Bhaskar News, Amreli | Apr 24, 2014, 02:48AM IST
- સાવજોનાં રહેઠાણ વિસ્તારમાં જાણી જોઇને દવ લગાડાય છે ?
- ભસ્મિભૂત : ક્રાંકચની સીમમાં ફરી વિકરાળ દવ, વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડયો
અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સાવજોનો વસવાટ છે. ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદીના કાંઠે બાવળની કાંટમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે ત્યારે આજે સાવજોના ઘરમાં ફરી એકવાર વિકરાળ દવની ઘટના બની હતી. ક્રાંકચ, શેઢાવદર અને જુના સાવર એમ ત્રણ ગામના સીમાડે બાવળના જંગલમાં દવ લાગતા ૭૦૦ વિઘા જેટલી જમીનમાં બાવળ, ઘાસ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન થયુ હતું. વનતંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડયો હતો પણ મોડે સુધી દવ કાબુમાં આવ્યો ન હતો.
સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર સાવજો પર કોઇને કોઇ આફત આવતી જ રહે છે. પછી તે સાવજોના ટ્રેઇન હડફેટે મોત, વાહન હડફેટે મોત, વિજ કરંટ લાગવાથી, ફાંસલામાં ફસાવાથી, શીકારના કારણે કે કુવામાં પડતા મોત જેવી ઘટનાઓની સાથે સાથે તેમના રહેણાક વિસ્તારમાં વારંવાર દવની ઘટનાઓ પણ બની રહી છે. જેના કારણે આ ખુંખાર પ્રાણીઓ ડીસ્ટર્બ થઇ રહ્યા છે. ઓણ સાલ ગીર જંગલમાં ભાગ્યે જ દવની ઘટના બની છે. પરંતુ જ્યાં સાવજોનું એક મોટુ ઝુંડ વસવાટ કરે છે તે ક્રાંકચ તથા અસપાસની સીમમાં વારંવાર દવની ઘટના બની રહી છે.
આજે ફરી એકવાર અહિં વિકરાળ દવ લાગ્યો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ક્રાંકચ, શેઢાવદર અને જુના સાવર એમ ત્રણ ગામના સીમાડે આવેલ ખાંટની ઓઢ નજીકના વિસ્તારમાં બાવળના જંગલમાં દવની આ ઘટના બની હતી. એવું જાણવા મળેલ છે કે દવની શરૂઆત બપોરના સમયે થઇ હતી અને જોતજોતામાં ચારેય દિશામાં પ્રસરવા લાગ્યો હતો. આ વિસ્તાર સાવજોનું ઘર છે. ત્યારે વન્ય પ્રેમીઓ દવની આ ઘટનાથી ચિંતીત બન્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અહિં દવ લાગ્યો હતો તે સમયે એક વખત દવ પર કાબુ મેળવાયા બાદ ફરી તે જીવંત થયો હતો અને વનતંત્રની દોડધામ વધી હતી. સાવજોના રહેણાંક વિસ્તારમાં વારંવાર દવ કેમ લાગી રહ્યો છે તે અંગે ઉંડી તપાસની જરૂરીયાત છે.
લીલીયા તાલુકામાં જે વિસ્તારમાં વારંવાર દવની ઘટના બની રહી છે ત્યાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા જાણી જોઇને દવ લગાડવામાં આવતુ હોવાનું કહેવાય છે. પાછલા એક માસ દરમીયાન આ વિસ્તારમાં જ દવની પાંચમી ઘટના બની છે. આ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનો ઉપરાંત માલીકીની વીડીઓ પણ આવેલી છે. અહિંના જંગલમાં બાવળ ઉપરાંત ઉંચુ ઘાસ ઉગી નિકળે છે. જે આ દવમાં નાશ પામે છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-forest-in-amreli-lion-home-burn-4591063-PHO.html?seq=3
No comments:
Post a Comment