Tuesday, June 19, 2012

‘ગીરના સાવજો’ એ ગુજરાતનું વધાર્યું ગૌરવ.

Source: Jitendra Mandaviya, Sasan (Gir)   |   Last Updated 2:47 AM [IST](19/06/2012)
- પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો - વિદેશી પર્યટકોની સંખ્યા પણ ૩૮ ટકા વધી: વન વિભાગને સવા ચાર કરોડની ધીંગી આવક થઇ
સમગ્ર એશીયા ખંડમાં માત્ર ગીરનાં જંગલમાં વિચરતા એશીયાટીક સિંહોનું સત્તાવાર વેકેશન ૧૬ જૂનથી ચાર માસ માટે શરૂ થઇ ચૂક્યું છે. ગીર જંગલનાં દ્વાર ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. વનરાજોને વેકેશન પહેલા જોઇ લેવા પ્રવાસીઓનો રીતસર રાફડો ફાટતા ગતવર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો તોતીંગ વધારો થયો હોય ગીરનાં સિંહોએ દેશ-વિદેશમાં પ્રવાસીઓને ઘેલુ લગાડી ગુજરાતનું ગૌરવ વધાયું છે. વનરાજોનું તા. ૧૬ જૂનથી ચાર માસનું વેકેશન શરૂ થઇ ચુકયુ છે. ૧૫ ઓક્ટોબરથી ૧૬ જૂન સુધીનાં આઠ માસમાં સિંહદર્શન કરવા આવતા પ્રવાસીઓએ સાસણમાં રીતસરની કતારો લગાવી હોય તેમ ગતવર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો ધરખમ વધારો નોંધાયો હોવાનું વનવિભાગે જણાવ્યું છે. આ અંગેની વિગતો આપતા વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ. સંદપિકુમારે જણાવેલ કે છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થતો જાય છે.

ચાલુ વર્ષે ગત સાલ કરતા પ્રવાસીઓ ૪૪ ટકા વધ્યા છે. તેમાં વિદેશી પ્રવાસીઓએ પણ સાસણ ગીર જંગલની વીઝીટ કરવાનું વધુ પસંદ કરતા ૩૮ ટકા વિદેશી પ્રવાસીઓનો વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થતા વનવિભાગને સવા ચાર કરોડની માતબર રકમની આવક થઇ છે અને ગીરનાં સ્થાનિક લોકોની રોજગારી મળવા સાથે લોકોની આવક વધી છે. સિંહપ્રજાતિનાં સંરક્ષણ અંગે વન વિભાગની સતત સર્તકતાનાં પરિણામે સિંહોની સંખ્યામાં વધારો થતો રહે છે. ગીર જંગલમાં સિંહદર્શન કરવા આવતા ટુરીસ્ટોને સિંહો જોવા મળતા હોય લોકોનું આકર્ષણ ગીર જંગલ અને સાવજો પ્રત્યે વધ્યું હોવાનું ડૉ. સંદીપકુમારે જણાવેલ હતું.

- પ્રવાસીઓની સંખ્યા ૪,૩૨,૭૧૩એ પહોંચી

દેવળીયા પરીચય ખંડ પ્રવાસીઓની સંખ્યા ૨, ૩૮,૫૮૦ વન વિભાગને થયેલી આવક ૨, ૩૦,૦૬,૭૩૦ ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓની સંખ્યા ૧, ૯૮,૧૩૩ વન વિભાગને થયેલી આવક ૨, ૦૦,૭૦,૬૬૦ કુલ પ્રવાસીઓ ૪,૩૨,૭૧૩ કુલ આવક ૪,૩૦,૭૭,૩૯૦ રૂપિયા.

કરમદડીના પાદરમાં સાવજોએ બે ગાય ફાડી ખાધી.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:14 PM [IST](18/06/2012)

ધારી તાલુકાના ગામડાઓના માલધારીઓએ સાવજોના આતંકનો સામનો કરી રહ્યાં છે. આ વિસ્તારના સાવજો પેટની આગ ઠારવા માટે ગમે ત્યારે માલધારીઓના દુધાળા પશુઓનું મારણ કરે છે. આવી જ એક ઘટના ધારી તાલુકાના કરમદડી ગામના પાદરમાં બની હતી. જ્યાં એક સિંહણ અને તેના બે બચ્ચાએ બે ગાય ફાડી ખાધી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કરમદડી ગામના બીજલભાઇ રબારીની ગાયને એક સિંહણ અને તેના બે બચ્ચાએ ગામથી થોડે દુર ફાડી ખાધી હતી. એવી જ રીતે હિરાભાઇ બધાભાઇ કોળીની ગાયને પણ સાવજોએ ફાડી ખાધી હતી.

સવારે ગામલોકોને મારણની જાણ થતા વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ છતા વનવિભાગનો સ્ટાફ અહીં ડોકાયો પણ ન હતો. આ વિસ્તારના ગરીબ માલધારીઓને સાવજો આ રીતે વારંવાર નુકશાન પહોંચાડે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-hunt-by-lions-3428088.html

Monday, June 11, 2012

જૂનાગઢ-મેંદરડા બાયપાસ સીધો નેશનલ હાઈ વે સાથે જોડાશે, રૂ.૭.૩૦ કરોડ મંજૂર.


જૂનાગઢ, તા.૯
રાજકોટ કે વેરાવળ તરફથી આવતા લોકોને મેંદરડા-સાસણ તરફ જવા માટે અત્યારે જૂનાગઢ શહેરમાંથી ફરજીયાત પસાર થવું પડે છે. પરિણામે જૂનાગઢના શહેરીજનો અને બહારથી આવતા લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ-મેંદરડા બાયપાસ રોડને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે આ સમસ્યાઓ હલ થવાની આશા લોકોમાંથી વ્યક્ત કરવામાં આવી રહી છે.
  • જૂનાગઢ શહેરનો ટ્રાફિક ઘટશે : બહારથી આવતા લોકોને હવે શહેરમાં નહી આવવું પડે
જૂનાગઢથી ઈવનગર થઈને મેંદરડા તરફ જતો બાયપાસ રસ્તો લોકો માટે ભારે સુવિધારૂપ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધેલા ટ્રાફિકના કારણે આ રસ્તો જૂનાગઢના શહેરીજનો માટે સમસ્યા રૂપ બની ગયો છે. કારણ કે રાજકોટ કે વેરાવળ તરફથી આવતા અને મેંદરડા-તાલાળા તરફ જતા લોકોને ફરજીયાત શહેરમાંથી પસાર થવું પડતું હતું. જેના કારણે શહેરના કોલેજ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. ખાસ કરીને ભારે વાહનોને લીધે ગંભીર અકસ્માતોની ભીતિ રહેતી હતી. માટે મેંદરડા બાયપાસને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડીને જૂનાગઢ શહેરનો ટ્રાફિક ઘટાડવા અને બહારથી આવતા લોકોની મૂશ્કેલી નિવારવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેના પગલે મેંદરડા બાયપાસને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડવા માટે રૂ.૭.૩૦ કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હોવાનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાંકે જણાવ્યું છે. એક રીંગરોડ તરીકે આ રસ્તાનું જોડાણ આગામી દિવસોમાં ખુબ જ મહત્વનું બની રહેશે. તેવી આશા બન્ને આગેવાનોએ વ્યક્ત કરી છે. તેમજ આ નવા જોડાણથી શહેરનો ટ્રાફિક ઘટશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
સાત કિ.મી.નું અંતર ઓછું કાપવું પડશે
મેંદરડા બાયપાસ સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડાઈ જવાથી પ્રવાસીઓને સાત કિ.મી.નું અંતર ઓછું કાપવું પડશે. અત્યારે મેંદરડા તરફથી આવીને રાજકોટ તરફ જવા માગતા કે પછી રાજકોટ તરફથી તાલાળા તરફ જવા માગતા લોકોને હવે જૂનાગઢ શહેરમાં નહી પ્રવેશવું પડે. અને આ વાહન ચાલકો બારોબાર થઈને પસાર થશે. માટે જૂનાગઢમાં આવવા-જવાનું સાત કિ.મી.નું ઓછું અંતર પ્રવાસીઓને કાપવું પડશે.

ખેતર અને વાડીમાં એક લાઈન બાજરા-જુવારની વાવવા અપીલ.


રાજકોટ, તા.૯ :
પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. પક્ષીઓ આપણી આહાર જાળની મહત્વની કડી છે. તેની સંખ્યા જળવાય રહે તે માટે નવરંગ નેચર ક્લબે ખેડૂતોને ખેતર અને વાડીમાં જુવારની એક લાઈન વાવવા અપીલ કરી છે. આવતીકાલની ચિંતામાં માનવે પર્યાવરણનું શોષણ કર્યું છે. સમય જતાં રોકડીયા પાકની ઉપજ લેવામાં અને જંતુનાશક દવાના ઉપયોગથી પ્રણાલીગત ખેતીની પધ્ધતિમાં ફેરફાર થયો છે. જુવાર અને બાજરા જેવા બરછટ અનાજની ખેતી ઘટતા પક્ષીઓનો ખોરાક ઘટયો અને પરિણામે
  • નવરંગ નેચર ક્લબનું સ્તુત્ય કાર્ય
  • નિર્દોષ અને અબોલ પક્ષીઓ કાજે
પક્ષીઓ ઘટયા. ચોમાસુ નજીકમાં છે ત્યારે કોઈપણ પાક લેતા ખેડૂત ખેતરના શેઢે બે-ત્રણ ચાસમાં જુવાર કે બાજરો વાવે તેવી અપીલ ક્લબે કરી છે. જેની લણણી કર્યા વગર ભગવાનના ભાગ તરીકે રાખી મૂકવાથી પક્ષીઓને ખોરાક મળતો રહેશે. ખેતરમાં આવનારા પક્ષીઓ આ અનાજના દાણા ખાવાની સાથે ઉપદ્રવી ઈયળોનો પણ નાશ કરશે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ પણ ઘટશે.૨૦૦૯થી શરૂ થયેલા આ અભિયાનમાં સૌરાષ્ટ્રના ૧૮,૦૦૦ ખેડૂતોએ તેમના ખેતરમાં એક ચાસ પક્ષીઓ માટે અનામત રાખ્યો હતો.
૨૦૧૦માં આ સંખ્યા વધીને ૪૦,૦૦૦, ૨૦૧૧માં ૫૦,૦૦૦ થઈ હતી. હવે ચાલુ વર્ષમાં એક લાખ ખેડૂતો જોડાય તેવી આશા વ્યક્ત થઈ છે.

કેસરનાં ઘટતા ઉત્પાદન અને ભાવ અંગે ચિંતા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:44 AM [IST](11/06/2012)
- સાસણ(ગીર)માં પ્રવાસન નિગમ સહિતનાં સહયોગથી મેંગો ફેસ્ટીવલનો પ્રારંભ : ૮૦ જાતની કેરી પ્રદર્શનમાં મુકાઈ

ગુર્જર ટૂરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી આયોજિત અને ગુજરાત પ્રવાસન નિગમ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સહયોગથી ત્રિદિવસીય મેંગો ફેસ્ટિવલનો કેસરી સિંહોના રહેઠાણ સાસણ(ગીર) પાસે અક્ષર ફાર્મ (સૂરજગઢ) માં આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજ્યનાં ૧૦૮ ખેડૂતોએ ૮૦ જાતની કેરી પ્રદર્શિત કરી છે. આ સેમિનારમાં કેસરનાં ઘટતાં ઉત્પાદન અને ભાવો અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી.

મેંગો ફેસ્ટિવલના પ્રારંભે ગુર્જર ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટીનાં પ્રમુખ મનિષ શર્માએ સ્વાગત કરી ગીર ખાતે ફેસ્ટિવલનું આયોજન કરવા પાછળનો હેતુ સમજાવતા કહ્યુ હતુ કે, જગવિખ્યાત કેસરી સિંહોની જેમ કેસર કેરી પણ દેશ-વિદેશમાં પ્રચલિત થાય તે છે. આ પ્રસંગે ઉપસ્થિત સંસદીય સચિવ એલ.ટી.રાજાણીએ કેરીના ઉત્પાદન અને ભાવમાં થતાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી તે વિશે સંશોધન કરવા ઉપર ભાર મૂક્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમનાં ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનાં વિવિધ વિસ્તારનાં ૧૦૮ ખેડૂતોએ સ્ટોલ ઉભા કરી વિવિધ જાતની ૮૦ કેરી પ્રદર્શિત કરી છે. વિશ્વમાં ૧૯૭ પ્રકારની કેરીનું ઉત્પાદન થાય છે જેમાં કેસર કેરીનું આગવું સ્થાન છે.

છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પ્રવાસીઓ આકર્ષિત થતાં એક વખત નુકશાન કરતું ગુજરાત ટુરીઝમ આજે વર્ષે ૧૮ કરોડથી પણ વધુ નફો કરતું થયું છે. પ્રવાસન વિભાગ દ્વારા આ મેંગો મહોત્સવનો નવતર પ્રયોગ સાસણમાં પ્રવાસીઓનું ઘોડાપુર લાવવા માટેનો એક અસીમ પ્રયાસ છે અને સ્થાનિક લોકોને નવી રોજગારીની તકો ઉભી થશે. ઉતર પ્રદેશથી આવેલ તજજ્ઞ કલીમુલ્લાખાન કે જેમણે ૧૭૦૦ થી વધુ જાતની કેરી તથા કલમોનો ઉછેર તેમજ એક જ આંબામાં ૩૧૫ જાતની કેરીનું ઉત્પાદન કર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી આવેલા અરવિંદ અમૃતે એક વર્ષમાં ૨૫ લાખ આંબા અને કાજુની કલમનું ઉત્પાદન અને વાવેતર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કિસાનોને કેરીની વિવિધ જાતની લાખો કલમો દર વર્ષે પુરી પાડે છે. જ્યારે ગુજરાતનાં ઠાકોરભાઇ પટેલે ઉપસ્થિત કિસાનોને કેરી તથા આંબાની માવજત વિશે ઉપયોગી માહિતી આપી હતી.

- કેસર કેરીને પાક વિમામાં સામેલ કરો : સંસદીય સચિવ રાજાણી

કેસર કેરીના પાકને પાકવિમાથી સુરક્ષિત કરવા લાંબા સમયથી તાલાલા પંથકના કિસાનો માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કિસાનોને ન્યાય આપવામાં આવતો નથી ત્યારે આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત પ્રધાનમંડળના સભ્ય એલ.ટી.રાજાણીએ ખુદ સ્વીકાયું છે કે, છેલ્લા પાંચ વર્ષથી પ્રતિકુળ આબોહવાના લીધે કેસર કેરીનો પાક અવિરત નિષ્ફળ જતો હોય કિસાનો આંબા કાપવા લાગ્યા છે ત્યારે સરકારે કેસર કેરીનાં પાકનો પાક વિમામાં સમાવેશ કરવો જોઇએ.

- મહારાષ્ટ્રમાં કેસર કેરી નંગમાં વેંચાય છે

મહારાષ્ટ્રના રત્નાગીરીથી આવેલા અમૃત ઇકોફાર્મના માલિકે તાલાલા પંથકમાં વજનનાં ભાવે વેંચાતી કેસર કેરી અંગે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. અમારે ત્યાં એપ્રીલ માસમાં કેસર કેરી પાકે છે. અમે ડઝનનાં લેખે કેસર કેરી વેંચીએ છીએ. જેથી ગુજરાતનાં કિસાનો કરતા મહારાષ્ટ્રના કિસાનોને દશગણા કેસર કેરીના ભાવ મળે છે. ગુજરાતમાં એપ્રીલ માસમાં કેસર કેરીનો પાક બજારમાં આવે તે માટે સરકાર દ્વારા પણ યોગ્ય સંશોધન કરી મહારાષ્ટ્રના કિસાનોની હરોળમાં ગુજરાતના કિસાનોનોે લાવવા જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

ખારાપાટમાં વસતા સાવજો પર પુરનો ખતરો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:29 PM [IST](11/06/2012)

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો પર ફરી આ ચોમાસામાં ખતરો ઉભો થયો છે. અહીંના ખારાપાટ વિસ્તારમાં ચોમાસામાં શેત્રુજી તથા ગાગડીયો નદીના પાણી ભરાઇ જતા હોય ભુતકાળમાં અનેક સિંહ મોતને ભેંટ્યા છે. ન્યૂમોનીયાથી અનેક સિંહબાળના મોત થઇ ચૂક્યા છે.અહીં સાવજો માટે સલામત સ્થળ ઉભા કરવા માંગ ઉઠી છે.

ચોમાસામાં ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, વગેરે ગામની સીમમાં ખારાપાટ વિસ્તારમાં ચોમાસાના ચાર મહીના પાણી ભરાઇ જાય છે. શેત્રુંજી તથા ગાગડીયો નદી અવાર નવાર કાંઠા તોડીને વહેતી હોય સાવજો પર ખતરો રહે છે.વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૮માં આવા પુરમાં ત્રણ સાવજો તણાઇને મોતને ભેંટ્યા હતાં. સતત પાણીના કારણે સિંહબાળનું ન્યૂમોનીયા થવાથી મોત થયાની પણ એકથી વધુ ઘટના બની છે.

ખારાપાટ વિસ્તારમાં જો માટીના ઉંચા ટીલા બનાવાય તો ભારે પુરના સંજોગોમાં આ સાવજો ત્યાં આશરો લઇ બચી શકે.પાછલા ત્રણ વર્ષથી તંત્રમાં આ બાબતે માત્ર વિચારણા જ ચાલી રહી છે.

અનેક લોકોની નજર સામે આઠ સાવજોએ કર્યો ભુંડનો શિકાર.


Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:20 PM [IST](11/06/2012)

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામની સીમમાં ગઇકાલે આઠ સાવજના ટોળાએ અનેક લોકોની નજર સામે જ એક ભૂંડનો શિકાર કરી તેને આરોગી ગયાં હતા. આ વિસ્તારમાં અનેક સાવજોનો વસવાટ છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવારનવાર ખેડૂતોની વાડી ખેતરમાં આવી ચડે છે.

ગઇરાત્રે હાથસણી અને શેલખંભાળીયા ગામ વચ્ચેની સીમમાં એકસાથે આઠ સાવજો ચડી આવ્યાં હતા. સાવજોએ નદીના પટમાં જ ધામા નાખ્યા હતાં. નદીના પટમાં સાવજ બેઠા હોવાના વાવડ મળતા સિંહ દર્શન માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. આ સમયે જ ભુખ્યા થયેલા સાવજોએ અનેક લોકોની નજર સામે ક્યાંકથી આવી ચડેલા એક ભુંડનું મારણ કર્યું હતું. એટલુ જ નહી જોતજોતામાં આ ભુંડને આરોગી ગયા હતા.

સિંહ દર્શન માટે લોકોની ભીડ ભલે એકઠી થતી હોય પરંતુ અહીંના ખેડુતોમાં ફફડાટ છે. કારણ કે સાવજોનો જ્યાં વસવાટ છે. ત્યાંથી જ સીમમાં જવાનો તેમનો રસ્તો નીકળે છે. ગઇરાતની ઘટના વખતે વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો.