Thursday, June 30, 2016

જીવના જોખમે રેસ્ક્યુ: 9 સાવજ વચ્ચેથી સિંહબાળને લાવ્યા, સારવાર બાદ છોડ્યું

જીવના જોખમે રેસ્ક્યુ: 9 સાવજ વચ્ચેથી સિંહબાળને લાવ્યા, સારવાર બાદ છોડ્યું
AdTech Ad
  • Bhaskar News, Savarkundala
  • Jun 16, 2016, 11:26 AM IST 
સાવરકુંડલાઃ ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં રહેતા સાવજોની રક્ષા માટે વન વિભાગના કર્મચારીઓએ પણ ક્યારેક જીવ જોખમમાં મુકવો પડે છે અને ભારે જોખમો વચ્ચે સાવજોની રક્ષા કરવી પડે છે. સાવરકુંડલાના વડાળમાં વનકર્મીઓને કંઇક આવો જ અનુભવ થયો હતો. અહિં ત્રણ બચ્ચાવાળી સિંહણનું એક બચ્ચુ ઘાયલ થઇ ગયુ હતું અને પાછલા પગમાં ઘારૂ પડી જતા પગે લંગડાતુ ચાલતુ હતું. અહિં અન્ય એક સિંહણ પણ પોતાના ત્રણ બચ્ચાને ઉછેરી રહી છે અને આ બન્ને સિંહણ અને સિંહબાળની રક્ષા માટે એક બબ્બર સિંહ પણ ગૃપમાં છે. વન સાવજોનું આ ગૃપ સાથે જ રખડે છે.
 
ઘાયલ બચ્ચુ નઝરે પડતા વન વિભાગે તેને પકડવા કવાયત હાથ ધરી સ્થાનિક આરએફઓ આર.જે. મોર, ફોરેસ્ટર બી.આર. સોલંકી, વી.ડી. પુરોહીત, બબલાભાઇ જેબલીયા, ટ્રેકર્સ હુસેનભાઇ, ભીમજીભાઇ વિગેરે સિંહબાળને પકડવા માટે આઠ કલાક સુધી મથતા રહ્યા હતાં. આખરે સાવજ પરિવારની નઝર સામે જ વન વિભાગે આ સિંહબાળને તેની ગાડીમાં લઇ લીધુ. સિંહણે પણ ગાડી પાછળ દોટ મુકી હતી. વડાળની નર્સરી ખાતે વેટરનરી ડો. પી.એન. વાઢેર દ્વારા સતત ચાર દિવસ સુધી સિંહબાળનો ઘાવ સાફ કરી સારવાર કરાઇ હતી. જેને પગલે તે તંદુરસ્ત થઇ ગયુ હતું.

હવે સિંહબાળનું તેની માતા સાથે મિલન કરાવવુ પણ અઘરૂ હતું. વડાળ જંગલમાં જતા જ આખા સિંહ પરિવારે ગાડી પાછળ દોટ મુકી હતી. સિંહ પરિવાર વન વિભાગની ગાડીઓ ફરતો ગોઠવાઇ જતા દરવાજો ખોલી સિંહબાળને છોડવાનું કામ પણ મુશ્કેલ હતું. આમ છતાં વન વિભાગે અનેક તરકીબો અજમાવી બે કલાક બાદ સિંહ પરિવારને થોડો દુર કરી આ સિંહબાળને છોડી દીધુ હતું. માતાથી વિખુટુ પડેલુ આ સિંહબાળ તુરંત તેની માતા પાસે દોડી ગયુ હતું. આખો સિંહ પરિવાર આ સમયે ગેલમાં આવી ગયેલો નઝરે પડયો હતો.

સિંહબાળને પકડવુ અને છોડવુ મુશ્કેલ હતું
 
સ્થાનિક આરએફઓ આર.જે. મોરે જણાવ્યુ હતું કે સિંહબાળની સારવાર કરવાનું  કામ મુશ્કેલ ન હતું. પરંતુ આ સિંહબાળને પકડવુ અને બાદમાં તેને મુક્ત કરી સિંહણ સાથે મીલન કરાવવાનું કામ ભારે જોખમી હતું. અમારા સ્ટાફની સુંદર કામગીરીના કારણે આ શક્ય બન્યુ હતું.

No comments: