Wednesday, October 3, 2012

ગીર આસપાસના બાળકોને જંગલ પ્રત્યે સંવેદનશીલ બનાવવા વનભ્રમણ કરાવશે.


જૂનાગઢ, તા.૨
ગીર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહોના રક્ષણ માટે સ્થાનિક પ્રજાજનોને જોડવાના અભિગમ અંતર્ગત આજથી શરૂ થયેલી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગીર આસપાસમાં વસવાટ કરતા બાળકોને જંગલ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે વનભ્રમણ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ગાંધી જયંતીના દિવસથી સાસણમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સ્થાનિક પ્રજાજનો સિંહ અને જંગલના રક્ષણ માટે આગળ આવે તેવા જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી અંતર્ગત ગીર આસપાસની શાળાના બાળકોને વનભ્રમણ કરાવવામાં આવશે.
ખાસ કરીને બાળકોમાં નાનપણથી જ જંગલ અને સિંહો માટે સંવેદના આવે તેવા આશયથી આ કાર્યક્રમ યોજાશે. આ વિશે વધુ વિગતો આપતા ડી.સી.એફ.(વન્યપ્રાણી વર્તુળ) ડો.સંદિપકુમારે જણાવ્યું છે કે, આ ઉપરાંત બાળકોની એક રેલી પણ યોજાશે. જેમાં બાળકો વન્યપ્રાણીઓના મહોરા પહેરીને વન્યજીવન બચાવવાની લોકોને અપિલ કરશે. તેમજ નિબંધ, ચિત્ર, વક્તૃત્વ, પ્રશ્નોત્તરી, સુત્રલેખન જેવી સ્પર્ધાઓ પણ યોજાશે. બીજી તરફ વનકર્મીઓ સારી રીતે કર્તવ્યનિષ્ઠ રહે તેના માટે અદ્યતન માહિતિ સાથે પ્રેઝન્ટેશન કેપેસીટી બિલ્ડીંગ જેવા કાર્યક્રમો યોજાશે.
આગામી તા.૮ ના રોજ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવશે.

No comments: