Wednesday, November 17, 2010

ગિરનાર પર્વત ઉપર માથાભારે ડોળીઓ વાળાનો બેફામ ત્રાસ.

જૂનાગઢ, તા.૧૪
આગામી સમયમાં પરિક્રમા શરૃ થઈ રહી છે તેવા સમયે જ ગિરનાર પર્વત પર કેટલાક ધરાર ડોળીવાળા બની બેસેલા માથાભારે તત્વો દ્વારા બેફામ ત્રાસ શરૃ થયો હોવાની ઉગ્ર રજૂઆત ડોળી મંડળના ૭૦ થી વધુ સભ્યો દ્વારા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. તેમજ આ કહેવાતા ડોળીવાળા તત્વો યાત્રિકો પાસેથી બેફામ ભાવ લૂંટી રહ્યા હોવાની રાવ પણ કરી છે.
તગિરનાર પર્વત પર આવતા વૃદ્ધ અને અશક્ત યાત્રિકો માટે કેટલાય વર્ષોથી ડોળીની સુવિધા કાર્યકત છે. જેમા ગરીબ પરિવારના ડોળીવાળા સભ્યો સખત મહેનત કરીને પેટિયુ રળી રહ્યા છે. ડોળી મંડળના પ્રમુખ વિરજીભાઈની આગેવાની હેઠળ ડોળીવાળાઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જૂનાગઢના ટોચના અધિકારીઓ, સાધુ-સંતો અને આગેવાનોની એક સમિતિએ ડોળી માટેના ભાવ નિયત કરી આપ્યા છે. અને ભાવ વિશેનું એક બોર્ડ સીડી પર ૩૦ પગથિયે મૂકવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક કહેવાતા બની બેસેલા ડોળીવાળાઓએ આ બોર્ડ પણ તોડી નાખ્યું છે. અને કાયમી ડોળીનું કામ કરતા નાના માણસોને ધાક ધમકીઓ આપીને ડરાવી રહ્યા છે. યાત્રિકોને પણ ધરાર તેમની ડોળીમાં બેસવા ફરજ પાડવામાં આવી રહી છે.
આગામી સમયમાં પરિક્રમાના દિવસો આવી રહ્યા છે ત્યારે આ શખ્સો યાત્રિકો સાથે બેફામ લૂંટ ચલાવશે. આ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતા પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ શખ્સો સામે સત્વરે પગલા લેવા અને પગલા નહી લેવાય તો આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી પણ આપવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=238782

No comments: