Bhaskar News, Visavadar | Apr 27, 2014, 01:00AM IST
- દિલધડક : વિસાવદર પંથકનાં જંગલ વિસ્તારમાં બનેલી ઘટના
- ભેંસો પણ રખેવાળનાં રક્ષણ માટે દિવાલ બનીને ઉભી રહી ગઇ
વિસાવદરનાં રાજપરાનાં જંગલ વિસ્તારમાં ભેંસો પર ત્રાટકેલા સિંહનો માલધારીએ હિંમતપૂર્વકનો સામનો કરી બચાવી લીધી હતી. ભેંસો પણ રખેવાળને બચાવવા દિવાલ બનીને ઉભી રહી ગઇ હતી. આ દિલધડક ઘટનામાં માલધારીને ઇજા પહોંચતાં સારવારમાં ખસેડાયા હતાં. વિસાવદરનાં રાજપરા ગામમાં રહેતાં ગોલણભાઇ અમરાભાઇ જેબલીયા (ઉ.વ.૩૨) આજે સવારે ૮.૩૦ વાગ્યાનાં અરસામાં ૨પ જેટલી ભેંસો અને માલઢોરને ચરીયાણ માટે નજીકનાં જંગલ વિસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં અવેડામાં પાણી પીવરાવી રહયાં હતાં.
ત્યારે નદીનાં ઉપરનાં ભાગેથી એક સિંહે આવી ચઢી ધણ પર હૂમલો કરી દેતાં સાતેક જેટલી ભેંસોએ જંગલ તરફ દોટ મુકતા ગોલણભાઇએ તેને પરત વાળવા પાછળ જતાં એક ભેંસને સિંહે ગળેથી પકડેલી જોવા મળતાં તેને બચાવવા હાકલા પડકારા કરી હિંમતપૂર્વક દોટ મુકતાં સિંહે જોરથી ભેંસને તેમની તરફ ફેંકતા ભેંસનાં શીંગડા અને પગ લાગવાથી ડાબા પગ અને છાતીનાં ડાબા પડખામાં ઇજા પહોંચતાં ગોલણભાઇ બેશુધ્ધ થઇ ગયા હતાં.
આ સમયે સિંહે ગોલણભાઇ તરફ હૂમલો કરવા દોટ મુકતાં બે ભેંસોએ રખેવાળને બચાવવા સામનો કરી સિંહને દુર ખદેડી દીધો હતો. તેમ છતાં સિંહે હાર ન માની ફરી વાર હૂમલો કરતા બંને ભેંસો રખેવાળની ફરતે દિવાલ બનીને ઉભી રહી જઇ સિંહને ભગાડી મૂકયો હતો. ત્યારબાદ નજીકનાં ખેતરમાં કામ કરતી મહિલાએ આસપાસમાંથી ત્રણેક માણસોને બોલાવી લાવી ઇજાગ્રસ્ત ગોલણભાઇને વિસાવદર સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડયા હતાં.
ભેંસોએ જ મારો જીવ બચાવ્યો
માલધારી ગોલણભાઇએ ભાનમાં આવ્યા બાદ કહયું હતું કે જો આ ભેંસો ન હોત તો સિંહે મારો શિકાર કરી લીધો હોત. આ ભેંસોએ જ મારો જીવ બચાવ્યો છે.
માલધારી ગોલણભાઇએ ભાનમાં આવ્યા બાદ કહયું હતું કે જો આ ભેંસો ન હોત તો સિંહે મારો શિકાર કરી લીધો હોત. આ ભેંસોએ જ મારો જીવ બચાવ્યો છે.
આરએફઓનાં વર્તન સામે રોષ
અમારી પાસે કાયમી માલધારીનો પાસ હોવા છતાં આરએફઓ ડઢાણીયા જંગલમાં પ્રવેશ કરવા દેતા નથી. પાસ બતાવ્યે તો તેનો ઘા કરી દઇ જુનો છે એવું જણાવી દીયે છે.અગાઉ પાંચ વર્ષ પહેલા મારા પિતા અમરાભાઇએ કેસ કર્યો છે જે જૂનાગઢ ખાતે હજુ ચાલે છે. આજ રીતે હેરાનગતી થતી રહેશે તો માલઢોરને સાથે લઇ ઉગ્ર આંદોલન કરવાની ગોલણભાઇએ ચિમકી આપી હતી.
No comments:
Post a Comment