Thursday, July 31, 2014

શિકારી ખૂદ શિકાર હો ગયા..!

Jul 31, 2014 00:17

  • મોરના શિકાર માટે સબસ્ટેશન પર ચડેલી દીપડીનું વીજ શોકથી મોત
ખાંભા ગીર : વીજ સબસ્ટેશન પર બેઠેલા મોરને જોઈ શિકારની લાલચે વીજ સબસ્ટેશન પર ચડેલી ત્રણ વર્ષની દીપડીને અચાનક વીજ શોક લાગતા જ એ ત્યાંજ ચોટી ગઈ હતી જેનું ઘટનાસ્થળે મોત નિપજયું હતુ. આ બનાવ અંગે વાડી માલિકે વનવિભાગને જાણ કરતા જંગલખાતાનો અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત્યુ પામેલી દીપડીને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધારી ખસેડી હતી. ખાંભા તાલુકાના ગઢિયા અને હિરાવા ગામ વચ્ચે ઘોહાભાઈ હમીરભાઈ વાળાની વાડીએ વીજ સબસ્ટેશન આવ્યું છે. આ સબસ્ટેશન પર મોર બેઠેલો હતો જે દીપડીની નજરે ચડી જતાં શિકાર માટે તલપાપડ બની હતી અને સીધી છલાંગ મારીને સબસ્ટેશનના પોલ ઉપર ચડતા જ જોરદાર વીજ આંચકો લાગતા એના ત્યાં જ રામ રમી ગયા હતા. આ અંગે વાડી માલિકને જાણ થતાં ડીએફઓ અંશુમાન શર્માને જાણ કરી હતી એ પછી જંગલખાતાનો અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત્યુ પામેલી દીપડીને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધારી ખસેડી હતી.

લીલીયા બૃહદ (ગીર) પંથકમાં પ્રાણીઓનો બેરોકટોક શિકાર.

Jul 31, 2014 00:08

  • લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન તંત્રને રજૂઆત
લીલીયા : લીલીયા બૃહદગીર વિસ્તારમાં નિલગાય, સસલા સહિતના વન્ય પ્રાણીઓનો શિકાર થતો હોવાનું જણાવી, તે અટકાવવા માટે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખે વન વિભાગને રજુઆત કરી છે.
લીલીયાના આંબા, કણકોટ, શેઢાવદર, બવાડી, ઈંગોરાળા, જુના સાવર, હરિપર, હાથીગઢ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નિલગાયનો વસવાટ હોય તેનો શીકારીઓ દ્વારા શિકાર કરવામાં આવે રહ્યો છે, તેવી લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ મનોજ જોષીએ રજુઆત કરેલ છે. બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં હરણા અને સિંહોનો પણ વસવાટ છે. તે શિકારીનો ભોગ બને તે પહેલા આ વિસતારના ગામોમાં વિના રોકટોક ચાલતી શિકાર પ્રવૃતિ તાકીદે અટકાવવા જવાબદાર વન તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૃર બન્યું છે. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે ભેંસવડી, લોકો, આંબા સહિતના વિસ્તારમાં શીકારીઓ જાળ બાધી સસલાનો શિકાર કરે છે. અગાઉ અનેકવાર સસલા પકડવાની જાળ વન વિભાગને હાથ લાગી છે, પણ જાળ પાથરનાર હાથ લાગેલ નથી. આ બાબત વન તંત્રની કાર્ય પધ્ધતિ સામે પણ શંકા સેવાય રહી હોવાનું તેમણે જણાવ્યું છે.

વિસાવદરના ઈશ્વરીયા(માંડાવડ)ગામે ફરજામાં ઘૂસી સિંહોએ હૂમલો કરતા એક ગાયનુું મોત


  • Jul 30, 2014 00:04
  • ત્રણ ગાયો બચી ગઈ ઃ આ વિસ્તારમાં પ્રથમ વખત જ સિંહો ત્રાટકતા ગામલોકોમાં ભય
વિસાવદર : સિંહો પોતાના પેટનો ખાડો પુરવા માટે નવી ટેરીટરી ઉભી કરી રહ્યા છે.જેમાં આજે વિસાવદરના ઈશ્વરીયા(માંડાવડ) ગામમાં ઘુસી મકાનના ફરજામાં બાંધેલ ચાર ગાયો પર સિંહોએ હુમલો કરતા તમામ ગાયો ખીલાઓ તોડાવી ભાગી ગઈ હતી.જેમાંથી એક ગાય ગામની બહાર ભાગતા સિંહોએ તેને પકડી શિકાર કરી આખી રાત નિરાંતે ભોજન માણ્યું હતું.ગામમાં મોતના ડરથી ભાગેલી ત્રણ ગાયોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
 ઈશ્વરીયા અને તેની આસપાસમાં કદી સિંહ જોવા મળ્યા નથી.ઈતિહાસમાં પ્રથમવાર ગામમાં ઘુસી જીવાભાઈ મેપાભાઈ ભરવાડના મકાનમાં ઘુસી મકાનના ફરજામાં બાંધેલ ચાર ગાયો પર રાત્રીના સાડા બાર વાગ્યા આસપાસ આવી અચાનક ગાયો પર હુમલો કરવાનું ચાલુ કરતા તમામ ચારે ચાર ગાયો ખીલા તોડાવી ભાગી ગઈ હતી.પણ તેમાંથી એક ગાય મકાનના સામેના ભાગે આવેલી નદી તરફ જતા બંને સિંહોએ તેની પાછળ દોડી તેનો શિકાર કર્યો હતો અને આખી રાત શિકાર આરોગ્યો હતો. બચી ગયેલી ગાયો પર હુમલાની કોશિષ કરતા ગાયને સામાન્ય નહોર ભરાવ્યા હતા પણ ત્રણેય ગાયો બચી ગઈ હતી.
  •  ભજનની રમઝટ વચ્ચે સિંહો મારણમાં મસ્ત
વિસાવદર ઃ સિંહોએ ગત રાત્રે ઈશ્વરીયામાં મકાનના ફરજામાં ઘુસી ગાયોનો શિકાર કર્યો ત્યારે નજીકમાં જ ભજનનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, પણ ભુખ કોઈની સગી થતી નથી તેમ સમજી ભજનની નોંધ પણ ન લીધી.ગાયો પર હુમલો કરેલ ત્યારે એક ગાય નદીમાં ગઈ અને ત્રણ ગાયો બચવા માટે નજીકમાં જ ચાલી રહેલ ભજનના પ્રોગ્રામ નજીક જઈ ફફડતી ઉભી રહી હતી.જેથી ગામલોકોેને પણ કંઈક થયાની શંકા ગઈ,પણ સિંહોની કદી કલ્પના પણ ન હોવાથી તેનો વિચાર ન આવ્યો. મકાનમાલિક અને ગામલોકોને સવારે સિંહોના સગડ પરથી સમગ્ર હકીકત માલુમ પડી હતી.જે ગાયનો શિકાર કર્યો તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. સવારના સમયે ત્રણમાંથી બે ગાયો પરત આવી પણ એક ગાય ઘરમાં આવતી જ ન હતી અને ફફડી રહી હતી.

વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે

Bhaskar News, Visavadar | Jul 30, 2014, 00:54AM IST
વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે
( તસવીર - પાંજરે પુરાયેલી દીપડી )

વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે
વનવિભાગની ચાર દિવસની જહેમત કામ લાગી


વિસાવદર: વિસાવદરનાં શેત્રુંજવડાળા ગામે ચાર દિવસ પૂર્વે આઠ બકરાંનો શિકાર કરનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત શ્વાસ લીધો હતો.વિસાવદરનાં શેત્રુંજવડાળા ગામે ચાર દિવસ પૂર્વે ભરવાડ ઘુસાભાઈ ભીખાભાઈનાં મકાનની આઠ ફૂટની દિવાલ ઠેકી દીપડીએ આઠ બકરાંનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે આરએફઓ ગોંધીયાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફે પાંજરુ ગોઠવી દીધેલ અને ગતરાત્રીનાં પાંચ વર્ષની ઉંમરની દીપડી પાંજરે પુરાઈ હતી. આ દીપડીને પકડવા વનવિભાગનાં એસ.જે.જોષી, એમ.વી.સોલંકી સહિ‌તનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ દીપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાસે મોકલી અપાઈ હતી.

૧૫ યુવાનો દર શ્રાવણે શિવપૂજા માટે જંગલો ખૂંદે છે.

DivyaBhaskar News Network | Jul 28, 2014, 05:45AM IST
જૂનાગઢનાં યોગી પઢિયાર અને ચેતન શુકલની આગેવાનીમાં ૧૫ યુવાનો દર વર્ષે શ્રાવણ માસમાં ગિરનારનાં જંગલમાં આવેલા શિવમંદિરોએ જવા નીકળી પડે છે. આ યુવાનો સાથે મહાપૂજાની સામગ્રી લેતા જાય. જંગલનાં ખાડા-ટેકરાવાળા તેમજ ઉબડખાબડ અને સીધા ચઢાણવાળો રસ્તો કાપી અડાબીડ જંગલમાં આવેલા શિવમંદિરોમાં પહોંચે છે. અને ત્યાં શિવજીની આરાધના કરવા સાથે અપૂજ રહેલા શિવલિંગની પૂજા કરે છે. છેલ્લા થોડા વર્ષોમાં તેઓ ખાસ કરીને ગિરનારનાં ૪ હજાર પગથિયે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ, જોગણીયા ડુંગરમાં આવેલી શિવગુફા, ઇંટવા પાસેનાં જોગણેશ્વર મહાદેવ, અપૂજ શિવમંદિર એવા ચંદ્રમૌલેશ્વર મહાદેવ, જટાશંકર, રામનાથ, ભવનાથ, વગેરે શિવમંદિરોમાં પૂજન-અર્ચન કરે છે.

ગીરનારની ગોદમાં આવેલ પ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવ

DivyaBhaskar News Network | Jul 28, 2014, 05:45AM IST
જૂનાગઢનાં દોલતપરા પાસે ગીરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવનાં દર્શન માટે આજે લોકોની ભીડ જામી હતી. ઇન્દ્રેશ્વર મંદિરનો ઇતિહાસ કાંઇક આવો છે. નરસીંહ મહેતા આ જંગલમાં ગાયો ચરાવવા જતા હતા. ત્યારે એક ગાય રોજ એક જગ્યા ઉપર ઉભી રહે ત્યારે તેના ચાર આચળમાંથી દૂધ વહેતુ હતું. ત્યાં જઇને આસપાસમાંથી બધુ હટાવતા ત્યાં શીવલીંગ મળી આવી હતી. ઇન્દ્રરાજાએ આ મંદિર બનાવેલું હોવાથી તેનું ઇન્દ્રેશ્વર નામ રાખવામાં આવ્યું છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જુનુ છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં શ્રાવણમાસમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે.
આલેખન : મનિષ જોષી

રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા.

Bhaskar News, Rajula | Jul 31, 2014, 00:04AM IST
રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા
હાથ પડયુ વાહન લઇને લોકો સિંહ દર્શન માટે પહોંચ્યા પણ વનતંત્ર ન ડોકાયુ


રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં સાવજો વસી રહ્યા છે ત્યારે આ સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે. આ સમયે સિંહ દર્શન માટે ટોળા એકઠા થાય છે અને સાવજોને પરેશાન પણ કરવામાં આવે છે. આવી ઘટના ગઇરાત્રે રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે બની હતી. પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગ્યા હતાં. સાવજોને હેરાન-પરેશાન પણ કરાયા હતાં. આમ છતાં વનતંત્ર અહિં ડોકાયુ ન હતું. રાજુલા-જાફરાબાદ પંથકમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે અને ક્યારેક રસ્તા પર અડ્ડા પણ જમાવે છે. ખાસ કરીને જ્યાં વાહનોની વધારે અવર જવર હોય તેવા રસ્તા પર જ્યારે સાવજો આવે ત્યારે ખુદ સાવજોની જ પરેશાની વધે છે. કારણ કે સિંહ દર્શન માટે લોકોના ટોળે ટોળા એકઠા થઇ જાય છે.

રાજુલાના હિંડોરણા ચોકડી નજીક ચારનાળા વિસ્તારમાં ગઇરાત્રે પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા હાથ પડયા વાહનો લઇને લોકો અહિં સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં. સાવજો એકાદ કલાક સુધી રોડ પર રહ્યા હતાં અને ત્યાં સુધી ટીખળી તત્વોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હતાં. કેટલાક બાઇક ચાલકોએ તો અહિં ભારે દેકારો પણ કર્યો હતો. સાવજોનો કાંકરીચાળો અને તેના પર લાઇટ ફેંકવાની પ્રવૃતિથી આ સાવજો પણ અકળાયા હતાં. અહિં વન વિભાગનો સ્ટાફ ડોંકાયો ન હતો. આખરે લોકોની કનડગત વધી જતા સાવજો ત્યાંથી ચાલ્યા ગયા હતાં. ઉલ્લેખનીય એ છે કે, લીલીયા ક્રાંકચ વિસ્તારમાં અને રાજુલા નજીક સિંહો વારંવાર ચઢી આવતા સિંહ જોવાની મજા માણવા માટે આવી રીતે ટીખડી તત્વો દ્વારા અવાર નવાર પરેશાન કરવાની ઘટના બની ચુકી છે.

પ૦ બાઇકનો જમેલો ખડકાયો
ચારનાળા નજીક રસ્તા પર સાવજો હોવાની જાણ થતા જોતજોતામાં અહિં ટોળુ એકઠુ થઇ ગયુ હતું. પ૦ જેટલા બાઇક ચાલકો આસપાસના વિસ્તારમાંથી અહિં આવી પહોંચ્યા હતાં. અહિં જોતજોતામાં ૧૦૦થી વધુ લોકોનું ટોળુ એકઠુ થયુ હતું.

સરકારી ગાડીમાં મહિ‌લાઓને સિંહ દર્શન કરાવાયુ
હદ તો ત્યારે થઇ કે રાત્રે એક સરકારી ગાડી પણ સાવજો જ્યા હતા ત્યાં આવી પહોંચી હતી અને તેમાં આઠ મહિ‌લાઓ સિંહ દર્શન માટે અહિં પહોંચી હતી. સરકારી ગાડીના ડ્રાઇવરે ખીચોખીચ મહિ‌લાઓને બેસાડી અહિં કોના કહેવાથી તેને સિંહ દર્શન માટે લઇ આવ્યો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનામાં વનતંત્ર ઘોર બેદરકારી સામે આવી હતી.

રંભડામાં કાળી ભેંસ. સફેદ પાડાને જન્મ આપતા આશ્ચર્ય

DivyaBhaskar News Network | Jul 30, 2014, 02:00AM IST
સરંભડામાં કાળી ભેંસે સફેદ પાડાને જન્મ આપતા આશ્ચર્ય
 
અમરેલી તાલુકાના સરંભડા ગામે એક કાળી ભમ્મર ભેંસે સફેદ પાડાને જન્મ આપતા લોકોમાં ભારે કુતુહલ ફેલાયું હતુ. અગાઉ કાળી ભેંસે બે વખત કાળા પાડા અને કાળી પાડીને જન્મ આપ્યો હતો. પરંતુ ત્રીજી વખત સફેદ પાડાનો જન્મ થતા ખેડૂત પરિવારમાં પણ આશ્ચર્ય ફેલાયું હતુ. આ વાત ગામમાં વાયુવેગે પ્રસરતા અહી સફેદ પાડાને જોવા લોકો એકઠા થયા હતા.
ઘણી વખત અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના અમરેલી તાલુકાના સરંભડા ગામે બની હતી. અહી રહેતા અને અમરેલી માર્કેટયાર્ડમા નોકરી કરતા અશોકભાઇ કરમશીભાઇ દુધાત નામના ખેડૂતની માલિકીની એક કાળી ભેંસે સફેદ પાડાને જન્મ આપતા લોકો આશ્ચર્યમા પડી ગયા હતા. આ અંગે અશોકભાઇએ જણાવ્યું હતુ કે તેમની ભેંસ કાળી ભમ્મર છે. અને તે કાળા પાડાથી જ ફલિત થયેલી છે.
અગાઉ આ જ ભેંસે બે વખત કાળા પાડા અને કાળી પાડીને જન્મ આપ્યો હતો. પરંતુ ત્રીજી વખત આ ભેંસે સફેદ પાડાને જન્મ આપતા તેમના પરિવાર સહિત સૌ કોઇમાં આશ્ચર્ય ફેલાયું હતુ. અશોકભાઇએ વધુમાં જણાવ્યું હતુ કે કદાચ ગ્લોબલ વોર્મિગની અસર પશુઓમાં જોવા મળી રહી હોય તેમ લાગી રાું છે. હાલ તો આ વાત વાયુવેગે ફેલાતા સફેદ પાડાને જોવા માટે અશોકભાઇના ઘરે લોકો એકઠા થઇ રાાં છે.
તસવીર : પ્રકાશ ચંદારાણા

ખાંભા: મોટા બારમણની સીમમાં ૩૦ ફુટ ઉંડી ગુફામાંથી દિપડાનો મૃતદેહ મળ્યો.

Bhaskar News, Khambha | Jul 22, 2014, 00:01AM IST
- કોહવાયેલો મૃતદેહ મહા મહેનતે બહાર નિકળ્યો : ઉંમરના કારણે મોત થયાનું અનુમાન

ખાંભા: ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં આજે ત્રીસેક ફુટ ઉંડી ગુફામાંથી એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. દિપડાના કોહવાઇ ગયેલા મૃતદેહને ગુફામાંથી બહાર કાઢી સ્થળ પર જ તેનું પોસ્ટ ર્મોટમ કરવામાં આવ્યુ હતું. આ દિપડાનું ઉંમરના કારણે ૮ થી ૧૦ દિવસ પહેલા મોત થયાનું મનાઇ રહ્યુ છે. અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાના મોતની ઘટનાઓ અવાર નવાર બહાર આવી રહી છે. આવી વધુ એક ઘટના હવે ખાંભા તાલુકામાં બની છે.

ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં રાયડી ડેમ નજીક ૨પથી ૩૦ ફુટ એક જુની ગુફામાંથી આજે દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુફામાંથી દુગ્ર્‍ાંધ આવતી હોવાની જાણ લાયન નેચર ફાઉન્ડેશનના ગભરૂભાઇ પરમારને થતા તેમણે ભીખુભાઇ બાટાવાળાને જાણ કરી હતી અને તેમના દ્વારા આરએફઓ રાતડીયાને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

અહિં વર્ષો જુની એક ગુફામાં દિપડાનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં પડયો હતો. જેને બહાર કાઢવામાં વન વિભાગના નાકે દમ આવી ગયો હતો. બાદમાં પશુ ચિકિત્સકો દ્વારા સ્થળ પર જ દિપડાનું મૃતદેહનું પોસ્ટર્મોટમ કરવામાં આવ્યુ હતું. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે પ્રથમ દ્રષ્ટિએ ઉંમર કે કોઇ બિમારીના કારણે આ દિપડાનું મોત થયાનું જણાય રહ્યુ છે. આમ છતાં જરૂરી નમુનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.

સુરવા (ગીર)માં દીપડીનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

તાલાલા તાલુકાનાં સુરવા (ગીર) ગામે ગૌશાળાની પાછળની ગૌચર જમીનમાંથી આજે દસ વર્ષની ઉંમરની માદા દિપડીનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળતા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃત દિપડી ચાર દિવસથી ઇજાગ્રસ્ત હોય તાલાલા વનવિભાગની કચેરીને જાણ કરવા છતાં દિપડીને સમયસર સારવાર ન અપાતા મોત થયુ હોવાનો સુરવાનાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સુરવા (ગીર)માં ગૌશાળાની પાછળનાં ભાગે દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા તાલાલા રેન્જ કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. દિપડીની ઉંમર દસ વર્ષની અને ઉમરનાં લીધે મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ જ્યારે સુરવા ગામનાં ગ્રામજનોએ જણાવેલ કે ચાર દિવસ પહેલા દિપડી ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તાલાલા રેન્જ કચેરીને જાણ કરેલ પરંતુ સમયસર સારવાર ન આપતા દિપડાનું મોત થયુ છે.

ગ્રામજનોમાંથી મળેલ વિગતો પ્રમાણ સુરવા વિસ્તારનાં વનપાલ મકવાણાભાઇનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે સુરવામાંથી જાણ કર્યા બાદ ગૌશાળા પાસે બકરીનાં મારણ સાથે પાંજરૂ ગોઠવેલ બે દિવસ આસપાસમાં દિપડાને શોધવામાં આવેલ પરંતુ દિપડી જોવા મળી ન હોય શારીરિક ઇજાની ખબર નથી મૃત દિપડીનું શબ કોહવાઇ ગયુ હોય સ્થળ ઉપર પીએમ કરવામાં આવેલ તાલાલા પંથકમાં સિંહ-દીપડા સહિ‌તનાં વન્યપ્રાણીઓનાં મોતનાં બનાવોમાં વધારો થઇ રહ્યો હોય વન્યપ્રાણી પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે.

સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે.

Arun Vegda, Dhari | Jul 18, 2014, 19:10PM IST
સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે
(તસવીર: સિહં દર્શન જવા માટે તૈયાર થઈ રહેલો દરવાજો)

- સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: નવી ટુરિસ્ટ સર્કીટ: આગામી દિવાળીથી દેવિળયા પાર્ક જેવું જ સિંહ દર્શન અહીં થશે
- ગીર પૂર્વ રેન્જમાં આંબરડી પાર્કમાં છ સિંહ પરિવાર સાથે આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન ઝોન બનશે : ૩૮૬ હેકટરમાં સિંહ દર્શન સાથે પશુ-પક્ષીઓનું પણ નિદર્શન

ધારી:એશિયાટિક સિંહો માટે જગવિખ્યાત સાસણ ગિરનાં અભયારણ્યમાં સન્ચ્યુરી પાર્ક અને દેવિળયા પાર્કમાં સિંહ દર્શન થાય છે. જ્યાં દુનિયાભરનાં પ્રવાસીઓ આવે છે. ત્યારે સિંહોનો વસવાટ પણ અલગ અલગ વિસ્તારોમાં થતાં અમરેલીનાં ધારીનાં આંબરડી પાસે સાસણનાં દેવિળયા જેવું જ ‘આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન ઝોન’ આકાર લઇ રહ્યું છે. સંભવત: આગામી દિવળી સુધીમાં તે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી પણ દેવાશે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં સાસણ પછી લોકો ધારી પંથકમાં પણ સિંહ દર્શન કરી શકાશે. અને તેની જ ધારી, તુલસીશ્યામ અને દિવની એક નવી જ ટુરિસ્ટ સર્કીટ પણ ઉભી થશે.

સિંહોનાં પ્રદેશ સોરઠમાં એશિયાટિક સિંહો માટે સાસણ પ્રખ્યાત છે. પરંતુ સિંહોનાં વસવાટનાં સ્થળમાં ભાવનગર અને અમરેલી જિલ્લો પણ વિસ્તરી રહ્યો છે. આથી વનવિભાગ દ્વારા સિંહોનાં વસવાટવાળા ક્ષેત્રમાં પણ સિંહ દર્શન કરી પ્રવાસીઓને આકર્ષવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ધારી પાસે આવેલા ખોડીયાર ડેમ અને ગળથરા મંદિર તો જાણીતા છેજ. અહીં થોડીઘણી પ્રવાસીઓની અવરજવર રહે છે. આ ડેમ નજીકજ આંબરડી પાસે સાસણનાં દેવિળયા પાર્ક કરતાં મોટું અને સુવિધાયુકત આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન ઝોન બની રહ્યો છે.

સામાન્ય રીતે અમદાવાદ અને ભાવનગરથી આવનાર લોકો વાયા ધારી થઇને તુલસીશ્યામ, દિવ અને સોમનાથ જતા હોય છે. હવે જ્યારે ધારી પાસેજ સાસણ જેવું જ સિંહ દર્શનની સુવિધા મળવાની હોઇ, આ નવી જ ટુરિસ્ટ સર્કીટમાં ધારીનાં ગિર પૂર્વ વિસ્તારનો પણ દબદબો વધશે. જેથી અહીં આવનારને આંબરડીમાં સિંહ જોવા મળે, તુલસીશ્યામમાં શ્યામનાં દર્શન અને દિવમાં મોજે બહાર. એમ ત્રણ સ્થળોનો લાભ મળશે.
સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે
(તસવીર: નવું સર્કિટ હાઉસ)
 
શું કહે છે વનવિભાગ ?

દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, અહીં માત્ર સિંહ દર્શન નહીં, પ્રવાસીઓને પશુ પંખીઓ વિશે પણ જાણકારી અપાશે. ૩૮૬ હેકટર જમીન અને ૮.૭ ચોરસ કિમી વિસ્તારના પાર્કમાં ૯ કિમીના કાચા રસ્તા પણ રખાયા છે. અને અહીં ખુલ્લું મૂકાતાંની સાથેજ છ સિંહ પરિવારો વહિરતા જોવા મળશે.

સાસણ-દેવિળયાનું ભારણ ઘટશે ?

આંબરડી ખાતે ઇન્ટરપ્રિટેશન ઝોન બનતાં સાસણ અને દેવિળયા પાર્ક પરનું ટુરિસ્ટોનું ભારણ ઘટી જશે. હાલ સીઝનમાં અહીં ઘણા લોકોને સિંહ દર્શન માટેની પરમીટો મળતી નથી. આવા સંજોગોમાં તેઓ આંબરડીની મુલાકાતે જઇ શકશે.
સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે
(તસવીર: જંગલનો આ રસ્ટો હિંસક હોવાથી કોઈ અહીં જવું નહીં જેનું બોર્ડ લગાવાયું)
 
હાલ ૧૨ થી વધુ સિંહોનો વસવાટ

ગિર પૂર્વ રેન્જનાં ધારીનાં આંબરડી વિસ્તારમાં હાલ ૧૫ થી વધુ સાવજોનો વસવાટ છેજ. જેથી તંત્રએ પણ આ વિસ્તારનીજ પસંદગી કરી છે. અને અહીં પથરાળ જમીન, વૃક્ષો સહિતનું આહ્લાદક વાતાવરણ પણ છે.

પરમીટ સ્થળ પર જ મળશે

આંબરડી પાર્કમાં જવા માટેની ટિકીટ પણ પાર્ક ખાતેથીજ મળી શકશે. આ માટેનું ખાસ કાઉન્ટર પણ બની રહ્યું છે.