Sunday, April 30, 2017

અંતનો આરંભ: 40 સભ્યો ધરાવતી 'રાજમાતા' જીવનના અંતિમ પડાવ પર

Dilip Raval, Amreli | Apr 24, 2017, 10:36 AM IST

અંતનો આરંભ: 40 સભ્યો ધરાવતી 'રાજમાતા' જીવનના અંતિમ પડાવ પર,  amreli news in gujarati
  • વર્ષોથી ગળામાં બંધાયેલ છે રેડીયો કોલર
અમરેલી:સિંહણ અહીં વસતા સાવજ પરિવારની રાજમાતા છે. કારણ કે જંગલથી દૂર દૂર શેત્રુજીના કાંઠે બાવળની અડાબીડ વીડીઓ અને ખરાબાના આ વિસ્તારમાં સૌ પ્રથમ તેણે જ પગરણ માંડ્યા હતાં. આ વાતને દોઢ દાયકો થવા આવ્યો છે. હવે તેના પરિવારમાં 40 જેટલા સભ્યો છે. અહીં તેનુ રાજ ચાલે છે. એકહથ્થુ શાસન ચાલે છે. મજાલ છે કોઇ અન્ય સાવજ ગ્રુપની કે અહીં પગ પણ મૂકે. પણ હવે તે ઘરડી થઇ ગઇ છે. જીવનના અંતિમ પડાવ પર પહોંચી છે. ક્રાંકચની આ રાજમાતા ઘરડો તો પણ સિંહ એ ઉક્તિને સાર્થક કરીને પોતાની આણ વર્તાવી રહી છે. પણ કેટલા દિવસ?
 
ખારાપાટ વિસ્તારમાં સાવજોનું કોઇ અસ્તિત્વ જ ન હતું
 
એક સમયે લીલીયાના ક્રાંકચ તથા આસપાસના ખારાપાટ વિસ્તારમાં સાવજોનું કોઇ અસ્તિત્વ જ ન હતું. પણ અહીં સાવજોને વસાવવામાં નિમિત બની શેત્રુજી નદી. દોઢેક દાયકા પહેલા નદીના કોતરોમાં આગળ વધતા વધતા એક સિંહણ અહીં પહોંચી. તેની પાછળ પાછળ એક સાવજ પણ આવી પહોંચ્યો. સાવજ બેલડીએ અહીં નવુ ઘર વસાવ્યું. આજે આ પરિવારમાં 40 જેટલા સભ્યો છે. જેમાના મોટા ભાગના સૌ પ્રથમ અહીં આવનાર સાવજ બેલડીના સંતાનો છે. કોઇ પણ ગૃપ પર નર સિંહનો કબજો વધીને બેથી ત્રણ વર્ષ રહે છે. એ ન્યાયે અહીં બહારથી આવતા સાવજોએ ગ્રુપપની સંતતિ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું.આ સિંહણ થકી જન્મેલી સિંહણો અને તેના થકી જન્મલી અન્ય સિંહણો પણ હાલમાં ગ્રુપમાં છે.
 
વર્ષોથી સિંહણના ગળામાં રેડીયો કોલર બાંધેલો છે
 
સૌ પ્રથમ અહીં આવેલી સિંહણ એ જ રાજમાતા. અહીંના લોકો તેને રેડીયો કોલર સિંહણ તરીકે ઓળખે છે. કારણ કે વર્ષોથી તેના ગળામાં રેડીયો કોલર બાંધેલો છે. રાજમાતાએ આ વિસ્તારને ગૌરવ અપાવ્યું છે. આ પ્રદેશને દેશ દેનિયામાં જાણીતો કર્યો છે. પણ હવે આ સિંહણ ઘરડી થઇ ગઇ છે. તેની ઉમર 15 વર્ષને પાર થઇ ગઇ છે. આટલુ તો સાવજો જીવી પણ શકતા નથી. હાલમાં તે ઘાયલ છે. જસાધારના એનીમલ કેર સેન્ટરમાં તેની સારવાર થઇ રહી છે. થાપાના ભાગે રસી થઇ ગયા છે. રેસ્કયુ ઓપરેશન બાદ કદાચ તે બચી પણ જાય. પરંતુ એક સુવર્ણ યુગ પુરો થવામાં છે તેને કોઇ અટકાવી નહી શકે.
 
કયા કયા વિસ્તારો છે આ ગૃપનાં કબજામાં?
 
લીલીયાના ક્રાંકચથી લઇ જેસરના રાણીગામ, સાવરકુંડલા તાલુકાના સેંજળ, લાઠીના લુવારિયા, સાવરકુંડલાના ખાલપર આંકોલડા અને અમરેલી તાલુકાના ચાંદગઢ તથા ગોખરવાળા સુધી આ ગુપનો કબજો છે.
 
નવો પ્રદેશ સર કરવા ગોંડલનાં પાદરે પહોંચી હતી
 
રેડીયો કોલર સિંહણ નવો પ્રદેશ સર કરવા એક સમયે છેક ગોંડલના પાદર સુધી પહોંચી ગઇ હતી. આ ગુપના બે સાવજો છેક ગઢડા અને બોટાદ પંથકમાં આંટો મારી આવ્યા હતાં.ગારિયાધારના વેળાવદર સુધી પણ અવારનવાર પહોંચી જાય છે આ ગુપના સાવજો

No comments: