Friday, August 31, 2007

ગિરનારમાં ચરીયાણ કરનારાઓ પર વનખાતુ ફરી ત્રાટકતા ચકચાર

જૂનાગઢ,તા.૩૦
ગીરનારના રક્ષીત જંગલમાં ગેરકાયદેસર રીતે ઢોરને ઘુસાડી જંગલને નુકશાન કરનારા તત્વો સામે વનખાતાએ થોડા સમય અગાઉ કાર્યવાહી હાથ ધર્યા બાદ ફરી એક વખત વનખાતાએ ત્રાટકી આવા આઠેક જેટલા શખ્સોને ઝડપી લઈ રૂા.૧૧,૭૦૦ નો દંડ ફટકારતા આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બીજી તરફ રક્ષીત જંગલને બોડી બામણીનું ખેતર સમજી મનફાવે તેમ પોતાના ઢોરને જંગલમાં ઘુસાડી જંગલને નુકશાન કરતા તત્વો સામે આવી કડક કાર્યવાહી હજી પણ શરૂ જ રાખવાના ઉચ્ચ અધિકારીઓના આદેશને પગલે વનખાતાના સ્ટાફે હજી પણ આવી કાર્યવાહી શરૂ રાખી છે.

જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારની ઉતર રેન્જના ગેરકાયદેસર રીતે ઢોરને ઘુસાડી ઢોર ચરાવી જંગલને નુકશાન કરતા તત્વો સામે વનખાતાએ કાયદાનું શસ્ત્ર ઉગામી જંગલનું રક્ષણ કરવાના હાથ ધરેલા અભિયાન વિશે વન વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગીરનાર જંગલને નુકશાન કરવાની વધી રહેલી પ્રવૃતિઓને સખત હાથે ડામી દેવા માટે જૂનાગઢ વન વિભાગના ડી.એફ.ઓ. બી.ટી.ચઢાસણીયાની સુચના અનુસાર ગીરનારની ઉતર રેન્જ વિસ્તારના ઈન્દ્રેશ્વર રાઉન્ડ, પાતુરણ રાઉન્ડ, રણશીવાવ રાઉન્ડ સહીતના જંગલ વિસ્તારોમાં આર.એફ.ઓ. એસ.કે.જાડેજા તેમજ વન ખાતાના વિજય યોગાનંદી અને ફોરેસ્ટરો એચ.વી.લોચા, પી.વી.મહેતા, બી.ડી.નિમાવત તેમજ વન રક્ષકો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ ચેકીંગ દરમ્યાન વન વિભાગના કાફલાએ જંગલમાં ગેરકાયદેસર ઘેટા, બકરા, ભેંસ સહીતના પશુઓને ઘુસાડી ગેરકાયદેસર રીતે ચરાવી જંગલને નુકશાન કરતા ભરત વાલસંગ (રે.ડેરવાણ) ને રૂા.પ૦૦, દાના વજા (રે.રાવત સાગર ડેમ) ને રૂા.૧પ૦૦, અશોક ભગુ વાંક (રે.બલીયાવડ) ને રૂા.પ૦૦, ભનુ માત્રા (રે.બલીયાવડ) ને રૂા.૧૮૦૦, દિલુ રાણીંગ (રે.પાતુરણ નેસ) ને રૂા.૧૪૦૦, મંગળુ હમીર (રે.પાતુરણ નેસ) ને રૂા.૪૦૦૦ અને હરી નાજકરણ (રે.પાતુરણ નેસ) ને રૂા.૩૮૦૦ નો દંડ ફટકારી કુલ રૂા.૧૧,૭૦૦ ની દંડની રકમ વસુલ કરતા આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
દરમ્યાનમાં આવા તત્વો સામેની ઝુંબેશ હજી પણ ચાલુ જ રાખવામાં આવનાર હોવાનું આર.એફ.ઓ. એસ.કે.જાડેજાએ અંતમાં જણાવ્યુ છે.

No comments: