Wednesday, September 30, 2015

ડિસ્કવરી ગર્લ: 800થી વધુ રેસ્ક્યુ કરી સિંહોને બચાવનારી 3 સાહસિક મહિલાઓ

    રેસ્કયુ કરનાર મહિલાઓ
  • Bhaskar News, Junagadh
  • Sep 26, 2015, 12:37 PM IST

    રેસ્કયુ કરનાર મહિલાઓ
    - ગીર જંગલમાં 8 વર્ષમાં 800 થી વધુ રેસ્ક્યુ ઓપરેશનો કરી વન્યજીવોનાં જીવ બચાવ્યા
    - સિંહ-દીપડાના વસવાટ વચ્ચે ત્રણેય વનપાલ મહિલા નિર્ભિક બની ફરજ બજાવે છે
     
    તાલાલા: ગીર જંગલમાં વસવાટ કરતા સિંહ, દિપડા જેવા ખુંખાર પ્રાણીઓની હાજરીમાં ફરજ બજાવવામાં ભલભલાનાં હાંજા ગગડી જતા હોય છે ત્યારે આવાં પ્રાણીઓનાં સંરક્ષણ-સંવર્ધન માટે ફરજ બજાવતી ત્રણ મહિલા વન કર્મીઓની હિંમતની ઉમદા નોંધ લેવાઇ છે. આંતરરાષ્ટ્રીય ચેનલ ડિસ્કવરી દ્વારા ગિરની આ ત્રણેય મહિલા કર્મીઓ પર ખાસ સ્ટોરી ચાર એપીસોડમાં બનાવાઇ છે. જે આગામી 28 સપ્ટે.નાં રાત્રે 9 થી 10 સુધી ભારત સહિત સાઉથ એશિયામાં પ્રસારિત થશે.

    સિંહ-દિપડાનાં વસવાટવાળા ગીર જંગલમાં મહિલાઓ ફરજ બજાવે અને ફરજમાં સફળ બનશે કે કેમ તે અઘરો સવાલ હતો. પરંતુ 2007 માં વન વિભાગ દ્વારા કરાયેલી ભરતીમાં મહિલાઓ પણ સામેલ હતી. જેમાં દર્શનાબેન કાગડા, રસીલાબેન વાઢેર, કિરણ પિઠીયાને વન્યપ્રાણી વર્તુળ સાસણ (ગીર) માં પોસ્ટીંગ અપાયું. શરૂઆતમાં ઓફિસની કામગિરી બાદ ગીર જંગલમાં ફિલ્ડની જવાબદારી તેમને સોંપાઇ. જંગલ ખાતામાં મળેલી પડકારરૂપ નોકરીમાં પોતાની જાતને સાબિત કરવા આ ત્રણેય મહિલા કર્મીઓએ નિર્ભિકતા ધારણ કરી લીધી. વનપાલ તરીકે ફરજ બજાવતા દર્શનાબેન કાગડાને જંગલમાં સિંહ-દિપડા સહિતનાં વન્યજીવોનું સંરક્ષણ કરવું, પ્રકૃતિ શિક્ષણ શિબીરની કામગિરી, સંશોધન સહિતની મહત્વની જવાબદારી મળી. 

    ભય રાખ્યા વિના તેમણે સુપેરે પોતાને સોંપાયેલું કામ પાર પાડ્યુંં. રસીલાબેન વાઢેર પણ વનપાલ તરીકે કામ કરતા હતા. તેમને વન્ય પ્રાણીઓનાં રેસ્કયુ કરવાની પડકારરૂપ કામગિરી મળી. જેમાં તેમણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના 14 વર્ષની ચારણ કન્યાની માફક ઉમદા નારીશક્તિનો પરિચય આપી 8 વર્ષમાં 800 થી વધુ રેસ્ક્યુ ઓપરેશનો કરી વન્યજીવોનાં જીવ બચાવ્યા. આ રેસ્ક્યુમાં 400 થી વધુ સિંહ, દિપડા, મગર, અજગરનાં જ છે. જ્યારે કિરણબેન પિઠીયાએ દેવળીયા સફારી પાર્કની ફરજમાં સિંહોનાં લોકેશન મેળવવા, પાર્કનું સંચાલન કરવું, સાથે પાર્કમાં રહેલા વન્યજીવોનું સંરક્ષણ કરવાની કામગિરી એક મર્દની માફકજ નિભાવી.

No comments: