Wednesday, November 17, 2010

૮ દાયકા પહેલા પરિક્રમા માટે પાંચ દિવસ ફાળવવા પડતા.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:45 PM [IST](16/11/2010)

પગપાળા ભવનાથ જઇ, રાતવાસો કરી બાદમાં પરિક્રમા શરૂ કરાતી
ગરવા ગઢ ગીરનારની પાવનકારી પરિક્રમામાં આજે અન્નક્ષેત્રો, રાશન-શાકભાજીની દુકાનો, સંદેશાવ્યવહારનાં સાધનો વધ્યાં છે. લોકોએ સામાન પ્રમાણમાં ઓછો લઇ જવો પડે છે. પરંતુ આજથી આઠ દાયકા પહેલાં પરિક્રમા કરવી હોય તો ઓછામાં ઓછા પાંચ દિવસ ફાળવવા જ પડતા.
જીવનસંધ્યાએ પહોંચેલા જૂનાગઢનાં વડીલો પોતાનાં વડીલો કેવી રીતે પરિક્રમામાં જતા તેના વિશે માંડીને કહે છે, એ વખતે ભવનાથ જવા આજની જેમ રીક્ષા ન મળતી. ભવનાથ જવા ગાડું બાંધવું પડતું. ગીરનારની પરિક્રમા કરવા પાંચ દિવસનું રાશન, શાક, મસાલા, તેલ, વાસણો, કપડાં, વગેરે સાથે લઇ જવા પડતા. ભવનાથમાં લોકો રાતવાસો કરતા. એ વખતે ત્યાં પણ ગાઢ જંગલ હતું. રાત્રિનાં સમયે તાપણું પેટાવવું પડે. ભાવિકો એ વખતે પ્રથમ પડાવ ભવનાથમાં, બીજો ઝીણાબાવાની મઢી પાસે, ત્રીજો માળવેલા પાસે, ચોથો બોરદેવી પાસે અને પરત આવી ભવનાથમાં પાછો એક રાતવાસો કરી ત્યારબાદ પરત આવતા. આજે તો મોટાભાગનો માર્ગ પહોળો અને માટી પાથરેલો હોય છે.
ભવનાથ સુધી તો વાહનો જાય છે. યાત્રાળુઓને ઘોડી ચઢતી વખતે રોડ સાઇડે વિસામો કરવા મળે છે. પરંતુ એ વખતે માર્ગ કેડી જેવો જ હતો. ભૂલા પડી જવાનો ભય પણ રહેતો. પીવાનાં પાણી માટે જોકે, ઝરણાંની સંખ્યા ઘણી વધુ હતી. વળી યાત્રાળુઓની સંખ્યા પણ મર્યાદિત રહેતી હોઇ ગંદકીનું પ્રમાણ ઓછું રહેતું. ઝીણાબાવાની મઢી પહેલાં આવતી નદી પસાર કરવા એ વખતે પુલ નહોતો. કમર સુધીનાં પાણીમાંથી પસાર થવું પડતું. આજે ગીરનારનાં જંગલમાં ઠેકઠેકાણે વનકર્મીઓ જોવા મળે. યાત્રાળુઓનાં કોલાહલને લીધે સિંહ-દીપડા જેવા રાની પશુઓ પરિક્રમા માર્ગથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ ત્યારે એવું નહોતું.
પરિક્રમાર્થીએ પોતાનાં જૂથની સાથે જ રહેવાનું. આજે અન્નક્ષેત્રોમાં ભોજન મળી રહે છે. લોકોને બહાર જમવામાં છોછ નથી. પરંતુ એ વખતે તો બહારનું કશું ખવાય નહીં એવી મોટાભાગનાં લોકોની આસ્થા રહેતી. આથી ભોજન જાતે જ ન્હાઇ, મંગાળા માંડીને રાંધવાનું રહેતું. ચાલતી વખતે અણિયાળા પથ્થરો અને ખડકાળ જમીન પર ઝડપથી ચાલી પણ ન શકાય. ૧૦-૧૫ કિલો વજન એક વ્યક્તિ આરામથી ઉંચકી શકતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-5-days-arranged-for-parikrama-before-8-decade-1555549.html

એક વિદેશી આલેખે છે ગિરનારનો ઈતિહાસ.

Source: Arjun Dangar, Junagadh   |   Last Updated 12:07 AM [IST](07/11/2010)

- ઓસ્ટ્રેલિયાનાં કીટકશાસ્ત્રીએ ગ્રંથમાં ગિરનારનાં તમામ નામો, સ્થળો સહિતની નાનામાં નાની વિગતો આવરી લીધી છે
ગિરનાર પર્વતનાં નામ કેટલા એ વિશે બહુ ઓછા જુનાગઢવાસીઓ જાણતા હશે, તેનો ઈતિહાસ ઘણો રોમાંચક છે. ત્યારે હવે ઈતિહાસને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ એક વિદેશીના હસ્તે થઇ રહ્યું છે. જી, હા ઓસ્ટ્રેલીયાનાં કીટકશાસ્ત્રી ડૉ. જહોન વેઇનર ‘‘જુનાગઢ અને ગિરનાર’’ નામનો એક અંગ્રેજી સંદર્ભ ગ્રંથ તૈયાર કરી રહ્યાં છે.
૨૨ વર્ષ પહેલા સૌપ્રથમ વખત જુનાગઢની ધરતી પર પણ મુક્યા બાદ જુનાગઢ પ્રત્યે તેના હૈયામાં અનન્ય લાગણી જન્મી છેલ્લાં બે વર્ષ પહેલા તેના મનમાં આ ગ્રંથ તૈયાર કરવાનો વિચાર સ્ફૂર્યો. ૫૫ વર્ષીય ડૉ. જહોન વેઇનરે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે મને ગિરનાર અને જુનાગઢ પ્રત્યે અતુટ લાગણી બંધાઈ ગઇ છે. છેલ્લાં ઘણા વર્ષોથી આ પર્વત જબરદસ્ત ઐતિહાસીક વારસો ધરાવતો હોવાનું સ્પષ્ટ થયા બાદ તેના વિશે કંઇક લખવાની ઇચ્છા થતી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન તેને સાકાર કરવાનું કામ મેં આરંભી દીધું.
તેઓ કહે છે કે, એ માટે મેં અનેક વખત ગિરનારની મુલાકાત લીધી છે. આજે તમામ સ્થળોએ હું ફર્યો છું. ત્યાંથી વિગતો એકત્ર કરી. જુનાગઢ શહેરમાં પણ અનેક લોકોની મેં મુલાકાત લીધી છે. તેઓનાં આધ્યાત્મીક અનુભવોનાં પ્રસંગો સાંભળ્યા છે. અને તેને મારા ગ્રંથમાં સમાવ્યા છે. વિગતો એકઠી કરવા માટે તેમણે એડવોકેટ હરીશ દેસાઇ, પરિમલ રૂપાણી, નિરંજન જોષી સહિતનાંઓની મુલાકાત પણ લીધી હતી.
જહોને આ ગ્રંથમાં જુનાગઢનો ઈતિહાસ ગિરનારના તમામ નામો, જોવાલાયક સ્થળોથી માંડીને નાનામાં નાની વિગતોનો સમાવેશ કર્યો છે. એ માટે તેઓએ અનેક પુસ્તકોનો સંદર્ભ ટાંકયો છે. ગ્રંથમાં એટલી વિગતો સમાવાઇ છે કે, જેનો એક સરેરાશ જુનાગઢવાસીઓને ખ્યાલ નહીં હોય.
એક વર્ષ બાદ તેઓ આ ગ્રંથ પ્રસિદ્ધ કરશે તેઓ કહે છે કે, જુનાગઢ અને ગિરનાર વિશે તમામ લોકોને માહિતી હોવી જોઇએ અને વધુમાં વધુ લોકો અહીં આવવા જોઇએ. જહોનને ભવનાથ, ગિરનારના તમામ સ્થળોના નામો કંઠીત છે.
- ડૉ. જહોન પરિક્રમા કરશે
ડૉ. જહોન વેઇનરે કહ્યું કે, આ વખતે હું ગિરનારની પરિક્રમા કરવાનો છું. બાકી ગિરનારનાં તમામ સ્થળો જોયા છે. અહીં બધુ જ છે બસ બાકી છે માત્ર મોક્ષ.
- અનેક ગ્રંથોનો અભ્યાસ
ડૉ.જહોન વેઇનરે આ ગ્રંથ તૈયાર કરવા માટે મહાભારત, રામાયણ, ત્રણ વેદ સહિતનાં અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. આ ગ્રંથમાં નરોત્તમ પલાણની નવલકથા ‘‘હું હું’’ પણ ઉલ્લેખ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-foreigner-described-girnar-history-1524562.html

અમિત જેઠવાનો હત્યારો શૈલેષ મુંબઇથી ઝડપાયો.

મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કુરલા વિસ્તારમાંથી પિસ્તોલ, રિવોલ્વર, કારતૂસોના જથ્થા સાથે ઝડપી લીધો

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ કરાતાં ટીમ મુંબઈ રવાના થઈ


આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારનાર શાર્પશૂટર શૈલેષ પંડ્યાની મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કુરલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. વિદેશી પિસ્તોલ, રિવોલ્વર તેમજ કારતૂસોના જથ્થા સાથે મુંબઈથી શૈલેષ પંડ્યા પકડાયો હોવાની જાણ થતાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ તેનો કબજો લેવા મુંબઈ રવાના થઈ છે. શૈલેષની ધરપકડના પગલે જેઠવાની હત્યાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો માર્ગ પોલીસ માટે મોકળો બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.૨૧ જુલાઈ-’૧૦ ના રોજ સોલા હાઇકોર્ટ નજીક આવેલા સત્યમેવ કોમ્પ્લેકસ પાસે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેમાં ક્રાઇમબ્રાન્ચે અત્યાર સુધીમાં જુનાગઢના સાંસદ દિનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકી, જુનાગઢના ગીર ગઢડા પોલીસમથકના કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, પચાણ શિવા સહિતના લોકોની ધરપકડ કરી છે. જ્યારે અમિત જેઠવાને ગોળી મારનાર શાર્પશૂટર શૈલેષ પંડ્યા નાસતો ફરતો હતો.
ઉલ્લેખનીય છે કે ગીરના જંગલોમાં ગેરકાયદે ચાલતી ખાણપ્રવૃત્તિ બંધ કરાવવા અમિત જેઠવાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. ઉપરાંત મોબાઇલ ટાવર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પણ તેણે અવાજ ઉઠાવ્યો હતો. જેના કારણે જુનાગઢના સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને મોટું નુકસાન થયું હતું. જેથી શિવા સોલંકીએ સોપારી આપીને અમિત જેઠવાની હત્યા કરાવી હતી.
અમિત જેઠવાની હત્યાના કાવતરામાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ જેઠવાના પિતાએ કર્યો હતો. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ સંખ્યાબંધ વખત દિનુ સોલંકીની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ આ કેસમાં દિનુ સોલંકીની સંડોવણી અંગે ક્રાઇમબ્રાન્ચ ભેદી મૌન સેવી રહી છે.
વધુમાં તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મૂળ હિંમતનગર પાસેના સોઈ ગામનો વતની શૈલેષ પંડ્યા ભૂતકાળમાં શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ પ્રેમમાં નાસીપાસ થયા બાદ પ્રેમિકાના કાકાની કરપીણ હત્યા કરીને તેણે ગુનાઇત કારકિર્દી શરૂ કરી હતી. હથિયારો સાથે પકડાયેલા શૈલેષ પંડ્યાની ધરપકડથી અમિત જેઠવા હત્યાકેસ ઉપરાંત સંખ્યાબંધ ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે નકારી નથી.
શૈલેષ સોલંકીની ધરપકડ કર્યા બાદ આ અંગે મુંબઈ ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ કરવામાં આવતાં ક્રાઇમબ્રાન્ચની ટીમ મુંબઈ રવાના થઈ છે અને બુધવારે શૈલેષ પંડ્યાને લઈને પાછી આવશે તેવું ક્રાઇમબ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-murderer-of-amit-jethwa-arrested-from-mumbai-1555520.html

જૂનાગઢ દામોદરકુંડમાં ડૂબતા લોકોને બચાવવા રેસ્ક્યૂ ટીમ.

જૂનાગઢ, તા.૧૬:
ગિરનાર પરિક્રમામાં આવતા લાખ્ખો ભાવિકો પવિત્ર એવા દામોદર કુંડમાં પણ સ્નાન કરતા હોય છે. ત્યારે કૂંડના ઉંડાણવાળા ભાગમાં ડૂબતા યાત્રિકોને બચાવવા માટે સેવાભાવિ યુવાનોની ખાસ રેસ્ક્યૂ ટીમ તૈનાત રહેશે.જૂનાગઢના નરસિંહ સરોવરમાં બોટીંગનો કોન્ટ્રાક્ટ ચલાવતા વિશાલ નૈકાયાનના વિજયભાઈ જોટવાની આગેવાની હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી દામોદર કૂંડ ખાતે કૂશળ તરવૈયાઓની ટીમ યાત્રિકોની બચાવ કામગીરી માટે તૈયાર રહે છે.પરિક્રમાના કારણે દામોદર કૂંડમાં સ્નાન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જતી હોય છે. ચાર-પાંચ દિવસ માટે તો પગ મૂકવાની જગ્યા હોતી નથી. તેવી સ્થિતિમાં કૂંડના કેટલાક ઉંડાણવાળા ભાગમાં ભૂલથી જઈ ચડેલા યાત્રિકો ડૂબી જવાના અકસ્માતો બનતા હોય છે.આવી સ્થિતિને પહોંચી વળવાની કામગીરી આ ટીમ દ્વારા કરવામાં આવશે. વિનામુલ્યે સેવા આપતી આ ટીમ પાસે લાઈફ જેકેટ, સેફ્ટી રીંગ અને દોરી જેવા સાધનો પણ છે. અને છેલ્લા બે વર્ષમાં ટીમે ૩૦ થી વધુ માનવ જીંદગી ડૂબતી બચાવી છે. આ ટૂકડી આ વર્ષે પણ યાત્રિકોની બચાવ કામગીરી કરશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239372

ગિરનાર પરિક્રમા રૃટ પર ૬૦ થી વધુ જગ્યાએ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા.

જૂનાગઢ, તા.૧૬
ગિરનાર પરિક્રમા આ વર્ષે પણ વહેલી શરૃ થઈ જતા પરિક્રમાના માર્ગ પર આશરે ૬૦ જેટલા અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા છે. શિવરાત્રિનો મેળો હોય કે ગિરનાર પરિક્રમા, ભાગ લેવા આવતા ભાવિકોને ભોજન કરાવવાની પ્રસિદ્ધ પ્રણાલી અનુસાર સૌરાષ્ટ્રભરમાંથી સેવાભાવિ સંસ્થાઓ કાર્યકરોની ફોજ સાથે દિવસો સુધી ગિરિતળેટીમાં અન્નક્ષેત્રો રૃપી સેવા પ્રવૃતિ ચલાવે છે.ગિરનાર પરિક્રમામાં પ્રાચિન સમયમાં યાત્રિકો સાથે જ કાચુ રાશન લઈને આવતા અને પાંચ દિવસ સુધી જાતે જ રસોઈ બનાવીને ભોજન કરતા હતાં. પરંત સમયના વહેણની સાથે આ પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ ગઈ છે. અને સેવાભાવિ સંસ્થાઓ દ્વારા પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ પર અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. જેમા લાખ્ખો યાત્રિકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે. જેથી યાત્રિકોને ભોજન માટેની કોઈ સામગ્રી ઘરેથી લાવવી પડતી નથી. વનવિભાગના સુત્રોના કહેવા પ્રમાણે આ વખતે પરિક્રમા માર્ગ પર આશરે ૬૦ જેટલા અન્નક્ષેત્રો શરૃ કરવામાં આવ્યા છે. સાથે સાથે પાણીના પરબ અને ચા માટે ૪૦ જેટલા નાના સ્ટોલ પણ ઉભા કરાયા છે. રાજકોટના ખોડિયાર મંડળ દ્વારા જીણાબાવાની મઢી અને બોરદેવી, શિવદરબાર આશ્રમ દ્વારા સૌથી વિકટ સ્થળ માળવેલાની ઘોડી, ભોજલરામ મંડળ દ્વારા બોરદેવી, મોરબીના શાંતિવન આશ્રમ દ્વારા જીણાબાવાની મઢી, જય ગિરનારી મંડળ દ્વારા બોરદેવી વગેરે સંસ્થાઓ વિવિધ વિસ્તારોમાં ભાવિકોના પ્રવાહને ધ્યાને લઈને અત્યારથી જ અન્નક્ષેત્રો શરૃ કરી દેવામાં આવ્યા છે. અને આજે સાંજ સુધીમાં લાખ્ખો ભાવિકોએ ભોજન પણ કર્યું છે.અન્નક્ષેત્રોમાં છ થી સાત દિવસ માટે યાત્રિકોને ભોજન કરાવવા માટે હજ્જારો કાર્યકરોની ફોજ પણ સંસ્થાઓની સાથે હોય છે. અને જાણે કે પોતાના સ્વજનો હોય તેવી રીતે તમામ યાત્રિકોને શક્ય એટલું સારૃ ભોજન પ્રેમથી પીરસવામાં આવી રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239291

મહાપાલિકા સાત દિવસ રાઉન્ડ ધ ક્લોક માહિતી કેન્દ્ર ચલાવશે.

જૂનાગઢ, તા.૧૬
ગિરનારની પરિક્રમા અને શિવરાત્રિના મેળા દરમિયાન મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી માહિતિ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ આજે સવારેથી માહિતિ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી આ કેન્દ્ર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહીને યાત્રિકોને પરિક્રમાને લગતી માહિતિ પુરી પાડશે.મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં શરૃ કરાયેલા માહિતિ કેન્દ્ર દ્વારા સતત સાત દિવસ સુધી યાત્રિકોને માહિતિ પુરી પાડવામાં આવશે. સાથે સાથે મહાપાલિકાની ખાસ કરીને સેનીટેશન સહિતની કામગીરી અંગેનું લાયઝન પણ કરવામાં આવશે. મનપાનું માહિતિ કેન્દ્ર સામાન્ય રીતે વિખુટા પડેલા યાત્રિકોના મિલન માટે જાણિતું છે. દર વર્ષે સંખ્યાબંધ નાના બાળકોને તેના પરિવાર સાથે આ માહિતિ કેન્દ્ર મેળવી આપે છે.માઈક પરની સતત જાહેરાત દ્વારા પરિક્રમા વિષયક અને પર્યાવરણની જાગૃતી લક્ષી માહિતિ પણ અહીથી આપવામાં આવી રહી છે. નાયબ કમિશનર એન.જે.ગોહિલના લાયઝન હેઠળ દિનેશ પુરોહિત, અરશીભાઈ કરંગીયા સહિતના ૧૪ કર્મચારીઓનો સ્ટાફ માહિતિ કેન્દ્ર પર કાર્યરત રહેશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239289

ગિરનાર પર્વત ઉપર માથાભારે ડોળીઓ વાળાનો બેફામ ત્રાસ.

જૂનાગઢ, તા.૧૪
આગામી સમયમાં પરિક્રમા શરૃ થઈ રહી છે તેવા સમયે જ ગિરનાર પર્વત પર કેટલાક ધરાર ડોળીવાળા બની બેસેલા માથાભારે તત્વો દ્વારા બેફામ ત્રાસ શરૃ થયો હોવાની ઉગ્ર રજૂઆત ડોળી મંડળના ૭૦ થી વધુ સભ્યો દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. તેમજ આ કહેવાતા ડોળીવાળા તત્વો યાત્રિકો પાસેથી બેફામ ભાવ લૂંટી રહ્યા હોવાની રાવ પણ કરી છે.
તગિરનાર પર્વત પર આવતા વૃદ્ધ અને અશક્ત યાત્રિકો માટે કેટલાય વર્ષોથી ડોળીની સુવિધા કાર્યકત છે. જેમા ગરીબ પરિવારના ડોળીવાળા સભ્યો સખત મહેનત કરીને પેટિયુ રળી રહ્યા છે. ડોળી મંડળના પ્રમુખ વિરજીભાઈની આગેવાની હેઠળ ડોળીવાળાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢના ટોચના અધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની એક સમિતિએ ડોળી માટેના ભાવ નિયત કરી આપ્યા છે. અને ભાવ વિશેનું એક બોર્ડ સીડી પર ૩૦ પગથિયે મૂકવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક કહેવાતા બની બેસેલા ડોળીવાળાઓએ આ બોર્ડ પણ તોડી નાખ્યું છે. અને કાયમી ડોળીનું કામ કરતા નાના માણસોને ધાક ધમકીઓ આપીને ડરાવી રહ્યા છે. યાત્રિકોને પણ ધરાર તેમની ડોળીમાં બેસવા ફરજ પાડવામાં આવી રહી છે.
આગામી સમયમાં પરિક્રમાના દિવસો આવી રહ્યા છે ત્યારે આ શખ્સો યાત્રિકો સાથે બેફામ લૂંટ ચલાવશે. આ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ શખ્સો સામે સત્વરે પગલા લેવા અને પગલા નહી લેવાય તો આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી પણ આપવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238782