Thursday, March 31, 2016

3 દિવસમાં 3 સાવજોના મોતથી હાહાકાર

3 દિવસમાં 3 સાવજોના મોતથી હાહાકાર
  • DivyaBhaskar News Network
  • Mar 26, 2016, 02:40 AM IST
સરાકડીયા નજીક વધુ એક ત્રણ વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો : યુરિયા યુક્ત પાણી પીવાથી મોતની આશંકા


અમરેલીજિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રેવન્યુ વિસ્તારમાં ત્રણ સાવજોના મોતની ઘટનાથી પ્રકૃતિપ્રેમીઓમાં હાહાકાર મચ્યો છે. સરકાર સાવજોની રક્ષા માટે કરોડોનો ખર્ચ કરી રહી છે આમ છતા સાવજો ટપોટપ મરશે તો તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે. ખાંભા તાલુકાના સરાકડીયા ગામે આજે આશરે ત્રણ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના મોતનુ કારણ સ્પષ્ટ થયુ હતુ પરંતુ યુરિયાયુકત પાણી પીવાથી મોતની શકયતા નકારી શકાતી નથી.

અમરેલી જિલ્લામાં સાવજો કમોતે મરી રહ્યાં છે. સાવજોની વસતી ગણતરી વખતે સિંહપ્રેમીઓ ખુશખુશાલ હતા કારણ કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતી વધી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમા ત્રણ સાવજ કાળનો કોળીયો બની ગયા છે. વનતંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. ત્રણમાંથી એકેય કિસ્સામા વનતંત્રનુ પેટ્રોલીંગ કે સાવજો પર દેખરેખ નજરે પડી હતી. કે ત્રણમાથી એકેય કિસ્સામા કોઇની જવાબદારી નક્કી થઇ હતી. આજે ખાંભા તાલુકાના રબારીકા રાઉન્ડ નીચે સરાકડીયા રેવન્યુ વિસ્તારમાં ભુપતભાઇ લાલજીભાઇ રામાણી નામના ખેડૂતની વાડીના શેઢા પરથી આશરે ત્રણ વર્ષની ઉંમરના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણ થતા ફોરેસ્ટર બી.બી.વાળા અહી સૌથી પહેલા પહોંચ્યા હતા. બાદમાં એસીએફ તથા વેટરનરી ડોકટરોની ટીમ દોડી આવી હતી. સિંહના મોતનુ દેખીતુ કોઇ કારણ સ્પષ્ટ પડતુ હતુ. જેને પગલે સ્થળ પર સિંહના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ અને જરૂરી નમુનાઓ ગાંધીનગર એફએસએલમા મોકલાયા હતા. વનવિભાગ ભલે મોતનુ કારણ સ્પષ્ટ કરી શકયુ નહી પરંતુ યુરિયાયુકત પાણી પીવાથી સિંહનુ મોત થયાનુ મનાય રહ્યું છે. જો કે અંતિમ સ્પષ્ટતા પીએમ રિપોર્ટ બાદ થશે.

અગાઉ પીપાવાવ, જામકામાં સાવજના મોત

બેદિવસ પહેલા રાજુલા નજીક પીપાવાવ ફોરવે પર એક સિંહણને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેનુ મોત થયુ હતુ. વનતંત્ર હજુ પણ વાહન ચાલકને શોધી શકયુ નથી. તો ગઇકાલે ખાંભાના જામકા રેવન્યુ વિસ્તારમાં એક સાવજે ઇનફાઇટમાં સિંહબાળને મારી નાખ્યાની ઘટના બની હતી. જયારે આજે સરાકડીયાની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો.

ગૃપનાઅન્ય ત્રણ સાવજો પર નજર

ખાસકરીને ખાંભા વિસ્તારમાં બે દિવસમા બે સાવજના મોતથી વનતંત્ર પણ હચમચી ઉઠયું છે અને આવી કોઇ વધુ ઘટના બની જાય તે અંગે ચિંતિત થયુ છે. અહી ચાર સાવજનુ ગૃપ હતુ જે પૈકી બે સિંહણ અને એક સિંહ હજુ પણ વિસ્તારમા છે અને વનતંત્રએ તેના પર સતત વોચ શરૂ કરી છે.

No comments: