Monday, June 11, 2012

જૂનાગઢ-મેંદરડા બાયપાસ સીધો નેશનલ હાઈ વે સાથે જોડાશે, રૂ.૭.૩૦ કરોડ મંજૂર.


જૂનાગઢ, તા.૯
રાજકોટ કે વેરાવળ તરફથી આવતા લોકોને મેંદરડા-સાસણ તરફ જવા માટે અત્યારે જૂનાગઢ શહેરમાંથી ફરજીયાત પસાર થવું પડે છે. પરિણામે જૂનાગઢના શહેરીજનો અને બહારથી આવતા લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ-મેંદરડા બાયપાસ રોડને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે આ સમસ્યાઓ હલ થવાની આશા લોકોમાંથી વ્યક્ત કરવામાં આવી રહી છે.
  • જૂનાગઢ શહેરનો ટ્રાફિક ઘટશે : બહારથી આવતા લોકોને હવે શહેરમાં નહી આવવું પડે
જૂનાગઢથી ઈવનગર થઈને મેંદરડા તરફ જતો બાયપાસ રસ્તો લોકો માટે ભારે સુવિધારૂપ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધેલા ટ્રાફિકના કારણે આ રસ્તો જૂનાગઢના શહેરીજનો માટે સમસ્યા રૂપ બની ગયો છે. કારણ કે રાજકોટ કે વેરાવળ તરફથી આવતા અને મેંદરડા-તાલાળા તરફ જતા લોકોને ફરજીયાત શહેરમાંથી પસાર થવું પડતું હતું. જેના કારણે શહેરના કોલેજ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. ખાસ કરીને ભારે વાહનોને લીધે ગંભીર અકસ્માતોની ભીતિ રહેતી હતી. માટે મેંદરડા બાયપાસને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડીને જૂનાગઢ શહેરનો ટ્રાફિક ઘટાડવા અને બહારથી આવતા લોકોની મૂશ્કેલી નિવારવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેના પગલે મેંદરડા બાયપાસને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડવા માટે રૂ.૭.૩૦ કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હોવાનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાંકે જણાવ્યું છે. એક રીંગરોડ તરીકે આ રસ્તાનું જોડાણ આગામી દિવસોમાં ખુબ જ મહત્વનું બની રહેશે. તેવી આશા બન્ને આગેવાનોએ વ્યક્ત કરી છે. તેમજ આ નવા જોડાણથી શહેરનો ટ્રાફિક ઘટશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
સાત કિ.મી.નું અંતર ઓછું કાપવું પડશે
મેંદરડા બાયપાસ સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડાઈ જવાથી પ્રવાસીઓને સાત કિ.મી.નું અંતર ઓછું કાપવું પડશે. અત્યારે મેંદરડા તરફથી આવીને રાજકોટ તરફ જવા માગતા કે પછી રાજકોટ તરફથી તાલાળા તરફ જવા માગતા લોકોને હવે જૂનાગઢ શહેરમાં નહી પ્રવેશવું પડે. અને આ વાહન ચાલકો બારોબાર થઈને પસાર થશે. માટે જૂનાગઢમાં આવવા-જવાનું સાત કિ.મી.નું ઓછું અંતર પ્રવાસીઓને કાપવું પડશે.

No comments: