Sunday, Feb 28th, 2010, 3:01 am [IST]
રાજુલાથી ૧૫ કિલોમીટર દૂર આવેલા નાગેશ્રી ગામની સીમમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર ચાર સિંહે ધેરી લઇ હુમલો કરતા ખેડૂતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નાગેશ્રી ગામમાં રહેતા પાંચાભાઇ જીવાભાઇ કોળી શનિવારે સવારે પોતાની વાડીએ ગયા હતા અને રાબેતા મુજબ કામકાજ કરી રહ્યા હતા. આ સમયે ત્રણ સિંહ અને એક સિંહણ ત્યાં ચડી આવ્યા હતા. પાંચાભાઇ કંઇ સમજે-વિચારે તે પહેલાં તેના પર ચારેય બાજુથી હુમલો કરી દેવાયો હતો. એક સિંહનો પંજો પાંચભાઇને છાતીમાં લાગતા ઊંડો ઘા પડી ગયો હતો.
આ ઉપરાંત હાથમાં પણ ગંભીર ઇજા થઇ હતી. હુમલો કરીને સિંહ-સિંહણ આરામથી ચાલ્યા ગયા હતા. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ અજયભાઇ પાંચાભાઇની વાડીએ દોડી ગયા હતા. રાજુલા ખાતે ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર આપીને કોળી ખેડૂતને ભાવનગર લઇ જવાયા હતા.
એક સાથે ચાર-ચાર સાવજ દ્વારા હુમલાની ઘટના બનતા રાજુલા અને આસપાસના વિસ્તારોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. વન વિભાગે રેવન્યૂ વિસ્તારમાં આવી ગયેલા સાવજોને પરત જંગલમાં ખદેડી મુકવા જોઇએ. તેવી માગણી ગ્રામજનોએ કરી છે.
ને યુવક ઝાડ પર ચઢી જતાં બચી ગયો...
ખુંખાર બનેલ સિંહણ પાંચાભાઇ પર હુમલો કરી રહી હતી ત્યારે મનુભાઇ ભગવાનભાઇ ભાલીયા નામનો યુવાન ત્યાંથી સાયકલ લઇને પસાર થતો હતો ત્યારે સિંહણે પાંચાભાઇને મૂકી મનુભાઇની સાયકલ પાછળ દોડ મૂકી હતી. સદ્દનસીબે બન્ને વચ્ચે અંતર હોય મનુભાઇ સાયકલ મૂકી ઝાડ પર ચઢી જતાં તે બચી ગયા હતા. બાદમાં સિંહણ દૂધાળાનાં રસ્તે નહેરમાં ચાલી ગઇ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/28/100228024346_lion_attack_on_four_farmer.html
No comments:
Post a Comment