Apr 26,2010 |
જૂનાગઢ, તા.૨૫
ગિર અને ગિરનાર જંગલોમાં વસવાટ કરતા સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે જાણવા મળેલી વિગતો અનુસાર ભયજનક સ્થિતિમાં આવી ગયેલ અન્ય નવ પ્રજાતીઓના પ્રાણીઓની પણ સિંહોની સાથે જ ગણતરી કરવાનો નિર્ણય વનવિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ગણતરી દરમિયાન આ તમામ પ્રાણીઓ વિશેની પણ નોંધો કરવામાં આવશે.
રૃપ, રંગ, દેખાવ, સ્વભાવ, ઠાઠમાઠ વગેરેને કારણે અત્યારે વિશ્વભરમાં એશિયાઈ સિંહો લાઈમ લાઈટમાં છે, પરંતુ આ પ્રાણીઓની સાથે અન્ય કેટલાક પ્રાણીઓ પણ લુપ્ત થવાના આરે આવીને ઉભા છે. અને આવા પ્રાણીઓનું રક્ષણ કરવું પણ જરૃરી બની ગયું છે. ત્યારે અત્યારે ચાલી રહેલી સિંહોની વસતી ગણતરીની સાથે જ વનવિભાગ દ્વારા આવા પ્રાણીઓની ગણતરી કરવાનું પણ આયોજન કરાયું છે. દીપડો, ઘોરખોદીયુ, કીડીખાંઉ, ત્રાંબા વરણી ચપટાવાળી બિલાડી, વનીયર અથવા વીજ, શેઢાળી, સોનેરી નોળિયો, જંગલી બિલાડી અને ચોશીંગાની પણ વિશિષ્ટ ગણતરી વનવિભાગ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જો કે આ પ્રાણીઓની માત્ર નોંધ જ કરવામાં આવશે. સિંહો જેટલી ચોક્કસાઈ પૂર્વક અને આધૂનિકતાથી તેની ખાસ ગણતરી કરવામાં નહી આવે. પરંતુ એક સાથે બે કામ જેવું આવકારદાયક પગલું વનવિભાગ દ્વારા લેવામાં આવ્યું છે.
વિશ્વેષણ માટે હાઈટેક કોમ્પ્યુટર યુનિટ ઉભુ કરાયું
જૂનાગઢ, તા.૨૫
સિંહોની ગણતરી માટે આ વખતે વનવિભાગ દ્વારા અવલોકન અને વિશ્વેષણની ખાસ અલગ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી છે. ત્યારે આ ગણતરી થઈ ગયા બાદ તેના વિશ્વેષણ માટે સાસણમાં હાઈટેક કોમ્પ્યુટર યુનિટ પણ ઉભુ કરવામાં આવ્યું છે. સિંહોની વસતી ગણતરીમાં ચોક્કસાઈ જળવાઈ રહે તેમજ સિંહોની સંખ્યા રિપિટ ન થાય તે માટે ખાસ આયોજન વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ચાર દિવસની ગણતરી દરમિયાન દરેક સિંહોની ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમજ સિંહોને લગતી કેટલીક નિશાનીઓ તથા ચિન્હોની નોંધ કરવામાં આવી રહી છે. આ નોંધ કરીને સાસણના કોમ્પ્યુટર સેન્ટરમાં ડેટા સબમીટ કરાશે. તેમજ આ ડેટાના આધારે સિંહોનું વિશ્વેષણ કરાશે. અને ત્યાર બાદ ચોક્કસ આંકડો બહાર પાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ખુબ ઝડપથી હાથ ધરાશે. ગણતરીનું પરિણામ પણ તાત્કાલીક આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181508
No comments:
Post a Comment