- Hirendrasinh Rathod, Khambha
- Mar 23, 2016, 16:20 PM IST
- વનવિભાગ દ્વારા દિપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઇ
ખાંભા: ગીર જંગલમા વસતા સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર સિંહ, દિપડાઓ છેક ગામ સુધી ઘુસી આવે છે અને માનવ અને પશુઓ પર હુમલાની ઘટના બને છે ત્યારે આવી જ એક ઘટના ખાંભાના ભાવરડીમા બની હતી. અહી વાડીમા કામ કરતી એક મહિલા પર દિપડાએ હુમલો કરી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી.
મહિલા પર દિપડાના હુમલાની આ ઘટના ખાંભાના ભાવરડીમા બની હતી. અહી રાધીબેન રામભાઇ જોગદીયા (ઉ.વ.45) નામની મહિલા ભાભલુભાઇ ગોલણભાઇ ભુંકણની વાડી ભાગીયુ રાખી મજુરીકામ કરે છે. આ મહિલા સવારે આઠેક વાગ્યાના સુમારે બાજરો વાઢી રહ્યાં હતા ત્યારે અચાનક દિપડો ધસી આવ્યો હતો અને મહિલા કંઇ સમજે તે પહેલા તેના પર હુમલો કરી દીધો હતો. મહિલાએ રાડારાડ કરતા દિપડો નાસી છુટયો હતો.
આસપાસમા કામ કરી રહેલા લોકો અહી દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી. મહિલાને સારવાર માટે ખાનગી વાહનમા સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. ઘટનાને પગલે આરએફઓ માળવી, સાહિદખાન પઠાણ, પલાસભાઇ, વિક્રમભાઇ સહિત અહી દોડી આવ્યા હતા અને બાજરામા છુપાયેલા દિપડાને બહાર કાઢી પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દિપડા અને સિંહ ઘુસી આવે છે અને પશુઓ અને માનવ પર હુમલો કરે છે.
અરજણસુખમાં ખેડૂત પર હુમલો કરવા જતા દિપડો કુવામાં ખાબકયો
ગીર જંગલમા વસતા સિંહ તેમજ દિપડાઓ રેવન્યુ વિસ્તારમાં પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે વડીયા તાબાના અરજણસુખ ગામની સીમમાં પણ છેલ્લા ઘણા સમયથી એક દિપડો આંટાફેરા મારી રહ્યો હોય ગ્રામજનોમા ભય ફેલાયો હતો. ત્યારે આજે અરજણસુખ ગામની સીમમાં આવેલ એક વાડીમાં કુવાકાંઠે ખેડૂત પર હુમલો કરવા જતા દિપડો કુવામા ખાબકયો હતો. વનવિભાગની રેસ્કયુ ટીમે તાબડતોબ અહી દોડી જઇ દિપડાને કુવામાથી બહાર કાઢી બચાવી લઇ પાંજરે પુર્યો હતો. કુવામા પડી ગયેલા દિપડાને બચાવી લેવાની આ ઘટના વડીયાના અરજણસુખ ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આવેલ ખોડાભાઇની વાડીમા તેઓ કુવાકાંઠે ઉભા હતા ત્યારે અચાનક દિપડો તેના પર હુમલો કરવા ધસી ગયો હતો ત્યારે ખોડાભાઇનુ ધ્યાન જતા જ તેઓ આબાદ રીતે છટકી જતા દિપડો કુવામા ખાબકયો હતો. દિપડો કુવામા ખાબકતા ખોડાભાઇએ તુરત વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની રેસ્કયુ ટીમ પણ તાબડતોબ અહી દોડી આવી હતી અને દિપડાને બચાવવા કવાયત હાથ ધરી હતી. અને બે કલાકની જહેમત બાદ કુવામાથી દિપડાને હેમખેમ બહાર કાઢી બચાવી લઇ પાંજરે પુર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પંથકમાં છેલ્લા ઘણા સમયથી આ દિપડાની રંજાડ હોય દિપડાને પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની વધુ તસવીરો...
તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા
No comments:
Post a Comment