Thursday, March 22, 2012

સાસણમાં બેંકમાં તોડફોડ, મેનેજર પર પેટ્રોલ છાંટી સળગાવવા પ્રયાસ.



તાલાલા તા.૧ :
સાસણ વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડે આજે બપોરે સાસણમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતા અને બાદમાં બેંકમાં તોડફોડ કરી પોતાનાં પર પણ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા સાસણમાં ચકચાર મચી ગઈ છે.
  • ફડાકા મારી, ગાળો આપી જતો રહ્યા બાદ ફરી આવ્યો : આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો
વિગત અનુસાર સાસણ વનવિભાગની નર્સરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અરજણ અરશી સોલંકી આજે બપોરે સાસણ એસ.બી.એસ.ની શાખામાં આવ્યો હતો. પૂછતાછ કરતાં તેમનું એકાઉન્ટ સ્ટોપ કરવામાં આવ્યુ હોવાનું બેંક મેનેજર આર.એમ.મીનાએ જણાવતા ઉશ્કેરાયેલા વનકર્મીએ મારૂ એકાન્ટ શા માટે સ્ટોપ કર્યુ તેમ પૂછતા બેંકનાં મેનેજરે કહ્યુ કે, આંકોલવાડી બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ એન.પી.એ. હોઈ તે બ્રાન્ચે એકાઉન્ટ સ્ટોપ કર્યુ છે, શરૂ કરવાની સત્તા તેમને જ હોવાનું જણાવતા ગુસ્સામાં આવેલા વન કર્મી મેનેજરને ગાળો આપી ફડાકા મારી જતો રહ્યો હતો. થોડી વાર બાદ પેટ્રોલની બોટલ સાથે આવેલા વનકર્મીએ મેનેજર પર પેટ્રોલ નાખી ખિસ્સામાંથી દિવાસળી કાઢી કાંડી સળગાવવા પ્રયાસ કરતાં અન્ય સ્ટાફે વનકર્મીને પકડી લીધો હતો. તેમ છતાં વન કર્મીએ બેંકમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સાસણ ઓ.પી.ના સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ તાલાલાથી પણ પોલીસનો કાફલો સાસણ દોડી ગયો  હતો અને બનાવની ગંભીરતા સમજી વનકર્મી કોઈ અન્ય પગલા ભરે તે પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બપોરના સમયે જયારે આ બનાવ બન્યો ત્યારે બેંકમા અન્ય ગ્રાહકોની પણ ભારે ભીડ હતી. આથી, થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી પણ બાદમાં પોલીસ આવી જતા મામલો થાળે પડયો હતો અને બેંકીગ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=39572

No comments: