- Jun 28, 2016, 00:40 AM IST
અમરેલીઃ ગીરની શાન ગણાતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટી
સંખ્યામાં વસી રહ્યા છે અને આ સાવજોની વસતી દિવસેને દિવસે વધી રહી છે.
પાછલા થોડાક સમયગાળામાં જ પંદર જેટલા નવા સિંહબાળના જન્મ થયાનું બહાર આવ્યુ
છે. સાવજોને લઇને દુર્ઘટનાઓ પણ ઘટી રહી છે ત્યારે આજે સાવરકુંડલાના એક
ઉદ્યોગપતિએ સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે વન વિભાગ સાથે મળી કામગીરી કરવા
તૈયારી બતાવી છે. આ અંગે તેઓ સરકારમાં પણ દરખાસ્ત કરશે.
તંત્ર સાથે મળી સાવજોની રક્ષા, ખુલ્લા કુવાઓને રક્ષીત કરવા વિગેરે દિશામાં કામ કરવા સરકાર સમક્ષ દરખાસ્ત કરાશે
મુળ સાવરકુંડલાના વતની અને હાલ સુરત સ્થિત એમ.ડી. ગૃપના ચેરમેન ભગીરથ પીઠવડીવાળાએ આ વાત કરી છે. સાવરકુંડલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં તો સાવજો કુદકેને ભુસકે વધી રહ્યા છે. નવા નવા બચ્ચાઓનો જન્મ થઇ રહ્યો છે. જો કે સાવજોને લગતી દુર્ઘટનાઓ પણ વધી પડી છે. ખુલ્લા કુવામાં પડી જવાથી લઇને ટ્રેઇન હડફેટે ચડી જવાથી કે વાહન હડફેટે ચડી જવાથી સાવજોના મોત થઇ રહ્યા છે. વન વિભાગ તો સાવજોની રક્ષા માટે પ્રયાસ કરે જ છે. પરંતુ તેમણે સાવજોની જાળવણી માટે ઉદ્યોગગૃહોને પણ આગળ આવવા અપીલ કરી છે.
તેમણે એવું જણાવ્યુ હતું કે અહિંના સાવજોને આફ્રીકાના જુદા જુદા દેશોમાં જે રીતે સેટેલાઇટ પધ્ધતિનો ઉપયોગ કરી તેના રક્ષણ માટે કાર્ય થઇ રહ્યુ છે તેવું થવુ જોઇએ. જો સરકાર મંજુરી આપે તો વન વિભાગ સાથે સંકલન કરી સાવજોને બચાવવા, ખુલ્લા કુવાઓને ઢાંકવા અને ઉનાળામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોના પાણીના પોઇન્ટ પર પાણીની કુંડીઓ ભરવાના કામની દિશામાં તેઓ આગળ વધવા માંગે છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે એમ.ડી. ટ્રસ્ટ આગામી દિવસોમાં સાવજોની જાળવણી પર અવેરનેસ કાર્યક્રમ શરૂ કરશે અને જો ખેડૂત આર્થિક રીતે નબળા હશે તો કુવો બાંધી આપવામાં સહાય કરશે.
No comments:
Post a Comment