Thursday, March 22, 2012

મોકર સાગર ડેમને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની માગણી ઠેરની ઠેર.


પોરબંદર, તા.૪
પોરબંદરના મોકર સાગર ડેમમાં હાલ હજારોની માત્રામાં વિદેશી પક્ષી ઓ આવી રહ્યા છે. અહી આવતા દુર્લભ જાતિના પક્ષીઓને બચાવા અને ૨૦૦ કિ.મી. સ્કેવેર માં પથરાયેલા મોકર સાગર ડેમ ને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવાની માગણી છેલ્લા ત્રણ વરસથી થઈ રહી છે પણ રાજય સરકારની ઈચ્છા શકિત નહોય તેમ કોઈ દાદ જ મળતી નથી.
  • ગુજરાતનું નંબર વન પક્ષી અભયારણ્ય બને તેમ હોવા છતાં તંત્રમાં ઈચ્છાશકિતનો અભાવ
શિયાળાની ઋતુ સારું થતા દર વરસની માફક આ વરસે પણ વિદેશી પક્ષી ઓ મોકર સાગર ડેમમાં ઉતરી પડયા છે. જેમાં જુદી જુદી જાતિના પક્ષીઓ આ વિસ્તારમાં દેખાતા પર્યાવરણ પ્રેમીઓને આ દુર્લભ જાતિના પક્ષીઓના શિકાર નો ભય સતાવે છે અહી આવતા લાખોની સંખ્યામાં પક્ષીઓને શિકાર નો ભોગ ના બનવું પડે તે માટે મોકર સાગર ડેમ ને પક્ષી અભિયાણ્ય તરીકે જાહેર કરવા અને બર્ડ સેન્ચુરી તરીકે વિકસવા ની માંગ છેલ્લા ૩ વરસથી છે. નળ સરોવર પછી જો વિદેશી કે સ્વદેશી પક્ષીઓને પોતાના રેહવા માટે સારું સ્થળ હોઈ તો મોકર સાગર ડેમ છે. મોકર સાગર ડેમ ૨૦૦ કિ.મી. ચોરસ સ્કવેરમાં પથરાયેલું છે અહીં આવતા પક્ષીઓને પણ તેની જરૂરિયાત મુજબનું પાણી અને પ્રજનન માટે ઉતમ જગ્યા છે. શિયાળાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં ડે મોન્સીલ કેન કોમન કેન રોજી પેલીકન દાલ મેન્સન નોર્ધન સુલેવર સારસ બાર હેડેડ બીઝ રેડ ક્રેસ્તેડ પીચર્દ જેવા અનેક પક્ષીઓ અહીં પોતાનું રોકાણ કરતા હોય છે. પોરબંદર ને થોડા સમય પહેલા જ પોરબંદરને બર્ડ સિટી તરીકે જાહેર કર્યું હતું. પણ હજુ સુધી પોરબંદરના જળ પ્રજવલિત વિસ્તારો ને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવામાં તંત્રની ઉદાસીનતા નજરે દેખાય છે.

વિસાવદરના ખાંભામાંથી દીપડાનો મૃતદેહ મળ્યો.


રતાંગ/વિસાવદર,તા.૪
વિસાવદર તાલુકાના ખાંભા ગામની સીમમાંથી આજે સવારના પ્રવીણભાઈ પાઘડાળની વાડી નજીક આવેલ રેવન્યુ વિસ્તારના વોંકળામાંથી એક નર દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. આ દીપડાનું મોત બીમારીના કારણે થયાનું પ્રાથમિક અનુમાન છે.
આજે સવારના પ્રવીણભાઈ પાઘડાળ નામના ખેડૂતે પોતાની વાડી નજીક આવેલ એક વોંકળામાં વાસ આવવાને કારણે સ્થળ તપાસ કરતા એક દીપડાના બચ્ચાનો મૂતદેહ હોવાથી તેણે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરી જૂનાગઢ સ્થિત સકકરબાગ ખાતે વેટરનરી ડોકટરને જાણ કરી બોલાવી સ્થળ પર જ દીપડાના બચ્ચાને અગ્નિદાહ આપ્યો હતો. વેટરનરી ડોકટરના જણાવ્યા મુજબ આ દીપડાની ઉમર એક વર્ષની આસપાસ હોવાની અને નર હોવાનું જાણવા મળે છે.દીપડાના બચ્ચાનું કોઈ બીમારી સબબ મોત થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40394

ગીર જંગલમાં હવેથી ગાઈડ તરીકે કામ કરશે સખી મંડળની મહિલાઓ.


જૂનાગઢ, તા.૪
ગીર વિસ્તારની ગરીબ મહિલાઓ અને સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી વનવિભાગે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વન્યજીવ સૃષ્ટિ અંગે જાણકારી હોય તેવી બહેનોને ટ્રેનિંગ આપ્યા બાદ ગાઈડ તરીકે નિમણૂંક અપાશે. ત્યારે ગીર વિસ્તારની અનેક બહેનો પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે ઉત્સુક બની છે.
  • ફૂડ કેન્ટીન બનાવી લાખ્ખો રૂપિયાનો કારોબાર કરતી મહિલાઓ
વનવિભાગના સહયોગથી મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની બહેનોએ ફૂડ કેન્ટીન બનાવી લાખો રૂપિયાનો કારોબાર શરૂ કર્યો છે. દેવળીયા પાર્કની આ કેન્ટીનમાં ચા, પાણી, નાસ્તો અને ખાદ્ય ચીજવસ્તુઓનું વેંચાણ કરી આ બહેનો રોજીરોટી મેળવે છે. ગરીબ પરિવારની ૧૧ બહેનો આ કેન્ટીનમાંથી દર મહિને બે થી અઢી લાખની વિવિધ વસ્તુઓનું વેંચાણ કરી ધંધામાંથી થતી આવક અને નફાની વહેંચણી કરી મંડળ માટે બચત કરે છે.
સાસણ વનવિભાગ આગામી દિવસોમાં ગીર વિસ્તારની ગરીબ વર્ગની બહેનોની યાદી બનાવી પ્રોજેક્ટનું પ્રાથમિક તબક્કાનું કામ શરૂ કરશે. જે મહિલાઓને વન્ય જીવ સૃષ્ટિ અંગે જાણકારી હોય તેમજ તેઓ આ કામ સહેલાઈથી કરી શકે તેવી બહેનોને પ્રથમ ટ્રેનિંગ આપી ગીરમાં ગાઈડ તરીકે નિમણૂંક અપાશે. હાલમાં ગીરમાં અનેક મહિલા કર્મચારીઓ ઉચ્ચ હોદા પર બીરાજમાન છે ત્યારે હવે ગાઈડ તરીકે પણ મહિલાઓ જોવા મળશે. આ અંગે સાસણના ડી.એફ.ઓ. ડો. સંદિપ કુમારે જણાવ્યું છે કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓને સ્થાન મળે તેવા સરકારના પ્રયાસોને ધ્યાનમાં રાખી અમે આ દિશામાં હકારાત્મક પગલાં લઈ રહ્યા છીએ. આગામી મહિનાઓમાં લાયકાત અને જરૂરી શિક્ષણ ધરાવતી બહેનોને ગાઈડ તરીકે કામ કરતી વખતે કઈ તકેદારી રાખવી તેને ટ્રેનિંગ આપવામાં આવશે. ચિત્રાવડ ગામની સખી મંડળની બહેનોએ વનવિભાગના સહયોગથી અમારો આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે. 
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40381

બેંક મેનેજરને સળગાવવાનો પ્રયાસ કરનાર વનકર્મીની જાહેરમાં ધોલાઈ.


તાલાલા ગીર તા. ૩ :
તાલાલા તાલુકાના સાસણ ગીર ગામની એસબીઆઈ શાખાના મેનેજર આર.એમ. મીના ઉપર પેટ્રોલ છાંટી મેનેજર અને બેન્કને આગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કરનાર માથાભારે વનકર્મી અરજણ અરશી સોલંકીને તાલાલા પોલીસે પકડડ પાડી જાહેરમાં ધોલાઈ કરી નાંખતા લોકો એકત્ર થઈ ગયા હતા.
  • આરોપીનાં રિમાન્ડ માગવા પોલીસની તજવીજ
બનાવની વધુ વિગત મુજબ આંકોલવાડી ગીર એસબીઆઈ બેન્કમાંથી આ વનકર્મીએ પોતાની જમીન પર સાડા ત્રણ લાખની લોન લીધી હતી. જે ભરપાઈ ન કરતા તેનું ખાતુ એન.પી. થયું હતુ. આથી, બેન્ક મેનેજરે ફરજની રૂઈએ ઉચ્ચકક્ષાએ જાણ કરી હતી અને એના પગારમાંથી કાપવાની નોબત આવી પડી હતી. આથી, તે પગાર ઉપાડી શકતો ન હતો. અરજણ એનો પગાર ઉપાડવાના હેતુથી સાસણ આવ્યો હતો અને બેન્ક મેનેજર સાથે ઝઘડો કરી સાથે લાવેલી પેટ્રોલની બોટલ છાંટી દઈ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે કાંડી ચાંપવા જતાં જ બેન્કના અન્ય ગ્રાહકોએ એને દીવાસળી સાથે પકડી લીધો હતો. એ પછી ય એ અટકયો ન હત અને બેન્ક મેનેજરને માર મારવા લાગ્યો હતો. બેન્કમાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ બાદ વનકર્મી સામે મેનેજરે વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી. આ વનકર્મીને આજે પોલીસે પકડી પાડી સાસણ ગીરમાં લાવી જાહેરમાં પીએસઆઈ જનકસિંહ વાઘેલાએ ધોલાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વનકર્મી આહેર શખ્સ અનેક સાથે માથાકુટ કરી ચૂકયો છે. અને પોલીસ પણ એનાથી ફફડતી રહે છે. પણ પીએસઆઈ વાઘેલાએ ધોકાવી નાંખતા એના સીન વિખાઈ ગયા હતા. આવતી કાલે વધુ તપાસ માટે અદાલતમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
મેટર સાથે બોકસ વનકર્મી સામે અનેક ગુનાઓ નોંધાયા છે
તાલાલા તા. ૩
સાસણ બેન્ક મેનેજરને સળગાવવાનો પ્રયાસ કરનાર વનકર્મી અને માથાભારે આહીર શખ્સ અરજણની આ વિસ્તારમાં લુખાગીરીએ માજા મૂકી છે. એ પોલીસ ચોપડે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અરજણના ત્રાસથી નિવૃત ફોરેસ્ટર અજીતસિંહ ચુડાસમાએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં અરજણની ધરપકડ થઈ હતી. આ કેસ વેરાવળની કોર્ટમાં ચાલે છે. આ ઉપરાંત પાણીકોઠાના તલાટી મંત્રી નુરમામદ ઉરિયા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં એની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોધાઈ છે. અરજણે ગત તા. ૩૧મીએ આકોલવાડી બેન્કમાં ગ્રાહકો સાથે ઝઘડો કર્યો હતો. એ સંદર્ભે પણ ગુનો નોંધાયો છે. તેણે અનેક વાર વનવિભાગના ઉચ્ચ અધિકારી સાથે ઝઘડો કર્યો છે. અને એક ફોરેસ્ટર પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેની ખાતાકીય તપાસ ચાલે છે.
વનકર્મી સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો ધરાવે છે
તાલાલા ગીર : વનકર્મી અરજણ સ્વબચાવ માટે હથિયાર રાખવાનો પરવાનો ધરાવે છે. પાણીકોઠાના તલાટી સાથે ઝઘડો કર્યા બાદ હથિયાર જમા કરાવવાની નોબત આવી પડતા એ પરવાનાવાળી બંદૂક જમા કરાવવા ગયેલો ત્યારે પોલીસ સાથે પણ ઝઘડો કર્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40257

સાસણમાં બેંકમાં તોડફોડ, મેનેજર પર પેટ્રોલ છાંટી સળગાવવા પ્રયાસ.



તાલાલા તા.૧ :
સાસણ વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડે આજે બપોરે સાસણમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતા અને બાદમાં બેંકમાં તોડફોડ કરી પોતાનાં પર પણ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા સાસણમાં ચકચાર મચી ગઈ છે.
  • ફડાકા મારી, ગાળો આપી જતો રહ્યા બાદ ફરી આવ્યો : આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો
વિગત અનુસાર સાસણ વનવિભાગની નર્સરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અરજણ અરશી સોલંકી આજે બપોરે સાસણ એસ.બી.એસ.ની શાખામાં આવ્યો હતો. પૂછતાછ કરતાં તેમનું એકાઉન્ટ સ્ટોપ કરવામાં આવ્યુ હોવાનું બેંક મેનેજર આર.એમ.મીનાએ જણાવતા ઉશ્કેરાયેલા વનકર્મીએ મારૂ એકાન્ટ શા માટે સ્ટોપ કર્યુ તેમ પૂછતા બેંકનાં મેનેજરે કહ્યુ કે, આંકોલવાડી બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ એન.પી.એ. હોઈ તે બ્રાન્ચે એકાઉન્ટ સ્ટોપ કર્યુ છે, શરૂ કરવાની સત્તા તેમને જ હોવાનું જણાવતા ગુસ્સામાં આવેલા વન કર્મી મેનેજરને ગાળો આપી ફડાકા મારી જતો રહ્યો હતો. થોડી વાર બાદ પેટ્રોલની બોટલ સાથે આવેલા વનકર્મીએ મેનેજર પર પેટ્રોલ નાખી ખિસ્સામાંથી દિવાસળી કાઢી કાંડી સળગાવવા પ્રયાસ કરતાં અન્ય સ્ટાફે વનકર્મીને પકડી લીધો હતો. તેમ છતાં વન કર્મીએ બેંકમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સાસણ ઓ.પી.ના સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ તાલાલાથી પણ પોલીસનો કાફલો સાસણ દોડી ગયો  હતો અને બનાવની ગંભીરતા સમજી વનકર્મી કોઈ અન્ય પગલા ભરે તે પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બપોરના સમયે જયારે આ બનાવ બન્યો ત્યારે બેંકમા અન્ય ગ્રાહકોની પણ ભારે ભીડ હતી. આથી, થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી પણ બાદમાં પોલીસ આવી જતા મામલો થાળે પડયો હતો અને બેંકીગ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=39572

બંધ મકાનમાં દીપડો થયો કેદ, જુઓ તસવીરો.



Source: Ramesh Khakhar, Junagadh   |   Last Updated 3:36 AM [IST](22/03/2012)
સોમનાથ ટોકિઝનાં છેવાડાનાં વિસ્તારમાં આવેલા એક ખેતરનાં પડતર મકાનમાં ઘૂસી જતાં ચપળતાથી શ્રમિકે આ ઘરનો દરવાજો બંધ કરી દીધો : મોડેથી આવેલી રેસ્કયુ ટીમે ઓપરેશન હાથ ધર્યું
વેરાવળ પંથકનાં ઇણાંજ ગામે ગત રાત્રે સીમ વિસ્તારમાં એક બાળકીને ફાડી ખાધાની ઘટનાને હજુ બાર કલાક પણ નથી થયા ત્યાં આજે સવારે નવેક વાગ્યા આસપાસ વેરાવળ શહેરમાં સોમનાથ ટોકીઝનાં છેવાડા વિસ્તારમાં આવેલા એક ખેતરનાં પડતર મકાનમાં એક દીપડો ઘૂસી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, અહીં ખેતરનાં મજૂરે ઘરનો દરવાજો બંધ કરી દઇ વનખાતાને જાણ કરતા મોડેથી આવેલી સાસણ રેસ્કયુ ટીમે આવી દિપડાને કેદ કર્યો હતો.
પ્રાપ્તવિગતોનુસાર આજે સવારે વેરાવળનાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ બાગે રહેમત સોસાયટી વિસ્તારનાં છેવાડે મીટરગેજનાં પાટાની બાજુમાં આવેલ એક ખેતરનાં પડતર મકાનમાં દપિડો ઘુસી જઇ રૂમમાં બેસી ગયેલ હતો. જ્યારે સવારે ૯ કલાકે ખેતરમાં હનીફ અબ્દ રહેમાન ઢાંડી ઉર્ફે જેલર નામનો શખ્સ પોતાની ભેંસોને લઇને ખેતરમાં ચરાવવા જતા તેનું ધ્યાન ખુલ્લુ પડેલ મકાન પર પડતા તેની બારીમાંથી રૂમમાં બેસેલ દિપડા પર નજર પડતા હનીફ ઉર્ફે જેલેરે તુરંત હિંમત દાખવી મકાનનાં આગળનાં ભાગે આવેલ મુખ્ય દરવાજાને સાંકળ વડે બંધ કરી દિપડાને મકાનમાં પુરી દીધેલ હતો અને બાદમાં તે વિસ્તારમાં રહેતા ખેતરનાં માલિક તથા નગરસેવક હાજી અલતાબ ચૌહાણ, સીદીકભાઇ સોડાવાલા, હાજી એલકેએલ સહિતનાં આગેવાનો ખેતર પર પહોંચી ત્યાં હાજર રહેલ લોકોની ભીડને કાબુમાં કરેલ હતી.
ત્યારબાદ જેલરે ખેતરનાં માલિક અબ્દ રહેમાન હુસેન ચાંગાને જાણ કરેલ હતી. ત્યારબાદ ખેતર માલિકે તુરંત વનખાતાનાં ગાર્ડ વિનુભાઇ અપારનાથીને જાણ કરતા તે તુરંત ઘટના સ્થળે આવી મકાનમાં અને આજુબાજુ તપાસ હાથ ધરી વેરાવળનાં ડીએફઓ પરસાણાને જાણ કરેલ હતી. તેઓ સાસણની રેસ્કયુ ટીમને સાથે લઇને દોડી આવેલ હતા.
સાસણથી આવેલ રેસ્કયુ ટીમે મકાનનાં રૂમની બારીમાંથી એરગન દ્વારા દિપડાને ટનકયુલાઇઝર ઇન્જેકશન મારી દિપડાને બેહોશ કરેલ હતો. રેસ્કયુ ટીમનાં સભ્યોએ મકાનનો દરવાજો ખોલી અંદરથી દિપડાને પકડી પિંજરામાં પુરી કેદ કરેલ હતો. બાદમાં દિપડાને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી લીધેલ હતો.
શહેરમાં દિપડો ઘૂસી જવાની વાત સોમનાથ ટોકીઝ વિસ્તારની સોસાયટીનાં રહેવાસીઓ તથા શહેરીજનોમાં થતા મોટી સંખ્યામાં લોકો દિપડાને જોવા ઉમટી પડેલ હતા.
ત્યારે એક સમયે પોલીસને બોલાવવામાં આવતા પીએસઆઇ વાઘેલા, જેઠાભાઇ સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે આવી ભીડને કાબુમાં લીધેલ હતી.
સવારથી જાણ છતાં રેસ્કયુ ટીમ બપોરે આવી
આજે સવારે ૧૦ વાગ્યાની વનખાતાને જાણ કરવામાં આવવા છતા વનખાતાની રેસ્કયુ ટીમને સાસણથી વેરાવળ આવવામાં ચારેક કલાક જેવો સમય લાગ્યો હતો ? અને રેસ્કયુ ટીમ બપોરે ૩ વાગ્યે ઘટના સ્થળે આવી એકાદ કલાક રેસ્કયુ ઓપરેશન હાથ ધરી દિપડાને કેદ કરેલ હતો. ત્યારે સ્થળ પર હાજર રહેલ લોકોમાં વનખાતાની કામગીરી સામે રોષ સાથે આક્રોશ ઠાલવી રહ્યા હતા.
તમામ તસવીરો : રમેશ ખખ્ખર

ગિરનાર રોપ-વે આડે અડચણ આવી છે, પણ દ્વાર સાવ બંધ નહીં.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:04 AM [IST](21/03/2012)

સુપ્રીમે હજુ ગુજરાત સરકારને સાંભળવાની બાકી છે : વનઅગ્ર સચિવ
સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત બાદ જે રીપોર્ટ આપ્યો છે તેમાં ગિરનારી ગીધને લઇને નકારાત્મક મુદ્દો ઉપસ્થિત કરાયો છે. જોકે, હજુ સુપ્રીમની બેન્ચે ગુજરાત સરકારને સાંભળવાની બાકી હોવાનું રાજ્યનાં અગ્ર વનસચિવે જણાવ્યું છે.
ગિરનાર રોપ-વે બનાવવા આડે અનેક સરકારી વિઘ્નો દૂર થયા બાદ ગીધનો મામલો ‘ફાચર’ બન્યો છે. જ્યાં સુધી ગિરનારનાં જંગલને અભયારણ્ય જાહેર નથી કરાયું ત્યાં સુધી મામલો ગુજરાત સરકારને હસ્તક જ હતો. પરંતુ આ જંગલને અભયારણ્ય બનાવાયા પછી રોપ-વેની મંજૂરી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ સુધી પહોંચી હતી. જોકે, કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે જૂનાગઢની મુલાકાત લઇ રોપ-વે ને શરતી મંજૂરી આપી દીધા બાદ છેલ્લે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી સુધી વાત ગઇ હતી. કમિટીએ પણ જૂનાગઢની મુલાકાત લીધા બાદ તેનો રીપોર્ટ સુપ્રીમની બેન્ચ સમક્ષ રજૂ કરાયો છે. આ રીપોર્ટમાં ગિરનાર રોપ-વે બનાવવા સામે નેગેટીવ મુદ્દો ઉપસ્થિત કરાયો છે.
આ મુદ્દો ગીધની સલામતી અંગેનો છે. જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ હવે સુનાવણી થશે જેમાં હજુ ગુજરાત સરકારની રજૂઆતો પણ સાંભળવામાં આવશે. એમ અગ્ર વનસચિવ એસ. કે. નંદાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. જોકે, રોપ-વેને કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે જ્યારે શરતી મંજૂરી આપી એ વખતે ગિધનાં કૃત્રિમ માળા બનાવવા સાથે રોપ-વેનાં ટાવરની ઉંચાઇ વધારવા, તેમાં સીસી કેમેરા રાખી ગિધની રોપ-વે ટ્રોલી સાથેની ટક્કર ટાળવા, ગિધનાં ભોજન માટે ખાસ કાફેટેરિયા બનાવવા, વગેરે બાબતોનું આયોજન કરવા સુચના અપાઇ જ હતી.
દ્વાર હજુ બંધ નથી થયાં : નંદા
એસ. કે. નંદાએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વાર હજુ સાવ બંધ નથી થયા. જોકે, આ રીપોર્ટને પગલે રોપ-વે યોજના વિલંબમાં પડી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. આ મામલે અભ્યાસ કરવો જરૂરી હોવાનું પણ રીપોર્ટમાં દર્શાવાયું છે. આથી ગીધનાં મામલે ફરી અભ્યાસ હાથ ધરવામાં આવશે.
ફકત બે માળા નડી ગયા ?
સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ જૂનાગઢની મુલાકાત લીધી એ વખતે તેની સમક્ષ રોપ-વેની સીધની આસપાસ આવતા ગિધનાં માળાઓની વીગતો અપાઇ હતી. વનવિભાગનાં સૂત્રોનાં કહેવા મુજબ, પગથિયાં પર આવેલી વેલનાથ બાપુની સમાધિ-ધૂણા થી ઉપર આવેલી પથ્થરની ઉભી કરાડમાં ગિધનાં ૨૬ માળાઓ આવેલા છે. આ માળાઓ પૈકી બે માળા રોપ-વે રૂટથી ૨૦ મીટરનાં અંતરે છે. જ્યારે બાકીનાં માળા ૧૦૦ મીટર દૂર છે. આ નજીકનાં માળા નકારાત્મક પરબિળ બન્યાં હોઇ શકે એવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી.