Saturday, December 15, 2007

બેંગલોરમાં જાનવરોની ૩૨ લાખની ખાલ સાથે ત્રણ ઝડપાયા

(ટાઇમ્સ-સંદેશ ન્યૂઝ સર્વિસ) બેંગલોર, તા. ૧૪

જંગલી પ્રાણીઓનો શિકારી સંસાર ચાંદ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે તેમ છતાં દક્ષિણ ભારતમાં તેના નેટવર્કને કોઇ અસર થઇ હોય તેમ લાગતું નથી. જુદાં જુદાં પ્રાણીઓની રૂ. ૩૨ લાખની ખાલ સાથે ત્રણ શિકારીઓ ઝડપાતાં આ નેટવર્ક હજી પણ મોટ પાયે ચાલી રહ્યું હોવાનું પુરવાર થયું છે. આ શિકારીઓ ગુજરાતના શિકારીઓ સાથે પણ સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.

બેંગલોરના જંગલોમાંથી ત્રણ શિકારીઓ પ્રભાકર કેશવ, અરુણ પરશુરામ અને ઉદય પરશુરામને પકડીને તેમની પાસેથી વાઘની એક, ચિત્તાની ૨૧ તેમ જ અન્ય જાનવરોના ૪૩ ખાલો મેળવી હતી. તેઓ છેલ્લા દોઢ વર્ષથી વન વિભાગની નજર હેઠળ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં ગુજરાતના ભાવનગરમાંથી શિકારમાં સામેલ આઠ આદિવાસી મહિલાઓની ધરપકડ કરાતાં તે અંગે પણ તપાસ ચાલતી હતી.

ચિક્કેરૂરે ઉમેર્યું હતું કે, પ્રભાકર રાજયમાં સંસાર ચાંદ અંગત માણસ હતો. એક ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે તેણે છેલ્લા દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાવ્યો જ ન હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે ,પ્રભાકરના ટેલ

ફોન નંબર ગુજરાતમાં પકડાયેલી મહિલા શિકારીઓએ કોલ કરેલી યાદીમાં પણ હતા. આમ અહીંના શિકારીઓ સાથે તે મોટા પાયે સંપર્કમાં હતો. પોલીસ આ મામલે અન્ય રાજ્યોની પોલીસનો સહયોગ મેળવી રહી છે તેમ જ તેમાં વધુ સનસનીખેજ ખુલાસો થાય તેવી શક્યતા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=2&NewsID=41721&Keywords=Crime%20India%20Gujarati%20News

સુલતાનપુરમાં એ રાની પ્રાણી દીપડો નહીં પણ ઝરખ હોવાનું વનખાતાનું અનુમાન

ગોંડલ તા.૧૩
સુલતાનપુરમાં દીપડાએ રંઝાડ શરૂ કરી છે અને ખેતરે જતા ખેડૂત ઉપર હૂમલો કરે છે એવા અહેવાલો પછી વનખાતાના અધિકારી વી.કે .માદળિયા અને વન્યપ્રેમીએ સુલતાનપુર જઈ આ રાની પ્રાણીનાં પગલાનો અભ્યાસ કરતા આ પ્રાણી દીપડો નહીં પણ જંગલી માદા ઝરખ હોવાની સ્પષ્ટતા કરી છે.જો કે આ રાની પ્રાણી સાથે બચ્ચું હોવાના કારણે તેના રક્ષણ માટે આક્રમક હોવાથી ગમે તેના પર હુમલો કરી બેસે એવી શકયતા પણ દર્શાવી છે. સુલતાનપુરના ખેડૂત ધીરૂભાઈ બોઘાણી ઉપર દીપડાએ હુમલો કર્યાના બનાવ પછી ફોરેસ્ટર અને વન્ય પ્રેમી હિતેશ દવેએ ઈજાના નિશાન અને નહોરનો તથા ફૂટ પ્રિન્ટનો અભ્યાસ કરતાં આ રાની પ્રાણી દીપડો નહીં પરંતુ જંગલી ઝરખ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આમ છતાં અહીં ઉલ્લેખનીય છે કે ગોંડલ પંથકમાં અવારનવાર દીપડો ચડી આવે જ છે આ અગાઉ સુલતાનપુર દેવચડી અને ગોંડલની સીમમાં દીપડાએ ધામા નાખી ખેતીવાડી ઉપર કર્ફયુ લાદી દીધો હતો.

અને તેને પાંજરે પૂરવાની ફરજ પડી હતી. આ વખતે ચડી આવેલ પ્રાણી દીપડો છે કે ઝરખ એ વાતમાં જે તથ્ય હોય તે આ જંગલી પ્રાણીને તાકિદે પાંજરે પુરીને ખેડૂતોને ભયમુક્ત બનાવવા જરૂરી છે.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=41661&Keywords=Rajkot%20district%20gujarati%20news

સુલતાનપુર-બરવાળા રોડ પર ખેડૂત ઉપર દીપડાનો હુમલો

સુલતાનપુર, તા.૧૧

ગોંડલના સુલતાનપુર ગામની સીમમાંથી સુલતાનપુર-બરવાળા રોડ ઉપરથી પસાર થતા એક પ્રોઢ ખેડૂત પર દીપડાએ ઘાતક હુમલો કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. દીપડાના ઘાતક હુમલાના સમાચાર ગામમાં પ્રસરી ભયની લાગણી ફેલાલ હતી.

સુલતાનપુર ગામે બરવાળાના માર્ગ પર આવેલ મારૂધાર પંથકમાં કામ સબબ ખેતરે ગયેલ બોધાણી ધીરૂભાઈ ટપુભાઈ પર ચાર વાગ્યાની આસપાસ અચાનક દીપડો આવી ચડતા અને ધીરૂભાઈ પર દીપડાએ ઘાતક હુમલો કરતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ગોંડલ દવાખાને ખસેડવામાં આવેલ છે. બાદમાં દીપડાએ ગામ તરફ આવીને એક ગાય અને ભેંસનું મારણ કર્યુ હતું. આ અંગે જંગલખાતાને જાણ કરવામાં આવતાં જંગલખાતાનો સ્ટાફ ચૂંટણી કાર્યમાં રોકાયેલ હોવાથી દીપડાને પકડ વાની કાર્ય વાહી કરવામાં આવી ન હતી, જે હવે પછી કરવામા આવશે તેમ જાણવા મળેલ છે. માનવભક્ષી બનેલા દીપડાને તુરંત ઝડપી લેવા માટે ગામલોકોમાંથી વ્યાપક માગણી ઉઠવા પામી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=40943&Keywords=Rajkot%20District%20Gujarati%20News

ધારી તાલુકાના ખિસરી ગામની સીમમાં દીપડો પાંજરે પૂરાયો...

અમરેલી તા.૧૪

ધારી તાલુકાના ખિસરી ગામની સીમમાં ભય ફેલાવનાર અને પશુઓનાં મારણ કરી જનારા દીપડાને પાંજરે પૂરવામાં જંગલખાતાને સફળતાં મળી છે.મળતી વિગતો મુજબ ધારી તાલુકાના ખિસરી ગામની સીમમાં એક દીપડાએ પડાવ નાંખી આ વિસ્તારના ખેડૂતોને ભયભીત કરી દીધાં હતાં.આ દીપડાએ એક અઠવાડિયામાં બળદ કૂતરાં બકરાંઓના મારણ કરી આ વિસ્તારને કાયમી રહેઠાણ જેવો બનાવી દીધો હતો. દીપડાની હાજરીના કારણે ખેડૂતોને સીમમાં જવું ભારે પડી ગયું હતું.આ બાબતે વનખાતાને જાણ કરવામાં આવતા કરમદડી બીટના ગાર્ડ જીતુભાઈ રાણવા અને ચોકીદાર વલ્લભભાઈ પાટડિયાએ સીમ વિસ્તારમાં પાંજરૂ મૂકીને દીપડાને આબાદ રીતે પકડી પાડયો હતો.અને મધ્યગિર વિસ્તારના જંગલમાં મૂકત કરી દીધો હતો.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=41648&Keywords=Saurastra%20gujarati%20news

ગીરમાંથી નાનાં વન્ય પશુ - પક્ષીઓના શિકારનું રેકેટ ઝડપાયું

જૂનાગઢ,તા.૧૪

એશિયાઈ સાવજોના હત્યાકાંડથી રાજયભરમાં ખળભળાટ મચી ગયા બાદ સતર્ક બની ગયેલા વન વિભાગે ગીર જંગલમાંથી નાના વન્ય પશુ - પક્ષીઓના શિકારનું રેકેટ ઝડપી લીધુ છે. આ રેકેટમાં ઝડપાયેલ દેવીપૂજક ટોળકી પાસેથી મોર, તેતર, ચિતલ, શાહુડી, જંગલી ભુંડ વગેરેના અવશેષો તથા નેટ, ફાંસલા, ગીલોલ, છરી - છરા, કરવત, વાયર જેવા હથિયારો મળી આવતા ચોંકી ઉઠેલા વન તંત્રીએ તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી આગળની વિશેષ તપાસ પણ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક સ્ત્રીને માત્ર એક ફોરેસ્ટ ગાર્ડે કડક પૂછપરછ કરતાં આખા રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે. બીજી તરફ આ દેવીપૂજક ટોળકીની જેમ ગીર પંથકમાં વસવાટ કરતા અન્ય દેવીપૂજકો પણ આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે દિશામાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો અનુસાર આંકોલવાડી ગામના વિજ સબ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલ રાણી બચુ દેવીપુજક નામની મહિલાની શંકાસ્પદ હિલચાલ અંગે ફોરેસ્ટ ગાર્ડ પી.જી.અપારનાથીને શંકા જતાં તેણે પૂછપરછ કરી તલાશી લેતાં મહિલા પાસેથી વન્ય પ્રાણીઓનું માંસ મળી આવતાં ગાર્ડે તકાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી.

ગીર પશ્ચિમ વન વિભાગના ડી.સી.એફ. બી.પી.પત્તીની સૂચનાથી વન વિભાગના શશીકુમાર તથા ફોરેસ્ટરો એચ.આર.ભટ્ટ, એલ.વી.રાતડીયા અને આર.બી.બાંભણીયા તથા વન સ્ટાફે આ મહિલાના નિવાસસ્થાને દરોડો પાડતાં મોરના અવશેષો ઉપરાંત તેતર, શાહુડી, ચિતલ, જંગલી ભુંડ વગેરેના પણ અવશેષો મળી આવ્યા હતા. સાથે સાથે શિકારના ઉપયોગમાં લેવાતા નેટ, ફાંસલા, ગીલોલ, છરી - છરા, કરવત, કોયતો, વાયર વગેરે પણ મળી આવતાં વન સ્ટાફ ચોંકી ઉઠયો હતો. અને વિનુ બચુ દેવીપૂજક તથા બચુ ચના દેવીપુજકની પણ આ મહિલા સાથે ધરપકડ કરી હતી.

આ તમામની વન વિભાગે આકરી પૂછપરછ કરતાં આંકોલવાડી ગામની સીમમાં જેરામ વાલજી અકબરીના ગામની સીમમાં જેરામ વાલજી અકબરીના ખેતરમાં વિજ કરંટથી ચિતલના શિકારની ઘટના બહાર આવતાં વન વિભાગે તપાસ કરી ઘટના સ્થળેથી એક ચિતલનો મૃતદેહ તથા ઈલે.વિજ વાયરની વાડનો તાર કબ્જે કરી વાડી માલિકની ધરપકડ કરી હતી. આ ખેતરમાંથી જંગલમાંથી ગેરકાયદેસર રીતે કપાયેલા ૧ ટ્રેકટર જેટલા સાગના લાકડા પણ મળી આવ્યા હતા. જો કે આ તમામ કાર્યવાહી દરમ્યાન વિનોદ મનજી દેવીપૂજક નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો છે.

ગીર જંગલમાં નાના મોટા વન્ય પશુ - પક્ષીઓના શિકારના આ રેકેટમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે ડી.સી.એફ. બી.પી.પત્તીની સૂચનાથી વન વિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ફોરેસ્ટ ગાર્ડ જે.ડી.સુમરા, ડી.એલ.રાવલીયા, બી.પી.મહેતા, હમીરભાઈ ઝંઝુવાડીયા સહીતનો સ્ટાફ પણ જોડાયો હતો.

વન વિભાગે આ એક ઘટના ઝડપી લીધા બાદ ગીર પંથકમાં વસવાટ કરતા અન્ય દેવીપૂજક પરિવારો પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=41685&Keywords=Sorath%20gujarati%20news

Aaj nu Aushadh

ઉધરસ, જૂનો મરડો

ઉધરસમાં કફ ઘણો જ નીકળતો હોય એવી ઉધરસ મટાડવા માટેનો ઉત્તમ ઉપચાર નોંધી લો. સૂંઠનું બારીક ચૂર્ણ પા ચમચી + મોટી એલચીનું બારીક ચૂર્ણ પાંચથી છ ચોખાના દાણા જેટલું + એટલો જ સંચળનો પાઉડર બે ચમચી મધ સાથે મિશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. પચવામાં ભારે, ચીકણા અને મીઠા આહારદ્રવ્યો છોડી દેવા તથા સૂંઠ નાખીને ઉકાળેલું ઠંડું કરેલું પાણી પીવું. * આયુર્વેદમાં જૂના મરડાની ઉત્તમ દવા કઈ ? અમે તરત જ કહીએ કે 'કુટજારિષ્ટ.' જેમને જૂના મરડાને લીધે બે-ત્રણ કે વધારે પડતા ચીકાશવાળા, ગેસ સાથે ચીકણા ઝાડા થતા હોય તેમણે ચારથી પાંચ ચમચી કુટજારિષ્ટ સવારે, બપોરે અને રાત્રે પીવો. ઉષ્ણ, તીક્ષ્ણ આહારદ્રવ્યો અને અથાણાં, પાપડ ખાવા નહીં તથા સુપાચ્ય આહાર પ્રયોજવો.

Wednesday, December 12, 2007

ગીરગઢડા અને ગીર બોર્ડર પરના આજુબાજુના ગામોને જંગલખાતા દ્વારા હેરાનગતિ

ઉના, તા.૩
ગીરગઢડા ખાતે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકશન માટે આવેલા જૂનાગઢના પોલીસ અધિક્ષકે આગેવાનો, વેપારીઓ, સંસ્થાના વડાઓ સાથે લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં ગીરગઢડા અને આજુબાજુના ગીરના બોર્ડરના ગામોને જંગલ ખાતા દ્વારા થતી હેરાનગતિ અને બીન વ્યવહારૂ એવા જંગલી કાયદાઓ દ્વારા ગીરના ધર્મસ્થાનોમાં જવા માટે ખોટા અવરોધો ઉભા કરીને લોકોની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચે તેવું વર્તન કરવામાં આવે છે તેની રજૂઆત કરી હતી.મધ્યગીરમાં આવેલ પાતાળેશ્વર મહાદેવના યાત્રાળુઓ માટે સરકારે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રીના સાત દિવસ માટે નિ:શુલ્ક પ્રવેશનો હક્ક આપ્યો છે. તેમજ બાકીના દિવસોમાં પ્રવેશ ફી વસુલ લઈને યાત્રાળુઓને જવા દેવામાં આવતા પરંતુ તે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.ઉપરોકત પ્રશ્નને લઈને પોલીસ અધિક્ષકે જૂનાગઢની વન વિભાગની નાયબ વન સંરક્ષકની કચેરીને પ્રજાને અપાયેલાં હક્કનું રક્ષણ કરવા અને વ્યવહારૂ અભિગમ અપનાવવા રજૂઆત કરતા નાયબ વન સંરક્ષકે સરકાર તરફથી યાત્રાળુઓને જે જે ઠરાવ ક્રમાંકથી નિ:શુલ્ક પ્રવેશ તેમજ પ્રવેશ ફી વસુલ લઈને જવા દેવાય છે તેની હકીકત જણાવતો પત્ર ગીરગઢડાના આગેવાન તેમજ પંચાય ની સંસ્થાને પાઠવેલ છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=39125&Keywords=Saurashtra%20Guajarati%20News