Monday, August 31, 2020

મેઘરાજાની તોફાની બેટિંગ:ગિરનાર પર 6 ઈંચ વરસાદથી પગથિયા પર પાણી દોડ્યા, ગઢડામાં 8 ઈંચથી ઘેલો નદીમાં પૂર આવતા જસદણ-રાજકોટ જવાનો રસ્તો બંધ

જૂનાગઢ24 દિવસ પહેલા
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો
  • વિસાવદરમાં 4, કેશોદ, વંથલી અને માંગરોળમાં 2 ઇંચ
  • ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર આવ્યા
  • જૂનાગઢમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે પણ ધીમીધારે વરસાદ શરૂ છે. ગિરનાર પર્વત પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી દોડવા લાગ્યા હતા. બીજી તરફ ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા જસદણ અને રાજકોટ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. જૂનાગઢમાં પડેલા વરસાદના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ
ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ

ગિરનાર પર્વત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા
જૂનાગઢના ગિરનાર પર્વત પર કાલે 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને લઈને ગિરનારના પગથિયા પર પાણી દોડવા લાગ્યું હતું. સોનરખમાં ઘોડાપૂર આવ્યું હતું. દામોદર કુંડના કાંઠે આવેલા પીપળાના ઓટા સુધી પાણી પહોંચી ગયું હતું. કાળવો પણ બે કાંઠે વહ્યો હતો. રાત્રીનાં ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇ ભેંસાણ તાલુકાનાં ચણાકાથી ગુજરીયા વચ્ચે પાણીમાં એક વ્યક્તિ ફસાયો હતો. આ અંગે ફાયરની ટીમની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને યુવાનને બહાર કાઢ્યો હતો.

ઠેર-ઠેર પાણી ભરાયા
ઠેર-ઠેર પાણી ભરાયા

ગઢડામાં સાંબેલાધાર 6થી 8 ઈંચ વરસાદ પડ્યો
ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં 6થી 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઢડાના ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેથી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો છલકાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદના પગલે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. જેથી ગઢડાથી જસદણ, રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઈતરીયા ડેમ ઓવરફ્લો થવાની શક્યાતાને લઈને નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.

જૂનાગઢમાં અનરાધાર વરસાદ
જૂનાગઢમાં અનરાધાર વરસાદ

જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે
મહત્વનું છે કે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સોમવારની રાત્રીથી વરસાદ પડવાનું શરૂ થયું છે. સોમવાર અને મંગળવારે તો ગીર-સોમનાથ જિલ્લામાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અનેક રસ્તા બંધ થઇ ગયા હતાં. બુધવારે પણ બન્ને જિલ્લામાં મેઘ મહેર યથાવત્ રહી હતી. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં બુધવારની રાત્રીથી લઇને ગુરૂવાર સુધીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. બન્ને જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી ગયો હતો.

દામોદર કૂંડમાં ઘોડાપૂર આવ્યું
દામોદર કૂંડમાં ઘોડાપૂર આવ્યું

ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં કેશોદમાં 2 બે ઇંચ, જૂનાગઢમાં 4 ઇંચ, ભેંસાણમાં 1 ઇંચ, મેંદરડામાં 1 ઇંચ, માંગરોળમાં બે ઇંચ, માણાવદરમાં 1 ઇંચ, માળિયામાં અડધો ઇંચ, વંથલીમાં 2 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં સાંજનાં 7 વાગ્યે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ થયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. જૂનાગઢમાં રાત્રીનાં 10 વાગ્યા સુધી વરસાદ શરૂ રહ્યો હતો. 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/rainfall-in-all-over-saurashtra-127593850.html

ક્રાઇમ:સરકડિયા મંદિરના મહંત પર હુમલો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • માથામાં ગંભીર ઇજા થતા જૂનાગઢ બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા

ગિરનાર પરિક્રમાના રૂટ પર આવેલ પ્રાચિન સરકડીયા હનુમાનની જગ્યાના મહંત પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બાપુને ગંભીર ઇજા થતા જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ ગિરનાર પરિક્રમાના રૂટ પર સરકડીયા હનુમાન મંદિરની જગ્યા આવેલી છે. આ જગ્યાના મહંત તરીકે હરીદાસબાપુ સેવા કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે ગોલાધર પાસે ગોવાળ ગાયો ચરાવતો હતો ત્યારે કોઇ મામલે માથાકૂટ થઇ હતી. બાદમાં બાપુ સમજાવટ કરવા જતા એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે બાપુ પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં હરિદાસ બાપુને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાપુને પ્રથમ જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાના કારણે વધુ સારવાર અર્થે તાબડતોબ રાજકોટ ખસેડયા છે. હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.

મહંત પર હુમલાથી રોષ
સરકડીયા હનુમાન મંદીરના મહંત પર કરાયેલા હુમલાથી મહંતના શિષ્યોમાં રોષની લાગણી જન્મી છે. દરમિયાન મહંત પરના હુમલાથી સાધુ સંતોમાં પણ રોષ ફેલાયો છે. આવા હુમલાખોરને સત્વરે ઝડપી લઇ તેમની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે જેથી કરીને ફરી કોઇ સાધુ- સંત-મહંત હુમલાનો ભોગ ન બને.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/attack-on-the-abbot-of-sarkadia-temple-127594440.html


  • આજે વિશ્વ સિંહ દિવસ:ઉજવણી સોશ્યલ મિડીયા પર: જે ખેતરે સાવજ વસે, ભુંડ-નિલગાયથી સુરક્ષિત રહે

    જુનાગઢ22 દિવસ પહેલા

    લુપ્ત થવાની અણીએ આવેલા એશિયાટીક સાવજોને બચાવી લેવાની ઝુંબેશ બાદ હાલ વસતિ સતત વધી રહી છે. તેમા સૌથી મહત્વનુ યાોગદાન સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોનુ સાબિત થયુ છે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ કે ભાવનગરના રેવન્યુ વિસ્તારમા ખેડૂતો કયારેય સાવજોને પરેશાન કરતા નથી. કારણ કે ખેડૂતો માટે સાવજો પાકના રક્ષક સાબિત થઇ રહ્યાં છે.

    આ તસવીર દેવળીયા પાર્કની છે. આ સિંહની વિશેષતા એ છે કે, તેમનાં કેસ કાળા છે. પહેલી નજરે આફ્રીકન સિંહ હોઇ તેવું લાગે. આ સિંહનું દેવરાજ નામ રાખવામાં આવ્યું છે. સાસણનાં સફારી પાર્કનાં ગાઇડ અિભલાશ વાજાએ આ તસવીર પોતાનાં કેમેરામાં કેદ કરી હતી.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/celebration-on-social-media-those-who-live-on-the-farm-protected-from-pigs-and-nilgai-127601665.html

    રાહત:એસટી કોલોનીમાંથી દીપડો પાંજરે પુરાતા હાશકારો

    જૂનાગઢ22 દિવસ પહેલા

    શહેરના મોતીબાગ પાસે એસટી વર્કશોપમાં થોડા દિવસ પહેલા દીપડાએ દેખા દીધી હતી. ધોળા દિવસે દીપડાના આંટાફેરાથી કોલોનીના રહેવાસીઓમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હતું. આ અંગે જાણ કરવામાં આવતા વનવિભાગે દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું હતું. જોકે થોડા દિવસ સુધી હાથતાળી અાપનાર ચાલક દીપડો આખરે પાંજરામાં કેદ થતા કોલોનીમાં રહેતા એસટી કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/old-hashtags-in-a-panda-cage-from-st-colony-127601845.html

    વિશ્વ સિંહ દિવસ:સિંહનાં પદચિન્હના ફોટા સાથે માનવ રહેજો સાવધ, આ મારગ છે વનરાજનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉજવણી

     

    જૂનાગઢ22 દિવસ પહેલા


    માર્ગ પરથી નિકળેલા સિંહનાં પદચિન્હનો ફોટો

    10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. ચાલુ વર્ષે કોરોના મહામારીનાં કારણે સોશિયલ મીડિયા પર વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે બાબરીયા રેન્જનાં આરએફઓ બાંભણીયાએ માર્ગ પરથી નિકળેલા સિંહનાં પદચિન્હનો ફોટો ક્લિક કર્યો હતો. જે ગીર વેસ્ટનાં ડીસીએફએ શેર કર્યો હતો. આ તસવીરને જોઇ ‘માનવ રહેજો સાવધ, આ મારગ છે વનરાજનો’ શબ્દો સરી પડે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/beware-of-human-beings-with-photos-of-lions-footprints-this-is-the-way-vanrajano-celebrates-on-social-media-127603666.html


  • સરકડિયા હનુમાન મંદિરના મહંત સાથે ઘવાયેલા સેવકનું મોત નિપજ્યું

     જૂનાગઢ21 દિવસ પહેલા

    • પાંચેય હુમલાખોરની ચાલતી શોધખોળ, આવેદન અપાયું

    7 ઓગસ્ટના રોજ ગોલાધર ગામે ઓધવજી ગગજીભાઇ પર 5 લોકોએ હુમલો કર્યો હતો. ઓધવજીભાઇની દિકરીએ પ્રવિણભાઇ ખોડાના દિકરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ મામલે અગાઉ ફરિયાદ થયેલ હતી. આ બાબતના મનદુખમાં પ્રવિણ ખોડા, વિજય પ્રવિણ, અજય પ્રવિણ, પ્રવિણભાઇનો ત્રીજો દીકરો અને પ્રવિણભાઇના પત્નીએ ઓધવજી ગગજીભાઇ પર પાઇપ, ધારીયું, કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વચ્ચે પડેલ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ પર પણ હુમલો થયો હતો. બાપુને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન મહંત પરના હુમલાના વિરોધમાં શ્રી વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળ દ્વારા એસપીને આવેદન અપાયું છે. આ તકે ખાખચોકના મહંત રામદાસજી, રામઝરૂખાના મહંત દિનબંધુ દાસજી, રામટેકરીના મહંત કિશનદાસજી, સૂર્યમંદિરના મહંત જગજીવનદાસજી, લંબે હનુમાન મંદિરના મહંત અર્જુનદાસજી, સત્યનારાયણ મંદિરના મહંત મનહરદાસજી, રામજી મંદિરના મહંત સુખરામદાસજી, યમુના કુટિરના મહંત સર્વેશ્વરદાસજી, રામવાડીના મહંત ગોપાલદાસજી વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.દરમિયાન બનાવના ફરિયાદી ઓધવદાસ ગગજીભાઇનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની તપાસ પીએસઆઇ એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/an-injured-servant-died-along-with-the-mahant-of-sarkadia-hanuman-temple-127605021.html


    વેબિનારમાં વિવાદ:ગીરમાં વસતા લોકો ધીરજ ગુમાવશે તો ગુજરાતમાં સિંહો ટકશે નહીં: ટીકાદર

     અમદાવાદ17 દિવસ પહેલા



    એશિયાઇ સિંહોની ફાઇલ તસવીર.
    • શરીરમાં માઇક્રોચિપ બેસાડ્યાં પછી ગુજરાતના 80 ટકા સિંહો હવે જંગલી રહ્યા નથી
    • મુખ્ય વન્યજીવ સંરક્ષક શ્યામલ ટીકાદારે ટિપ્પણી કરતાં રાજ્ય સરકારે ખુલાસો માંગ્યો

    ગુજરાત સરકારે એશિયાઇ સિંહો પર નજર રાખવા માટે લગાડેલી માઇક્રોચીપને કારણે હવે 70થી 80 ટકા ગીરના સિંહો પોતાનું જંગલીપણું ગુમાવી બેઠાં છે. જંગલોમાં વસતા લોકોના ભરોસે બેસી રહેવું એ ટાઇમ બોંબ સમાન છે, જો તેમની ધીરજ ખૂટશે તો ગુજરાતમાં સિંહોનું ટકવું મુશ્કેલ થઇ જશે. આવું કહીને ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક કક્ષાના ફોરેસ્ટ સર્વિસ અધિકારી શ્યામલ ટીકાદરે વિવાદનો મધપૂડો છેડ્યો છે. ટીકાદરે વિશ્વ સિંહ દિવસે સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના વેબિનારમાં આખા દેશના વન્યજીવ નિષ્ણાતો જોડાયેલા હતા ત્યાં આવું નિવેદન કરતા ગુજરાત સરકારે તેમનો ખુલાસો માંગ્યો છે.

    ગુજરાત સરકારે તેમને ત્રણ દિવસમાં આ અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરવા જણાવ્યું છે પરંતુ આ અધિકારી રાજીનામું આપી દેશે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. અગાઉ આ અધિકારીએ ગુજરાતમાં સિંહોની ગણતરી માટે પૂનમ અવલોકન પદ્ધતિને બદલે વૈજ્ઞાનિક ઢબે વસ્તી ગણતરી થાય તેવો આગ્રહ રાખતાં પણ વનવિભાગ અને તેઓ આમને સામને આવી ગયા હતા. ટીકાદરના નિવેદન બાબતે ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે કરેલાં નિવેદનો વાંધાજનક અને અનિચ્છનીય છે. આ મંતવ્યો સત્યથી વેગળા હોઇ સરકાર તે સાથે સહમત નથી. ટીકાદરે વેબિનારમાં જણાવ્યું હતું કે સરકારે હવે સિંહોને પોતાની સંપત્તિ ગણીને તેમાંથી કમાણી કરવાનું શરુ કરવું જોઇએ.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/if-people-living-in-gir-lose-patience-lions-will-not-survive-in-gujarat-tikadar-127616569.html



  • પ્રકૃતિના પરિજનો ફરી કુદરતના ખોળે વિહાર

     માંગરોળ12 દિવસ પહેલા



    પક્ષીઓના કલરવ વગરની પ્રકૃતિ અધુરી છે. પ્રકૃતિનું અભિન્ન અંગ ગણાતા પક્ષીઓ બંધનમાં નહીં, પરંતુ કુદરતના ખોળે જ વિહરતા સારા લાગે. બન્યું એવું કે માંગરોળ નજીકના બુધેચા ગામે નાળીયેરીના બગીચામાં એક ઝાડ પર ચંદન ઘો આવી ચઢતા હેબતાઈ ગયેલી બતક અને તેના ૧૯ બચ્ચા નીચે પડ્યા હતા. વાડીમાલિકે તેને બચાવવા શિવમ ચક્ષુદાન સંસ્થાના નાથાભાઈ નંદાણીયાને જાણ કરી હતી. તેઓએ પર્યાવરણ સાથે સંકળાયેલી સંજીવની નેચર ફાઉન્ડેશનને માહિતગાર કરતા તેઓ ત્યાં પહોંચી બતક અને બચ્ચાને ત્યાંથી લઈ જઈ ૩૩ કિ.મિ. દુર શીલના તળાવમાં મુક્ત કર્યા હતા. પરંતુ મોડી સાંજે વાડીમાં વધુ બે બચ્ચા નજરે પડતા, આ બચ્ચા તેની માતાથી વિખુટા ન પડી જાય તે માટે તેને ત્યાંથી લાવી, બપોરે માદા બતક અને ૧૯ બચ્ચાઓને જ્યાં છોડ્યા હતા. ત્યાં યુવાનોની ટીમે ટયુબના સહારે તળાવમાં જઈ વિખુટા પડેલા બચ્ચાઓનું માતા સાથે મિલન કરાવ્યું હતું.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/mangrol/news/natures-relatives-visit-nature-again-127631351.html



  • જંગલ વિસ્તારમાં થયો જળબંબાકાર

    ગીર 8 દિવસ પહેલા

    સનવાવ 7, ગીરગઢડા 6, ઊના 4 તેમજ પંથકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ગીર જંગલમાં 10 ઇંચ વરસાદ વરસી જતાં પંથક જળતરબોળ થયું હતું, નદીઓ ગાંડીતુર થઇ હતી. જ્યારે ગીર ગઢડામાં 6, સનવાવમાં 7, ઊનામાં 4, જરગલીમાં 5 જ્યારે ગામડાઓમાં 3 ઇંચથીવધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જનજીવન પર અસર થઇ હતી અને ગ્રામ્ય પંથકના રસ્તો બંધ થઇ ગયા હતાં.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/waterlogged-in-the-forest-area-127646225.html

    વિસાવદર વનવિભાગના કાટમાળ કૌભાંડમાં દિલ્હીથી તપાસના આદેશ

     વિસાવદર8 દિવસ પહેલા

    • સ્થાનિક લેવલે ફરિયાદ છત્તાં તપાસ ન થતા વડાપ્રધાન, રાષ્ટ્રપતિને ફરિયાદ કરેલી

    વિસાવદર વન વિભાગના જૂના ક્વાર્ટરના કૌભાંડમાં છેક દિલ્હીથી તપાસના આદેશ થતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ વિસાવદરના ડાક બંગલા ખાતે આવેલ વન વિભાગની ઓફિસ અને ક્વાર્ટર અત્યંત જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેનો કાટમાળ વન વિભાગના અેક અધિકારીના ઉમરાળા ગામે આવેલ ફાર્મ હાઉસ ખાતે સરકારી વાહનમાં લઇ જઇ કૌભાંડ કરવામાં આવ્યું હતું.

    આ અંગે વિસાવદરના ભરતભાઇ કે. ચૌહાણે મુખ્યમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારી સુધી ફરીયાદ કરી હતી. બાદમાં તપાસ એસીએફ વાઘેલાને સોંપવામાં આવી હતી. દરમિયાન ફરિયાદી ભરતભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, 10 જીબીનું વિડીયો રેકોર્ડીંગ સાથે પુરાવા આપ્યા હતા. સરકારી વાહન, નંબર, જીપીએસ લોકેશન વગેરે પણ જણાવ્યું હતું. જોકે, ફરિયાદીને સંતોષકારક તપાસ થઇ હોવાનું ન લાગતા આ મામલે રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનને ફરિયાદ કરી હતી. બાદમાં દિલ્હીથી તપાસ કરવાના આદેશ છૂટતા ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના આદેશ બાદ કડક તપાસ કરવામાં આવનાર હોય અનેકના તપેલા ચડી જવાની ભિતી હોય ભ્રષ્યાચારીઓના પગ તળેથી ધરતી સરકી રહી છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/delhi-orders-probe-into-visavadar-forest-departments-debris-scam-127646271.html


    ગીરમાં જંગલ મધ્યે આવેલો જમજીરનો ધોધ મુશળધાર વરસાદથી છલકાયો, ડ્રોનમાં કેદ થયો નયનરમ્ય નજારો

     જૂનાગઢ6 દિવસ પહેલા વીડિયો

    ધોધનો આહ્લાદક નજારો ડ્રોન વડે લેવામાં આવ્યો છે

    સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી છેલ્લાં ઘણા દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સૌરાષ્ટ્રના તમામ જળાશયો પાણીથી છલકાઈ ઉઠ્યાં છે. આ સાથે જ ગીરના જંગલમાં આવેલો જમજીરનો ધોધમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થતા છલકાઈ ઉઠ્યાં છે. જંગલમાં સહિત આસપાસના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડવાથી ધોધના નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. આ ઉપરાંત સહેલાણીઓ પણ આ નજારાને માણતા દેખાઈ રહ્યાં છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/jamjir-falls-in-the-middle-of-the-forest-in-gir-a-large-amount-of-water-flooded-captured-in-the-drone-beautiful-scenery-127650901.html

    ખૂબ ઓછું જોવા મળતા પેંગોલીયનનું રેસ્ક્યૂ કરાયું, ખેતર ફરતે બાંધેલી જાળીમાં ફસાયું હતું

     રાજકોટ4 દિવસ પહેલા

    પેંગોલીયનને ફરીથી જંગલમાં મુક્ત કરાયું.

    ખૂબ ઓછું જોવા મળતા પ્રાણી પેંગોલીયનનું સાસણ ગીર નજીકના વિસ્તારમા ખેડૂતોએ રેસ્ક્યૂ કર્યું છે. સાસણ ગીર નજીકના ખેતર ફરતે બાંધેલી જાળીમાં પેંગોલીયન ફસાઇ ગયું હતું. જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને ફરીથી જંગલમાં મુક્ત કરાયું હતું. પેંગોલીયન દુર્લભ માનવામાં આવે છે અને ગીર વિસ્તારમાં તે ક્યારેક ક્યારેક જ જોવા મળે છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/a-rare-pangolin-rescued-trapped-in-a-net-tied-around-the-farm-at-gir-127658168.html

    જૂનાગઢમાં ગણેશ મહોત્સવની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

     જૂનાગઢ5 દિવસ પહેલા
    શહેરની આશિયાના સોસાયટીમાં સિદ્ધિ વિનાયક ગૃપ દ્વારા કોરોનાના પગલે સાદાઇથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્સવને યાદગાર બનાવવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/a-tree-was-planted-in-junagadh-on-the-occasion-of-ganesh-mahotsav-127654855.html

    કેશોદમાં તાલુકાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

     કેશોદ5 દિવસ પહેલા

    આદર્શ નીવાસી શાળા ખાતે સામાજિક વનીકરણ ગીર- સોમનાથ વિભાગ રેન્જ હેઠળનો તાલુકા કક્ષાનો વનમહોત્સવ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે વૃક્ષારોપણ તેમજ લોકોને વૃક્ષ વાવવા પ્રેરિત્ત કરતાં વૃક્ષ રથ 2020 ને લીલીઝંડી આપી રવાના કરાયો હતો. આ તકે વન વિભાગ અધિકારીઓ, મામલતદાર હેતલબેન ભાલિયા, તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડા, સ્કુલ આચાર્ય હમીરભાઇ વાળાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રવીણભાઈ ભાલાળા, મગનભાઈ કોટડિયા, રામભાઈ સીસોદીયા, કાનાભાઈ સુત્રેજા હાજર રહી વૃક્ષારોપણમાં જોડાયા હતાં.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/taluka-level-forest-festival-was-celebrated-in-keshod-127654892.html


    નિવૃત્ત થયેલા પતિ, પત્નિએ બે - હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું

     જૂનાગઢ4 દિવસ પહેલા


    • નિવૃત્તિમાં પણ સતત પ્રવૃત્ત રહેતા દંપત્તિની દાસ્તાન : 4 બગીચા તેમજ આજુબાજુની સોસાયટીને હરિયાળી બનાવી

    જૂનાગઢના નિવૃત્ત થયેલા પતિ, પત્નિએ 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે ભરતભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, જોષીપરા કન્યા છાત્રાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા વલ્લભભાઇ ખુંટ અને તેમના પત્નિ સરોજબેનની જુગલ જોડી પર્યાવરણ પ્રેમી છે. તેઓએ અત્યાર સુધીમાં 4 બગીચાઓ તેમજ અનેક સોસાયટીમાં વૃક્ષારોપણ કર્યું છે.

    1993માં જોષીપરામાં સંત ભોજલરામ બગીચામાં 120થી વધુ વૃક્ષો વાવ્યા હતા. 2008માં ગોપાલનગરમાં માધવ બાગમાં મનસુખભાઇ રાદડીયા અને તેમની ટીમના સહયોગથી 225 વૃક્ષો વાવ્યા હતા. જ્યારે 2009માં સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાનમાં 225 વૃક્ષો વાવ્યા હતા. 2018માં ગોપાલ નગરના નિલકંઠ બાગમાં 300 વૃક્ષો વાવ્યા હતા. આ ઉપરાંત જોષીપરા કન્યા છાત્રાલયના તેમજ એનઅેસએસના છાત્રોના સહયોગથી પણ અનેક સોસાયટીમાં વૃક્ષો વાવવાની કામગીરી જારી રાખી સમગ્ર વિસ્તારને હરિયાળી બક્ષી છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/retired-husband-and-wife-planted-more-than-two-thousand-trees-127659624.html
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/retired-husband-and-wife-planted-more-than-two-thousand-trees-127659624.html

    ગીરગઢડામાં આભ ફાટ્યું કણેરીમાં 1 કલાકમાં 5, જામવાળામાં 4 કલાકમાં 8 અને એભલવડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, માધવરાય મંદિર પાણીમાં

     ગીર સોમનાથએક દિવસ પહેલા

    કણેરી ગામમાં 5 ઈંચ વરસાદથી ગામમાં કેડસમા પાણી ભરાયા
    • હિરણ 2 ડેમના 7 દરવાજા ખોલાતા 15 ગામોને હાઈ એલર્ટ કરાયા

    ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં 5 ઈંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઈંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. તમામ ગામમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે. આથી લોકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. લોકો ઘરની અંદર ભરાયેલા પાણી તગારાથી બહાર કાઢી રહ્યા છે. એક કલાકમાં પાંચ ઈંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આથી બહારથી કોઇ અંદર અને અંદરથી કોઈ વ્યક્તિ બહાર નીકળી શકે તેમ નથી. ભારે વરસાદથી ગામના ખેતરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.પ્રાચીનું માધવરાય મંદિર ફરી પાણી ગરકાવ થયું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પૂર આવ્યું છે

    સુત્રાપાડામાં આઠ ઈંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું
    સુત્રાપાડામાં આઠ ઈંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું

    સુત્રાપાડામાં 8 ઈંચ વરસાદથી શહેર બેટમાં ફેરવાયું
    સુત્રાપાડા શહેરમાં 8 ઈંચ વરસાદથી બેટમાં ફેરવાયું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે.સુત્રાપાડાનું ઝાલા વડોદરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને લઈને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પણ પલળી ગઈ છે. ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તાલાલા અને ગીરમાં ભારે વરસાદથી હિરણ 2 ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી તેલાલા અને વેરાવળના 15 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.

    સુત્રાપાડામાં દુકાનોમાં પાણી ઘૂસ્યા
    સુત્રાપાડામાં દુકાનોમાં પાણી ઘૂસ્યા

    વેરાવળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, ઢાઢણી ગામે બે યુવાનો તણાયા
    વેરાવળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાય નથી. તેમજ ઢાઢણી ગામે બે યુવાનો પૂરના પાણીમા તણાતા એકને બચાવી લેવાયો છે અને બીજા યુવાનનું મોત નીપજ્યું છે.

    સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ
    સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર પાણીમાં ગરકાવ

    (જયેશ ગોંધિયા, ઉના)
    https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/heavy-rain-fall-in-kaneri-village-of-gir-gadhda-127667913.html

    ગણેશ નગરમાં આવી ચડેલા મગરનું વન વિભાગે કર્યું રેસ્કયું

     જૂનાગઢ15 કલાક પહેલા

    • ભારે વરસાદથી નદીના પાણીમાં તણાઇ મગર રહેણાંક વિસ્તારોમાં આવી
    • મગરને પાંજરે પૂરી ડેમમાં સહિ સલામત રીતે છોડી મૂકાયો

    છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ગિરનારમાંથી નીકળતી નદીઓમાં ભારે પૂર આવ્યા છે. આ પૂરના પાણીની સાથે મગરો તણાઇ આવવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ ગિરનાર દરવાજા વિસ્તારમાં બનવા પામ્યો હતો. શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગણેશ નગરના એક રહેણાંક મકાનમાં રવિવારે મગર આવી ચડ્યો હતો. આ અંગેની જાણ થતા રહેવાસીઓએ ડેલીનો દરવાજો બંધ કરી મગરને પૂરી દીધો હતો. બાદમાં વન વિભાગની ટીમને જાણ કરી હતી. મગરની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને રેસ્કયુ કરી મગરને પાંજરામાં પૂરી દેતા સ્થાનિક રહેવાસીઓને હાશકારો થયો હતો. વન વિભાગની ટીમે બાદમાં મગરને સહિ સલામત રીતે ડેમમાં છોડી મૂક્યો હતો.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/the-forest-department-rescued-the-crocodile-in-ganesh-nagar-127668790.html


    ચલાલામાં સિંહ પરિવારના આંટાફેરા, રહેણાંક વિસ્તારમાં સિંહે ગાય પાછળ દોટ મૂકી, દ્રશ્યો CCTVમાં કેદ

     અમરેલી25 દિવસ પહેલા વીડિયો

    સિંહ પરિવાર CCTVમાં કેદ થયો
    • સિંહોના આતંકથી રાત્રે ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી

    અમરેલી જિલ્લાના ચલાલામાં સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા છે. સિંહો ખોરાકની શોધમાં ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. ત્યારે ગત રાતે સિંહો શિકારની શોધમાં બજારમાં ઘૂસ્યા હતા. રસ્તા પર રઝળતી ગાય પાછળ સિંહે દોટ લગાવી હતી. જેથી અફરાતફરી મચી ગઇ હતી. જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. વાઈરલ થયેલો આ વીડિયો ચલાલાના સ્ટેશનપરા વિસ્તારનો છે. સિંહોના આતંકથી રાત્રે ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી. તેમજ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડેને ગામના લોકોએ પોતાના ઘરમાં જ પૂરાય રહેવું પડે છે.

    મચ્છરોના ત્રાસની સિંહો પરેશાન
    મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં ગીર આસપાસના વિસ્તારોમાં માખી–મચ્છર અને અન્ય જીવ જંતુઓ ખૂબ હોય છે. જેને કારણે સિંહો મચ્છરથી પરેશાન થઈ ગયા છે. જીવ જંતુઓના ત્રાસના કારણે સિંહો વધારે પડતા રેવન્યૂ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને થોડી થોડીવારે તેઓ જગ્યાઓ બદલતા રહે છે.

    (જયદેવ વરૂ, અમરેલી)
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/lion-family-come-in-chalala-and-this-picture-caught-in-cctv-127590654.html



  • ધારીના કાથરાેટામાં રાેજેરાેજ પશુનું મારણ કરતા સાવજાે

     અમરેલી23 દિવસ પહેલા

    • શુક્રવારે બળદનું મારણ કર્યા બાદ શનિવારે વાછરડી મારી નાખી

    ગીરકાંઠાના ધારી તાલુકામા ચાેમાસાના સમયમા શિકાર માટે સાવજાે ગ્રામ્ય વિસ્તારમા બજારાેમા પણ ચડી આવે છે. અને લાેકાેના ઉપયાેગી પશુઓના મારણની ઘટના વધી છે. બે દિવસ પહેલા શિકારની શાેધમા સાવજાે ચલાલાની બજારમા પણ ઘુસી ગયા હતા. અને અહી બજારમા રખડતી ગાયાે પાછળ દાેટ મુકી હતી. તાે બીજી તરફ ધારીના કાથરાેટામા પણ અવારનવાર સાવજાે ચડી આવે છે. ગઇકાલે અહીના વિપુલભાઇ તંતીના બળદને સાવજે ફાડી ખાધાે હતાે. જેના પગલે ખેડૂતાેમા ફફડાટની લાગણી ફેલાઇ હતી. આ વિસ્તારમા સાવજાેના કાયમી ધામા છે. જેથી ખેડૂતાેને વાડી ખેતરમા કામ કરતી વખતે પણ ધ્યાન રાખવુ પડે છે. તાે બીજી તરફ આજે પણ કાથરોટા ગામે વહેલી પરાેઢે અહી સાવજ ચડી આવ્યાે હતાે અને અહીના જહાભાઇ રબારીના ઘર સામે જ એક વાછરડીનુ મારણ કર્યુ હતું.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/in-dharis-katharata-rajaraj-killed-the-animal-127598872.html


    મહુવા રેન્જમાં દીપડાએ મહિલા પર હુમલો કર્યો, ચહેરા પર પંજા મારતા લોહીલૂહાણ

     અમરેલી22 દિવસ પહેલા

    મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ
    • મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી
    • વન વિભાગની ટીમે દીપડાની શોધખોળ હાથ ધરી

    શેત્રુંજી વિભાગમાં આવેલા મહુવા રેન્જમાં નાના ખુટવાડા 2 ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. લીલાબેન ભરતભાઈ મકવાણા (ઉં.વ.42) નામની મહિલાના ચહેરા પર પંજા મારી દેતા લોહીલૂહાણ બની હતી. આ ઉપરાંત હાથ અને માથાના ભાગે પણ ઈજા પહોંચી છે. દીપડાના હુમલાથી મહિલાએ બચવા દીપડા સાથે બાથ ભીડી હતી. મહિલાએ બૂમો પાડતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને દીપડો મહિલાને છોડી જતો રહ્યો હતો.

    મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી
    દીપડાના હુમલાથી મહિલા લોહીલૂહાણ બનતા લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બાદમાં વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા તલાલા તાલુકાના વીરપુર ગામમાં માનવભક્ષી દીપડાએ નિવૃત શિક્ષકને ફાડી ખાધા હતા. જેથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે ગામમાં અને ગામની બહાર અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા પાંજરા મૂક્યા હતા. વન વિભાગની બે દિવસની જહેમત બાદ એક દીપડો પાંજરે પુરાયો હતો.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/leopard-attack-on-woman-so-her-injured-near-mahuva-127600892.html


    સાવરકુંડલામાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

     સાવરકુંડલા22 દિવસ પહેલા



    આવતીકાલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. અહી વન વિભાગ દ્વારા ગુજરાતના ગૌરવ સમાજ સિહ પ્રત્યે સહિયારા પ્રયત્નથી જાગૃતિ કેળવશે. પર્યાવરણ અને પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે સિંહ છે. અહી લોકોમાં જાગૃતિ આવે અને વન્ય પ્રાણી સિંહ પ્રત્યે સંવેદના કેળવાય તે માટે 10 ઓગષ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    એક સમયે લુપ્તતાને આરે પહોંચી ગયેલ સિંહોની સંખ્યામાં લોક જાગૃતિના કારણે નોંધપાત્ર વધારો જોવા મળે છે. અહી સિંહો પ્રત્યે સરકારની અસરકારક કામગીરી અને વન વિભાગની સતર્કતાથી આજે લોકોમાં સિંહો પ્રત્યે સહકારની ભાવના જોવા મળે છે. સાવરકુંડલાના ગીર વિસ્તારમાં સિંહો આજે અનેક સ્થળે વસવાટ કરી રહ્યા છે. સાવરકુંડલામાં આજે લોકો પણ સિંહો પ્રત્યે જાગૃત થયેલ છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/savarkundla/news/world-lion-day-will-be-celebrated-in-savarkundla-today-127602105.html



  • લાલાની સર્વોદય સોસાયટીમાં આધેડ પર દીપડાએ કર્યો હુમલો

     ચલાલા22 દિવસ પહેલા

    • ચાર દિવસથી અનેક કુતરાને મારી નાખ્યા, લોકોમાં ફફડાટ

    ત્રણ દિવસ પહેલા શિકારની શોધમા એક સિંહ ચલાલાની બજારમા મધરાતે આવી ચડયાની ઘટના તાજી છે ત્યાં હવે અહી દીપડાનો ત્રાસ શરૂ થયો છે. અહી સર્વાેદય સોસાયટીમા દીપડાએ અનેક કુતરા મારી નાખ્યા છે અને એક આધેડને પણ ઘાયલ કર્યા હતા. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વધેલી દીપડાની વસતિ જાેખમી બની રહી છે.

    કારણ કે શિકારની શોધમા હવે દીપડા શહેરી વિસ્તારમા પણ ચડી આવે છે. ચલાલામા છેલ્લા ત્રણ ચાર દિવસથી દીપડાનાે ભય જોવા મળી રહ્યાે છે. કારણ કે અમરેલી રાેડ પર ખાદી કાર્યાલયની બાજુમા આવેલ સર્વાેદય સાેસાયટી વિસ્તારમા દીપડો ત્રાસ વર્તાવી રહ્યો છે. અહી પાછલા ચાર દિવસમા દીપડાએ કેટલાક કુતરાને મારી નાખ્યા હતા. ઉપરાંત એક આધેડ પર હુમલો કરી તેમને સામાન્ય ઇજા પહોચાડી હતી. જેના પગલે લોકોમા ફફડાટ છે. અહી શહેર ભાજપના મહામંત્રીએ સ્થાનિક આરએફઓ વર્માને લેખિત રજુઆત કરી આ દીપડાને પાંજરે પુરવા માંગ કરી છે
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/deepada-attacked-a-middle-aged-man-in-chalalas-sarvodaya-society-127602150.html


    સિંહ દિવસ નિમીત્તે નેચર ફાઉન્ડેશન દ્વારા ખાંભામાં કમોતે મરેલા સાવજોને શ્રદ્ધાંજલી

     અમરેલી21 દિવસ પહેલા



    ભુલકાઓેને સિંહના મોહરાનું વિતરણ કરાયું
    • અમરેલીમાં સિંહને પ્રતિમાને રાખડી બાંધી બાળકોને સાવજના માસ્કનું વિતરણ

    વિશ્વ સિંહ દિવસ નિમીતે ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મૃતક સાવજોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. ઉપરાંત બાળકોને બુક, માસ્કનુ વિતરણ કરાયુ હતુ. જયારે અમરેલીમા સાવજના પુતળાને રાખડી બાંધી બાળકોને સિંહના મહોરા અપાયા હતા. ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાના અધ્યક્ષસ્થાને તેના કાર્યાલયમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. અહી ગીર જંગલમા છાશવારે સાવજો કમોતે મરતા હોય સંસ્થાના કાર્યકરોએ મૃતક સાવજોને શ્રધ્ધાંજલી આપી હતી. ઉપરાંત ભુલકાઓને નોટબુક, માસ્ક, બોલપેન અને ચકલી ઘરનુ વિતરણ કરવામા આવ્યું હતુ.

    બીજી તરફ અમરેલીમા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ અનોખી ઉજવણી કરાઇ હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર ચિલ્ડ્રન મ્યુઝીયમ અને બાલભવનના ઉપક્રમે સંજયભાઇ રામાણી, હાર્દિકભાઇ, વિપુલભાઇ વ્યાસ વિગેરેની ઉપસ્થિતિમા અહી સાવજની પ્રતિમાને રાખડી બાંધી ભુલકાઓને સિંહના મહોરાનુ વિતરણ કરાયુ હતુ.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/nature-foundation-pays-tribute-to-savjo-127604615.html



  • ધારીના મોરઝર ગામે બસસ્ટેન્ડમાં મોડી રાત્રે 5થી 6 સાવજોએ પશુનો શિકાર કરી મીજબાની માણી, કારચાલકે વીડિયો ઉતાર્યો

     અમરેલી15 દિવસ પહેલા

    ગત મોડી રાત્રે 5થી 6 સિંહ ગામમાં ઘૂસી આવ્યા હતા
    • વિસાવદરના પીરવાડ ગામમાં કૂવામાં ખાબકતા દીપડીનું મોત

    ધારીના મોરઝર ગામમાં ગત મોડી રાત્રે સિંહનુ ટોળું ઘૂસી આવ્યું હતું. રસ્તે રઝળતા પશુઓ વરસાદને કારણે ગામના બસસ્ટેન્ડમાં બેઠા હતા. પશુઓને જોઈને સાવજોનું ટોળું તેમના પર ત્રાટક્યું હતું. પરંતુ એક પશુ ભાગી ન શકતા સાવજોએ તેનો શિકાર કરી મિજબાની માણી હતી. આ દ્રશ્યો કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યો છે. વીડિયોમાં 5થી 6 સાવજો જોવા મળી રહ્યા છે. તેમાંથી કેટલાક સાવજો રસ્તા પર પણ ટહેલતા જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે.

    વિસાવદરના પીરવાડ ગામના કૂવામાં દીપડો ખાબકતા મોત
    વિસાવદરના પીરવાડ ગામે 5થી 7 વર્ષના માદા દીપડાનું કૂવામાં ખાબકતા મોત નીપજ્યું હતું. ગામમાં રહેતા કાંતિભાઈ ગોંડલિયાની વાડીમાં કૂવામાં દીપડી ખાબકી હતી. કૂવામાંથી બહાર ન નીકળી શકતા દીપડીનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ વન વિભાગને થતા ટીમ દોડી આવી હતી અને દીપડીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

    (જયદેવ વરૂ-અરૂણ વેગડા, અમરેલી)

    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/5-to-6-lion-come-in-morzar-village-of-dhari-and-animal-hunt-127620461.html

    દરેડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

     બાબરા 14 દિવસ પહેલા

    દરેડ ગામમાં સરપંચ વનરાજભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અહીં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે તલાટી મંત્રી ચેતનાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/babra/news/a-tree-planting-program-was-held-in-dared-127624093.html

    સાંસદે કરેલ ગૌચર જમીનના દબાણને છાવરવા વનવિભાગે તાર ફેન્સીંગ કર્યું

     12 દિવસ પહેલા

    • જવાબદારો સામે પગલા લેવા આમ આદમી પાર્ટીની કલેકટરને રજૂઆત

    અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા અને તેના પુત્રના બંગલાની દીવાલને અડીને ગૌચરની જમીનમાં ફેન્સિંગ કરી બગીચો બનાવી દબાણ કરાયાનું મામલો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હાઇકોર્ટમાં લઈ ગયા છે. અને તેનું નિરાકરણ બાકી છે તેવા સમયે વનવિભાગે આ દબાણ ફરતે તાર ફેન્સીંગ કરી ખડકી દેતા આમ આદમી પાર્ટીએ સાંસદના દબાણને છાવરવાનો આક્ષેપ કરી જવાબદારો સામે પગલાં લેવા કલેકટર સમક્ષ માંગ કરી છે.

    અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નાથાલાલ સુખડિયાએ આજે આ બારામાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને તેના પુત્રના બંગલા નજીક ગૌચરની જમીનમાં દબાણ કરી તેમણે તાર ફેન્સીંગ કરી બગીચાનું નિર્માણ કર્યું છે. આ અંગે તેમણે હાઇકોર્ટમાં દાદ માગી છે. હાઈકોર્ટે આ અંગે મામલાનો નિકાલ કરવા ઓર્ડર કર્યો છે. જે પ્રશ્નનો હજુ નિકાલ થયો નથી. ત્યાં વન વિભાગે આ બગીચા ફરતે પણ તાર ફેન્સીંગ કરાવી લીધું છે. અને સીધી રીતે જ દબાણને છાવરવાનો પ્રયાસ કર્યો છે.

    સુખડિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે દબાણ દૂર કર્યા વગર વન વિભાગ રાજકીય ઈશારે તેમને છાવરી રહ્યું છે. સત્તાના જોરે તંત્રની મદદથી દબાણને દૂર કરવાના બદલે છાવરવામાં આવી રહ્યું છે. ગૌચરની જમીનમાં તાર ફેન્સીંગ કરતા પહેલા વનવિભાગે કલેક્ટરની મંજૂરી પણ લીધી ન હોય વનવિભાગના જવાબદારો સામે આ અંગે કાયદેસરના પગલાં લેવા તેમણે માંગ કરી છે. આમ, વન વિભાગે તાર ફેન્સીંગ કરતા અનેક સવાલો ઉઠા થયા છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/the-forest-department-erected-wire-fencing-to-relieve-the-pressure-of-the-gauchar-land-done-by-the-mp-127630746.html


    ધારીના હુડલીમાં 9 વર્ષની બાળા પર દીપડાનાે હુમલાે, માથામાં ઇજા પહોંચી

     અમરેલી6 દિવસ પહેલા


    ઘાયલ થયેલ ઇજાગ્રસ્ત બાળકી.
    • ગીરકાંઠા ખેતીકામ કરતા મજુરાે પર વન્યપ્રાણીના હુમલાની વધતી ઘટના

    ખેતીની સિઝન છે અને ખેડૂતાેને સીમમા દિવસ રાત કામ રહે છે ત્યારે ગીરકાંઠાના વિસ્તારમા ખેડૂતાે પર વન્યજીવાેનાે ખતરાે પણ રહે છે. આજે વહેલી સવારે ધારી તાલુકાના હુડલી ગામની સીમમા નવ વર્ષની બાળા પર દીપડાએ હુમલાે કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાઇ છે.

    અહી પરપ્રાંતિય મજુર પરિવાર સીમમા જ રહી ખેતીકામ કરે છે. અહીના અમરસીંગભાઇ રાઠવાની નવ વર્ષની પુત્રી દરિયા વાડીમા હતી ત્યારે શિકારની શાેધમા આવી ચડેલા દીપડાએ તેના પર હુમલાે કરી દીધાે હતાે. જાે કે બાળકીની રાડારાડ બાદ પરિવારજનાેએ હાકલા પડકારા કરી દીપડાને ભગાડી મુકયાે હતાે. દીપડાએ બાળકીને માથામા ઇજા પહાેંચાડી હતી. તેને સારવાર માટે પ્રથમ ચલાલા દવાખાને ખસેડાઇ હતી. અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રીફર કરાઇ હતી. ગામ લાેકાેએ દીપડાને પાંજરે પુરવા માંગ ઉઠાવી છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/a-9-year-old-boy-was-attacked-by-a-tiger-in-dharis-hoodley-injuring-his-head-127651991.html

    રાંકચમાં 43 સાવજનું જૂથ વસાવનાર સિંહણ રાજમાતાનું માેત

     લીલીયા6 દિવસ પહેલા
    લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમા છેલ્લા દાેઢ દાયકાથી એકચક્રી શાસન ચલાવનાર અને આ વિસ્તારને ગાૈરવપુર્ણ રીતે દેશભરમા ખ્યાતિ અપાવનાર સિંહણ રાજમાતાનુ આખરે માેત થયુ છે. અહી 43 સભ્યાેનાે વિશાળ પરિવાર ધરાવનાર 19 વર્ષની આ વૃધ્ધ સિંહણના માેત સાથે જાણે એક યુગનાે અંત આવ્યાે છે. આ સિંહણની ચાર પેઢી વસી રહી છે. રેડીયાે કાેલર તરીકે ઓળખાતી સિંહણે ક્રાંકચને નામના અપાવી હતી. તેને થાપાના ભાગે ઇજા પહાેંચી હાેય સારવાર માટે વડાળ એનીમલ કેર સેન્ટરમા લઇ જવાઇ હતી. જયાં તેનુ માેત થયુ હતુ.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/liliya/news/mother-of-the-lion-princess-who-established-a-group-of-43-savas-in-krankach-127653117.html

    ધારીના ડાંગાવદર રોડ પર સિંહે બળદનુ મારણ કરી મિજબાની માણી, વીડિયો વાઈરલ

    અમરેલી5 દિવસ પહેલા
    ધારીના ડાંગાવદર રોડ પર સિંહે કલાકો સુધી મિજબાની માણી હતી
    • સિંહના ગળામાં આઈડી કોલર જોવા મળ્યું

    અમરેલી જિલ્લાના ધારીના ડાંગાવદર પર એક સિંહે બળદનુ મારણ કરી મિજબાની માણતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ સિંહે ડાંગાવદર રોડ પર બળદનુ મારણ કર્યું હતું. જે બાદ કલાકો સુધી મિજબાની માણી હતી. આ સાથે જ સિંહના ગળામાં આઈડી કોલર પણ જોવા મળ્યું હતું.

    સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
    મહત્વનું છે કે સિંહો શિકારની શોધમાં ઘણી વખત જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી ચડતાં હોય છે. ત્યારે આજે વહેલી સવારે એક સિંહ ધારીના ડાંગાવદર રોડ પર ચડી આવ્યો હતો. રસ્તા પર રઝળતા બળદનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. હાલ તો સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
    (અરુણ વેગડા, ધારી)

    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/lion-kills-bull-on-dharis-dangavadar-road-and-enjoys-feast-video-goes-viral-127653999.html

     

    લીલિયામાં સિંહણ રાજમાતાની સ્મૃતિમાં સ્મારકનું નિર્માણ થશે

     લીલીયા2 દિવસ પહેલા

    • વડાળમાં અંતિમવિધી કરાઇ જેથી લાેકાેમાં ભારે કચવાટ

    લીલીયા પંથકની ગૌરવશાળી સિંહણ રાજમાતાનુ તાજેતરમા મોત નિપજયું હતુ. જેને પગલે આ વિસ્તારના સિંહપ્રેમીઓમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. ત્યારે સિંહણ રાજમાતાની સ્મૃતિમા અહી સ્મારક બનાવવા આયોજન હાથ ધરાયુ છે.

    વર્ષ 2000મા શેત્રુજી નદીના બેલ્ટ પર ચાલીને આવી ક્રાંકચ તેમજ આસપાસના વિસ્તારમા રહેઠાણ બનાવી સિંહણ રાજમાતાએ અહી વસવાટ શરૂ કર્યો હતો. હાલમા આ પંથકમા 43 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ સિંહણે આ પંથકની દેશ દુનિયામા ઓળખ ઉભી કરી ગૌરવ અપાવ્યું હતુ. સિંહણ રાજમાતાએ 15મી ઓગષ્ટના રોજ વડાળ એનીમલ કેર સેન્ટરમા અંતિમ શ્વાસ લીધો હતો.જો કે તેમની અંતિમવિધી વડાળમા જ કરાતા લોકોમા કચવાટ જોવા મળ્યો હતો. ત્યારે આ સિંહણ રાજમાતાનુ અહી સ્મારક બનાવવા સ્થાનિક પર્યાવરણપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણ, મનેાજભાઇ જોષી વિગેરેએ આયોજન હાથ ધર્યુ છે.
    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/liliya/news/a-memorial-will-be-erected-in-lilia-in-memory-of-the-lion-princess-127664862.html

    કડિયાળી ગામે ડાલામથ્થા સાવજે ત્રણ દિવસમાં છ પશુનું મારણ કરતાં રોષ

    રાજુલા 2 દિવસ પહેલા

    જાફરાબાદ તાલુકામા છેલ્લા કેટલાક દિવસોથી સિંહ, દીપડાની રંજાડ વધી ગઇ છે. અહી એક ડાલામથ્થા સાવજે ત્રણ દિવસમા છ પશુઓનો શિકાર કરતા વનવિભાગ સામે ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમા આરએફઓ પણ સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાંજ પડે અને કડીયાળીની સીમમા સિંહ ઘુસી આવે છે. અહી મોડી રાત્રે પણ સાવજે ફરજામા ઘુસી બે પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગામોમા સિંહોનો વસવાટ છે.

    પરંતુ પેટ્રોલિંગના અભાવે સિંહો અને વન્યપ્રાણીની વધતી જતી રંજાડ સામે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વનવિભાગના આરએફઓ કક્ષાના અધિકારીને જાણ કરવા છતા કોઈ પરિણામ આવતુ નથી. ગામ લોકોની માંગ છે કે અહીં એક જ સિંહ ગામમાં આવી પશુના શિકાર કરેે છે તેની પાંજરે પુરી દુર ખસેડવામા આવે. વનવિભાગના અધિકારીઓ નિષ્ક્રિય રહેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    RFO ફરજ દરમિયાન તાલુકા બહાર રહે છે ?
    અહીના આરએફઓ જાફરાબાદ તાલુકામા રહેતા ન હોવાનો ગણગણાટ શરૂ થયો છેે. ગંભીર ઘટનાઓ બનતી હોય છતા હાજર રહેતા નથી. ત્યારે અધિકારીઓ હાજર રહે જેથી ગ્રામિણ વિસ્તારમા સિંહ, દીપડા સહિત વન્યપ્રાણીઓ પર નજર રહી શકે.

    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/in-kadiyali-village-dalamaththa-savage-is-angry-over-killing-six-animals-in-three-days-127664874.html

    ગીર મધ્યનું તુલસીશ્યામ મંદિર હજુ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

    September 30

    ગીરની મધ્યમાં આવેલ તુલસીશ્યામ મંદીર દર્શનાર્થીઓ માટે બંધ રખાયું છે. પરંતુ દ્વારકા અને સોમનાથના મંદિર ખુલ્લા હોય અનેક પ્રવાસીઓ તુલસીશ્યામમાં પણ આવી ચડે છે. હાલમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ આજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં તુલસીશ્યામ મંદિર હજુ આગામી તારીખ 30/ 9 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગીરમાં રમણીય સ્થળે તુલસીશ્યામ મંદિર આવેલું છે. અહીં પ્રકૃતિ પણ બરાબરની ખીલેલી છે. જો કે હાલમાં શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરવાજા બંધ છે.

    લોકડાઉનના સમયથી અહીં શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ રખાયું છે. અનલોકની પ્રક્રિયા દરમિયાન સોમનાથ અને આસપાસના અન્ય મંદિરોમાં ધીમે ધીમે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો છે. જો કે તુલસી શ્યામ મંદિર ભાવિકો માટે બંધ હોવા છતાં અનેક ભાવિકો અહીં દર્શન માટે પહોંચી જાય છે. જેને પગલે કોરોના સંક્રમણને ધ્યાને લઈને આજે મળેલી ટ્રસ્ટની બેઠકમાં હજુ વધુ એક માસ માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અહીં ગરમ પાણીના કુંડમાં સ્નાન માટે પણ લોકો માટે આવે છે. રૂકમણીજીના ડુંગર પર ચડવાનો પણ મહિમા છે. તુલસીશ્યામ ધામના ટ્રસ્ટી અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂએ આ સ્થિતિને ધ્યાને લઇ શ્યામ સેવકોને આગામી 30/ 9 સુધી મંદિરે દર્શનાર્થે ન આવવા અપીલ કરી છે.

    https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/the-tulsishyam-temple-in-central-gir-will-remain-closed-till-september-30-127668634.html

    ખાંભામાં અનરાધાર વરસાદ વચ્ચે સિંહે રોડ વચ્ચે પશુનો શિકાર કર્યો, ઉનાના જુડવડલીમાં 10 ફૂટની દીવાલ ટપી સિંહે ઘેટાનું મારણ કર્યું

     

    • સિંહે બંધ ડેલામાં ત્રાટકી 9 ઘેટાનું મારણ કર્યુ અને એક ઘેટાને ઉપાડી ગયો હતો

    ખાંભાના નાની ધારી ગામમાં ગત રાત્રે અનરાધાર વરસાદમાં રસ્તા વચ્ચે ભૂખ્યા સિંહે એક પશુનો શિકાર કરી મિજબાની માણી હતી. આથી રોડની બંને બાજુ વાહનચાલકો થંભી ગયા હતા. સ્ટેટ હાઈવે પર સિંહે પશુને પકડી રાખી મિજબાની માણી હતી. ચાલુ વરસાદમાં રસ્તા વચ્ચે શિકાર કરતા વાહનચાલકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. બીજી તરફ ઉનાના જુડવડલી ગામે 10 ફૂટની દીવાલ ટપી સિંહે ઘેટાનું મારણ કર્યું હતું.

    ઉનાના જુડવડલી ગામે સિંહે બંધ ડેલામાં 10 ફૂટની દીવાલ ટપી અંદર ત્રાટકી ઘેટાનું મારણ કર્યુ હતું
    ઉનાના જુડવડલી ગામે સિંહે બંધ ડેલામાં 10 ફૂટની દીવાલ ટપી અંદર ત્રાટકી ઘેટાનું મારણ કર્યુ હતું

    35 ઘેટા વચ્ચે સિંહ ત્રાટક્યો હતો
    ઉનાના જુડવડલી ગામે 10 ફૂટની દીવાલ ટપી 35 ઘેટા વચ્ચે સિંહ ત્રાટક્યો હતો. આથી ઘેટાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ગામમાં રહેતા ભાવેશભાઈ અરજણભાઈ રબારીના 35 ઘેટા બંધ ડેલામાં બાંધ્યા હતા. રાત્રિના સમયમાં સિંહ દીવાલ ટપી ડેલામાં ત્રાટક્યો હતો. આથી ઘેટાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સિંહે 9 ઘેટાનું મારણ કર્યુ અને એક ઘેટાને ઉપાડી ગયો હતો. આજે વહેલી સવારે માલધારીને જાણ થતા તેણે વન વિભાગને જાણ કરી હતી અને ટીમ દોડી આવી હતી. વન વિભાગે સિંહની શોધખોળ હાથ ધરી છે.

    (જયદેવ વરૂ, અમરેલી, હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા--જયેશ ગોંધિયા, ઉના)

    https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-hunt-animal-near-khanbha-on-road-127670989.html