રાજુલા:
સૌરાષ્ટ્ર પંથકના ગામોમાં સિંહોની મુક્ત હર-ફરના કિસ્સાઓ છાશવારે બનતાં
જોવા મળે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં વિક્ટર પાસે નોંધાયો હતો.
સ્થાનિકો
પાસેથી મળતી માહિતી પ્રમાણે, પીપાવાવ-રાજુલા હાઈવે પર લગભગ ડઝન જેટલા
વનરાજો મોડી રાત્રે હાઈવે પર ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો
છે.સિંહોનો ટોળું 15 મિનિટ સુધી રોડ પર આમ તેમ ફરતું રહ્યું હતું અને
બાદમાં મુક્ત રીતે રોડ ક્રોસ કરીને સામેની બાજુએ જતું રહ્યું હતું. જેના
પરિણામે આટલા સમય સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હતો.
દરમિયાન
લોકોએ કોલાહલ કરતાં એક સિંહણ જંગલ તરફ પાછી વળી ગઈ હતી. વિક્ટર નજીક
પીપાવાવ ધામ પાસે ગામમાં ઘૂસી જઈને સિંહોએ ત્રણ ગાયોનું મારણ કર્યું હતું.
જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.
ત્રણેક દિવસ પહેલા થયું હતું સિંહબાળનું મોત
ઉલ્લેખનીય
છે કે, ત્રણેક દિવસ પહેલા ગીરગઢડા વિસ્તારના આકોલવાડીમાં એક ખાનગી વાડીમાં
ત્રણ માસના સિંહબાળનું મોત થયું હતું. વનવિભાગની તપાસમાં સિંહોની
ઈન-ફાઈટમાં સિંહબાળનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
સરસિયામાં 20 સિંહોને સલામતસ્થળે ખસેડાયા
શનિવારે સાંજે અમરેલી જિલ્લાના સરસિયા વનવિસ્તારમાં આગ લાગી હતી. જે જોતજોતામાં બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જેના પગલે વન વિભાગ દ્વારા આજુબાજુના વિસ્તારોમાંથી ફાયર ફાઈટર્સ બોલાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રહેલા 20 જેટલા સિંહોને તત્કાળ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગ કયા કારણસર લાગી તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું.
ગુજરાતમાં 523 સિંહોનો નિવાસ
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં માત્ર ગીરમાં જ એશિયાટિક સિંહોનો નિવાસ છે. વર્ષ 2015માં સિંહોની વસતિ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 523 સિંહો હોવાનું બહાર આવ્યું હતું. ગીરનું જંગલ 1400 કિમીમાં ફેલાયેલું છે. પરંતુ સિંહો 2300 કિમીમાં વિચરણ કરે છે. આ સિંહો મુખ્યત્વે જુનાગઢ, અમરેલી તથા ભાવનગર જિલ્લામાં વિચરણ કરે છે. જોકે, જંગલોમાં ગેરકાયદેસર પેશકદમી અને ખોરાકની શોધમાં ઘણી વખત વનરાજો માનવ વસતિમાં આવી ચડે છે.
No comments:
Post a Comment