Tuesday, February 16, 2010

એક સિંહણને પામવા બે સિંહ વચ્ચે જબરી લડાઈ.

અમરેલી,તા,૧પ

ધારીના ઘોડાવડી જંગલમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચેની જબરી લડાઈમાં ઘાયલ થયેલા એક સિંહને વનવિભાગે શોધીને પકડી પાડયો છે. તેને સારવાર માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડેલ છે.

ધારી ગીર પૂર્વેના જશાધાર રેન્જના ઘોડાવડી જંગલમાં એક ઈજાગ્રસ્ત સિંહ આંટા મારતો હોવાની બાતમીના પગલે ડીએફઓ રાજાની સુચનાથી આરએફઓ મુલાણી સહિતના સ્ટાફે આ જંગલ વિસ્તારમાં પાંજરામાં મારણ મુકી ઘાયલ સિંહને પકડી પાડયો હતો અને જશાધાર સારવાર માટે ખસેડયો હતો.

ડીએફઓ રાજાના જણાવ્યા પ્રમાણે આ જંગલમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં આ સિંહ ઘાયલ થયો છે. તેને ગળાના ભાગે હુમલો કરનાર સિંહના ન્હોર વાગ્યા છે. તેને સારવાર અપાઈ છે. તથા ધારીના કુબડા ગામની સીમમાં ખેડૂતોને રંજાડનાર એક દિપડાને વનવિભાગે પકડી જશાધાર એનીમલ કેરમાં લઈ આવી જંગલમાં છોડી દેવાયો છે. કુબડા ગામે ગોવિંદપુરના રસ્તે રસ્તા પરથી ચાલીને નિકળેલા એક સિંહને સ્કૂલના બાળકોએ જોઈ સિંહ દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણીઓની તબીબી ચકાસણી કે સારવાર માટે જશાધાર અને સાસણ ખાતેના ડો. વાઢેર અને હિરપરાએ સ્વૈચ્છીક રાજીનામા આપી દીધા છે. હાલમાં વન્યપ્રાણીઓની સારવાર માટે વેટરનરી ડોકટરો ન હોય વન્ય પ્રાણીઓનું આરોગ્ય જોખમાય તેમ છે. સત્વરે વેટરનરી ડોકટર મુકવા માગણી ઉઠી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160059

No comments: