Thursday, March 22, 2012

નદીના પટમાં સૂતેલા યુવાન પર સિંહણનો હુમલો.


Source: Bhaskar News, liliya   |   Last Updated 1:26 AM [IST](19/03/2012)
લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં જેસીબી ચલાવવાનું કામ કરતો એક પર પ્રાંતીય યુવાન ગઇ રાત્રે નદીના પટમાં સુતો હતો ત્યારે મધ રાત્રે એક સિંહણે તેના પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.
મૂળ હરિયાણાનો અસલમ આલમ પઠાણ (ઉ. વ. ૨૫) નામનો યુવાન બવાડા ખાલપર ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં જેસીબી ચલાવવાનું કામ કરે છે. રાત્રે કામ પુરુ કર્યા બાદ આ યુવાન નદીના પટમાં જ ખાટલો નાખીને સૂઇ રહે છે.
ગઇ રાત્રે આ યુવાન નદીના પટમાં ખાટલો નાખીને સૂતો હતો ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો. તે સુતો હતો ત્યારે સિંહણે તેને ચહેરા ડોક અને હાથ પર ઉઝરડા કર્યા હતાં. જો કે આ યુવાનને તેના પર કોણે હુમલો કર્યો તેના ખબર રહી ન હતી. ઘાયલ યુવાનને સારવાર માટે પ્રથમ લીલીયા દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેસીબી માલીક દ્વારા રાત્રે જ વન અધીકારીઓને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નદીના પટમાં સિંહણની અવરજવરના સગડ મળ્યા હતાં.
આ વિસ્તારમાં પાછલા કેટલાક દીવસથી કોલર આઇડીવાળી સિંહણ આંટા મારતી હોવાનું કહેવાય છે. સિંહણ ખાટલા પર ચડી ગઇ હોય ખાટલો પણ રેતીમાં બેસી ગયો હતો. આ ઉપરાંત સિંહણના પંજાને કારણે ગોદડુ પણ ચીરાઇ ગયું હતું.
અત્રે નોંધનીય છે કે, ગિર અભીયારણીયમાં સાવજોની સંખ્યા વધ્યા બાદ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવર-જવર વધી ગઇ છે. ખાસ કરીને ધારી તથા લીલીયા પંથકમાં માનવી ઉપરના હુમલા રોજીંદા બનવા લાગ્યા છે.

No comments: