Thursday, March 22, 2012

ગિરનાર રોપ-વે અંગે હવે રિપોર્ટ પર સૌની મીટ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:09 PM [IST](20/03/2012)
રીપોર્ટની નકલ એક બે દિવસમાં ગુજરાત વનવિભાગને મળે તેવી શક્યતા
ગિરનાર રોપ-વે સાઇટની સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ મુલાકાત લીધી હતી. આ કમિટીએ રોપ-વે માટેની જુદી જુદી સાઇટોની શક્યતાઓ ચકાસી હતી. બાદમાં તેનો એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ રીપોર્ટ હવે સુપ્રીમની બેન્ચ સમક્ષ રજૂ કરાયો છે. જેના પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. રીપોર્ટની નકલ હજુ સુધી ગુજરાત વનવિભાગને મળી નથી. આવતીકાલે મંગળવારે રિપોર્ટ જાહેર થાય તેવી સંભાવના છે.
આ અંગેની પ્રાપ્તવીગતો મુજબ, ગિરનાર જંગલને અભયારણ્ય જાહેર કરાતાં ગિરનાર રોપ-વેનાં નિર્ણયનો સંપૂર્ણ દારોમદાર કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ અને બાદમાં સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી ઉપર હતો. આ માટે સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ થોડા માસ પહેલાં જૂનાગઢ આવી રોપ-વે સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે વિવિધ લોકો, સંસ્થાઓ, સર્વપક્ષીય આગેવાનોની રજૂઆતો સ્વીકારાઇ હતી.
બાદમાં કમિટીએ તેનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. તાજેતરમાંજ એ રીપોર્ટ સુપ્રીમની બેન્ચ સમક્ષ મુકવામાં આવ્યો છે. તેની નકલ કેન્દ્રિય વનમંત્રાલયને અપાશે. સાથોસાથ તે ગુજરાતનાં વનવિભાગને પણ અપાશે. આ રીપોર્ટનાં આધારે સુપ્રીમ કોર્ટની બેન્ચ રોપ-વેને લીલીઝંડી આપવી કે નહીં તેનો નિર્ણય લેશે.
આથી આ મામલે ભારે કૂતુહલ ફેલાયું છે. ગુજરાત વનવિભાગને રીપોર્ટની નકલ મળ્યા બાદ તે ઉષા બ્રેકો કંપનીને અપાશે. આગામી એકાદ સપ્તાહમાં આ નકલ અમને મળી જશે એમ ઉષા બ્રેકો કંપનીનાં સૂત્રોએ જણાવ્યું હતું. રીપોર્ટનાં આધારે સુપ્રીમ કોર્ટ શો નિર્ણય લે છે તેના પર હવે સહુની મીટ મંડાઇ છે. અત્રે નોંધનીય છે કે, રોપ-વે માટે ભવનાથની સાઇટ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું ગુજરાતનાં વનવિભાગે કમિટી સમક્ષ જણાવ્યું હતું.

ધારીના કંટાળાનાં શખ્સે જંગલી ભૂંડનુ માંસ રાંધીને ખાધું.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 3:34 AM [IST](22/03/2012)
ધારી ગીરપુર્વના તુલશીશ્યામ રેંજના કંટાળા ગામે એક શખ્સ રાત્રીના જંગલી ભુંડનુ માંસ રાંધીને ખાઇ રહ્યો હોવાની બાતમી વનવિભાગને મળતા ધારીના એસીએફ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી ભુંડના અવશેષો સાથે આ શખ્સને ઝડપી લઇ રૂ.૧૧ હજારનો દંડ ફટકાર્યો છે.
ધારી ગીરપુર્વના તુલશીશ્યામ રેંજના કંટાળા ગામે પરશોતમ ભીખાભાઇ સોલંકી નામનો શખ્સ રાત્રીના બારેક વાગ્યાના સુમારે જંગલી ભુંડનુ માંસ રાંધીને ખાઇ રહ્યો હોવાની બાતમી વનવિવભાગને મળતા ધારીના ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી એસીએફ ધામી તેમજ રૈયાણી સ્ટાફ સાથે કંટાળા ગામે દોડી ગયા હતા.
સ્થળ પરથી ભુંડના અવશેષો સાથે પરશોતમભાઇને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં પરશોતમભાઇએ જણાવ્યુ હતુ કે રેવન્યુ વિસ્તારમાં કોઇ વન્ય પ્રાણીએ મારેલ ભુંડનો અડધો બચેલો ભાગ તેઓ ઘરે લઇ આવ્યા હોવાનુ કબુલ્યુ હતુ. વનવિભાગે R ૧૧ હજારનો દંડ ફટકાર્યો હતો.

નદીના પટમાં સૂતેલા યુવાન પર સિંહણનો હુમલો.


Source: Bhaskar News, liliya   |   Last Updated 1:26 AM [IST](19/03/2012)
લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં જેસીબી ચલાવવાનું કામ કરતો એક પર પ્રાંતીય યુવાન ગઇ રાત્રે નદીના પટમાં સુતો હતો ત્યારે મધ રાત્રે એક સિંહણે તેના પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.
મૂળ હરિયાણાનો અસલમ આલમ પઠાણ (ઉ. વ. ૨૫) નામનો યુવાન બવાડા ખાલપર ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં જેસીબી ચલાવવાનું કામ કરે છે. રાત્રે કામ પુરુ કર્યા બાદ આ યુવાન નદીના પટમાં જ ખાટલો નાખીને સૂઇ રહે છે.
ગઇ રાત્રે આ યુવાન નદીના પટમાં ખાટલો નાખીને સૂતો હતો ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો. તે સુતો હતો ત્યારે સિંહણે તેને ચહેરા ડોક અને હાથ પર ઉઝરડા કર્યા હતાં. જો કે આ યુવાનને તેના પર કોણે હુમલો કર્યો તેના ખબર રહી ન હતી. ઘાયલ યુવાનને સારવાર માટે પ્રથમ લીલીયા દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેસીબી માલીક દ્વારા રાત્રે જ વન અધીકારીઓને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નદીના પટમાં સિંહણની અવરજવરના સગડ મળ્યા હતાં.
આ વિસ્તારમાં પાછલા કેટલાક દીવસથી કોલર આઇડીવાળી સિંહણ આંટા મારતી હોવાનું કહેવાય છે. સિંહણ ખાટલા પર ચડી ગઇ હોય ખાટલો પણ રેતીમાં બેસી ગયો હતો. આ ઉપરાંત સિંહણના પંજાને કારણે ગોદડુ પણ ચીરાઇ ગયું હતું.
અત્રે નોંધનીય છે કે, ગિર અભીયારણીયમાં સાવજોની સંખ્યા વધ્યા બાદ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવર-જવર વધી ગઇ છે. ખાસ કરીને ધારી તથા લીલીયા પંથકમાં માનવી ઉપરના હુમલા રોજીંદા બનવા લાગ્યા છે.

બાબરામાં ગાયના ગળામાં પ્લાસ્ટિક ફસાઇ જતાં મોત.


Source: Bhaskar News, Babra   |   Last Updated 12:53 AM [IST](11/03/2012)
બજારોમાં ઠેરઠેર પ્લાસ્ટિકનો કચરો હોઇ ગૌપ્રેમીઓમાં રોષ
બાબરામાં ખાખરીયા ચોરા પાસે સાંજના સુમારે એક ગાયનું પ્લાસ્ટિક ખાઇ જવાથી મોત નિપજ્યું હતું. શહેરમાં જ્યાં ત્યાં લોકો પ્લાસ્ટિકનો કચરો ફેંકી દેતા હોઇ અવારનવાર ગાયો મોતને ભેટી રહી છે. બે મહિના પહેલા પણ એક ગાયનું મોત
નિપજ્યું હતું.
ખાખરીયા ચોરા પાસે સાંજના પાંચ વાગ્યાના સુમારે ખેક ગાય પ્લાસ્ટિક ખાઇ જવાથી પ્લાસ્ટિક ગળામાં ફસાઇ જતા ગાય તરફડીયા મારવા લાગી હતી. ત્યારે આજુબાજુના રહિશો જોઇ જતા તુરત પશુ ડોક્ટરને જાણ કરી હતી. પરંતુ ડોક્ટર ગાયની સારવાર કરે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે ગાયના ગળામાં પ્લાસ્ટિક ફસાઇ જવાથી તેનુ મોત નિપજ્યું છે.
શહેરના લોકો ખાણીપીણીની વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીઓમાં ખરીદી કરે છે અને બાદમાં ગમે ત્યાં ફેંકી દે છે. આ પ્લાસ્ટિક રખડતી ભટકતી ગાયો ખાઇ જાય છે અને મોતને ભેટે છે. બે મહિના પહેલા પણ પ્લાસ્ટિક ખાઇ જવાથી એક ગાય મોતને ભેટી હતી. લોકો પ્લાસ્ટિકનો કચરો જ્યાંત્યાં ન ફેંકે જેથી ગૌમાતાઓ આવો કચરો આરોગી મોતને ન ભેટે તેવો ગાૈપ્રેમીઓએ અનુરોધ કર્યો હતો.

રાજુલામાં બિમાર બાઝનું બચ્ચું મળી આવ્યું.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 2:34 AM [IST](04/03/2012)
રાજુલામાં બાયપાસ ચોકડી પાસેથી આજે વહેલી સવારે એક બિમાર બાઝનુ બચ્ચુ મળી આવ્યું હતું. આ બચ્ચુ રસ્તા નજસક જ પડેલુ હોવાની લોકોના ટોળા તેને જોવા માટે એકઠા થયા હતા. જો કે, આ બાજને કોઇ પશુ નુકશાન ન કરે અને લોકો દ્વારા આ બાજને છંછેડાય નહીં તે પહેલા સેવાભાવી મહેશભાઇ વરૂ તેમજ અબ્દુલભાઇ પઠાણે આ બચ્ચાને પકડીને વનવિભાગની કચેરીએ સોંપવામાં આવતા આરએફઓ બ્લોચે બાઝના બચ્ચાને જરૂરી સારવાર આપી હતી. -- તસ્વીર :કનુભાઇ વરૂ

ધારદાર પીંછાનું કવચ ધરાવતી શાહુડી સિંહણને ભારે પડી.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 8:43 PM [IST](01/03/2012)
શેઢાડીનો શિકાર કરવાની ભુલ કરનાર સિંહણના ગળામાં પીંછા ખુપી ગયા
શું ખાવુ અને શું ન ખાવુ તેનો વિવેક ગુમાવી માણસ પોતાની તબીયત બગાડી નાખે છે પરંતુ પશુઓને કુદરતે અજીબ શકિત આપી છે જેથી ન ખાવા જેવી વસ્તુ ખાવાની ભુલ પશુઓ કરતા નથી. પરંતુ ગીર જંગલમાં એક સિંહણે ધારદાર શેઢાડીનો શિકાર કરવાની ભુલ કરી નાખતા સિંહણના મોઢા પર શેઢાડીના પીંછા ખુપી ગયા હતા. આ ઘાયલ સિંહણને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે.
આ ઘટના ગીરપૂર્વની જસાધાર રેંન્જમાં આવેલા કરડાપાણ જંગલમાં બની હતી. વનવિભાગનો સ્ટાફ અહી ફેરણુ કરતો હતો ત્યારે એક સિંહણ ઘાયલ અને બિમાર અવસ્થામાં હોવાનું જણાતા તેને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.
જસાધાર રેંજના આરએફઓ બી.ટી.આહિર તેમજ રેસ્કયુ ટીમ દ્રારા કરાયેલા પ્રયાસોમાં ગઇરાત્રે આ સિંહણ પાંજરામાં આવી ગઇ હતી. તુરંત આ સિંહણને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જ્યાં વેટરનરી ડૉ. હિતેષ વામજાએ આ સિંહણની સારવાર શરૂ કરી હતી. આશરે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમરની આ સિંહણને ગળાના ભાગે તથા પેટના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યાં હતા.
એટલું જ નહી સિંહણના ગળા પાસે શેઢાડીના બે પીંછા ખુપી ગયેલી હાલતમાં મળ્યાં હતાં. સિંહણે શેઢાડીનો શિકાર કર્યો હશે અને તે વખતે આ ઇજા થઇ હોવાનું મનાઇ રહ્યું છે. કુદરતે શેઢાડીને ધારદાર પીંછાનું સુરક્ષાકવચ આપ્યું છે. આ સુરક્ષા કવચ હાલમાં તો સિંહણને ભારે પડી ગયું છે. મોડેથી જાણવા મળતી વિગત અનુસાર આ સિંહણને જુનાગઢના સકકરબાગ ખાતે વધુ સારવારમાં ખસેડાઇ છે.
સિંહણની સોનોગ્રાફી કરી એક્સ-રે પણ પડાશે
વનખાતાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ સિંહણની સારવાર સોનોગ્રાફી અને એક્સ-રેથી કરવામાં આવશે. જેથી તેના પેટની સ્થિતિની પણ સાચી જાણકારી મળે. શેઢાડીના નાના પીંછા પણ સિંહણના પેટમાં હશે તો તેના માટે ગંભીર ખતરો છે.

દીપડાને ધાબળો ઓઢાડી યુવાન ઝાડ પર ચડી ગયો.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 6:25 PM [IST](01/03/2012)
હુમલો કરનાર દીપડાને ફટાકડાના અવાજ કરીને ભગાડવો પડ્યો
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે આવેલ વાડીમાં ગઇરાત્રે એક યુવાન પર દીપડાએ હુમલો કરતા તેને સારવાર માટે સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યો છે. દીપડ઼ાથી બચવા યુવાન તેને ધાબળો ઓઢાડી વૃક્ષ પર ચડી ગયો હતો.
સાવરકુંડલાના અભરામપરા ગામે આંબરડીની સીમમાં આવેલ મનસુખભાઇ વલ્લભભાઇ ગજેરાની વાડીએ ભાગીયુ રાખીને કામ કરતો સુરેશ ખીમજીભાઇ ભીલ (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઇરાત્રીના વાડીમાં વાવેલ જુવારમાં રોઝડુ આવી ચડતા તેને ભગાડવા ગયો હતો.
બાદમાં પરત ફરી રહ્યો હતો ત્યારે જુવારમાં લપાઇને બેઠેલા દીપડાએ પાછળથી આ યુવાન પર હુમલો કરતા યુવાને પોતે ઓઢેલો ધાબળો દીપડાની માથે નાખી દેતા દપિડો ધાબળામાંથી નીકળવા પ્રયાસ કરે તે પહેલા આ યુવાન બાજુના વૃક્ષ પર ચડી ગયો હતો. સુરેશ વૃક્ષ પર ચડી ગયો તેમ છતા દીપડો વૃક્ષની નીચે તેની રાહ જોઇને બેસી ગયો હતો. બાદમાં દોડી આવેલા લોકોએ ફટાકડા ફોડી દીપડાને ભગાડ્યા બાદ યુવાન નીચે ઉતર્યો હતો.