- નિકંદન : ગીરના આંબાઓની રક્ષામાં વન તંત્ર મોડું પડયું છે
અમરેલી જિલ્લાના ખેડૂતો કેસર કેરીની પધ્ધતીસરની ખેતી કરે છે. પરંતુ એક
સમય એવો હતો કે કેરીની પધ્ધતીસરની ખેતી થતી ન હતી. વાડી-ખેતરના શેઢે ઉગેલા
દેશી આંબાઓની સંખ્યા ઘણી વધારે રહેતી હતી. એટલુ જ નહી ગીર જંગલમાં પણ ખુબ
મોટી સંખ્યામાં આપમેળે ઉગી નિકળેલા આંબાઓ હતાં. આ આંબારણો ખાસ કરીને ગીરની
નદીઓના કાંઠે જોવા મળતી હતી. ગીરના વન્ય જીવો માટે આ આંબાઓ ખુબ જ ઉપયોગી
હતા. જો કે હવે ભાગ્યે જ ગીરમાં આંબાઓ બચ્યા છે.
ગીર જંગલમાં અપાર વનસ્પતીઓ જોવા મળે છે. અમુક પ્રકારના વૃક્ષો ખુબ જ
મોટી સંખ્યામાં છે. તો અમુક પ્રકારના વૃક્ષો ઓછી સંખ્યામાં છે. અહિંના
જીવોના ભરણપોષણમાં ઉપયોગી થાય તેવા ફળ આપતા વૃક્ષોની સંખ્યા પણ ખાસ્સી છે.
ટીમરૂ, કરમદા, રાયણ જેવા વૃક્ષોના ફળો પક્ષીઓ સહિતના અન્ય જીવોનું ભરણપોષણ
કરી રહ્યા છે. એક સમયે ગીર જંગલમાં મોટી સંખ્યામાં આંબા પણ હતાં. એ અહિંની
જીવ સૃષ્ટિનું ભરણપોષણ કરતા હતાં.
આ આંબાઓ ગીરની નદીઓના કાંઠે આપમેળે ઉગી નિકળેલા હતાં. પરંતુ કાળક્રમે આ
આંબાઓ દુર થઇ ગયા. તેમના જતન માટે કોઇ પગલા લેવાયા ન હતાં. પાછલા દોઢ બે
દાયકાથી વનતંત્ર વિશેષ સાવચેત બન્યુ છે અને જંગલની રક્ષા પ્રમાણમાં વધુ
સારી રીતે થઇ રહી છે. પરંતુ ગીરના આ આંબાઓની રક્ષામાં વનતંત્ર મોડુ પડયુ
છે. હાલમાં ગડીગાંઠી જગ્યાઓને બાદ કરતા ગીરમાં ભાગ્યે જ ક્યાય આંબાઓ બચ્યા
છે.
ક્યાં હતી આંબાઓની વિશેષ સંખ્યા ?
પોપટડી નદીના કાંઠે ચાંચઇ વિસ્તારમાં અગાઉ કુદરતી રીતે જ મોટી
સંખ્યામાં આંબા હતાં. સતાધાર નજીક આંબાઝર નદીના કાંઠે ઘણા આંબા હતાં. આવી જ
રીતે પહાડી નદીના કાંઠે બાણેજ નજીક પણ પુષ્કળ આંબા હતાં. જેમાંથી હવે
ભાગ્યે જ કોઇક આંબા બચ્યા છે. આ ઉપરાંત સરસ્વતીના સેલામાં, વિરણના કાંઠે
તથા શીંગોડા નદીના કાંઠે પણ ઘણા આંબાઓ હતાં જે હાલમાં કપાઇ ગયા છે.
No comments:
Post a Comment