Sunday, May 2, 2010

સિંહોની વસતિ ગણતરીમાં સગા-વ્હાલાઓને સમાવાયા.

Apr 27,2010
જૂનાગઢ, તા.ર૬ :
ગિર અભયારણ્યમાં સિંહોની ચાલી રહેલી વસતિ ગણતરી સગાવાદનો ભોગ બની જતા એક ગંભીર અને મહત્વપૂર્ણ પ્રક્રિયા ઈન્જોયમેન્ટમાં ફેરવાઈ ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. થઈ રહેલા આક્ષેપો અનુસાર પરસેવો પાડીને ખરા અર્થમાં ગણતરીના કાર્ય સાથે જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને સિંહોની ગણતરી કરતા પણ સગા-સંબંધીઓની ખીદમતમાં વધારે રહેવું પડતું હોવાથી ગણતરીના ચોક્કસાઈ પૂર્વકના કાર્ય પર ભારે માઠી અસર પડી રહી છે. ગત તા.ર૪ એપ્રિલના રોજથી ગિર અને ગિરનારમાં વસતા સિંહોની વસતિ ગણતરીની શરૃ થયેલી કામગીરીને મોટા પ્રમાણમાં સગાવાદ ભરખી ગયો છે. આ વિશે વનવિભાગના જાણકાર સુત્રોએ આપેલી ચોંકાવનારી વિગતો પ્રમાણે વસતિ ગણતરીની કામગીરી માટે માનદ મદદનીશ તરીકે રાખવાના થતા રોજમદાર કર્મચારીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાંથી ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓને બુદ્ધિપૂર્વક સમાવી લેવામાં આવ્યા છે.
ખરેખર આ પોસ્ટ પર સ્થાનિક વિસ્તારોના જાણકાર હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ તેમજ વન્ય સૃષ્ટિમાં રસ-રૃચિ ધરાવનારાઓની નિમણૂંક કરવાની હોય છે. જેથી કરીને સિંહોના લોકેશન તેમજ જંગલની ભૂગોળ વિશેની સંપૂર્ણ વિગતો એકત્ર કરીને ગણતરીની કામગીરી ગંભીરતા પૂર્વક થઈ શકે. પરંતુ આ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓના સગા-વહાલાઓને સમાવીને ગિર જંગલમાં ચાર દિવસ સુધી મોજમજા માટે લવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. સિંહો કે ગિર જંગલ વિશે કોઈ જ વિગતો ન ધરાવતા આવા લોકો દ્વારા સિંહોની વસતિ ગણતરી કેટલા પ્રમાણમાં ચોક્કસાઈથી થશે ? તે મોટો પ્રશ્ન સર્જાયો છે.
બીજી તરફ કાયદેસરતાની રૃએ સ્થાનિક કર્મચારીઓની નીચે આવા માનદ મદદનીશો આવે છે. અને તેઓની સૂચના પ્રમાણે કામ કરીને મદદનીશોએ ગણતરીની કામગીરીમાં મદદ કરવાનો હોય છે. પરંતુ આ મદદનીશો ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ હોવાને કારણે વનવિભાગના કર્મચારીઓને ઉલટાનું તેનું ધ્યાન રાખીને ખીદમત કરવી પડી રહી છે. અને સિંહોની ગણતરીની કાર્યવાહીમાં ખલેલ પડી રહી છે. આ સમસ્યાને કારણે વનવિભાગના નીચેના કર્મચારીઓમાં પણ ભારે અસંતોષ પ્રસરી ગયો છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓના ડરને કારણે બધુ સહન કરીને ફરજ બજાવી રહ્યા છે. આ દિશામાં ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં સગાવાદ બહાર આવવાની પ્રબળ આશા પણ વનવિભાગના જાણકાર સૂત્રોએ વ્યક્ત કરી છે.
૮૦ જેટલા એ.સી.વાહનોમાં ફરીને ગણતરી !!
જૂનાગઢ, તા.ર૬
સિંહોની વસતિ ગણતરી માટે ગિર જંગલનાં સાત રિજીયન પાડીને તેને ર૮ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. તેમજ ૧૦૦ જેટલા સબ ઝોન પાડીને ૪પ૦ ગણતરીકાર, ૧૦૦ વોલેન્ટીયર અને ૯૦૦ થી ૧૦૦૦ જેટલા મજૂરો દ્વારા સિંહોની વસતિ ગણતરી થઈ રહી છે. સરકાર દ્વારા કરાયેલા લાખો રૃપિયાના ખર્ચ વચ્ચે ઉચ્ચ અધિકારીઓના સગા-સંબંધીઓ ગિર જંગલમાં એ.સી. વાહનોમાં ફરી રહ્યા છે. આ કામગીરી માટે સરકારના ખર્ચે ૮૦ જેટલા એ.સી. વાહનો ભાડે કરાયા છે. બે દિવસ સુધી ચાલેલા જલ્સા જેવા માહોલ બાદ હવે ખરો સમય આવી પહોંચ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181831

No comments: