Tuesday, September 29, 2015

ઇકો સેન્સેટીવ ઝોનના મુદે વનતંત્રએ છપાવેલી પત્રિકાઓ ખોટી : કોટડીયા


ઇકો સેન્સેટીવ ઝોનના મુદે વનતંત્રએ છપાવેલી પત્રિકાઓ ખોટી : કોટડીયા
  • Bhaskar News, Amreli
  • Sep 22, 2015, 10:22 AM IST
- ધારાસભ્ય કોટડીયા હવે તેમની જ સરકાર સામે બાંયો ચઢાવે છે : 25મીએ ધારીમાં રેલી

અમરેલી : અમરેલી જીલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોન સામે જુદા જુદા ત્રણ મોરચે લડત ચાલી રહી છે. ભાજપના બે જુથ આ મુદે લડત ચલાવી રહ્યા છે ઉપરાંત કોંગ્રેસે પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે હવે ભાજપના જ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ આ અંગે સરકારના વન વિભાગે બહાર પાડેલી પત્રીકાને લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને વનતંત્ર લોભામણી વાતો કરી લોકોને મુર્ખ બનાવી રહી હોવાનું જણાવી આ મુદે 25મીએ ધારીમાં રેલીનું આયોજન જાહેર કર્યુ છે.

ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પાછલા કેટલાક દિવસોથી એક રીતે સરકાર સામે રીતસરની લડત ચાલુ કરી છે. પાટીદાર અનામત આંદોલનના મુદે પણ તેઓ સરકાર સામે બાંયો ચડાવી હતી. આ ઉપરાંત ભાજપના સાંસદ અને ધારાસભ્યો સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં. હવે ફરી તેણે સરકારના વન વિભાગ પર જ લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે વન વિભાગ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન અંગે પ્રકાશ પાડતી જે પત્રીકાઓ આ વિસ્તારમાં વિતરીત કરી છે તે લોભામણી અને લાલચવાળી છે. પરિપત્ર વગર વન વિભાગ માત્ર આવી પત્રિકાઓ લોકોને મુર્ખ બનાવી રહી છે. પરંતુ તેના કારણે અમે આંદોલન પડતુ નહી મુકીએ.
 
તેમણે એમ પણ જણાવ્યુ હતું કે અમારી લડત ચાલુ જ રહેશે અને આ માટે 25મી તારીખે સવારે 9 કલાકે ધારી માર્કેટીંગયાર્ડ ખાતેથી વિશાળ રેલી નિકળશે અને પ્રાંત કચેરીએ જઇ ત્યાં વિશાળ સભા યોજવામાં આવશે અને જ્યાં સુધી ઇકો સેન્સેટીવ ઝોન નાબુદ નહી થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ કરાશે. જરૂર પડયે આ મુદે ભુખ હડતાલ પણ શરૂ કરવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વન વિભાગના અધિકારીઓએ આવી પત્રિકાઓ છપાવી લોકોને ગેરમાર્ગે દોરી આંદોલનમાં ન જોડાય તે માટે કારસો કર્યો છે.

No comments: