Monday, June 11, 2012

કેસરનાં ઘટતા ઉત્પાદન અને ભાવ અંગે ચિંતા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:44 AM [IST](11/06/2012)
- સાસણ(ગીર)માં પ્રવાસન નિગમ સહિતનાં સહયોગથી મેંગો ફેસ્ટીવલનો પ્રારંભ : ૮૦ જાતની કેરી પ્રદર્શનમાં મુકાઈ

ગુર્જર ટૂરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી આયોજિત અને ગુજરાત પ્રવાસન નિગમ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સહયોગથી ત્રિદિવસીય મેંગો ફેસ્ટિવલનો કેસરી સિંહોના રહેઠાણ સાસણ(ગીર) પાસે અક્ષર ફાર્મ (સૂરજગઢ) માં આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજ્યનાં ૧૦૮ ખેડૂતોએ ૮૦ જાતની કેરી પ્રદર્શિત કરી છે. આ સેમિનારમાં કેસરનાં ઘટતાં ઉત્પાદન અને ભાવો અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી.

મેંગો ફેસ્ટિવલના પ્રારંભે ગુર્જર ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટીનાં પ્રમુખ મનિષ શર્માએ સ્વાગત કરી ગીર ખાતે ફેસ્ટિવલનું આયોજન કરવા પાછળનો હેતુ સમજાવતા કહ્યુ હતુ કે, જગવિખ્યાત કેસરી સિંહોની જેમ કેસર કેરી પણ દેશ-વિદેશમાં પ્રચલિત થાય તે છે. આ પ્રસંગે ઉપસ્થિત સંસદીય સચિવ એલ.ટી.રાજાણીએ કેરીના ઉત્પાદન અને ભાવમાં થતાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી તે વિશે સંશોધન કરવા ઉપર ભાર મૂક્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમનાં ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનાં વિવિધ વિસ્તારનાં ૧૦૮ ખેડૂતોએ સ્ટોલ ઉભા કરી વિવિધ જાતની ૮૦ કેરી પ્રદર્શિત કરી છે. વિશ્વમાં ૧૯૭ પ્રકારની કેરીનું ઉત્પાદન થાય છે જેમાં કેસર કેરીનું આગવું સ્થાન છે.

છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પ્રવાસીઓ આકર્ષિત થતાં એક વખત નુકશાન કરતું ગુજરાત ટુરીઝમ આજે વર્ષે ૧૮ કરોડથી પણ વધુ નફો કરતું થયું છે. પ્રવાસન વિભાગ દ્વારા આ મેંગો મહોત્સવનો નવતર પ્રયોગ સાસણમાં પ્રવાસીઓનું ઘોડાપુર લાવવા માટેનો એક અસીમ પ્રયાસ છે અને સ્થાનિક લોકોને નવી રોજગારીની તકો ઉભી થશે. ઉતર પ્રદેશથી આવેલ તજજ્ઞ કલીમુલ્લાખાન કે જેમણે ૧૭૦૦ થી વધુ જાતની કેરી તથા કલમોનો ઉછેર તેમજ એક જ આંબામાં ૩૧૫ જાતની કેરીનું ઉત્પાદન કર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી આવેલા અરવિંદ અમૃતે એક વર્ષમાં ૨૫ લાખ આંબા અને કાજુની કલમનું ઉત્પાદન અને વાવેતર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કિસાનોને કેરીની વિવિધ જાતની લાખો કલમો દર વર્ષે પુરી પાડે છે. જ્યારે ગુજરાતનાં ઠાકોરભાઇ પટેલે ઉપસ્થિત કિસાનોને કેરી તથા આંબાની માવજત વિશે ઉપયોગી માહિતી આપી હતી.

- કેસર કેરીને પાક વિમામાં સામેલ કરો : સંસદીય સચિવ રાજાણી

કેસર કેરીના પાકને પાકવિમાથી સુરક્ષિત કરવા લાંબા સમયથી તાલાલા પંથકના કિસાનો માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કિસાનોને ન્યાય આપવામાં આવતો નથી ત્યારે આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત પ્રધાનમંડળના સભ્ય એલ.ટી.રાજાણીએ ખુદ સ્વીકાયું છે કે, છેલ્લા પાંચ વર્ષથી પ્રતિકુળ આબોહવાના લીધે કેસર કેરીનો પાક અવિરત નિષ્ફળ જતો હોય કિસાનો આંબા કાપવા લાગ્યા છે ત્યારે સરકારે કેસર કેરીનાં પાકનો પાક વિમામાં સમાવેશ કરવો જોઇએ.

- મહારાષ્ટ્રમાં કેસર કેરી નંગમાં વેંચાય છે

મહારાષ્ટ્રના રત્નાગીરીથી આવેલા અમૃત ઇકોફાર્મના માલિકે તાલાલા પંથકમાં વજનનાં ભાવે વેંચાતી કેસર કેરી અંગે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. અમારે ત્યાં એપ્રીલ માસમાં કેસર કેરી પાકે છે. અમે ડઝનનાં લેખે કેસર કેરી વેંચીએ છીએ. જેથી ગુજરાતનાં કિસાનો કરતા મહારાષ્ટ્રના કિસાનોને દશગણા કેસર કેરીના ભાવ મળે છે. ગુજરાતમાં એપ્રીલ માસમાં કેસર કેરીનો પાક બજારમાં આવે તે માટે સરકાર દ્વારા પણ યોગ્ય સંશોધન કરી મહારાષ્ટ્રના કિસાનોની હરોળમાં ગુજરાતના કિસાનોનોે લાવવા જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

No comments: