- Bhaskar News, Amreli/Dhari
- Jun 16, 2016, 11:26 AM IST
અમરેલી/ધારીઃ ધારી તાલુકાના આંબરડીપાર્ક નજીકના વિસ્તારમાં
માનવભક્ષી બનેલા સાવજોએ બે માસમાં ત્રણ લોકોને ફાડી ખાધા બાદ કુલ 19
સાવજોને પાંજરે પુરવામાં આવ્યા છે. વનતંત્રની તપાસમાં કુલ ત્રણ સાવજો
માનવભક્ષી હોવાનું જણાયુ છે. જે પૈકી એકને શક્કરબાગ ઝુમાં કાયમી કેદમાં
મોકલવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે બાકીના બે સાવજોના મળમાંથી માનવ ભક્ષણના
આંશીક નમુના મળ્યા હોય તેને હજુ નિરીક્ષણમાં રખાયા છે. બીજી તરફ બાકીના
સાવજોને ક્યાં મુક્ત કરાશે તે હજુ નક્કી થઇ શક્યુ નથી.
બે સિંહણના પેટમાંથી આંશીક અવશેષો મળી આવ્યા : બાકીના સાવજોને ક્યા મુક્ત કરવા તે નક્કી નહી
વન વિભાગની તપાસમાં ધારીની સરસીયા રેન્જમાં આંબરડી નજીક ત્રણ માણસનો ભોગ એક સિંહ અને બે સિંહણે લીધો હોવાનું ખુલ્યુ છે. બે માસના ટુંકાગાળામાં આંબરડીપાર્ક નજીકના વિસ્તારમાં ત્રણ-ત્રણ માણસોને ફાડી ખાધાની ઘટના બાદ જુદા જુદા તબક્કે મળી કુલ 19 સાવજોને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યા હતાં. કોઇ વિસ્તારના તમામ સાવજોને એક સાથે પકડી લેવાનું આ પગલુ ઐતિહાસીક હતું. વન વિભાગ દ્વારા દરેક સાવજને અલગ અલગ કેદ કરી તેના મળના નમુનાઓનું પૃથ્થકરણ કરી કયા કયા સાવજો નરભક્ષી બન્યા છે તે જાણવા પ્રયાસ હાથ ધરાયો હતો.
નરભક્ષી સિંહ જૂનાગઢ સક્કરબાગ ઝુ માં કાયમી કેદમાં ખસેડાયો : બન્ને સિંહણ અબ્ઝર્વેશનમાં રહેશે
વન વિભાગની તપાસ દરમીયાન એક સિંહ તથા બે સિંહણ દ્વારા માણસનો શિકાર કરાયો હોવાનું ખુલ્યુ હતું. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ એક સિંહના મળમાંથી મોટા પ્રમાણમાં તે માનવભક્ષી હોવાના નમુનાઓ મળ્યા હતાં. જ્યારે બે સિંહણોના મળમાંથી આંશીક નમુનાઓ મળ્યા હતાં. જેને પગલે નરને જુનાગઢના શક્કરબાગ ઝુ મા કાયમ માટે કેદમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે બાકીની બે સિંહણોને હજુ પણ જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. આ બે સિંહણોનું શું કરાશે તે અંગે હજુ સુધી વન વિભાગ સ્પષ્ટ નથી. દરમીયાન બાકીના સાવજોને ગીરના કયા વિસ્તારમાં મુક્ત કરાશે તે હજુ સુધી વનતંત્ર નક્કી કરી શક્યુ નથી. વનતંત્રની ખાસ ટુકડીઓ આ માટે સર્વે કરી રહી છે. આગામી બે-ચાર દિવસમાં આ અંગે નિર્ણય થઇ જવાની શક્યતા જોવાઇ રહી છે.
બે થી ત્રણ વર્ષની ઉંમર છે બન્ને સિંહણને
વન વિભાગના સુત્રોએ એમ પણ જણાવ્યુ હતું કે જેના મળમાંથી માનવ શરીરના અવશેષો મળ્યા છે તે નર આશરે છ થી નવ વર્ષની ઉંમરનો પુખ્ત છે. જ્યારે જેના મળમાંથી આંશીક નમુના મળ્યા છે તે બન્ને સિંહણોની ઉંમર બે થી ત્રણ વર્ષ છે. જે પાઠડાની અવસ્થા છે. એવું મનાય છે કે માણસનો શિકાર સાવજે કર્યો હતો અને આ બન્ને સિંહણોએ તે ખાધો હશે.
પુખ્ત નરનો રીપોર્ટ પોઝીટીવ : સીસીએફ
દરમીયાન જુનાગઢના સીસીએફ એ.પી. સીંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે એક પુખ્ત નરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે બે માદાઓનો રીપોર્ટ આંશીક રીતે પોઝીટીવ આવ્યો છે. જેથી નરને જુનાગઢ શક્કરબાગ ઝુ માં મોકલાયો છે. બન્ને માદાઓ હજુ ઓબ્ઝર્વેશનમાં રહેશે.
સાવજોને નરભક્ષી ન કહો : સીસીએફ
સીસીએફ એ.પી. સીંગે એમ પણ જણાવ્યુ હતું કે સાવજ ખરેખર નરભક્ષી પ્રાણી છે જ નહી. દિપડા અને વાઘ માટે આ શબ્દ વાપરીએ તો યોગ્ય છે. પરંતુ સાવજ ક્યારેય માણસનો શિકાર કરતો નથી. આવા બનાવો ભાગ્યે જ બને છે અને તેના માટે કોઇ ચોક્કસ કારણ હોય છે. જેથી આવા બનાવને માત્ર અકસ્માત જ ગણવો જોઇએ.
No comments:
Post a Comment