની પાછળ દોટ મૂકી હતી. સદ્દનસીબે ગોકળભાઈ પોતાના મોટરસાઈકલ પર જ બેઠા હતઈં. બાઈક ચાલુ હતું. જેથી, દિપડાની દોટ જોઈ તેને બાઈક ગેરમાં નાખી ભગાવ્યું હતું. અને રાડારાડી કરતા દિપડો પાછો વળી ગયો હતો. અને નાસી ગયો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160062

એક સિંહણને પામવા બે સિંહ વચ્ચે જબરી લડાઈ.

અમરેલી,તા,૧પ

ધારીના ઘોડાવડી જંગલમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચેની જબરી લડાઈમાં ઘાયલ થયેલા એક સિંહને વનવિભાગે શોધીને પકડી પાડયો છે. તેને સારવાર માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડેલ છે.

ધારી ગીર પૂર્વેના જશાધાર રેન્જના ઘોડાવડી જંગલમાં એક ઈજાગ્રસ્ત સિંહ આંટા મારતો હોવાની બાતમીના પગલે ડીએફઓ રાજાની સુચનાથી આરએફઓ મુલાણી સહિતના સ્ટાફે આ જંગલ વિસ્તારમાં પાંજરામાં મારણ મુકી ઘાયલ સિંહને પકડી પાડયો હતો અને જશાધાર સારવાર માટે ખસેડયો હતો.

ડીએફઓ રાજાના જણાવ્યા પ્રમાણે આ જંગલમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં આ સિંહ ઘાયલ થયો છે. તેને ગળાના ભાગે હુમલો કરનાર સિંહના ન્હોર વાગ્યા છે. તેને સારવાર અપાઈ છે. તથા ધારીના કુબડા ગામની સીમમાં ખેડૂતોને રંજાડનાર એક દિપડાને વનવિભાગે પકડી જશાધાર એનીમલ કેરમાં લઈ આવી જંગલમાં છોડી દેવાયો છે. કુબડા ગામે ગોવિંદપુરના રસ્તે રસ્તા પરથી ચાલીને નિકળેલા એક સિંહને સ્કૂલના બાળકોએ જોઈ સિંહ દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણીઓની તબીબી ચકાસણી કે સારવાર માટે જશાધાર અને સાસણ ખાતેના ડો. વાઢેર અને હિરપરાએ સ્વૈચ્છીક રાજીનામા આપી દીધા છે. હાલમાં વન્યપ્રાણીઓની સારવાર માટે વેટરનરી ડોકટરો ન હોય વન્ય પ્રાણીઓનું આરોગ્ય જોખમાય તેમ છે. સત્વરે વેટરનરી ડોકટર મુકવા માગણી ઉઠી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160059

એશિયાઇ સિંહ.

એશિયાઇ સિંહ

સ્થાનિક નામ સિંહ,સાવજ,કેશરી,ઉનિયો વાઘ,બબ્બર શેર

અંગ્રેજી નામ ASIATIC LION

વૈજ્ઞાનિક નામ Panthera leo persica

આયુષ્ય ૧૫ થી ૧૮ વર્ષ

લંબાઇ માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)

ઉંચાઇ ૧૦૫ સેમી.

વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)

સંવનનકાળ ઓક્ટોબર,ડીસેમ્બર

ગર્ભકાળ ૧૦૫ થી ૧૧૦ દિવસ

પુખ્તતા ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)

દેખાવ શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે,પાછળનો શરીરનો ભાગ પાતળો.જાડી લાંબી
પુંછડી,નાના કાન.નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.

ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ,સાબર,જંગલી સુવર,ચોશીંગા,ચિંકારા,ભેંશ,ગાય વગેરે.

વ્યાપ ફક્ત ગીરનાં જંગલમાં.

રહેણાંક સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.

ઉપસ્થિતિ ના ચિન્હો પગલા,મારણ,ગર્જના.

ગુજરાતમાં વસ્તી ૩૫૯ (૨૦૦૫)

નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૩ ના આધારે અપાયેલ છે.

એશીયાઇ સિંહ એ બિલાડી વંશનું સૌથી મોટું પ્રાણી છે. આ ગુજરાતમાં જ, ગીર અભ્યારણ્યમાં મળે છે.

સિંહણ વર્તુણક
સામાન્ય રીતે શિયાળામાં,જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળામાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે.સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાઓને જન્મ આપે છે,ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે,સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે.[૧]
સંદર્ભ 1. 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત પુસ્તક "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ"
http://gu.pandapedia.com/wiki/%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%87_%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9

પોરબંદરમાં ચેરના વૃક્ષોનું બેફામ છેદન.

પોરબંદર,તા,૧પ

પોરબંદરના જયુબેલી પુલ નીચેથી દરિયાની ખાડીમાં ઉગી નિકળેલા ચેરના વૃક્ષોનું કેટલાક તત્વો બેફામ છેદન કરી નિકંદન કાઢી રહ્યાં છે. તેની જંગલખાતું વર્ષે દહાડે બે-ચાર કેસો કરી આત્મસંતોષ મેળવે છે તેની સામે લોકોમાં રોષ ફેલાયો છે.

પોરબંદરના જયુબેલી પુલ, લકડી બંદર અને સુભાનગર સુધી દરિયાની ખાડીમાં ખારા પાણીમાં ચેરના વૃક્ષો હિલોળા લે છે. પણ હવે, જંગલખાતાની બેદરકારીનાં કારણે અહીં માત્ર વૃક્ષો કાપવા નહીં તેવું બોર્ડ મુકી સંતોષ માની લીધો હોવાથી જંગલખાતાની બેદરકારીનો લાભ લઈ કેટલાક તત્વો બેરોકટોક છેદન કરે છે. જંગલખાતાના ઓછા સ્ટાફના કારણે અને ચેરના વૃક્ષોનો વધુ વિસ્તાર હોવાથી વૃક્ષો કાપનારાઓને મોકળુ મેદાન મળી જાય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160067

Saturday, February 13, 2010

વન્ય પ્રાણીના શિકારની ઘટનાથી તંત્ર એલર્ટ.

Saturday, Dec 19th, 2009, 2:53 am [IST]
danik bhaskar
Bhaskar News, Bhavnagar

ભાવનગર જિલ્લામાં વિચરતા સિંહના સંરક્ષણ માટે પ્રથમ વખત સ્ટાફ નિયમાનુસાર તાલિમબઘ્ધ કરાયો

સિંહની ઘટતી જતી સંખ્યા અને વન્ય પ્રાણીના શિકાર સામે રાજય સરકારે લાલ આંખ કરી છે જેના પગલે ભાવનગર જિલ્લામાં સિંહના વિચરણ પટ્ટી પર ફરજ બજાવતા વનખાતાના સ્ટાફને પ્રથમ વખત કાનૂની રીતે તાલીમ બદ્ધ કરી ઘટતા પગલા લેવાનું શરૂ કર્યું છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ગારિયાધાર પટ્ટી પર સિંહ વસવાટ કરે છે. ભૂતકાળમાં સિંહના શિકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. તો અમુક કેસોમાં કાનૂની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. પરંતુ અત્યારે જે સિંહ વિહાર કરે છે તે વિસ્તારમાં સ્ટાફે શિકારીઓ સામે એટલા જ સજાગ થવા ઉપરાંત સજ્જ થવું આવશ્યક બન્યું છે.

કેમ કે, ખુદ મુખ્યમંત્રી પણ સિંહના સંરંક્ષણનો મુદ્દો ઉઠાવી પગલા ભરવા સૂચનાઓ સંબંધિત ખાતાને આપી છે.
ભાવનગરમાં વન ખાતાના ફિલ્ડ પરના સ્ટાને પ્રથમ વખત કાનૂની રૂલ્સ અંગે માહિતી, માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા-દિલ્હીના નિષ્ણાંતોએ પાલીતાણા ખાત શુક્રવારે તાલીમ શરૂ કરી હતી.

આ અંગે મદદનિશ વન સંરંક્ષક કે.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ક્યારેય આવા પ્રકારની ટ્રેનિંગ અપાઈ નથી. આથી રાજ્ય સરકારે અગમચેતીના પગલારૂપે આયોજન ઘડ્યું છે અને તે મુજબ આજે તાલીમ અપાઈ રહી છે. સિંહના સંરંક્ષણ માટેના પગલા લેવાઈ રહ્યાં છે. સમયઅનુસાર સ્ટાફે પણ તાલિમબદ્ધ થવું આવશ્યક બન્યું છે.

સને ૨૦૦૫ બાદ સિંહની ગણતરી કરવા ગતિવિધી

ભાવનગર જિલ્લાનો અમુક વિસ્તાર સિંહના રહેણાંક માટે જાણીતો છે. સને ૨૦૦૫માં વન ખાતા દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી હતી. જે સમયે ૧૪ સિંહ વિહરતા હોવાનું જણાવાયું હતુ. આ ગણતરીને પાંચ વર્ષ પૂર્ણ થતાં ફરી વખત સિંહની ગણતરી કરવાની ગતિવિધી ચાલી રહી છે. સંભવિત મે-૨૦૧૦ સુધીમાં આ ગણતરી કરી નાંખવામાં આવશે. તેમ વનખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/19/091219025328_hunting_of_wild_animal.html

પ્રેમી સિંહને મળવા વિહ્વળ બનેલી સિંહણ જાળી તોડીને ભાગી છૂટી

Bhaskar News, Talala(Gir)
Saturday, January 12, 2008 23:35 [IST]

દેવળિયા ગીર નેશનલ પાર્કમાં ‘ઇલુ...ઇલુ...’

પ્રેમી પંખીડાઓ ઉડી જવાના સમાચારો તો છાશવારે અખબારોમાં ચમકતાં રહે છે. પરંતુ વન્યપ્રાણીઓમાં પણ જુવાની ફૂટતાંવેત ઇલુ ઇલુ શરૂ થઇ જાય ત્યાં સુધી તો જાણે સમજયાં, પરંતુ સિંહણ લોખંડનું આખે આખું પાંજરૂ તોડીને પ્રેમી સિંહને મળવાં રિતસર દોટ મૂકે તે ઘટના રસપ્રદ તો ખરીજ ને ! દેવળિયા ખાતેના નેશનલ પાર્કમાં આ અજીબો ગરીબ કિસ્સો બન્યો છે.

સાસણ (ગીર) થી ૭ કિ.મી. દૂર આવેલ ગીર નેશનલ પાર્ક (દેવળિયા)માં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે પાર્કમાં રાખવામાં આવેલ સિંહ પરિવારમાંથી એક સિંહણ આજે સવારે નેશનલ પાર્ક ફરતે ફેન્સીંગના બાકોરામાંથી ભાગી છૂટ્ટી હતી. સિંહણ નેશનલ પાર્કમાંથી ગાયબ થઇ હોવાના સમાચાર મળતા તંત્રે રઘવાયું બની સિંહણની શોધખોળ આરંભી હતી. આ સિંહણ તેના પ્રેમી સિંહને મળવા માટે જાળી તોડીને ભાગી છૂટયાનું ખુલતાં પ્રવાસીઓમાં પણ રમુજ સાથે કુતૂહલ ફેલાયું હતું.

દેવળિયા પાર્ક ખાતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે વન વિભાગે ૧૬ કિલોમીટર ફરતે તારની ઊંચી ફેન્સીંગ કરી તેમાં સિંહ પરિવારને વસાવી ગીર નેશનલ પાર્ક ઊભું કરેલ છે. જયાં સિંહ દર્શન કરવા દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. તે પાર્કમાંં વસવાટ કરતા સિંહ પરિવારમાંથી આ સિંહણ આજે સવારે નેશનલ પાર્ક ફરતે ઊભી કરાયેલ તારની વાડ જર્જરિત થઇ ગઇ હોઇ તે જાળી અમુક જગ્યાએ તૂટેલ હોવાથી તૂટેલ જાળીના બાકોરામાંથી ભાગી છૂટી હતી.

સવારે રાબેતા મુજબ, પ્રવાસીઓ માટે સિંહ દર્શન શરૂ થાય તે પહેલા પાર્કમાં રાઉન્ડમાં નીકળેલા ફોરેસ્ટ ગાર્ડની નજરે પાર્કમાં રખાયેલા બે સિંહણ અને એક સિંહમાંથી એક સિંહણ નજરે ન પડતા આખા પાર્કમાં ખૂણે-ખૂણે ઝાડી-ઝાંખરામાં તપાસ કરતા સિંહણ કયાંય જોવા ન મળતા દેવળિયા પાર્કના સ્ટાફે સાસણ વન-વિભાગના ઉરચ અધિકારીઓને જાણ કરતાં ગીર પિશ્ચમ વન્ય પ્રાણી ડી.એફ.ઓ. રાજા, આર.એફ.ઓ. અપારનાથી સહિતનો સ્ટાફ દેવળિયા પાર્ક ખાતે દોડી ગયો હતો અને તંત્રએ તાકીદે સિંહને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી.

પાંજરામાં પણ બીજા બે સિંહો છે જ. પરંતુ આ સિંહો સાથે સંવનન કરવાનું સિંહણે માંડી વાળ્યું હતું અને પાંજરાની બહારના બે સિંહો સાથે આ સિંહણની આંખ મળી જતાં ફાગ શરૂ થયા હતા. ભાગી છૂટેલ સિંહણ નેશનલ પાર્કની આસપાસ ખુલ્લામાં કદાચ ફરતી હોય અને કોઇ ટુરીસ્ટ ઉપર હુમલો કરી બેસે તેવી સંભાવનાથી વન અધિકારીઓએ સવારે ત્રણ કલાક સુધી નેશનલ પાર્કમાં સિંહ દર્શન કરાવવાનું બંધ કરાવી દીધેલ.

ભાગી છૂટેલ સિંહણની શોધખોળ કરી તાકીદે પાંજરે પુરવા વનવિભાગના સ્ટાફે પાડા (ભેંસ)નું મારણ ગોઠવી સિંહણ નજીકના વિસ્તારમાં હોય તો મારણની લાલચમાં વધુ નજીક લાવી પકડી લેવા દોડધામ શરૂ કરી હતી. સક્કરબાગમાં પણ આવી ઘટના બની હતીગત વર્ષે જુલાઇ માસમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહણે પાંજરૂ તોડી પ્રેમી સિંહને મળવા દોટ મૂકી હતી. એ વખતે મેટિંગ સિઝન ચાલતી હોઇ સિંહણથી સિંહનું વિરહ સહન ન થયો ને સિંહણે પ્રેમીને મળવા ચાલતી પકડી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2008/01/12/0801122336_lion_run.html