Thursday, March 22, 2012

ધારદાર પીંછાનું કવચ ધરાવતી શાહુડી સિંહણને ભારે પડી.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 8:43 PM [IST](01/03/2012)
શેઢાડીનો શિકાર કરવાની ભુલ કરનાર સિંહણના ગળામાં પીંછા ખુપી ગયા
શું ખાવુ અને શું ન ખાવુ તેનો વિવેક ગુમાવી માણસ પોતાની તબીયત બગાડી નાખે છે પરંતુ પશુઓને કુદરતે અજીબ શકિત આપી છે જેથી ન ખાવા જેવી વસ્તુ ખાવાની ભુલ પશુઓ કરતા નથી. પરંતુ ગીર જંગલમાં એક સિંહણે ધારદાર શેઢાડીનો શિકાર કરવાની ભુલ કરી નાખતા સિંહણના મોઢા પર શેઢાડીના પીંછા ખુપી ગયા હતા. આ ઘાયલ સિંહણને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે.
આ ઘટના ગીરપૂર્વની જસાધાર રેંન્જમાં આવેલા કરડાપાણ જંગલમાં બની હતી. વનવિભાગનો સ્ટાફ અહી ફેરણુ કરતો હતો ત્યારે એક સિંહણ ઘાયલ અને બિમાર અવસ્થામાં હોવાનું જણાતા તેને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.
જસાધાર રેંજના આરએફઓ બી.ટી.આહિર તેમજ રેસ્કયુ ટીમ દ્રારા કરાયેલા પ્રયાસોમાં ગઇરાત્રે આ સિંહણ પાંજરામાં આવી ગઇ હતી. તુરંત આ સિંહણને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જ્યાં વેટરનરી ડૉ. હિતેષ વામજાએ આ સિંહણની સારવાર શરૂ કરી હતી. આશરે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમરની આ સિંહણને ગળાના ભાગે તથા પેટના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યાં હતા.
એટલું જ નહી સિંહણના ગળા પાસે શેઢાડીના બે પીંછા ખુપી ગયેલી હાલતમાં મળ્યાં હતાં. સિંહણે શેઢાડીનો શિકાર કર્યો હશે અને તે વખતે આ ઇજા થઇ હોવાનું મનાઇ રહ્યું છે. કુદરતે શેઢાડીને ધારદાર પીંછાનું સુરક્ષાકવચ આપ્યું છે. આ સુરક્ષા કવચ હાલમાં તો સિંહણને ભારે પડી ગયું છે. મોડેથી જાણવા મળતી વિગત અનુસાર આ સિંહણને જુનાગઢના સકકરબાગ ખાતે વધુ સારવારમાં ખસેડાઇ છે.
સિંહણની સોનોગ્રાફી કરી એક્સ-રે પણ પડાશે
વનખાતાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ સિંહણની સારવાર સોનોગ્રાફી અને એક્સ-રેથી કરવામાં આવશે. જેથી તેના પેટની સ્થિતિની પણ સાચી જાણકારી મળે. શેઢાડીના નાના પીંછા પણ સિંહણના પેટમાં હશે તો તેના માટે ગંભીર ખતરો છે.

No comments: