Thursday, July 31, 2014

રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા.

Bhaskar News, Rajula | Jul 31, 2014, 00:04AM IST
રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા
હાથ પડયુ વાહન લઇને લોકો સિંહ દર્શન માટે પહોંચ્યા પણ વનતંત્ર ન ડોકાયુ


રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં સાવજો વસી રહ્યા છે ત્યારે આ સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે. આ સમયે સિંહ દર્શન માટે ટોળા એકઠા થાય છે અને સાવજોને પરેશાન પણ કરવામાં આવે છે. આવી ઘટના ગઇરાત્રે રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે બની હતી. પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગ્યા હતાં. સાવજોને હેરાન-પરેશાન પણ કરાયા હતાં. આમ છતાં વનતંત્ર અહિં ડોકાયુ ન હતું. રાજુલા-જાફરાબાદ પંથકમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે અને ક્યારેક રસ્તા પર અડ્ડા પણ જમાવે છે. ખાસ કરીને જ્યાં વાહનોની વધારે અવર જવર હોય તેવા રસ્તા પર જ્યારે સાવજો આવે ત્યારે ખુદ સાવજોની જ પરેશાની વધે છે. કારણ કે સિંહ દર્શન માટે લોકોના ટોળે ટોળા એકઠા થઇ જાય છે.

રાજુલાના હિંડોરણા ચોકડી નજીક ચારનાળા વિસ્તારમાં ગઇરાત્રે પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા હાથ પડયા વાહનો લઇને લોકો અહિં સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં. સાવજો એકાદ કલાક સુધી રોડ પર રહ્યા હતાં અને ત્યાં સુધી ટીખળી તત્વોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હતાં. કેટલાક બાઇક ચાલકોએ તો અહિં ભારે દેકારો પણ કર્યો હતો. સાવજોનો કાંકરીચાળો અને તેના પર લાઇટ ફેંકવાની પ્રવૃતિથી આ સાવજો પણ અકળાયા હતાં. અહિં વન વિભાગનો સ્ટાફ ડોંકાયો ન હતો. આખરે લોકોની કનડગત વધી જતા સાવજો ત્યાંથી ચાલ્યા ગયા હતાં. ઉલ્લેખનીય એ છે કે, લીલીયા ક્રાંકચ વિસ્તારમાં અને રાજુલા નજીક સિંહો વારંવાર ચઢી આવતા સિંહ જોવાની મજા માણવા માટે આવી રીતે ટીખડી તત્વો દ્વારા અવાર નવાર પરેશાન કરવાની ઘટના બની ચુકી છે.

પ૦ બાઇકનો જમેલો ખડકાયો
ચારનાળા નજીક રસ્તા પર સાવજો હોવાની જાણ થતા જોતજોતામાં અહિં ટોળુ એકઠુ થઇ ગયુ હતું. પ૦ જેટલા બાઇક ચાલકો આસપાસના વિસ્તારમાંથી અહિં આવી પહોંચ્યા હતાં. અહિં જોતજોતામાં ૧૦૦થી વધુ લોકોનું ટોળુ એકઠુ થયુ હતું.

સરકારી ગાડીમાં મહિ‌લાઓને સિંહ દર્શન કરાવાયુ
હદ તો ત્યારે થઇ કે રાત્રે એક સરકારી ગાડી પણ સાવજો જ્યા હતા ત્યાં આવી પહોંચી હતી અને તેમાં આઠ મહિ‌લાઓ સિંહ દર્શન માટે અહિં પહોંચી હતી. સરકારી ગાડીના ડ્રાઇવરે ખીચોખીચ મહિ‌લાઓને બેસાડી અહિં કોના કહેવાથી તેને સિંહ દર્શન માટે લઇ આવ્યો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનામાં વનતંત્ર ઘોર બેદરકારી સામે આવી હતી.

No comments: