Tuesday, March 9, 2010

સિંહોની ગણતરી માટે જીપીએસ સિસ્ટમ.

Bhaskar News, Talala

ગીર પંથકમાં વિહરતા એશીયાટીક સિંહોની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. ૨૦૦૫માં થયેલી ગણતરીમાં ૩૫૯ સિંહોની નોંધ થઈ હતી. જયારે આગામી એપ્રિલમાં થનારી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૧૫ ટકા જેટલો વધારો થવાની સંભાવના સાથે સિંહોની સંખ્યા ૪૦૦ ઉપર પહોંચવાનો પ્રાથમિક અંદાજ છે.

ત્રણ દિવસ ચાલનારી આ ગણતરીનું જટીલ કામ ચોકસાઈ સાથે સંપન્ના થાય તે માટે જી.પી.એસ.સીસ્ટમનો ઉપયોગ કરાશે. આ માટેની તાલિમ પણ કર્મચારીઓને અપાઈ રહી છે. હાલ વનવિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.ચાલુ વર્ષે થનારી ગણતરીમાં જૂની પઘ્ધતિ ઉપરાંત નવી ટેકનોલોજી જીપીએસ સીસ્ટમ સાથે સિંહના ડાયોગ્રામ નાં માઘ્યમથી ગણતરી કરાશે. જેના લીધે સિંહોની ચોક્કસ સંખ્યા અને વિસ્તાર માલુમ પડશે. હાલ વનવિભાગ દ્વારા ગીર જંગલ અને જંગલની બોર્ડરના રેવન્યુ વિસ્તારો કે જયાં સિંહોની અવર જવર વધુ રહેલી હોય તેવા પોઈન્ટ ઉપર પાણીના અવેડા, કુંડીના સિંહો માટે પાણી પીવાના પોઈન્ટ બનાવી પાણીનો પોઈન્ટ ચોખ્ખો દેખાય તેવા સ્થળોએ ૮ થી ૧૦ ફુટ ઉચા માંડવા બનાવવામાં આવશે. ગણતરી માટે જનારા વન વિભાગના સ્ટાફને દુરબીનનો ઉપયોગ કરવાની અને ફોટો પાડવા માટેની જરૂરી તાલીમ અપાઈ રહી છે. સાથે નવી કોમ્પ્યુટર ટેકનોલોજીથી લોકેશન શોધવા અને ગણતરી કરવા જીપીએસ સિસ્ટમ ઓપરેટ કરી શકે તે માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પાંચ વર્ષ બાદ થનારી સિંહોની ગણતરી પૂર્વે પ્રાથમિક અનુમાનમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના સમાચારથી વન્ય પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

રેવન્યુ વિસ્તારોમાં વધુ ચોકસાઈથી ગણતરી કરાશે

જંગલ વિસ્તારમાં ફરતા સિંહો ઉપરાંત નજીકનાં ગ્રામ્ય પંથકોની બોર્ડર ઉપરના રેવન્યુ વિસ્તારોમાં ઘણા સમયથી સિંહો ધામા નાંખી પશુઓનું મારણ કરતા હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં સિંહોએ કરેલા મારણની વિગતો એકઠી કરી તે વિસ્તારોમાં છેલ્લા આઠ માસથી વનવિભાગ સિંહોની અવરજવરનું અવલોકન કરી રહ્યું છે. જંગલ ઉપરાંત રેવન્યુમાં ફરતા સિંહોની ચોકકસાઈથી ગણતરી કરવા વિશેષ આયોજન હોવાનું ગિરનારનાં ઈન્ચાર્જ ડીએફઓ મીત્રીએ જણાવ્યું છે.

કયા કયા વિસ્તારોમાં ગણતરી થશે? ગીર પશ્વિમ વિસ્તાર હેઠળની નવ રેન્જ, તાલાલા, સાસણ, દેવડીયા, વિસાવદર, મેંદરડા, આંકોલવાડી, જામવાળા, છોડવડી, બાબરીયા રેન્જનાં જંગલ વિસ્તાર તેમજ આરક્ષીત ગીર નેશનલ પાર્કના સાગી જંગલના ૨૫૬ ચો સ્કેવર કી.મી.નો વિસ્તાર સાથે ગીર પૂર્વે ડીવીઝનની સાત રેન્જ જશાધાર, તુલશીશ્યામ, સાવરકુંડલા, હડાળા, સરસીયા, દલખાણીયા, પાણીયા, રેન્જની જંગલ વિસ્તાર અને ગીરનારના જંગલ વિસ્તાર, કોડીનાર તાલુકાના છારા ગામ સુધીનો દરીયાકાંઠાનો વિસ્તાર ઉપરાંત ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં શેત્રુજી નદીનો કાઠો અને શેત્રુજી ડુંગરના વિસ્તારમાં સિંહો વિચરતા હોય આ દરેક વિસ્તારોમાં સિંહોની ગણતરી કરવા ૧૦૦૦ થી વધુ માંડવા ઉભા કરાશે.

કેવી રીતે થશે ગણતરી? સિંહોની અવર જવર વાળા વિસ્તારોમાં અવેડા, કુંડી, તળાવ, નદી જેવા પાણીના સ્થળોએ સિંહોના પાણી પીવાના પોઈન્ટ બનાવી ગણતરી માટે વહેલી સવારે પાંચ વાગ્યે સુર્યોદય પહેલા ગણતરી માટેનો સ્ટાફ પોઈન્ટ ઉપર પહોંચી જાય છે. અને સિંહો પાણી પીવા આવે ત્યારે તેમની સંખ્યા, કેટલાનું ગૃપ છે. નર છે કે માદા બરચા કેટલા..? સિંહોના શરીરે કોઈ નિશાન, ઘાવ, કે ડાઘ હોય તો તે સિંહાના ડાયોગ્રામમા ટપકાવવાના તેમજ સિંહોનું પાણી પીતી વખતેની સ્થિતિનું અવલોકન કરી પોઈન્ટ ઉપરથી સિંહો કઈ દિશા તરફ જાય છે. તેનું નીરક્ષણ કરવામાં આવે છે. ઘણા સિંહો પાણી પીવા પોઈન્ટ ઉપર આવ્યા ન હોય તો તેના અવર જવર વાળા વિસ્તારોમાં જી.પી.એસ. સિસ્ટમની મદદથી તેમનું લોકેશન જણાવી ગણતરી થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/09/100309022629_lion_census_from_next_month.html

તાલાળામાંથી ત્રણ, વંથલીમાંથી બે તબક્કે કેરી બજારમાં આવશે.

રાજકોટ, તા.૮ :

બગીચાઓ સાથે સંકળાયેલા ખેડૂતો અને નિષ્ણાંતોએ એવો મત પણ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે કેસર કેરીની સિઝન દર વર્ષના પ્રમાણમાં થોડી લાંબી ચાલશે. તેમજ તબક્કાવાર કેરીનો પાક બજારમાં આવશે.

અનુકુળ વાતાવરણ તથા યોગ્ય હવામાનને કારણે આ વર્ષે આંબા પર વ્યવસ્થિત રીતે મોર બેઠા છે. જો કે વચ્ચે થોડા સમય માટે કમોસમી વરસાદને કારણે થોડી નૂકશાની થઈ હોવા છતા આંબા પરથી મોર ખર્યા નથી. તાલાળા વિસ્તારનાં ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યારે આંબા પર ત્રણ પ્રકારના ફળ બંધાયેલા છે. નાના, થોડા મોટા અને તૈયાર એમ ત્રણ પ્રકારના ફળો તબક્કાવાર રીતે બજારમાં આવશે. તેમજ ત્રણ માસ સુધી લાંબી સિઝન ચાલશે. માટે બજારમાં ફળોનો ભરાવો થવાની ઓછી શક્યતા છે. વંથલી પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અહીંના આંબાઓ પરથી બે તબક્કામાં ફળ બજારમાં આવશે. મે અને જૂન માસમાં બજારમાં કેરી આવી ગયા બાદ વધીને કદાચ જૂલાઈ માસની પ તારીખ સુધી વંથલી પંથકની કેરી બજારમાં આવશે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166262

કેસર કેરીનું ઉત્પાદન વધશે ભાવ નીચા રહેવાની શક્યતા.

રાજકોટ, તા.૮

મીઠી, મધુરી, સોડમદાર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યું છે ત્યારે આ વર્ષે ઉત્પાદન વધે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. બાગાયત નિષ્ણાતો, ખેડૂતો અને વેપારીઓનાં અંદાજ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯.૫ લાખ બોક્ષ જેટલું કેસર કેરીનું ઉત્પાદન વધે તેવા સંજોગો છે. પરિણામે, કેસર આ વર્ષે પ્રમાણમાં થોડી સસ્તી રહે તેવી આશા સેવાઈ રહી છે. પાંચ વર્ષથી સતત ઘટી રહેલા ઉત્પાદનને કારણે ચિંતાગ્રસ્ત ખેડૂતોનાં ચહેરા પર નવી રોનક આવી ગઈ છે.

ઉનાળાની શરૃઆત થતા જ સોરઠની મધમધતી કેસર કેરી પણ લોકોને યાદ આવી જાય છે. કેસરના મુહૂર્તના સોદાઓ થઈ ચૂક્યા છે. એવી સ્થિતિ વચ્ચે સરવાળે બહાર આવેલી પરિસ્થિતિ પ્રમાણે આ વર્ષે કેસરનું ઉત્પાદન વધશે. ગત વર્ષે ૨૬.૫૧ લાખ બોક્ષ જેટલી કેસરનું ઉત્પાદન થયું હતું. જે આ વર્ષે વધીને ૩૬ લાખ બોક્ષ સુધી પહોંચી જવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

એકંદરે ઉત્પાદન વધવાને કારણે ભાવ પણ ઘટીને સિઝન પૂરબહારમાં હશે, ત્યારે રૃ. ૩૦ પ્રતિ કિલો સુધીના રહેશે. તેવું વેપારી વર્ગ માની રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના તાલાળા અને વંથલી બન્ને પંથક કેસર કેરીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. જેમાંથી તાલાળા પંથકની કેરી પહેલા અને વંથલી વિસ્તારની કેરી પછીથી બજારમાં આવે છે. સરેરાશ ત્રણેક માસ સુધી કેસર ફ્રૂટ બજારમાં છવાયેલી રહે છે. તાલાળા પંથકમાં પાકતી કેસરની સિઝન એપ્રિલ માસની શરૃઆત સાથે ચાલુ થઈને જૂનનાં અંત ભાગ સુધી ચાલે તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાંથી ગત વર્ષના પ્રમાણમાં સાડા છ લાખ બોક્ષ જેટલું ઉત્પાદન વધીને કુલ ર૮ લાખ બોક્ષ ઉત્પાદન થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વંથલી પંથકની કેસર કેરીની સિઝન મે મહિનાની શરૃઆતમાં ચાલુ થઈને જૂલાઈ માસની શરૃઆત સુધી ચાલશે. ગત વર્ષની સરખામણીએ અહી પોણા ત્રણ લાખ બોક્ષ વધીને કુલ ઉત્પાદન ૮ લાખ બોક્ષ સુધી પહોંચી જવાની આશા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી એટલે કે વર્ષ ૨૦૦૫ થી કેસરનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. વર્ષ ર૦૦૫ માં બન્ને પંથકોમાંથી કુલ મળીને ૪૨,૫૯,૫૦૦ બોક્ષનું ઉત્પાદન થયું હતું. જે છેલ્લા ૧૦ વર્ષનું સૌથી વધુ ઉત્પાદન ગણાવાઈ રહ્યું છે.

તાલાળા અને વંથલીની કેસર વચ્ચે એક માસનો તફાવત !!

રાજકોટઃ તાલાળા અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરી વચ્ચે એક માસ જેટલા સમયનો તફાવત રહે છે. તાલાળામાંથી એપ્રિલ માસની શરૃઆત સાથે જ બજારમાં કેરી બહાર આવવા માંડે છે. જ્યારે વંથલીની કેરી છેક મે માસમાં બજારમાં આવે છે. વંથલીની જમીન કાંપ વાળી હોવાથી આવું બની રહ્યું છે. વંથલીની જમીનનું બંધારણ તાલાળાથી અલગ છે. ઠંડી જમીન હોવાથી મોર ઝડપથી બંધાતા નથી. તેમજ આંબા મોડા ફૂટે છે. આ હાલતને કારણે વંથલીના ખેડૂતોએ થોડી મુશ્કેલી પણ વેઠવી પડે છે. કારણ કે સારો એવો પાક આંબા પર ત્યાં જ વરસાદ પડી જાય છે. તેમજ મોટા પ્રમાણમાં પાકનો કચ્ચરઘાણ નિકળી જાય છે.

કેસરનું કાઉન્ટ ડાઉન, છેલ્લા પાંચ વર્ષનું ઉત્પાદન

વર્ષ

તાલાળા પંથક(બોક્ષ)

વંથલી પંથક(બોક્ષ)

સરેરાશ ભાવ(રૃ.)

૨૦૦૫

૩૩,૭૮,૦૦૦

,૮૧,૫૦૦

૮૭

૨૦૦૬

૩૦,૯૬,૦૦૦

૧૦,૭૮,૦૦૦

૯૦

૨૦૦૭

૨૯,૦૩,૦૦૦

,૬૩,૪૦૦

૧૪૦

૨૦૦૮

૨૬,૧૪,૦૦૦

૧૨,૬૮,૦૦૦

૧૨૯

૨૦૦૯

૨૧,૩૧,૦૦૦

,૧૯,૦૦૦

૨૦૮

૨૦૧૦(અંદાજીત)

૨૮,૦૦,૦૦૦

,૦૦,૦૦૦

-

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166261

Saturday, March 6, 2010

શિકારની શોધમાં નીકળેલી દીપડી ખુલ્લા કૂવામાં ખાબકી

Saturday, Feb 27th, 2010, 3:45 am [IST]
Bhaskar News, Amreli amrel
ગીર પૂર્વની જસાધાર રેન્જમાં ગીરગઢડા નજીક એક દીપડી રાત્રે શિકારની શોધમાં નીકળી હતી ત્યારે અકસ્માતે કૂવામાં પડી જતાં વન વિભાગની રેસ્કયુ ટીમે મહામહેનતે આ દીપડીને કૂવામાંથી બહાર કાઢી પાંજરે પૂરી છે. ગીર પૂર્વ વિભાગમાં એક જ દિવસમાં એક દીપડો અને એક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે.

ગુરુવારે રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં બાર દિવસની લાંબી જહેમતના અંતે એક દીપડો પાંજરે પૂરાયા બાદ જસાધાર રેન્જમાં ગીરગઢડાની સીમમાં એક વાડીમાંથી દીપડીને પણ પાંજરે પૂરાઇ છે. જંગલ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, સીમમાં જેઠાભાઇ ભગાભાઇ વાઢેરની વાડીમાં ગઇરાત્રે આશરે બે વર્ષની ઉમરની એક દીપડી શિકારે નીકળી હતી.

પરંતુ, તે અકસ્માતે કૂવામાં ખાબકી હતી. સવારે જયારે વાડી માલિક વાડીએ આવ્યા ત્યારે તેમને દીપડી કૂવામાં હોવાની જાણ થઇ હતી. આ બારામાં જંગલ ખાતાને જાણ કરવામાં આવતા રેસ્કયુ ટીમના ડીએફઓ મિસ્ત્રીએ ખાસ ટીમ દોડાવી હતી.

આરએફઓ મુલાણી પણ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા. કૂવામાં ખાટલો અને કાંઠે પાંજરું રાખી આ દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી. ત્યાં સુધી પાણીમાં અને કૂવાની ભેખડ પર રહી દીપડીએ પોતાનો જીવ બચાવ્યો હતો. દીપડીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે. જયાં તેનું મેડિકલ ચેકઅપ કરાશે બાદમાં ફરી તેને જંગલમાં મૂક્ત કરી દેવાશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/27/100227033936_lepord_fall_in_well.html

ખેડૂત પર ચાર સિંહનો હુમલો.

Sunday, Feb 28th, 2010, 3:01 am [IST]
Bhaskar News, Rajula
રાજુલાથી ૧૫ કિલોમીટર દૂર આવેલા નાગેશ્રી ગામની સીમમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર ચાર સિંહે ધેરી લઇ હુમલો કરતા ખેડૂતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નાગેશ્રી ગામમાં રહેતા પાંચાભાઇ જીવાભાઇ કોળી શનિવારે સવારે પોતાની વાડીએ ગયા હતા અને રાબેતા મુજબ કામકાજ કરી રહ્યા હતા. આ સમયે ત્રણ સિંહ અને એક સિંહણ ત્યાં ચડી આવ્યા હતા. પાંચાભાઇ કંઇ સમજે-વિચારે તે પહેલાં તેના પર ચારેય બાજુથી હુમલો કરી દેવાયો હતો. એક સિંહનો પંજો પાંચભાઇને છાતીમાં લાગતા ઊંડો ઘા પડી ગયો હતો.

આ ઉપરાંત હાથમાં પણ ગંભીર ઇજા થઇ હતી. હુમલો કરીને સિંહ-સિંહણ આરામથી ચાલ્યા ગયા હતા. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ અજયભાઇ પાંચાભાઇની વાડીએ દોડી ગયા હતા. રાજુલા ખાતે ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર આપીને કોળી ખેડૂતને ભાવનગર લઇ જવાયા હતા.

એક સાથે ચાર-ચાર સાવજ દ્વારા હુમલાની ઘટના બનતા રાજુલા અને આસપાસના વિસ્તારોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. વન વિભાગે રેવન્યૂ વિસ્તારમાં આવી ગયેલા સાવજોને પરત જંગલમાં ખદેડી મુકવા જોઇએ. તેવી માગણી ગ્રામજનોએ કરી છે.

ને યુવક ઝાડ પર ચઢી જતાં બચી ગયો...

ખુંખાર બનેલ સિંહણ પાંચાભાઇ પર હુમલો કરી રહી હતી ત્યારે મનુભાઇ ભગવાનભાઇ ભાલીયા નામનો યુવાન ત્યાંથી સાયકલ લઇને પસાર થતો હતો ત્યારે સિંહણે પાંચાભાઇને મૂકી મનુભાઇની સાયકલ પાછળ દોડ મૂકી હતી. સદ્દનસીબે બન્ને વચ્ચે અંતર હોય મનુભાઇ સાયકલ મૂકી ઝાડ પર ચઢી જતાં તે બચી ગયા હતા. બાદમાં સિંહણ દૂધાળાનાં રસ્તે નહેરમાં ચાલી ગઇ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/28/100228024346_lion_attack_on_four_farmer.html

ઓળિયા ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો.

Monday, Mar 1st, 2010, 3:33 am [IST]
Bhaskar News, Savarkundla

સાવરકુંડલા પંથકના ઓળિયાના ખેડૂત રવિવારે તેમની નેસડીની વાડીએ જઇ રહ્યા હતા ત્યારે વાડમાં સંતાઇને બેઠેલા ઝનૂની પ્રાણી દીપડાએ હસમુખભાઇ પર હુમલો કર્યો હતો અને તેમને ડાબા હાથના બાવડે દાંત બેસાડી દીધા હતા.

ઇજાગ્રસ્ત ખેડૂતને તાકીદે સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે આ વિસ્તારના લોકો ભયના માર્યા ફફડી રહ્યાં છે.સાવરકુંડલાથી દસ કિલોમીટર દૂર આવેલાં ઓળિયા ગામના યુવાન ખેડૂત હસમુખભાઇ પોપટભાઇ મોરડિયા (ઉ.વ.૩૨) તેમના નેસડી ગામની સીમમાં આવેલાં ખેતરે જઇ રહ્યાં હતા.

આ દરમિયાન નેસડીના બન્ને બાજુ વાડવાળા રસ્તે ચડ્યાં ત્યાં જ વાડમાં સંતાઇને બેઠેલા ઝનૂની રાનીપશુ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ તેમને ડાબા-હાથના બાવડે ઊડા બે દાંત બેસાડી દીધા હતા. શરીરના અન્ય ભાગે પણ દાંતથી ઇજા પહોંચાડી હતી.

ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, સાવરકુંડલાની મહુવા રોડ પરની અને હાથસણી રોડ પરની સોસાયટીઓમાં વારંવાર દીપડાઓ ચડી આવતા હોવા છતાં જંગલખાતુ ઠાગા-ઠૈયા કરી રહ્યું છે ત્યારે હવે યોગ્ય પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. જો કે આ બનાવ બાદ આ પંથકના લોકો ભયના કારણે ફફડી રહ્યાં છે.

દીપડો હંમેશા પાછળથી હુમલો કરે છેસાવરકુંડલા પંથકમાં વર્ષ ૧૯૯૮ પછીથી સમયાંતરે ગીરના રાજા સિંહ ચડી આવે છે. હાલ પણ આ પંથકમાં ૩૫ જેટલા સિંહો છે પરંતુ ગીરના રાજાસિંહ હંમેશા સામેથી આવે છે જયારે ઝનૂની દીપડો હંમેશા પાછળથી હુમલો કરે છે.
હુમલા સ્થળેથી થોડે દૂર બાળકો રમતા હતાઓળિયાના યુવાન ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો ત્યારે થોડે દૂર બે નાના બાળકો રમી રહ્યાં હતા. જો કે દીપડાની નજરે ખેડૂત ચડી જતાં બન્નો બાળકો બચી ગયા હતા.

હાલરિયા ગામની સીમમાં યુવાન પર સાવજ ત્રાટક્યો.

Monday, Mar 1st, 2010, 3:46 am [IST]
Bhaskar News, Amreli
નાગેશ્રીમાં ગઇકાલે યુવાન પર સિંહે હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે બગસરા તાબાના હાલરિયા ગામની સીમમાં રબારી યુવાન પર એક સિંહે હુમલો કરી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

સિંહ દ્વારા માણસ પર હુમલાના બનાવો અમરેલી પંથકમાં હવે વધતા જ જાય છે. રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વૃઘ્ધિ પામતી જતી હોવાથી માણસો સાથે તેનો સામનો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આજે બગસરા તાલુકાનાં હાલરિયા ગામની સીમમાં બની હતી.

જયાં એક કાઠી ખેડૂતની વાડીમાં જામનગર પંથકના માલધારી આલાભાઇ રાયમલભાઇ પોતાનાં માલઢોર લઇને ઉતર્યા હતા. ધેટા-બકરા આજુબાજુ ચરતા હતાં ત્યારે આલાભાઇએ ખેતરમાં જ લંબાવ્યુ હતું. આ વખતે અચાનક કયાંકથી ચડી આવેલા એક સિંહે ધેટાં બકરા પર હુમલો કર્યો હતો.

સિંહે બકરાં અને એક ધેટાંને મારી નાખ્યું હતું. આ સમયે આલાભાઇ જાગી જતાં તેમણે પોતાના માલઢોર પર હુમલો થયેલો જોઇ તુરંત સિંહને હાંકલા પડકારા શરૂ કર્યા હતાં. જેથી ઉશ્કેરાયેલા સિંહે ધેટાં-બકરાંને પડતા મૂકી સીધો જ આલાભાઇ રબારી પર હુમલો કર્યો હતો.

સિંહે તેનો હાથ મોઢામાં લઇ બટકું ભરી લીધું હતું. તેમણે દેકારો કરી મૂકતા આજુબાજુનાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા જેથી સિંહ તેમને પડતા મૂકી નાસી છૂટ્યો હતો. તેમને સારવાર માટે પ્રથમ બગસરા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

જયાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં રિફર કરવામાં આવેલ છે. પોલીસ સ્ટાફ સ્થળ પર આવી કાર્યવાહી હાથધરી હતી.

અમરેલી પંથકમાં છ માસમાં દીપડા સિંહના ૧૪ હુમલા

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ-દીપડા મોટી સંખ્યામાં વસતા હોવાથી માણસ અને સિંહ-દીપડાની ટક્કર વધી પડી છે. પાછલા છ-સાત માસમાં એકલા અમરેલી પંથકમાં જ સિંહ-દીપડા દ્વારા માણસ પર હુમલાની ૧૪ ઘટના બની છે.

જેમાં ૧૪ વ્યક્તિ ઘાયલ થઇ છે જયારે એક બાળકીનું મોત થયું હતું. થોડા મહિના પહેલા સાવરકુંડલા રેન્જમાં સિંહે એક બાળકીને ફાડી ખાધી હતી. જેના માત્ર અવશેષ મળ્યા હતા. જંગલખાતા દ્વારા તેના પરિવારજનોને એક લાખનું વળતર ચૂકવાયું હતું.

એકાદ માસ પહેલાં ચલાલાના ઝરમાં બીમાર સિંહે ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધા હતા. બગસરાના ઝાંઝરિયામાં મુસ્લિમ યુવાન પર સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડવા પડ્યા હતા. બગસરાના જ ઘંટિયાણમાં પણ પટેલ યુવાન પર સિંહે હુમલો કર્યો હતો.

ચલાલા તાબાના નાના સમઢિયાળા અને દિતણની સીમમાં બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જયારે ધારીના કાંગસમાં છ વર્ષની બાળા પર દીપડાએ હુમલો કરતા સારવાર માટે દવાખાને ખસેડવી પડી હતી. આ ઘટના ગત ભાદરવા માસમાં બની હતી.

કાંગસામાં જ ત્રણેક માસ પહેલાં દીપડાએ કોળી મહિલા પર હુમલો કર્યો હતો. ચાલાલાના મોરઝરમાં વાડીમાં એક બળદ પર ચારેક માસ પહેલાં દીપડાએ હુમલો કર્યો હતો. જયારે ધારીના મોણવેલમાં પાંચ માસ પહેલાં દીપડાએ હુમલો કરી દેવીપૂજક યુવાનને ઘાયલ કર્યા હતા.

જયારે ડાંગાવદરના ભરડ ગામ વચ્ચે એક આહીર પ્રૌઢ પર સિંહે હુમલો કર્યો હતો. ધારીની વીરપુરની સીમમાં અમરેલીના હરિજન યુવાન પર પણ સિંહ દ્વારા હુમલાની ઘટના બની હતી. જયારે પાછલા ૪૮ કલાકમાં નાગેશ્રીએ ચાર સિંહના ઝૂંડે યુવાન પર અને હાલરિયામાં રબારી યુવાન પર તો ઓળિયામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યાના બનાવ બન્યા છે.

આમ સિંહ-દીપડાની વસ્તી રેવન્યુ વિસ્તાર તરફ આગળ વધતી રહેશે તો માણસ પર હુમલાની ઘટનાઓ રોજિંદી બની જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાણી છે.

ગીર કાંઠાના દવાખાનાઓમાં ઇન્જેકશન નથી

ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ દ્વારા હુમલાની ઘટના સતત બનતી રહે છે. ઘાયલોને આપવા માટે આજુબાજુનાં દવાખાનાઓમાં લઇ જવામાં આવે છે પરંતુ હડકવા વિરોધી અને અન્ય ઇન્જેકશંનો પૂરતા પ્રમાણમાં ન હોય ઘાયલોને સારવાર માટે અમરેલી સિવીલમાં રિફર કરવા પડે છે. ધારીના પ્રકત્તિપ્રેમી હસુમખ દવેએ જિલ્લાના તમામ દવાખાનામાં હડકવા વિરોધી રસી ફાળવવામાં આવે તેવી માગ ઉઠાવી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301033201_lion_attack_on_youngman.html