Tuesday, February 19, 2013

રાજુલા પંથકમાં વિહરતા એક હજાર પક્ષીઓ પર જોખમ.


રાજુલા,તા,૧૭
રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં વિહરતા એક હજાર જેટલા પેલિકન પક્ષીઓ પર જોખમ વધતું જાય છે. વિકટર, ચાંચ બાદ ગઈકાલે રાજુલામાં દશ જેટલા પેલિકન પક્ષીના મોત થતાં પક્ષીવિદોમાં ચતાની લાગણી જન્મી છે.
  • છાશવારે થતાં પેલિકન પક્ષીના મોતઃપક્ષીવિદોમાં ચિંતા
રાજુલા અને જાફરાબાદ પંથકમાં એક હજાર ઉપરાંત પેલિકન પક્ષીઓ વસવાટ કરે છે. આ વિદ્દેશી પક્ષીઓ ધાતરવડી ડેમ અને દરિયાકાંઠા વિસ્તારની શોભા વધારી રહ્યાં છે. આ પેલિકન પક્ષીઓના થતાં મોતથી લોકોમાં રોષની લાગણી જોવા મળે છે. અગાઉ વિકટર અને ચાંચ વિસ્તારમાં પક્ષીઓ મોતને ભેટયા હતા. ગઈકાલે ધાતરવડીના પટ્ટમાં દશ પક્ષીઓ મોતને ભેટયા હતા. આ વિસ્તારની શોભા વધારી રહેલાં પક્ષીઓ મોતને ભેટતા ચીંતાની લાગણી ઉભી થવા પામી છે. આ બાબતે તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=121146

બે પેલીકનના મૃતદેહ સૂકાઈ જતા પી.એમ. ન થઈ શક્યુ, કુદરતી મોતનો તંત્રનો દાવો.


જૂનાગઢ, તા.૧૭ :
જૂનાગઢ શહેરના વિલીંગ્ડન ડેમ સાઈટ વિસ્તારમાં વિદેશી મહેમાનો એવા પેલીકન પક્ષીઓના ભેદી મોત થઈ રહ્યા હોવાની બહાર આવેલી ઘટનાને પગલે હરકતમાં આવેલા વનવિભાગે અહીથી મળેલા બે મૃતદેહોને પી.એમ. માટે મોકલ્યા હતાં. પરંતુ મૃતદેહો સૂકાઈ જવાના કારણે તેમનું પી.એમ. થઈ શક્યું નથી. જો કે આ બન્ને પક્ષીઓના મૃત્યુ કુદરતી રીતે જ થયા હોવાનો દાવો હજૂ પણ વનવિભાગ કરી રહ્યું છે.
  • જળસ્ત્રોત પાસે કર્મચારીઓને ફરજ સોંપાશે : હવે મૃતદેહ મળતા જ પી.એમ. થશે
જૂનાગઢના વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોમાં યાયાવર પેલીકન પક્ષીઓના ભેદી રીતે મોત થતા હોવાની ઘટનાઓ બની છે. આ અંગેની વિગતો બહાર આવતા જ વનવિભાગ હરકતમાં આવી ગયું છે. અહીથી તાજેતરમાં મળેલા બે મૃતદેહોને કબજે કરીને વનવિભાગે પી.એમ. માટે મોકલ્યા હતાં. પરંતુ મૃતદેહો બે-ત્રણ દિવસથી પડયા હોય સૂકાઈ જતા તેનું પી.એમ. થઈ શક્યું નથી. દરમિયાનમાં આર.એફ.ઓ. પી.જે.મારૂએ દાવો કરતા જણાવ્યું હતું કે, પેલીકન પક્ષીઓના મોતની ઘટના માનવસર્જીત શિકાર નથી. કુદરતી રીતે બનતી ઘટનાઓ જ મોતનું કારણ છે. ડેમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગર અને દીપડા વસવાટ કરે છે. તેના દ્વારા આ પક્ષીઓને મારી નાખવામાં આવે છે. આ વિસ્તારમાં દીપડાના સગડ પણ મળ્યા છે. તથા આવી રીતે ઘણી વખત પેલીકનનો શિકાર થતો વનવિભાગના સ્ટાફે રૂબરૂમાં પણ નિહાળ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, પાણીની અથવા અન્ય કોઈ રીતે ઝેરી અસરને લીધે પણ આ પક્ષીઓના મૃત્યુ થયા હોય તેવી શક્યતા નકારી શકાય નહી. બીજી તરફ વનવિભાગે વિદેશી પક્ષીઓ આવતા હોય તેવા જૂનાગઢના તમામ જળસ્ત્રોત ખાતે નિયમીત ફેરણુ કરવા સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=121157

વિલીંગ્ડન ડેમ નજીક પેલિકન પક્ષીઓના ભેદી મોત.


જૂનાગઢ, તા.૧૫
જૂનાગઢ શહેરનું ફરવાનું રમણીય સ્થળ વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં હાલમાં પેલીકન પક્ષીઓ માટે મોતના મુખ સમાન બની ગયું છે. પેલીકન પક્ષીઓના ભેદી રીતે મોત નિપજ્યા હોવાની અહી ઉપરાછાપરી બનેલી કેટલીક ઘટનાઓના પગલે પક્ષીપ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. મળતી વિગતો અનુસાર છેલ્લા એકાદ મહિનામાં વારંવાર બનેલી ઘટનાઓમાં આઠથી દશ જેટલા વિદેશી મહેમાનો હોમાઈ ચૂક્યા છે. જેમાં આજે સવારે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. પક્ષીઓના મોત પાછળનું કારણ શોધવામાં વનવિભાગ ઉણું ઉતરી રહ્યું છે. તથા મૃતદેહોના પી.એમ. કરવાની તસ્દી પણ લેવામાં આવતી નથી.
  • વધુ બે મૃતદેહો મળ્યા : કારણ શોધવામાં ઉણું ઉતરી રહેલું વનવિભાગ : પી.એમ. કરવાની પણ તસ્દી નથી લેવાતી
શિયાળા દરમિયાન પાણીના સ્ત્રોત્ર નજીક મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચે છે. સ્થળાંતર કરીને આવતા આ પક્ષીઓ અહી પોતાના જીવનું રક્ષણ કરવા માટે આવતા હોય છે. પરંતુ જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ વિસ્તાર હાલમાં વિદેશી પક્ષી પેલીકન માટે મોતનું કારણ બની ગયો છે. પાણીના લીધે અહી મોટા પ્રમાણમાં આવી પહોંચેલા યાયાવર પેલીકનના ભેદી મોત થઈ રહ્યા છે. પક્ષીપ્રેમીઓમાંથી ઉઠેલી ફરિયાદ અનુસાર છેલ્લા એકાદ મહિનામાં અહી આઠથી દશ જેટલા પેલીકન પક્ષીઓના મોત નિપજ્યા છે. જેને લઈને અરેરાટી પ્રસરી ગઈ છે. વન્ય જીવસૃષ્ટિની સલામતી રખાતી હોવાના થતા દાવાઓ વચ્ચે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં જ પેલીકન પક્ષીઓના મોતના બનાવો બની રહ્યા છે.
આજે સવારે વધુ બે પેલીકનના મૃતદેહ અહીથી મળી આવ્યા છે. આ પક્ષીઓના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજૂ સુધી બહાર આવ્યું નથી. અને કદાચ ક્યારેય આવશે પણ નહી. કારણ કે અહી મૃત્યુ પામતા પેલીકન પક્ષીઓ બાબતે વનવિભાગ દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. તેના રક્ષણની વાત તો દૂર રહી મળી આવતા મૃતદેહો બાબતે જાણ કરવા છતાં વનવિભાગ દ્વારા કોઈ પગલા લેવાતા નથી. મૃતદેહોના પી.એમ. કરવામાં આવતા નથી.મૃતદેહો કબજે કરવાની તસ્દી પણ વનવિભાગે ક્યારેય લીધી નથી.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ઘટના શિકારની હોય તેવી શક્યતા વધારે છે. અને આ શિકાર કોઈ વન્યપ્રાણીઓ નહી, પરંતુ માનવી કરેલા હોય તેવી સ્થિતિમાં મૃતદેહો મળી રહ્યા છે. તો ડેમનું દૂષિત પાણી પીવાના કારણે પણ મૃત્યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત કોઈ ઝેરી અસરની શક્યતા પણ નકારી શકાય નહી. પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ પી.એમ. કર્યા બાદ જ ખ્યાલ આવી શકે. જે વનવિભાગ દ્વારા કરવામાં આવતું નથી. અહીથી મળતા પેલીકનના મૃતદેહોનું પી.એમ. કર્યા બાદ તેનું નક્કર કારણ જાણીને પગલા લેવાની તાતી જરૃરિયાત છે.
જૂનાગઢ શહેરમાં ડેમ ઉપરાંત અન્ય સ્થળ નરસિંહ મહેતા સરોવર ખાતે પણ પેલીકન પક્ષીઓ આવ્યા છે. અહી કૂતરાઓ દ્વારા શિકાર કરાયેલા અને અર્ધ ખાધેલા મૃતદેહો ઘણી વખત મળી આવ્યા છે. જેના માટે પણ વનવિભાગે પગલા લીધા નથી. અહીથી મળેલા મૃતદેહના પી.એમ. પણ થતા નથી. વનવિભાગને કદાચ ખ્યાલ પણ નહી હોય કે અહી પેલીકનના મોત થયા છે.
યાત્રાધામ અને પ્રવાસનધામ ગણાતા જૂનાગઢ શહેરમાં પ્રવાસીઓ માટેની ચિંતા વખતો વખત વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ વિદેશી મહેમાન બનીને અહી આવતા પેલીકન પક્ષીઓની દરકાર કરવાની તસ્દી કોઈ તંત્રએ લીધી નથી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દિશામાં સત્વરે પગલા લેવામાં આવે તેમજ કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપવામાં આવે તેવી ઉગ્ર માગણી પક્ષીપ્રેમીઓમાંથી ઉઠી રહી છે.
દીપડા કે મગર દ્વારા શિકાર થાય છે : વનવિભાગનો બચાવ
ડેમ ખાતે પેલીકન પક્ષીઓના મોત થતા હોવાની ઘટનામાં વનવિભાગ દ્વારા ગળે ન ઉતરે તેવો બચાવ કરવામાં આવી રહ્યો છે. મોતની ઘટનામાં દીપડા કે મગર દ્વારા શિકાર કરાતો હોવાનું બહાનુ વનવિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જો કે વનવિભાગ એમ પણ કહે છે કે, શિકાર કર્યા બાદ આ પ્રાણીઓ પક્ષીઓના મૃતદેહને ખાતા નથી !! ગિરનાર અભયારણ્યની ડૂંગર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. પી.જે.મારૃએ જણાવ્યું છે કે, પેલીકન પક્ષીઓના મોત થતા હોવાની ઘટનાઓ ડેમ ખાતે બને છે. પરંતુ આ મોત શિકારના કારણે થતા હોવાનું નજરે નિહાળ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઘણા મૃતદેહોના પી.એમ. પણ કરવામાં આવ્યા છે.
વિલીંગ્ડન ડેમ વિસ્તારની કૂખ્યાતીમાં વધારો
આમ તો વિલીંગ્ડન ડેમ વિસ્તાર શહેરીજનોમાં ફરવા લાયક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ આ વિસ્તાર એટલો જ કૂખ્યાત પણ છે. ચાંદની હત્યા કાંડની ઘટના આ સ્થળ નજીક જ બની હતી. આ ઉપરાંત રોમિયોગીરી, આવારા તત્વો, દારૃ જેવા દૂષણો પણ અહી વ્યાપક પ્રમાણમાં પ્રસરેલા છે. ત્યારે વિલીંગ્ડન ડેમની કૂખ્યાતીમાં હવે વધારો થયો છે. પેલીકન પક્ષીઓના મોતને લઈને આ વિસ્તારના ખરાબ પાસામાં વધુ એકનો વધારો થઈ ગયો છે. અહી માણસોની સલામતી માટેની પણ પુરતી વ્યવસ્થા નથી ત્યાં પક્ષીઓની સલામતીનો વિચાર પણ ક્યાંથી કરી શકાય ?? કોઈ ચર્ચાસ્પદ ઘટના બને એટલા સમય પુરતો આ વિસ્તાર પ્રકાશમાં આવે છે. પછી બધુ જ ભૂલાઈ જાય છે. અને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.
http://www.sandesh.com/article.aspx?newsid=120681

જંગલ, વીજ, ખાણ તંત્ર દ્વારા કરાતી પરેશાની સામે કિસાન સંઘનાં ધરણાં.


જૂનાગઢ, તા.૧૨
જંગલ, ખાણ-ખનિજ અને વીજ તંત્ર દ્વારા મોટાભાગે ખેડૂતોને બિનજરૂરી રીતે પરેશાન કરવામાં આવતા હોવાની રાવ સાથે જૂનાગઢ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આવેદન પત્ર પાઠવીને આ અંગે સત્વરે યોગ્ય પગલા લેવાની માગણી પણ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં તળાવો ઉંડા ઉતારવા માટે ખેડૂતોને માટી ઉપાડવાની છૂટ આપવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મંત્રી વિઠ્ઠલભાઈ દૂધાત્રા, જિલ્લા પ્રમુખ ઉકાભાઈ પટોળિયા, જમનભાઈ ટાંક સહિતના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, નિયમો વિરૂદ્ધ આડેધડ વીજ ચેકિંગ કરીને ખેડૂતોને રીતસર હેરાન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અત્યારની દૂષ્કાળની સ્થિતિમાં શહેરોના પ્રમાણમાં જ ગામડાઓમાં પણ પાણીની જરૂરિયાત છે. જેના માટે વ્યવસ્થા કરવાની જરૂર છે. જ્યારે કપાસના ખરીદ કેન્દ્રો ચાલુ કરાવીને આયાત બંધ કરીને વધુમાં વધુ નિકાસની છૂટ આપવી, ગત વર્ષે ઘઉંની ખરીદીમાં રાજ્ય સરકારે જાહેર કરેલું બોનસ તાત્કાલીક અસરથી ખેડૂતોને પહોંચતું કરવું, રસ્તાઓના કામ તાત્કાલીક અસરથી કરવા, ખેડૂતોને ડિઝલમાં સબસીડી આપવી, ખેત ઉત્પાદનના ઘટતા ભાવોને કાબૂમાં રાખવા સરકાર દ્વારા સત્વરે ખરીદી કરાય વગેરે જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારને લગતી માગણીઓ પણ આવેદન પત્રમાં કરવામાં આવી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=120092

જુનાગઢના સાસણ, મેંદરડામાં ધોધમાર વરસાદ.


જુનાગઢના સાસણ, મેંદરડામાં ધોધમાર વરસાદ
Divyabhaskar.com  |  Feb 16, 2013, 13:00PM IST
- રાત્રીનાં સમયે વરસાદથી નાના ગામો પાણી પાણી થઇ ગયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલ્ટો થવાથી વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે પણ સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરોમાં વાદળો ઘેરાયા હતા અને માવઠું થવાની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. વાતાવરણમાં પલ્ટાથી તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન ગત મોડી રાત્રે જુનાગઢ તાબેનાં સાસણ અને મેંદરડા પંથકમાં જોરદાર માવઠું થયાનાં સમાચાર મળી રહ્યાં છે. સાસણનાં આંકોલવાડી, જામવાડ, વિરપુર બોરવાવ,રમણેચી સહિતનાં ગામોમાં રાત્રીનાં વરસાદ વરસ્યો હતો. જોરદાર ઝાપટાથી ગામડાઓ પાણી પાણી થઇ ગયા હતા. તલાલા પંથકમાં અંદાજિત ૧૦ મી.મી. વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું છે.
સાસણ વિસ્તારમાં માવઠું થવાને કારણે કેરીને પાકને પણ અસર થવાની પુરેપુરી સંભાવના છે.
જુનાગઢ સિવાય અન્યત્ર શહેરોમાં સવારે વાતાવરણ ખુલ્લુ થઇ ગયું છે. રાજકોટમાં સવારે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

Monday, February 18, 2013

ઘાયલ સિંહણ થઇ સ્વસ્થ, ફરી જંગલમાં થઇ ફરતી.


 

Dilip Raval, Amreli | Feb 06, 2013, 12:18PM IST
- પંદર દિવસ પહેલા ધારીના જંગલ વિસ્તારમાંથી મળી હતી, એનીમલ કેર સેન્ટરમાં સારવાર અપાય
ધારી ગીરપુર્વના દલખાણીયાના રામગઢના જંગલ વિસ્તારમાંથી પંદરેક દિવસ પહેલા એક ઇજાગ્રસ્ત સિંહણ વનવિભાગના સ્ટાફને નજરે પડતા રેસ્કયુ ટીમ દ્વારા આ સિંહણને પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. બાદમાં આ સિંહણ સ્વસ્થ થતા તેને ફરી તે જ વિસ્તારમાં મુકત કરી દેવામાં આવી હતી.
રામગઢના જંગલ વિસ્તારમાંથી પંદરેક દિવસ પહેલા વનવિભાગના સ્ટાફને એક ઇજાગ્રસ્ત હાલતમાં સિંહણ નજરે પડતા વનવિભાગના સ્ટાફ દ્વારા તેને પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે આ સિંહણ સારવાર બાદ સ્વસ્થ થઇ જતા ફોરેસ્ટર ઓસમાણભાઇ જોખીયા, બીટગાર્ડ શીલુભાઇ, રેસ્કયુ ટીમના હિતેષભાઇ ઠાકર, શેરમહંમદ બ્લોચ સહિત સ્ટાફે ફરી આ સિંહણને તે જ વિસ્તારમાં મુકત કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તાર તેમજ રેવન્યુમાં અનેક વખત બિમાર અથવા ઇજાગ્રસ્ત હાલતમાં વન્યપ્રાણીઓ મળી આવે છે. વનવિભાગના સ્ટાફ દ્વારા આવા પ્રાણીઓને તુરત પાંજરે પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવે છે. અને બાદમાં વન્યપ્રાણી સ્વસ્થ બની જતા ફરી તેના વિસ્તારમાં છોડી મુકવામાં આવે છે.

માંગરોળ પંથકમાં કુંજ પક્ષીનાં શિકાર, શિકારીઓને નથી ખોફ.

માંગરોળ પંથકમાં કુંજ પક્ષીનાં શિકાર, શિકારીઓને નથી ખોફ

Bhaskar News, Mangrol  |  Feb 15, 2013, 00:29AM IST
- શીલબારા નજીક જીઆરડીના જવાનોએ પડકારતા ૪ શિકારીઓ અંધારામાં પલાયન : ઘટનાસ્થળેથી અંદાજે ૫.૫ ફૂટનો પતંગ, દોરી, જાળ કબ્જે
- શિકારીઓને વનખાતાનો ખોફ નથી : કોડીનાર, ઊના અને માંગરોળ પંથક એપી સેન્ટર


માંગરોળ નજીક શીલબારા પાસે ગતરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય રક્ષક દળના જવાનોએ કુંજપક્ષીઓનાં શિકારની પેરવી કરતા શખ્સોને પડકારતા ચાર શિકારીઓ અંધારામાં પલાયન થઇ ગયા હતા. ધટનાસ્થળેથી સામાન્ય માણસના કદ જેટલો મોટો પતંગ, દોરી, જાળ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. વનખાતાએ વધુ તપાસ હાથ ધરી છે.

મજિબાની માટે માંગરોળનાં આજુબાજુના વિસ્તારોમાં નિર્દોષ પક્ષીઓના શિકારની પ્રવૃતિ ડામવા વનખાતુ નિષ્ફળ પુરવાર થયું હોય તેમ વિસેક દિવસ પહેલા ત્રણ કુંજ પક્ષીઓના શિકાર સાથે ૪ શખ્સો ઝડપાયા બાદ શીલબારા પાસે હજુ પણ આ પ્રવૃતિ બેરોકટોક ચાલુ છે. અત્રેથી ૧૨ કિ.મી. દૂર આવેલી દરિયાઇ પટ્ટી પર ગ્રામ્ય સુરક્ષા દળ (જીઆરડી)ના બે જવાનો રાત્રીનાં ૯:૩૦ કલાકે પેટ્રોલીંગમાં હતા. એ સમયે કશુંક શંકાસ્પદ જણાતા તેમણે બાઇકની લાઇટો બંધ કરી તપાસ હાથ ધરી હતી.

જ્યાં થોડે દૂર ચારેક શખ્સો વિદેશથી આવતા કુંજ પક્ષીઓના શિકારની તૈયારી કરતા નજરે પડતા જવાનોએ તેમને પડકાર્યા હતા. દરમિયાન શિકારીઓ ભાગવા લાગતા આ યુવાનોએ તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાત્રીના અંધારામાં શિકારની પ્રવૃતિમાં વપરાતી જાળમાં એક જવાનનો પગ ફસાઇ જતા તે જમીન પર ફસડાઇ પડ્યો હતો.

જેનો લાભ લઇ શિકારીઓ મુઠીઓ વાળીન ેનાસી છુટયા હતા. આ અંગે ગીર નેચર યુથ ક્લબના સદસ્યોનો મોબાઇલ પર સંપર્ક કરતા ૧૦ થી ૧૫ જેટલા યુવાનો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા. અડધોથી પોણો કિ.મી. જંગલ વિસ્તારમાં ફંફોળવા છતાં શિકારીઓ હાથ લાગ્યા ન હતા.

ટીમરુના વેચાણથી શ્રમિક વર્ગની મહિલાઓ પણ મેળવે છે રોજીરોટી.

Bhaskar News, Amreli | Feb 18, 2013, 02:00AM IST
- જંગલમાં પાકતાં મીઠાં ટીમરુ અમરેલી અને ધારીની બજારમાં

ગીર જંગલમાં ટીમરૂના ઝાડની ભરમાર છે. ઉનાળાના આરંભે પાણી વગર જ આ ઝાડ પર લુમેઝુમે ટીમરૂના ફળ પાકે છે. હાલમાં ટીમરૂના ફળ પાકવાની શરૂઆત થઇ ગઇ હોય અમરેલી તથા ધારીની બજારમાં ટીમરૂ વેચાણ માટે આવી ગયા છે. મજુર વર્ગના લોકો ટીમરૂ તોડી લાવી છુટક વેચાણ કરે છે.

ગીર પંથકમાં પાકતા ટીમરૂ અમરેલીની બજારમાં વેચાણ માટે આવ્યા છે. ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાં ટીમરૂના પુષ્કળ ઝાડ છે. આ જંગલી ઝાડ પર પાકતા ફળો સ્વાદમાં તુરા અને મીઠા હોય છે. ગીરના લોકો આ ફળથી સારી રીતે પરિચિત છે. અને અહીના લોકો કાયમ આ ફળ ખાય છે. પરંતુ ગીરથી દુરના પ્રદેશોમાં રહેતા લોકો ટીમરૂથી ભાગ્યે જ પરિચિત હોય છે. અને તેમના સુધી ભાગ્યે જ આ ફળ પહોંચે છે. ટીમરૂનુ ઝાડ એ જંગલી ઝાડ છે.

ચોમાસા સીવાય તેને પાણી મળતુ નથી. આમછતા ઉનાળાના આરંભે વગર પાણીએ જ આ ઝાડ પર ફળ આવે છે. ધુળેટી તથા આસપાસના દિવસોમાં આ ફળો સૌથી વધારે પાકે છે. ટીમરૂના ફળો મોટેરાઓ તો ખાય જ છે. પરંતુ બાળકોને તે પ્રિય છે. તુરા અને મીઠા સ્વાદના ટીમરૂ શરીર માટે ભારે ગુણકારી પણ છે.

- મજૂરવર્ગ માટે રોજીરોટીનું સાધન

ટીમરૂની કોઇ પધ્ધતિસર ખેતી કરતુ નથી. જંગલી ઝાડ પર થતા આ ફળો મજુરવર્ગના લોકો જઇને તોડી લાવે છે. અને બાદમાં બજારમાં તેનુ છુટક વેચાણ કરી થોડીઘણી રકમ મેળવી પોતાનો ગુજારો ચલાવે છે. ટીમરૂની આ સિઝન થોડા સમય માટે હોય છે.

મહેમાન પક્ષીઓ કેમ ટપોટપ મરી રહ્યાં છે ? આંકડો વધ્યો.

Bhaskar News, Amreli | Feb 17, 2013, 23:53PM IST
- રાજુલા, જાફરાબાદ, લાઠી સહિતમાં પક્ષીઓનાં કમોત તપાસ માંગે છે
- વનવિભાગ લેબોરેટરી રીપોર્ટની રાહ જોઈ રહ્યું છે : જ્યારે પક્ષી પ્રેમીઓ આ ઘટનાથી વ્યથિત


અમરેલી જિલ્લાનાં વિવિધ જળાશયોમાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ  અમરેલી જિલ્લાના વિવિધ જળાશયો પર પ્રવાસી પક્ષીઓના ધાડેધાડા ઉતરી આવે છે. અને શિયાળો પુરો થતા પોતાના વતનમાં પરત ઉડી જાય છે.

પરંતુ આ વખતે જુદાજુદા જળાશયો પર આ પ્રવાસી પક્ષીઓના ભેદી સંજોગોમાં મોતની ઘટનાઓ અનેક બની હતી. આ ઘટનાઓ ખાંભા રાજુલા જાફરાબાદ લાઠી અને અમરેલી તાલુકામાં નોંધાઇ હતી. આ પક્ષીઓ ક્યા કારણે મોતને ભેંટયા તેની તપાસ થવી ખુબ જ જરૂરી છે.

રાજુલા જાફરાબાદ તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ ઉતરી આવે છે. દરિયા કાંઠાના આ પ્રદેશો છેક સાયબેરીયાથી હજારો કીમીનો પંથ કાપી શિયાળો ગાળવા આવતા આ પ્રવાસી વધારે અનુકૂળ આવે છે. અહી શિકારની પણ ભરમાર છે અને આ પક્ષીઓને માફક આવે તેવુ વાતાવરણ પણ છે. આ ઉપરાંત જિલ્લાના જુદાજુદા ડેમ કે તળાવોના કાંઠે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ઉતરી આવ્યા હતાં.

આ પક્ષીઓમાં સૌથી વધારે સંખ્યા કુંજ કરકરા અને ફલેમીંગો પક્ષીની હતી. પરંતુ આ વખતે અજીબ રીતે આ પ્રવાસી પક્ષીઓ ભેદી રોગચાળાનો ભોગ બન્યા અને મોટી સંખ્યામાં મોતને ભેંટયા. સામાન્ય રીતે દર વર્ષે આવુ બનતુ નથી. ટપોટપ પક્ષીઓ મોતને ભેંટયા તેનુ કારણ શું ?. આ ઘટનાને લીધે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. શું આ પક્ષી આ વિસ્તારમાં આવ્યા ત્યારે સાથે જ કોઇ રોગચાળો લઇને આવ્યા હતાં?. કે આ વિસ્તારમાં આવ્યા બાદ કોઇ રોગચાાનો ભોગ બન્યા ?  કે પછી આટલા પક્ષીઓની સંખ્યામાં આટલા પક્ષીના મોતની ઘટના સામાન્ય છે.

પણ લોકોમાં પક્ષીઓ અંગે આવેલી જાગૃતિના કારણે આ સંખ્યા વધુ દેખાઇ રહી છે.  બર્ડ ફલુની જેમ માણસમાં ફેલાય તેવો ગભીર રોગચાળો લઇને તો આ પક્ષીઓ નથી આવ્યાને વગેરે પ્રકારના સવાલ ઉઠવા પામ્યા છે. વિકટમાં સંખ્યાબંધ પક્ષીઓના મોત બાદ વન વિભાગ દ્વારા આ પક્ષીઓના મૃતદેહમાંથી જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. હકીકત જે હોય તે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે.

- ક્યાં ક્યાં મોતને ભેંટયા પ્રવાસી પક્ષી

વિકટર ગામના ખારામાં પ્રવાસી પક્ષીઓના મોતની ઘટના સૌથી વધુ બની હતી. અહીં સતત પંદર દીવસ સુધી પ્રવાસી પક્ષીઓના મોતની ઘટના બનતી રહી છતાં તંત્ર કશુ કરી શક્યુ ન હતું. આ ઉપરાંત લાઠીના ચેક ડેમમાં અને અમરેલીના કામનાથ ડેમમાં પણ આવી જ ઘટના બની હતી. હવે રાજુલાના ધાતરવડી ડેમમાં પણ મોટી સંખ્યામાં આ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. પણ તંત્ર લાચાર છે.

- બગલામાં પણ પ્રસર્યો રોગચાળો ?

એવુ નથી કે માત્ર પ્રવાસી પક્ષીઓ જ મર્યા છે. બગલાના સામુહીક મોતની ઘટનાઓ પણ બની છે. અમરેલી તાલુકાના વાંકીયા ગામે એક સાથે ૫૦ જેટલા બગલા મરી ગયાં હતાં. આવી જ એક ઘટના લીલીયા તાલુકામાં પણ બની હતી. અંટાળીયા ગામે મહાદેવના મંદીરે એક સાથે ૪૦ બગલાના મોતની ઘટના બની હતી. પ્રવાસી પક્ષીઓનો રોગચાળો સ્થાનીક પક્ષીઓમાં પ્રસર્યો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે.

ક્રાંકચમાં સિંહણનાં મોતની તપાસ માટે એસીએફ દોડી આવ્યા.


Bhaskar News, Liliya | Feb 17, 2013, 00:10AM IST
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં એક કુવામાં પડી જતા ત્રણ વર્ષની સિંહણનું મોત થયા બાદ આ પ્રકરણની તપાસ માટે એસીએફ ભાવસાર આજે લીલીયા દોડી આવ્યા હતાં અને ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યુ હતું.
 
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૦થી વધુ સાવજોનો વસવાટ છે જે પૈકી એક સિંહણનું બે દિવસ પહેલા કુવામાં પડી જવાથી મોત થયુ હતું. વન વિભાગના પ્રાથમીક તારણમાં શીકાર પાછળ દોડતી વખતે સિંહણ કુવામાં પડી જતા મોત થયાનું અનુમાન લગાવાયુ હતું. આમ છતાં સિંહણના આ મોતે અનેક સવાલો ઉભા કર્યા હતાં. જેને પગલે આ કેસની તપાસ એસીએફ ભાવસારને અપાતા તેઓ સ્થળ તપાસ માટે ક્રાંકચ દોડી આવ્યા હતાં.
 
તેમણે સિંહણ જે કુવામાં ડુબી હતી તેનું પણ નિરીક્ષણ કર્યુ હતું. કુવામાં સિંહણના નહોરના નિશાન પણ મળી આવ્યા હતાં. પીએમ દરમીયાન સિંહણની હોજરીમાંથી પાણી પણ મળ્યુ હોય વન વિભાગ દ્વારા ડુબી જવાથી સિંહણનું મોત થયાનું મનાઇ રહ્યુ છે. આમ છતાં વન વિભાગ દ્વારા સિંહણના મોત અંગે તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજુલામાં સોસ્કીલ વાઇપર પ્રજાતીનો સાપ મળી આવ્યો.

Bhaskar News, Rajula | Feb 17, 2013, 00:10AM IST
રાજુલાના રેલવે સ્ટેશન નજીકથી સોસ્કીલ વાઇપર પ્રજાતિનો ઝેરી સાપ નીકળતા સર્પ સંરક્ષણના અશોકભાઇ સાંખટે આ સાપને પકડીને સલામત સ્થળે છોડી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારમા અવારનવાર કોબ્રા, ક્રેઇટ સહિ‌તની જાતિના સાપ નીકળવાની ઘટના બનતી રહે છે.
તસ્વીર : કે.ડી. વરૂ
 

રાજુલાનાં ધાતરવડી ડેમમાં ૨પ પ્રવાસી પક્ષીનાં ભેદી રીતે મોત.


Bhaskar News, Rajula | Feb 17, 2013, 00:10AM IST
પાંચ દિવસ પહેલા
ડેમ પર આવેલા પક્ષીઓ ટપોટપ મરવા લાગ્યા : ઉંડી તપાસ જરૂરી
 
અમરેલી જિલ્લાના અનેક જળાશયોમાં શીયાળો ગાળવા આવેલા પ્રવાસી પક્ષીઓ પાછલા દિવસોમાં મોતને ભેટયાની ઘટના તાજી છે ત્યાં હવે રાજુલાના પાદરમાં આવેલ ધાતરવડી ડેમમાં એક સાથે ૨પ જેટલા પ્રવાસી પક્ષીઓના મોત થયાનું બહાર આવતા ચકચાર મચી છે. દસ પેલીકન તથા પંદર જેટલા કુંજ પક્ષીઓનું કોઇ અકળ કારણે મોત થયુ હતું. આ જળાશયમાં હજુ પાંચ દિવસ પહેલા જ પ્રવાસી પક્ષીઓનું આગમન થયુ છે ત્યાં આજે આ ઘટના બની હતી.
 
રાજુલા નજીક આવેલા ધાતરવડી બે ડેમમાં હાલમાં પાણી ઘણુ ઓછુ છે આમ છતાં અહિં પાંચેક દિવસ પહેલા પ્રવાસી પક્ષીઓનું મોટુ ઝુંડ ઉતરી આવ્યુ છે. શીયાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે પ્રવાસી પક્ષીઓ પરત ફરી રહ્યા છે. તેવા સમયે છેલ્લે છેલ્લે આ પક્ષીઓ અહિં આવ્યા છે. પરંતુ આજે આ પ્રવાસી પક્ષીઓ પૈકી ૨પ જેટલા પક્ષીઓનું ભેદી રીતે મોત થયાનું બહાર આવેલ છે.
 
ધાતરવડી બે ડેમમાં આજે દસ જેટલા પેલીકન પક્ષી તથા પંદર જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ નઝરે ચડયા હતાં. કેટલાક પક્ષીઓના મૃતદેહ પાણીમાં તરતા હતાં. તો કેટલાક પક્ષીઓના મૃતદેહ જમીન પર પડયા હતાં. હાલમાં ડેમમાં પાણીનો જથ્થો ઘટતો જાય છે. ડેમનું પાણી પણ એકદમ દુષીત હોય તેવું લીલુ છે. ત્યારે આ ડેમમાં ઝેરી કચરો તો નથી ઠલવાઇ રહ્યોને તે પણ તપાસ થવી જરૂરી છે. વન વિભાગના અધિકારીઓ આ ઘટના બાદ પણ અહિં ડોકાયા ન હતાં. પ્રવાસી પક્ષીઓના આટલી મોટી સંખ્યામાં રહસ્યમય સંજોગોમાં મોત થવાની ઘટનાની તપાસ થવી જરૂરી છે.
 
કલરના ખાલી ડબ્બા જ્યાં ત્યાં ફેંકાયા
 
ધાતરવડી ડેમ પર હાલમાં કલર કામ ચાલુ છે. કલરના ખાલી ડબલાઓ જ્યાં ત્યાં ફેંકવામાં આવ્યા છે. ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે ત્યારે આ કેમીકલ યુક્ત કલરના ડબ્બાઓ પણ પાણીને પ્રદુષિત કરવામાં નિમિત બન્યા છે.

ભાડનાં લાકડા કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ ?

ભાડનાં લાકડા કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ ?
Bhaskar News, Khambha  |  Feb 15, 2013, 00:04AM IST

- આ પ્રકરણને દબાવવા રાજકીય નેતાઓ મેદાનમાં કૂદયા હોવાનું અને તંત્ર પર દબાણ લાવવાનું બહાર આવતાં ચકચાર

ખાંભા તાલુકાના ભાડ ગામેથી ગઇકાલે ગેરકાયદે વૃક્ષો કાપવાનુ કૌભાંડ ઝડપાયા બાદ આ પ્રકરણમાં ભીનુ સંકેલવા રાજકીય નેતાઓ મેદાનમાં કુદયા હોવાનુ અને આ માટે તંત્ર પરદબાણ કરતા હોવાનુ બહાર આવતા ચકચાર મચી છે. જે વાડીમાંથી આ કૌભાંડ ઝડપાયુ તે વાડી એક વનકર્મીના પિતાની હોવાનુ બહાર આવેલ છે.

ખાંભાના ભાડમાં અહીના વનકર્મીના પિતાની વાડીમાં ગઇકાલે તંત્રની કોઇ પણ પ્રકારની મંજુરી વગર ૧૦ જેટલા તોતીંગ લીમડા અને એક ઉમરાનુ વૃક્ષ કાપી નાખવામાં આવ્યુ હતુ. બનાવ અંગે જાણ થતા ખાંભાના મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પંચરોજ કામ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ વનવિભાગનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પરંતુ કોઇ પ્રકારની કાર્યવાહી કર્યા વગર પરત ચાલ્યો ગયો હતો. પોલીસે પણ કોઇ કાર્યવાહી કરી ન હતી.

બીજી તરફ રાજકીય આગેવાનોએપણ આ પ્રકરણમાં ઝંપલાવી જવાબદારોને બચાવવા માટે તંત્ર પર દબાણ વધાયું હોવાનુ કહેવાય છે. ખુદ વનકર્મચારીના પિતાની વાડીમાં વૃક્ષો કાપી લાકડાનો નિકાલ કરાતો હોય અને તેમાંપણ રાજકીય આગેવાનો પ્રકરણ દબાવવા પ્રયાસ કરતા હોય અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. મામલતદારે લાકડા ભરેલો ટ્રક કબજે લીધો છે. જો કે આ વૃક્ષો કાપવા અને ટ્રકમાં ભરવા માટે જેસીબીનો પણ ઉપયોગ કરાયો હતો. પણ હજુ સુધી જેસીબી કબજે ન લેવાતા અનેક સવાલો ઉભા થયા છે.

ક્રાંકચની સીમમાં કદાવર સિંહ અને સિંહણનું આગમન.

Bhaskar News, Amreli | Feb 14, 2013, 00:17AM IST
- આ સિંહ યુગલ અહિંના જંગલમાં અગાઉ ક્યારેય નજરે ચઢ્યું નથી

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં બાવળના જંગલમાં વસતા મોટાભાગના સાવજો હાલમાં પીવાના પાણીની તકલીફ હોય અહિંથી દુર દુરના પ્રદેશોમાં ચાલ્યા ગયા છે ત્યારે પાછલા એક સપ્તાહથી આ વિસ્તારમાં એક નવું જ સિંહ યુગલ નઝરે પડી રહ્યુ છે. વિશાળ અને કદાવર સિંહ અહિં પ્રથમ વખત નઝરે પડ્યો છે.

ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં હાલમાં ૩૦ જેટલા સાવજો છે. આ સાવજોની ટેરેટરી લીલીયા ઉપરાંત સાવરકુંડલા, ગારીયાધાર, લાઠી અને અમરેલી તાલુકા સુધી ફેલાયેલી છે. આશરે ૩૫ થી ૪૦ કીમીના વિસ્તારમાં આ સાવજો પરિભમણ કરતા રહે છે અને પોતાની ટેરેટરીની રક્ષા કરતા રહે છે. ક્રાંકચ પંથકમાં હાલમાં સાવજો માટે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેના પગલે મોટાભાગના સાવજો અત્યારે સાવરકુંડલા તથા ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા છે.

બીજી તરફ હાલમાં ક્રાંકચમાં પાછલા આઠેક દિવસથી એક નવું જ સિંહ યુગલ નઝરે પડી રહ્યુ છે. આ સિંહ યુગલ અગાઉ ક્રાંકચ પંથકમાં ક્યારેય દેખાયુ ન હતું. તે કદાચ મીતીયાળાના જંગલમાંથી આ દિશામાં આવ્યાનું મનાય છે. આ સિંહનો દેખાવ જ એટલો વિકરાળ છે કે તેનું કદ જોઇને ભલભલાના હાજા ગગડી જાય. અહિં માલઢોર ચરાવતા માલધારીઓની નઝરે આ સિંહ ચડી રહ્યો છે.

ધારીના કુબડામાં દીપડાએ બે કુતરાને ફાડી ખાધા.

Bhaskar News, Amreli | Feb 10, 2013, 23:12PM IST
- મકાનનાં ફળીયામાં ઘૂસી જઈ શિકાર કર્યો

ધારી તાબાના ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર જંગલમાંથી વન્યપ્રાણીઓ આવી ચડે છે. અને દુધાળા પશુઓ તેમજ માણસ પર હુમલો કરી બેસે છે. ધારીના કુબડા ગામે પણ ગઇકાલે એક મકાનના ફરજામાં દીપડો ઘુસી ગયો હતો. અને બે કુતરાઓનો શિકાર કર્યો હતો.

ગીર જંગલમાં વસતા વન્યપ્રાણીઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ધારી તાબાના કુબડા ગામે કેટલાક સમયથી એક દીપડો આંટાફેરા મારી રહ્યો છે. ગઇકાલે આ દીપડો ગામમાં ઘુસી આવ્યો હતો. અને પ્રવિણભાઇ અમરેલીયાના મકાનના ફરજામાં ઘૂસી બે કુતરાઓનો શિકાર કર્યો હતો.

ગામમાં દીપડો ઘુસી જતા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. આ અંગે વનવિભાગને આ દીપડાને તાકિદે પાંજરે પુરવા ગ્રામજનોએ જાણ કરી હતી. આ વિસ્તારમાં અવારનવાર જંગલમાંથી વન્યપ્રાણીઓ આવી જાય છે. જેના કારણે ખેડુતો વાડી ખેતરોમાં રાત્રીના જતા ભય અનુભવી રહ્યાં છે. આ વિસ્તારમાં વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેમજ આ દપિડાને તાકિદે પાંજરે પુરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

લીલીયા પંથકમાં સાવજોનો તરખાટ, પાંચ પશુનાં કર્યા મારણ.


લીલીયા પંથકમાં સાવજોનો તરખાટ, પાંચ પશુનાં કર્યા મારણ
Dilip Raval, Amreli  |  Feb 10, 2013, 23:08PM IST
- કાંક્રચ અને મોટા કણકોટ દેવળીયામાં સાવજોએ મીજબાની માણી
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે ગઇકાલે રાત્રીના ચાર સાવજોએ એક ખુંટીયાનુ મારણ કર્યું હતુ. આ ઉપરાંત મોટા કણકોટ દેવળીયાના રસ્તા પર બે ગાયોનો શિકાર કરી મજિબાની માણી હતી. તેમજ અન્ય બે બકરાઓનુ મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
લીલીયાના ક્રાંકચમાં બાવળની કાટના જંગલમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ગઇકાલે રાત્રીના ક્રાંકચમાં ત્રણ સિંહ અને એક સિંહણે ખુટીયાનો શિકાર કરી મજિબાની માણી હતી. આ ઉપરાંત અન્ય એક મારણની ઘટનામાં મોટા કણકોટ નજીક દેવળીયા માર્ગ પર જીણાભાઇ નાથાભાઇ ચૌહાણની માલિકીની બે ગાયોનો સિંહ પરિવારે શિકાર કર્યો હતો.
સાવજોએ કરેલા મારણની ફાઇલ તસવીરો તેમજ વધુ વિગત વાંચવા આગળ સ્ક્રોલ કરો.

ગીરકાંઠાના ગામોની સીમ 'કેસરીયા' રંગથી શોભી ઉઠી.

ગીરકાંઠાના ગામોની સીમ 'કેસરીયા' રંગથી શોભી ઉઠી
Dilip Raval, Amreli  |  Feb 09, 2013, 08:42AM IST
- ધારી, ખાંભા અને રાજુલા પંથકમાં કેસુડો ખુબ ખીલ્યો
આમ તો અમરેલી જિલ્લાના લગભગ તમામ વિસ્તારમાં કેસુડાના વૃક્ષાે જોવા મળે છે. પરંતુ કેસુડાના સૌથી વધુ વૃક્ષાે ગીર જંગલ તથા ગીરકાંઠાના વિસ્તારમાં છે. ઓણસાલ કેસુડામાં વહેલા ફુલ બેઠા છે. જેને પગલે તેના વૃક્ષે જાણે કેસરી વાઘા ધારણ કર્યા છે. જે વિસ્તારમાં કેસુડાના વૃક્ષાે વધારે છે ત્યાંનુ દ્રશ્ય ઘણુ મનમોહક ભાસી રહ્યું છે.
અનેક આૈષધિય ગુણ ધરાવતા કેસુડાના વૃક્ષાે જ્યારે કેસરી રંગના ફુલોથી લથબથ હોય ત્યારે નજારો કંઇક આૈર હોય છે. તેમા પણ સીમમાં કેસુડાના વૃક્ષની ભરમાર હોય તો આ કેસરીયા રંગથી સીમ પણ શોભી ઉઠે છે. આવા જ દ્રશ્યો હાલમાં કંઇક ગીરકાંઠાના ગામોમાં જોવા મળી રહ્યાં છે. ધારી, ખાંભા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાના ગામોની સીમોમાં કેસુડાના વૃક્ષાેએ કેસરીયો રંગ ધારણ કર્યો છે. હોળી ધુળેટીના પર્વને હજુ ઘણી વાર છે. ધુળેટી પર્વ પર કેસુડાના પાણીથી હવે ભાગ્યે જ કોઇ ધુળેટી રમે છે. આમછતા ઘણા લોકોએ આ પરંપરા જાળવી રાખી છે. ત્યારે ધુળેટી પર કેસુડાની માંગ વધશે. તસવીરો જોવા આગળ કલીક કરો.

વિફરેલી સિંહણે બે વ્યકિત પર હુમલો કર્યો.

વિફરેલી સિંહણે બે વ્યકિત પર હુમલો કર્યો
Dilip RAval, Amreli  |  Feb 04, 2013, 14:49PM IST
- આંબલીયાળાની સીમમાં બનેલો બનાવ, લગ્નપ્રસંગ હોય ટ્રેકટર લઇને રેતી ભરવા ગયા હતા બંન્ને
હજુ બે દિવસ પહેલા ધારીના સોઢાપરા ગામની સીમમાં એક સિંહણે ફોરેસ્ટર પર હુમલો કરી ઘાયલ કરી દીધાની ઘટના તાજી છે ત્યાં આજે સવારે ખાંભા તાબાના આંબલીયાળા ગામની સીમમાં સિંહણે બે વ્યકિત પર હુમલો કરી ઘાયલ કરી દેતા ૧૦૮ની મદદથી સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
બે વ્યકિત પર સિંહણના હુમલાની ઘટના ખાંભાના આંબલીયાળા ગામની સીમમાં બની હતી. આંબલીયાળા ગામે બાલુભાઇ ટપુભાઇ મકવાણાને ત્યાં લગ્નપ્રસંગ હોય ભરતભાઇ બેચરભાઇ પરમાર (ઉ.વ.૨૫) તેમજ હરેશભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ.૩૫) અને શૈલેષભાઇ મકવાણા (ઉ.વ.૨૫) ટ્રેકટર લઇને રેતી ભરવા ગયા હતા.
વાંસીયાળી અને આંબલીયાની વચ્ચે આવેલ નહેરામાંથી અચાનક એક સિંહણ ધસી આવતા ભરતભાઇ અને હરેશભાઇ પર હુમલો કર્યો હતો. જ્યારે શૈલષભાઇ ભાગવા જતા તેને ઇજા પહોંચી હતી. સિંહણે હરેશભાઇ અને ભરતભાઇને પગમાં ઇજા પહોંચાડી હતી. સિંહણે હુમલો કરતા રાડારાડ બોલી જતા લોકો એકઠા થઇ જતા સિંહણ નાસી છુટી હતી. ત્રણેયને ૧૦૮ની મદદથી સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હરેશભાઇને ગંભીર ઇજા પહોંચી હોય વધુ સારવાર માટે અમરેલી રફિર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી આરએફઓ એન.બી.પરડવા, ફોરેસ્ટર જે.બી.ભટ્ટી તથા સ્ટાફના પલાસભાઇ, પાથરભાઇ વગેરે દોડી ગયા હતા. સિંહણનાં હુમલામાં ઘવાયેલા યુવાનોની તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: પૃથ્વી રાઠોડ, ખાંભા