- Bhaskar News, Liliya
- Mar 16, 2016, 11:00 AM IST
- વનતંત્ર પાણીના વીસ કૃત્રિમ પોઇન્ટ પૈકી માત્ર દસમા પાણી ભરે છે
લીલીયાના બૃહદગીર વિસ્તારમા આવતા શેત્રુજી અને ગાગડીયા નદી કાંઠાના આંબા, ભેંસવડી, લોકા લોકી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી બવાડા, ઇંગોરાળા, ભોંરીગડા, ટીંબડી, વાઘણીયા, સનાળીયા, અંટાળીયા, ચાંદગઢ સહિતના ગામોની સીમમાં છેલ્લા દોઢેક દાયકાથી સાવજોનો વસવાટ છે. સીમ વિસ્તાર તથા બાવળની કાટનુ રહેઠાણ તેમને માફક આવી ગયુ છે. જો કે દર ઉનાળામા આ સાવજોને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. આ વિસ્તારમા દિપડા, નિલગાય, હરણ સહિતના વન્યપ્રાણીઓ પણ છે તેમને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ચાલુ સાલે ઉનાળાનો હજુ આરંભ થવા જઇ રહ્યો છે. ત્યાં જ પીવાના પાણીની કટોકટી સર્જાઇ છે. જો કે આ વિસ્તારમાં સાવજોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગ દ્વારા પાણીના કૃત્રિમ 20 પોઇન્ટ બનાવવામા આવ્યા છે. પરંતુ હાલમા વનવિભાગ દ્વારા આવા માત્ર દસ પોઇન્ટ જ નિયમિત રીતે ભરવામા આવી રહ્યાં છે. જેના કારણે બાકીના દસ પોઇન્ટ કોરા ધાકોડ રહે છે અને સાવજોને આમથી તેમ પાણી માટે ભટકવુ પડે છે. શિકાર અને પાણીની શોધ માટે સાવજોને ગામડાઓની અંદર જવુ પડે છે જેના કારણે આવનારા સમયમાં માણસ અને સાવજના ઘર્ષણની પણ શકયતા નકારી શકાતી નથી. વન્યપ્રાણીઓ માટે વનવિભાગે અત્યારથી જ પાણીની વ્યવસ્થા કરવી જોઇએ તેવુ પ્રકૃતિપ્રેમીઓનુ કહેવુ છે.
ટેન્કરની ક્ષમતા માત્ર 1500 લીટરની
લીલીયા પંથકમાં હાલમા વનવિભાગ દ્વારા જે ટેન્કરની મદદથી પાણીના કૃત્રિમ પોઇન્ટ પર પાણી પહોંચાડવામા આવે છે તે ટેન્કરની ક્ષમતા માત્ર 1500 લીટરની છે. જો અહી પાંચ હજાર લીટર પાણીની ક્ષમતાવાળુ ટેન્કર દોડાવવામા આવે તો તમામ 20 પોઇન્ટ પર સરળતાથી પાણી પહોંચાડી શકાય તેમ છે.
વધુ ક્ષમતાના ટેન્કર માટે કાર્યવાહી
સ્થાનિક આરએફઓ આર.આર.બેગમે ટેલીફોનિક વાતચીતમા જણાવ્યું હતુ કે હાલમા પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. ભોરીંગડા, ઇંગોરાળાની પવનચક્કી રિપેરીંગ કરવાની કાર્યવાહી શરૂ છે અને વધુ ક્ષમતાના પાણીના ટેન્કર માટે પણ રજુઆત થઇ છે. આજે શેત્રુજીના પટ્ટમા ટેન્કર ફસાઇ ગયુ હતુ.
નદીના પટ્ટમાં પાણીના પોઇન્ટ સુકાયા
ક્રાંકચના જાણિતા પર્યાવરણપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે જણાવ્યું હતુ કે શેત્રુજીના પટ્ટમા કુદરતી પાણીના પોઇન્ટ છે પરંતુ ઉનાળાના આરંભે આ પોઇન્ટ સુકાઇ ગયા છે. હાલમાં પાણીના જે ખાડાઓ ભર્યા છે તેમા ખારૂ અને ભાંભળુ પાણી છે. જેથી તાકિદે વનતંત્રએ આ દિશામા ધ્યાન દેવુ જોઇએ.
No comments:
Post a Comment