Monday, May 3, 2010

સિંહનું ઘટતું વર્ચસ્વ : ૧૦૦ સિંહણ સામે માત્ર ૫૯.

Monday, May 3rd, 2010, 2:16 am [IST]  
Lion Of down superiorityDevsi Barad, Ahmedaba
બે વર્ષમાં ૭૨ સિંહનાં મોત, જેમાં મોટા ભાગના નર હતા. સિંહ નર બચ્ચાંનો શિકાર વધારે કરતા હોવાથી સર્જાયેલી સ્થિતિ. છેલ્લાં દસ વર્ષમાં સિંહણ સામે સિંહોની સંખ્યા ઘટી રહી છે. વર્ષ ૨૦૦૧માં ૧૦૦ સિંહણ સામે ૯૨ સિંહ હતા, જે ૨૦૧૦માં ઘટીને ૫૯ સિંહ રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં ટોટલ ૭૨ સિંહનાં મોત થયાં છે જેમાં મોટાભાગના સિંહ (નર) હોય આ સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ સિંહ પોતાના બાળ સિંહને પ્રથમ શિકાર બનાવતો હોય આ આ સંખ્યા ઘટીછે.Lion Of down superiority
હાલમાં જ સિંહોની થયેલી વસતી ગણતરીમાં ૧૬૨ સિંહણ અને ૯૭ સિંહ જોવા મળ્યા છે. ૨૦૦૫ની ગણતરીમાં દર ૧૦૦ સિંહણે ૭૨ સિંહ જોવા મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૧ની ગણતરીમાં દર એક સો સિંહણે ૯૨ સિંહ હતા. ૨૦૧૦ની ગણતરીમાં આ રેશિયો ઘટીને ૫૯નો થઇ ગયો છે.
આમ ગીરના જંગલમાં સિંહણની સરખાણીએ સિંહની સંખ્યા ઘટી રહી છે જે ગંભીર બાબત છે. નામ ન આપવાની શરતે વન વિભાગના એક અધિકારી કહે છે, ‘ બચ્ચાના જન્મ બાદ સિંહણ સિંહને છોડીને બીજી જગ્યાએ ચાલી જાય છે. આમ કેટલાક સમય સુધી તે પોતાના બચ્ચાને સિંહથી બચાવે છે. પંરતુ જ્યારે પણ બચ્ચાવાળી સિંહણ સાથે સિંહનો મેળાપ થાય ત્યારે સિંહ પ્રથમ નર બચ્ચાને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે. ’
સિંહણ કરતાં સિંહના ચામડાની કિંમત વધુ
બે વર્ષ પહેલા ગીર અભયારણ્યની બાબરિયા સહિતની રેન્જમાં આઠ સિંહનો શિકાર થયો હતો. સિંહના પંજા અને ચામડાંની કિંમત સિંહણ કરતાં વધારે ઉપજતી હોય શિકારીઓએ સિંહનો જ શિકાર કર્યો હતો.
ત્રણ સિંહણે મળી સિંહને ઘાયલ કર્યો
સિંહને બાળિંસહના શિકાર માટે આવતો જોઈ ત્રણ સિંહણ તેની સામે આવીને ઊભી રહી. બચ્ચાં ઉપર સિંહ જેવો તરાપ મારવા ગયો કે તુરંત જ સિંહણોએ સિંહ ઉપર હુમલો કર્યો. ઝપાઝપી થઈ, યુદ્ધ જેવો માહોલ સર્જાયો. જો કે લોહીલુહાણ હાલતમાં જંગલના રાજાને ભાગવાનો વારો આવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/2010/05/03/lion-of-down-superiority-933681.html

તાલાલા પંથકના ૪૯ ગામો ગીર નેસડામાં વસતી ગણતરીનો પ્રારંભ.


Apr 25,2010
તાલાલા (ગીર),તા.રપ
તાલાલા પંથકમાં વસતી ગણતરી ૨૦૧૦નો તાલાલા તાલુકાના છેવાડાના ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ ભોજદે ગીર ગામે તાલાલા ઘરની મુલાકાત લઈ ગણતરીકારોએ પ્રથમ તબક્કાની વસતી ગણતરીનો શુભારંભ કર્યો હતો.
તાલાલા પંથકના ૪૯ ગામોના ૨૧૮ બ્લોક તથા ગીરના જંગલમાં આવેલ નેસડામાં વસવાટ કરતી માનવ વસતીના પ૧ બ્લોક સાથે કુલ ૨૬૯ બ્લોકમાં આખા ગીર પંથકને વહેંચી તાલાલા તાલુકાના તમામ પરિવારની ગણતરી તથા જરુરી વિગતો સાથે વસતી ગણતરી પ્રક્રીયાની કામગીરી કરવા ૨૬૯ તથા ૧૯ જંગલખાતાના સ્ટાફ સાથે કુલ ર૮૮ ગણતરીકારોનો કાફલો ગીર પંથકમાં પરીભ્રમણ કરી રહયો છે. તા. ર૧ એપ્રિલ થી તા. ૪ જુન સુધી ગીર પંથકમાં ચાલનારી આ મહત્વની રાષ્ટ્રિય કામગીરી ઉપર તાલાલા મામલતદાર અમીબેન દોશી ચાર્જ ઓફીસર તરીકે સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખી રહયા છે.
તાલાલા પંથકમાં પ્રથમ તબક્કાની ચાલી રહેલ વસતી ગણતરી રાષ્ટ્રિય કામગીરીને સંપૂર્ણ  સફળતા અપાવવા સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા થઈ રહેલ પરિણામલક્ષી કામગીરીમાં ગીરપંથકના તમામ પ્રજાજનો સહભાગી થવા વસતી ગણતરી ચાર્જ ઓફિસર અને તાલાલા મામલતદારએ અનુરોધ કર્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181334

ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો.


May 03,2010
ગાંધીનગર, તા. ૨
ભારતમાં એક તરફ કરોડો રૃપિયાના ખર્ચ પછી યોગ્ય સંરક્ષણ અને સંવર્ધનના અભાવે વાઘ નામશેષ થઇ રહ્યા છે બીજી તરફ વિશ્વભરના લોકો જેને પ્રેમ કરે છે તેવા ગુજરાતના બૃહદ ગીર વિસ્તારમાં એશિયાઇ સિંહની સંખ્યામાં પ્રોત્સાહક વધારો થયો છે. ગત સપ્તાહે સંપન્ન થયેલી એશિયાઇ સિંહના વસતિ અંદાજોના આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પરિણામો જાહેર કરતાં કહ્યું કે, ગીરના નૈર્સિગક વાતાાવરણમાં સિંહ સૌથી વધારે સલામત અને સુરક્ષિત બનતા તેની સંખ્યા વધીને ૪૧૧ સુધી પહોંચી છે. સિંહની વસતિના નવા અંદાજો એ ર્સ્વિણમ જ્યંતી ઉજવતા ગુજરાતની વિશ્વના વન્ય પ્રાણી પ્રેમીઓને ભેટ સમાન છે, તેમ મોદીએ જાહેર કર્યું હતું.
૨૦૦૫માં યોજાયેલી છેલ્લી સિંહ વસતિ અંદાજ ગણતરી વેળાએ ૩૫૯ જેટલા સિંહ હતા એમ કહીને મોદીએ કહ્યું કે, આ વસતિના અંદાજોમાં એક વર્ષથી નાની ઉંમરના બચ્ચાં ૭૭ છે. જ્યારે ૧ થી ૩ વર્ષની વચ્ચે બાળસિંહની સંખ્યા ૭૫ છે અને પુખ્ત ઉંમરમાં જોઇએ તો ૯૭ નર અને ૧૬૨ નારીનો અંદાજ મુકાયો છે. વન્ય પ્રાણીઓમાં આ સ્થિતિને મોદીએ સામાજિક સંદેશ આપવામાં ઉપયોગ કરતાં કહ્યું કે, દેશમાં માનવસમાજમાં પુરુષોની સંખ્યા સામે સ્ત્રીની સંખ્યા ઘટી રહી છે તેવા સમયે વનરાજ એવા એશિયાઇ સિંહના સમાજમાં સિંહણનું રાજ પ્રવર્તી રહ્યું છે. તે બાબત સારી છે. સમાજે આમાંથી કંઇક શીખવું જોઇએ. આ સાથે તેમણે એવું અવલકોન કર્યું કે, ભારત જેમ યુવાનોનોે દેશ છે એટલે કે ૪૦ ટકાથી વધારે વસતિ યુવા છે એવી જ રીતે સિંહના આ નવા વસતિ અંદાજોમાં પણ ૪૦ ટકા યુવા પેઢી છે. આમ, ગીર અભયારણ્ય અને આસપાસના તેના વસવાટ વિસ્તારોમાં બાળસિંહ અને માદાની ટકાવારી ઉત્સાહજનક રીતે વધી રહી છે. ૨૦૦૭માં બનેલી એક કમનસીબ ઘટનાને બાદ કરતાં સરકારે એશિયાઇ સિંહના સંરક્ષણ તથા સલામતી માટે રૃ.૪૦ કરોડના અમલી બનાવેલા પેકેજ, ૪૦૦ જેટલા યુવાનોને આધુનિક તાલીમ તથા અદ્યતન ટેક્નોલોજીવાળાં સાધનોથી સજ્જ કરીને સંરક્ષણની કામગીરી સોંપવામાં આવી હતી. તેના આજે પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે. જનભાગીદારીથી અનેક કૂૂવાને કવર કરી શક્યા છીએ તેના લીધે અગાઉના વર્ષોમાં સરેરાશ દસ બચ્ચાં દર વર્ષે મોતને ભટતા હતા, તે હવે ઘટીને ગત વર્ષે માત્ર એક જ બચ્ચાનું આ રીતે મોત થયું છે. આવી રીતે અનેક પગલાં જનભાગીદારીથી લેવાયાં છે તેમાં સ્થાનિક માલધારીઓ, ગ્રામજનો સામેલ થાય છે. મોદીએ કહ્યું કે, આ વખતની સિંહ વસતિ અંદાજ-ગણતરીના કામમાં બે હજાર જેટલું માનવબળ ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી, વૈજ્ઞાાનિક અભિગમનો પ્રથમ વખત વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો. તેના લીધે સિંહના જીવનમાં ખલેલ ઊભી કર્યા સિવાય તેને સ્પોટ કરી શકાય.
અગ્રસચિવ વન અને પર્યાવરણ ડો.એસ.કે. નંદાએ પત્રકારોને માહિતી આપી કે ૨૦૦૭ના સિંહ સંવર્ધન માટેના એક્શન પ્લાન બાદ ઘણા સારા પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જ્યારે અગ્રવનસંરક્ષક આર.વી.અસારીએ માહિતી આપતાં કહ્યું કે, ૧૯૯૫ સુધી સિંહની વસતિ ગણતરી ભક્ષણ અને પીવાના પાણીની જગાએ આવનજાવનના આધારે થતી હતી. પરંતુ ત્યાર પછી ૨૦૦૧ અને ૨૦૦૫ની ગણતરી બીટ આધારિત થઇ છે. તેમાં આ વખતે ૨૦૧૦માં આપણે નવી બાબતોને ઉમેરીને વૈજ્ઞાાનિક અભિગમ આપ્યો છે. મોદીએ આ મુદ્દે એવુ કહ્યું કે, ૨૦૧૦ની વસતિ અંદાજોની પદ્ધતિ તથા પ્રક્રિયા એક પ્રકારનો સંશોધન-અભ્યાસનો વિષય બની શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=183431

Sunday, May 2, 2010

કૂવો બૂરતી વખતે અંદર બેઠેલો દીપડો પણ દટાઈ મર્યો.

Bhaskar News, Junagadh
માળીયાહાટીના તાલુકાના અકાળા ગામની સીમમાં બે દિવસ પહેલા એક અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન તેમાં છુપાયેલા દીપડા પર માટી પડતા તે દટાઈ ગયો હતો. દીપડાએ જીવ બચાવવા કુવામાં બનેલી બખોલમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યોપરંતુ ગુંગળાઈ જવાથી મોત નિપજયું હતું. બાદમાં વનવિભાગે દીપડાને સાસણ પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અકાળા (ગીર) ગામની સીમમાં આવેલી ભીખા નાથા ઝાલાની વાડીએ આવેલા અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી. અવાવરૂ કુવામાં ચાર-પાંચ ફુટની બખોલમાં દીપડો છુપાયો હતો. પરંતુ ખેડૂતે અજાણતામાં કુવામાં માટીના ઢગ ખડકી દીધા હતા.
કુવામાં માટીના ઢગ ખડકાઈ જવાથી જે બખોલમાં દીપડો છુપાયો હતો એ બંધ થઈ ગઈ હતી. બાદમાં દીપડાએ જીવ બચાવવા માટે મહેનત કરતા ધુળ સરકવા લાગી હતી. આથી ખેડૂત તથા મજૂરોને બખોલમાં દીપડો છુપાયો હોવાની શંકા ગઈ હતી.
આથી વન વિભાગને જાણ કરવામાં આવતા માળીયાહાટીના આરએફઓ વંશ તથા જૂનાગઢ એસીએફ વી.એમ. રાદડીયાએ ઘટના સ્થળે જઈ માટીના ઢગને હટાવી દીપડાનાં મૃતદેહને બહાર કાઢી સાસણ પીએમમાં મોકલ્યો હતો. જ્યાંથી દીપડાનું ગુંગણામણથી મોત નિપજયાનો રિપોર્ટ આવ્યો હતો. દીપડાનું મોત નિપજતાં પ્રકતિ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/05/02/lepard-also-died-930597.html

નવાબકાળમાં સિંહોના રક્ષણ માટે ખાસ કાયદો ઘડાયો હતો.


Apr 26,2010

જૂનાગઢ,તા.૨૬
સોરઠના ધરેણા સમાન સિંહોના રક્ષણ માટે વર્તમાન સમયમાં સરકારનો કાયદો છે, ત્યારે અત્રે એ વાત નોંધપાત્ર બની રહેશે કે સિંહોના રક્ષણ માટે નવાબી સમયમાં પણ ખાસ કાયદા ઘડવામાં આવ્યા હતાં. તેમજ આ કાયદાનો ભંગ કરનારને છ માસની કેદ તથા એક હજાર કોરીની સજા પણ કરવામાં આવતી હતી.
નવાબશાહીમાં સિંહોના સંરક્ષણ માટે ઘડાયેલા ખાસ કાયદાઓ પર નજર કરીએ તો, ૧ર એપ્રિલ, ૧૮૮૦ ના રોજ જૂનાગઢ રાજ્યના ગેઝેટ દસ્તુરલ-અમલ સરકારમાં સિંહોના રક્ષણ માટેના કાયદાની પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૧ મે, ૧૮૯૬ ના રોજ જૂનાગઢ રાજ્યના દિવાન બહેચરદાસ બિહારીદાસજીએ અગાઉનો કાયદો રદ્દ કરીને જાવક નં.૧૬૮૩ થી નવો સુધારેલો કાયદો બહાર પાડયો હતો. આ કાયદા પ્રમાણે પરવાના વગર રાજ્યની હદ્દમાં શિકાર કરવાની મનાઈ હતી. તેમજ કાયદાની કલમ ૪ અંતર્ગત સાવજનો શિકાર કરનાર માટે છ માસની કેદ તેમજ ૧૦૦૦ કોરી(૧ બ્રિટિશર ચલણ એટલે ચાર કોરી)નો દંડમાંથી એક અથવા બન્ને સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અને જે હથિયાર ઝડપાય તે ખાલસા કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આવા ગુનેગારોને વોરન્ટ વગર પકડી લેવાની સત્તા પણ આપવામાં આવી હોવાનું જૂનાગઢના ઈતિહાસ વિદ્દ પરિમલભાઈ રૃપાણી જણાવી રહ્યા છે.
આ કાયદામાં ફરી વખત સુધારો કરીને નવાબ મહાબતખાન ત્રીજાએ ર૯ સપ્ટેમ્બર, ૧૯રપ ના દિવસે વધુ એક ફરમાન બહાર પાડયું હતું. આ ફરમાન પ્રમાણે શિકાર બંધીની સાથે સાથે અગાઉના ધારા પ્રમાણે અપાયેલા શિકારના પરવાના રદ્દ કરવામાં આવ્યા હતાં. તેમજ ખાસ અપવાદ સિવાય નવો પરવાનો બહાર પાડવા પર પ્રતિબંધની સાથે દિવાનને પરવાનો આપવા માટેની સત્તાઓ આપવામાં આવી હતી. ગોળી મારીને કે ફાંસલો ગોઠવીને સિંહનો શિકાર કરનાર માટે અગાઉના કાયદા પ્રમાણે જ સજાની જોગવાઈ રાખવામાં આવી હતી. ૧ નવેમ્બર, ૧૯રપ ના રોજથી આ નવો કાયદો અમલમાં લાવવાની સાથે નવાબે શિકારી તત્વો પર ખાસ નજર રાખવા અધિકારીઓને તાકીદ પણ કરી હતી.
ટપાલ ટિકિટ, ચલણી સિક્કા અને રાજચિન્હમાં પણ એશિયાઈ સિંહ
જૂનાગઢ,તા.૨પ
ઈતિહાસવિદ્દ પરિમલભાઈ રૃપાણીના કહેવા પ્રમાણે ઈ.સ. ૦ થી ૧૦૦ વચ્ચેના સમયમાં ગિરિનગર(જૂનાગઢ)માં પશ્વિમિ ક્ષત્રપ રાજાઓનું રાજ હતું. જેમા હૂંબક નામના રાજાના સમયના તાંબાના ચલણી સિક્કાઓની પાછળ સિંહનું ચિત્ર અંકિત થયેલું મળી આવે છે. નવાબી કાળની વ્યવસ્થામાં નજર કરીએ તો નવાબ મહાબતખાન ત્રીજાએ અર્ધા અને ચાર આનાની ગિરના સાવજોની ટપાલ ટિકિટો બહાર પાડી હતી. તેમજ જૂનાગઢ રાજ્યના રાજ ચિન્હમાં પણ સિંહને મૂકવામાં આવ્યો હતો. સરકારને સારા એવા પ્રમાણમાં કમાણી કરાવી દેનાર પ્રસિદ્ધ ટિલિયા નામના અંધ સિંહની વર્ષ ૧૯૬૩માં સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ઈનફાઈટમાં ઘાયલ થયેલા આ સિંહે એક આંખ ગુમાવી દીધી હતી.
લોર્ડ કર્ઝને સિંહોના શિકાર ના પાડી દીધી હતી
જૂનાગઢ,તા.૨૬ : ભારતના ગર્વનર જનરલ અને વાઈસરોય લોર્ડ કર્ઝન જૂનાગઢમાં તૈયાર થયેલી બહાદ્દીન કોલેજના ઉદ્દધાટન માટે ખાસ જૂનાગઢ આવ્યા હતાં. કોલેજના ઉદ્દઘાટન બાદ નવાબ રસુલખાનજી દ્વારા લોર્ડ કર્ઝનને શિકાર માટે જવાની રજુઆત કરવામાં આવતા તેઓએ શિકાર કરવાનો સાફ શબ્દોમાં ઈન્કાર કરી દીધો હતો. તેમજ આપણે સિંહોનું સંરક્ષણ અને જતન કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. બાદના સમયમાં આવેલા વાઈસરોય લોર્ડ રીડીંગ તેમજ લીન્થગો વગેરેએ શિકારની મજા માણી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181720

સિંહોની વસતિ ગણતરીમાં સગા-વ્હાલાઓને સમાવાયા.

Apr 27,2010
જૂનાગઢ, તા.ર૬ :
ગિર અભયારણ્યમાં સિંહોની ચાલી રહેલી વસતિ ગણતરી સગાવાદનો ભોગ બની જતા એક ગંભીર અને મહત્વપૂર્ણ પ્રક્રિયા ઈન્જોયમેન્ટમાં ફેરવાઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. થઈ રહેલા આક્ષેપો અનુસાર પરસેવો પાડીને ખરા અર્થમાં ગણતરીના કાર્ય સાથે જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને સિંહોની ગણતરી કરતા પણ સગા-સંબંધીઓની ખીદમતમાં વધારે રહેવું પડતું હોવાથી ગણતરીના ચોક્કસાઈ પૂર્વકના કાર્ય પર ભારે માઠી અસર પડી રહી છે. ગત તા.ર૪ એપ્રિલના રોજથી ગિર અને ગિરનારમાં વસતા સિંહોની વસતિ ગણતરીની શરૃ થયેલી કામગીરીને મોટા પ્રમાણમાં સગાવાદ ભરખી ગયો છે. આ વિશે વનવિભાગના જાણકાર સુત્રોએ આપેલી ચોંકાવનારી વિગતો પ્રમાણે વસતિ ગણતરીની કામગીરી માટે માનદ મદદનીશ તરીકે રાખવાના થતા રોજમદાર કર્મચારીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાંથી ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓને બુદ્ધિપૂર્વક સમાવી લેવામાં આવ્યા છે.
ખરેખર આ પોસ્ટ પર સ્થાનિક વિસ્તારોના જાણકાર હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ તેમજ વન્ય સૃષ્ટિમાં રસ-રૃચિ ધરાવનારાઓની નિમણૂંક કરવાની હોય છે. જેથી કરીને સિંહોના લોકેશન તેમજ જંગલની ભૂગોળ વિશેની સંપૂર્ણ વિગતો એકત્ર કરીને ગણતરીની કામગીરી ગંભીરતા પૂર્વક થઈ શકે. પરંતુ આ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓના સગા-વહાલાઓને સમાવીને ગિર જંગલમાં ચાર દિવસ સુધી મોજમજા માટે લવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. સિંહો કે ગિર જંગલ વિશે કોઈ જ વિગતો ન ધરાવતા આવા લોકો દ્વારા સિંહોની વસતિ ગણતરી કેટલા પ્રમાણમાં ચોક્કસાઈથી થશે ? તે મોટો પ્રશ્ન સર્જાયો છે.
બીજી તરફ કાયદેસરતાની રૃએ સ્થાનિક કર્મચારીઓની નીચે આવા માનદ મદદનીશો આવે છે. અને તેઓની સૂચના પ્રમાણે કામ કરીને મદદનીશોએ ગણતરીની કામગીરીમાં મદદ કરવાનો હોય છે. પરંતુ આ મદદનીશો ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ હોવાને કારણે વનવિભાગના કર્મચારીઓને ઉલટાનું તેનું ધ્યાન રાખીને ખીદમત કરવી પડી રહી છે. અને સિંહોની ગણતરીની કાર્યવાહીમાં ખલેલ પડી રહી છે. આ સમસ્યાને કારણે વનવિભાગના નીચેના કર્મચારીઓમાં પણ ભારે અસંતોષ પ્રસરી ગયો છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓના ડરને કારણે બધુ સહન કરીને ફરજ બજાવી રહ્યા છે. આ દિશામાં ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં સગાવાદ બહાર આવવાની પ્રબળ આશા પણ વનવિભાગના જાણકાર સૂત્રોએ વ્યક્ત કરી છે.
૮૦ જેટલા એ.સી.વાહનોમાં ફરીને ગણતરી !!
જૂનાગઢ, તા.ર૬
સિંહોની વસતિ ગણતરી માટે ગિર જંગલનાં સાત રિજીયન પાડીને તેને ર૮ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. તેમજ ૧૦૦ જેટલા સબ ઝોન પાડીને ૪પ૦ ગણતરીકાર, ૧૦૦ વોલેન્ટીયર અને ૯૦૦ થી ૧૦૦૦ જેટલા મજૂરો દ્વારા સિંહોની વસતિ ગણતરી થઈ રહી છે. સરકાર દ્વારા કરાયેલા લાખો રૃપિયાના ખર્ચ વચ્ચે ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ ગિર જંગલમાં એ.સી. વાહનોમાં ફરી રહ્યા છે. આ કામગીરી માટે સરકારના ખર્ચે ૮૦ જેટલા એ.સી. વાહનો ભાડે કરાયા છે. બે દિવસ સુધી ચાલેલા જલ્સા જેવા માહોલ બાદ હવે ખરો સમય આવી પહોંચ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181831

સિંહોની સાથે અન્ય નવ પ્રજાતીઓની પણ ગણતરી.


Apr 26,2010

જૂનાગઢ, તા.૨૫
ગિર અને ગિરનાર જંગલોમાં વસવાટ કરતા સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે જાણવા મળેલી વિગતો અનુસાર ભયજનક સ્થિતિમાં આવી ગયેલ અન્ય નવ પ્રજાતીઓના પ્રાણીઓની પણ સિંહોની સાથે જ ગણતરી કરવાનો નિર્ણય વનવિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ગણતરી દરમિયાન આ તમામ પ્રાણીઓ વિશેની પણ નોંધો કરવામાં આવશે.
રૃપ, રંગ, દેખાવ, સ્વભાવ, ઠાઠમાઠ વગેરેને કારણે અત્યારે વિશ્વભરમાં એશિયાઈ સિંહો લાઈમ લાઈટમાં છે, પરંતુ આ પ્રાણીઓની સાથે અન્ય કેટલાક પ્રાણીઓ પણ લુપ્ત થવાના આરે આવીને ઉભા છે. અને આવા પ્રાણીઓનું રક્ષણ કરવું પણ જરૃરી બની ગયું છે. ત્યારે અત્યારે ચાલી રહેલી સિંહોની વસતી ગણતરીની સાથે જ વનવિભાગ દ્વારા આવા પ્રાણીઓની ગણતરી કરવાનું પણ આયોજન કરાયું છે. દીપડો, ઘોરખોદીયુ, કીડીખાંઉ, ત્રાંબા વરણી ચપટાવાળી બિલાડી, વનીયર અથવા વીજ, શેઢાળી,  સોનેરી નોળિયો, જંગલી બિલાડી અને ચોશીંગાની પણ વિશિષ્ટ ગણતરી વનવિભાગ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જો કે આ પ્રાણીઓની માત્ર નોંધ જ કરવામાં આવશે. સિંહો જેટલી ચોક્કસાઈ પૂર્વક અને આધૂનિકતાથી તેની ખાસ ગણતરી કરવામાં નહી આવે. પરંતુ એક સાથે બે કામ જેવું આવકારદાયક પગલું વનવિભાગ દ્વારા લેવામાં આવ્યું છે.
વિશ્વેષણ માટે હાઈટેક કોમ્પ્યુટર યુનિટ ઉભુ કરાયું
જૂનાગઢ, તા.૨૫
સિંહોની ગણતરી માટે આ વખતે વનવિભાગ દ્વારા અવલોકન અને વિશ્વેષણની ખાસ અલગ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી છે. ત્યારે આ ગણતરી થઈ ગયા બાદ તેના વિશ્વેષણ માટે સાસણમાં હાઈટેક કોમ્પ્યુટર યુનિટ પણ ઉભુ કરવામાં આવ્યું છે. સિંહોની વસતી ગણતરીમાં ચોક્કસાઈ જળવાઈ રહે તેમજ સિંહોની સંખ્યા રિપિટ ન થાય તે માટે ખાસ આયોજન વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ચાર દિવસની ગણતરી દરમિયાન દરેક સિંહોની ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમજ સિંહોને લગતી કેટલીક નિશાનીઓ તથા ચિન્હોની નોંધ કરવામાં આવી રહી છે. આ નોંધ કરીને સાસણના કોમ્પ્યુટર સેન્ટરમાં ડેટા સબમીટ કરાશે. તેમજ આ ડેટાના આધારે સિંહોનું વિશ્વેષણ કરાશે. અને ત્યાર બાદ ચોક્કસ આંકડો બહાર પાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખુબ ઝડપથી હાથ ધરાશે. ગણતરીનું પરિણામ પણ તાત્કાલીક આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181508