Saturday, February 13, 2010

પ્રેમી સિંહને મળવા વિહ્વળ બનેલી સિંહણ જાળી તોડીને ભાગી છૂટી

Bhaskar News, Talala(Gir)
Saturday, January 12, 2008 23:35 [IST]

દેવળિયા ગીર નેશનલ પાર્કમાં ‘ઇલુ...ઇલુ...’

પ્રેમી પંખીડાઓ ઉડી જવાના સમાચારો તો છાશવારે અખબારોમાં ચમકતાં રહે છે. પરંતુ વન્યપ્રાણીઓમાં પણ જુવાની ફૂટતાંવેત ઇલુ ઇલુ શરૂ થઇ જાય ત્યાં સુધી તો જાણે સમજયાં, પરંતુ સિંહણ લોખંડનું આખે આખું પાંજરૂ તોડીને પ્રેમી સિંહને મળવાં રિતસર દોટ મૂકે તે ઘટના રસપ્રદ તો ખરીજ ને ! દેવળિયા ખાતેના નેશનલ પાર્કમાં આ અજીબો ગરીબ કિસ્સો બન્યો છે.

સાસણ (ગીર) થી ૭ કિ.મી. દૂર આવેલ ગીર નેશનલ પાર્ક (દેવળિયા)માં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે પાર્કમાં રાખવામાં આવેલ સિંહ પરિવારમાંથી એક સિંહણ આજે સવારે નેશનલ પાર્ક ફરતે ફેન્સીંગના બાકોરામાંથી ભાગી છૂટ્ટી હતી. સિંહણ નેશનલ પાર્કમાંથી ગાયબ થઇ હોવાના સમાચાર મળતા તંત્રે રઘવાયું બની સિંહણની શોધખોળ આરંભી હતી. આ સિંહણ તેના પ્રેમી સિંહને મળવા માટે જાળી તોડીને ભાગી છૂટયાનું ખુલતાં પ્રવાસીઓમાં પણ રમુજ સાથે કુતૂહલ ફેલાયું હતું.

દેવળિયા પાર્ક ખાતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે વન વિભાગે ૧૬ કિલોમીટર ફરતે તારની ઊંચી ફેન્સીંગ કરી તેમાં સિંહ પરિવારને વસાવી ગીર નેશનલ પાર્ક ઊભું કરેલ છે. જયાં સિંહ દર્શન કરવા દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. તે પાર્કમાંં વસવાટ કરતા સિંહ પરિવારમાંથી આ સિંહણ આજે સવારે નેશનલ પાર્ક ફરતે ઊભી કરાયેલ તારની વાડ જર્જરિત થઇ ગઇ હોઇ તે જાળી અમુક જગ્યાએ તૂટેલ હોવાથી તૂટેલ જાળીના બાકોરામાંથી ભાગી છૂટી હતી.

સવારે રાબેતા મુજબ, પ્રવાસીઓ માટે સિંહ દર્શન શરૂ થાય તે પહેલા પાર્કમાં રાઉન્ડમાં નીકળેલા ફોરેસ્ટ ગાર્ડની નજરે પાર્કમાં રખાયેલા બે સિંહણ અને એક સિંહમાંથી એક સિંહણ નજરે ન પડતા આખા પાર્કમાં ખૂણે-ખૂણે ઝાડી-ઝાંખરામાં તપાસ કરતા સિંહણ કયાંય જોવા ન મળતા દેવળિયા પાર્કના સ્ટાફે સાસણ વન-વિભાગના ઉરચ અધિકારીઓને જાણ કરતાં ગીર પિશ્ચમ વન્ય પ્રાણી ડી.એફ.ઓ. રાજા, આર.એફ.ઓ. અપારનાથી સહિતનો સ્ટાફ દેવળિયા પાર્ક ખાતે દોડી ગયો હતો અને તંત્રએ તાકીદે સિંહને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી.

પાંજરામાં પણ બીજા બે સિંહો છે જ. પરંતુ આ સિંહો સાથે સંવનન કરવાનું સિંહણે માંડી વાળ્યું હતું અને પાંજરાની બહારના બે સિંહો સાથે આ સિંહણની આંખ મળી જતાં ફાગ શરૂ થયા હતા. ભાગી છૂટેલ સિંહણ નેશનલ પાર્કની આસપાસ ખુલ્લામાં કદાચ ફરતી હોય અને કોઇ ટુરીસ્ટ ઉપર હુમલો કરી બેસે તેવી સંભાવનાથી વન અધિકારીઓએ સવારે ત્રણ કલાક સુધી નેશનલ પાર્કમાં સિંહ દર્શન કરાવવાનું બંધ કરાવી દીધેલ.

ભાગી છૂટેલ સિંહણની શોધખોળ કરી તાકીદે પાંજરે પુરવા વનવિભાગના સ્ટાફે પાડા (ભેંસ)નું મારણ ગોઠવી સિંહણ નજીકના વિસ્તારમાં હોય તો મારણની લાલચમાં વધુ નજીક લાવી પકડી લેવા દોડધામ શરૂ કરી હતી. સક્કરબાગમાં પણ આવી ઘટના બની હતીગત વર્ષે જુલાઇ માસમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહણે પાંજરૂ તોડી પ્રેમી સિંહને મળવા દોટ મૂકી હતી. એ વખતે મેટિંગ સિઝન ચાલતી હોઇ સિંહણથી સિંહનું વિરહ સહન ન થયો ને સિંહણે પ્રેમીને મળવા ચાલતી પકડી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2008/01/12/0801122336_lion_run.html

No comments: