Wednesday, November 17, 2010

અમિત જેઠવાનો હત્યારો શૈલેષ મુંબઇથી ઝડપાયો.

મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કુરલા વિસ્તારમાંથી પિસ્તોલ, રિવોલ્વર, કારતૂસોના જથ્થા સાથે ઝડપી લીધો

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ કરાતાં ટીમ મુંબઈ રવાના થઈ


આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારનાર શાર્પશૂટર શૈલેષ પંડ્યાની મુંબઈ ક્રાઇમબ્રાન્ચે કુરલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. વિદેશી પિસ્તોલ, રિવોલ્વર તેમજ કારતૂસોના જથ્થા સાથે મુંબઈથી શૈલેષ પંડ્યા પકડાયો હોવાની જાણ થતાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ તેનો કબજો લેવા મુંબઈ રવાના થઈ છે. શૈલેષની ધરપકડના પગલે જેઠવાની હત્યાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો માર્ગ પોલીસ માટે મોકળો બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.૨૧ જુલાઈ-’૧૦ ના રોજ સોલા હાઇકોર્ટ નજીક આવેલા સત્યમેવ કોમ્પ્લેકસ પાસે આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેમાં ક્રાઇમબ્રાન્ચે અત્યાર સુધીમાં જુનાગઢના સાંસદ દિનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકી, જુનાગઢના ગીર ગઢડા પોલીસમથકના કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, પચાણ શિવા સહિતના લોકોની ધરપકડ કરી છે. જ્યારે અમિત જેઠવાને ગોળી મારનાર શાર્પશૂટર શૈલેષ પંડ્યા નાસતો ફરતો હતો.
ઉલ્લેખનીય છે કે ગીરના જંગલોમાં ગેરકાયદે ચાલતી ખાણપ્રવૃત્તિ બંધ કરાવવા અમિત જેઠવાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. ઉપરાંત મોબાઇલ ટાવર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પણ તેણે અવાજ ઉઠાવ્યો હતો. જેના કારણે જુનાગઢના સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીને મોટું નુકસાન થયું હતું. જેથી શિવા સોલંકીએ સોપારી આપીને અમિત જેઠવાની હત્યા કરાવી હતી.
અમિત જેઠવાની હત્યાના કાવતરામાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ જેઠવાના પિતાએ કર્યો હતો. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ સંખ્યાબંધ વખત દિનુ સોલંકીની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ આ કેસમાં દિનુ સોલંકીની સંડોવણી અંગે ક્રાઇમબ્રાન્ચ ભેદી મૌન સેવી રહી છે.
વધુમાં તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, મૂળ હિંમતનગર પાસેના સોઈ ગામનો વતની શૈલેષ પંડ્યા ભૂતકાળમાં શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ પ્રેમમાં નાસીપાસ થયા બાદ પ્રેમિકાના કાકાની કરપીણ હત્યા કરીને તેણે ગુનાઇત કારકિર્દી શરૂ કરી હતી. હથિયારો સાથે પકડાયેલા શૈલેષ પંડ્યાની ધરપકડથી અમિત જેઠવા હત્યાકેસ ઉપરાંત સંખ્યાબંધ ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે નકારી નથી.
શૈલેષ સોલંકીની ધરપકડ કર્યા બાદ આ અંગે મુંબઈ ક્રાઇમબ્રાન્ચ દ્વારા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ કરવામાં આવતાં ક્રાઇમબ્રાન્ચની ટીમ મુંબઈ રવાના થઈ છે અને બુધવારે શૈલેષ પંડ્યાને લઈને પાછી આવશે તેવું ક્રાઇમબ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-murderer-of-amit-jethwa-arrested-from-mumbai-1555520.html

No comments: