Thursday, July 11, 2013

ધારી-ખાંભા તાલુકામાં દીપડાએ એક વર્ષમાં પાંચનો લીધો ભોગ.


Bhaskar News, Amreli | Jul 08, 2013, 00:26AM IST
- અમરેલી જિલ્લામાં દીપડાની વધતી જતી સંખ્યા ચિંતાજનક


અમરેલી પંથકના કોઇ ગામમાં સિંહની હાજરી હોય તો ગામલોકો ક્યારેય સિંહને પાંજરે પુરી અન્યત્ર ખસેડવાની માંગણી નથી કરતા પરંતુ જો દીપડાની હાજરી હોય તો તેને તાકિદે પાંજરે પુરવા માંગ ઉઠે છે. કારણ કે પાછળથી વાર કરતુ આ પ્રાણી ભારે લુચ્ચુ છે. અહીના સાવજો ભાગ્યે જ માણસનો ભોગ લે છે. પરંતુ પાછલા એક વર્ષમાં માત્ર ખાંભા અને ધારી તાલુકામાં જ દપિડાએ પાંચ વ્યક્તિનો ભોગ લીધો છે.

પાછલા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લામાં દીપડાએ માણસ પર હુમલો કર્યો હોય તેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં બની છે. તે પૈકી પાંચ વ્યક્તિ તો મોતને ભેટી હતી. ગત તારીખ ૨૦/૪/૧૨ના રોજ ધારીના ખોખરા મહાદેવમાં તથા ૨૧/૪/૧૨ના રોજ ધારીના કરમદડીમાં દપિડાએ બે વ્યક્તિનો ભોગ લઇ હાહાકાર મચાવી દીધો હતો. આવી જ રીતે તા. ૨૪/૬/૧૨ના રોજ જળજીવડી અને તા. ૧૩/૭/૧૨ના રોજ એક એક વ્યક્તિનો ભોગ દીપડાએ લીધો હતો.

ધારી તાલુકામાં ચાર વ્યક્તિના જીવ લેવા ઉપરાંત દીપડાએ તા.૨૮/૫/૧૨ના રોજ ખાંભા તાલુકાના હનુમાનપરામાં પણ એકનો ભોગ લીધો હતો. આ ઉપરાંત દીપડાના હુમલાની ઘટના સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં પણ બની હતી. જો કે અહી માનવ મૃત્યુની ઘટના સદનશીબે બની ન હતી. દપિડાની વસતી વધી રહી છે ત્યારે આ વિસ્તારમાં ખેડુતોએ જાતે જ સાવચેતી રાખવી પડશે.

- એક વર્ષમાં કોનો કોનો ભોગ લેવાયો

ખોખરા મહાદેવ-તેજલબેન ડાયાભાઇ માથાસુળીયા
કરમદડી-સંતોકબેન માધાભાઇ સીરવાડીયા
હનુમાનપરા-રાહુલ બાવભાઇ વાઘેલા
જળજીવડી-હકાભાઇ શામજીભાઇ આંબલિયા
માલસિકા-શૈલેષભાઇ ભીખાભાઇ વાઘેલા

- દીપડા દ્વારા હુમલાની ૨૭ ઘટના

અમરેલી જિલ્લામાં પાછલા એક વર્ષ દરમિયાન દીપડા દ્વારા માણસ પર હુમલાની પાંચ માનવ મૃત્યુ ઉપરાંત ૨૭ ઘટના બની હતી. આ ઘટનાઓ ધારી, ખાંભા, ઉના, સાવરકુંડલા તાલુકામાં બની હતી.

ધારીમાં આકાર પામતા સફારી પાર્કની વનમંત્રીએ મુલાકાત લીધી.


Bhaskar News, Amreli | Jul 06, 2013, 00:11AM IST
- ગીરના જંગલમાં જો કોઇ ઘટના બને તો દેશ અને વિશ્વમાં તેની ચર્ચા થતી હોય તેની ગંભીરતા સમજવા કર્મચારીઓને અનુરોધ કર્યો

ગીર વનવિભાગના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવાએ અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમ નજીક આકાર પામતા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અંદાજે ૪૦૦ હેકટરમાં પથરાયેલ સફારી પાર્કની ચારેબાજુ મંત્રીએ ચાલુ વરસાદે પ્રવાસ ખેડી ૧૦ ફુટ ઉંચી અને આશરે ૮૬૨૫ મીટરની લંબાઇમાં થઇ રહેલ વાયર ફેન્સીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.

આ પ્રસંગે મંત્રી વસાવાએ જણાવ્યુ હતુ કે ધારી ગીર પુર્વના વન વિસ્તારની મારી આ પ્રથમ મુલાકાત દરમિયાન વનકર્મીઓની ગંભીરતાપુર્વકની કામગીરીને કારણે સિંહોની વસતી વધી હોવાનું જાણવા અને જોવા મળેલ છે. વિશ્વમાં એશિયાટિક લાયન માટે ગીર અભ્યારણ્ય સુવિખ્યાત છે. ત્યારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી નિભાવતા વનકર્મીઓની કર્તવ્ય ભાવનાને બીરદાવી હતી.

ગીરના જંગલમાં જો કોઇ ઘટના બને તો દેશ અને વિશ્વમાં તેની ચર્ચા થતી હોય તેની ગંભીરતા સમજવા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. સફારી પાર્ક ખાતે ખુબ જ ટુંકા ગાળામાં કરવામાં આવેલ તાર ફેન્સીંગની કામગીરીની સરાહના કરી કર્મચારીઓની કામગીરીની સરાહના કરી હતી.

જુનાગઢ મુખ્ય વન સંરક્ષક મીનાએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર અને વનવિભાગ સિંહોનુ સ્થળાંતર ન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. સિંહોની વસતી વધતા સિંહો રેવન્યુ વિસ્તારમાં વહિરતા હોય ત્યારે સિંહોના સંરક્ષણ માટે લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવા વનકર્મીઓને અનુરોધ કર્યો હતો.

આ તકે નાયબ વન સંરક્ષક ડૉ. અંશુમન શર્મા, આરએફઓ સી.પી.રાણપરીયા, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, નાયબ વન સંરક્ષક જે.કે.મકવાણા, કે.રમેશ, ડૉ. સંદપિકુમાર, એમ.એમ.મુની, આર.ધનપાલ, એ.વી.ઠાકર, એન.આર.વેગડા સહિત વનકર્મીઓ અને વન સહાયકો ઉપસ્થિત રહ્યાં હતા. 

Tuesday, July 2, 2013

જોતજોતામાં જંગલ બન્યું ગાઢ: ગીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.

Bhaskar News, Khambha   |  Jul 02, 2013, 01:34AM IST- ઉનાળામાં ખાવા દોડતા ડુંગરાઓ રળિયામણા બન્યા : જોતજોતામાં જંગલ બન્યું ગાઢ

હજુ એક માસ પહેલા જ જે ડુંગરાઓ સુખાભઠ્ઠ હતા અને ઉનાળાના તાપમાં ધખતા હતાં. તે જ ડુંગરાઓ મેહુલીયાના આગમન સાથે જાણે નંદનવન બન્યા છે. લીલીછમ્મ હરીયાળીએ લોકોનું મન મોહી લેવાનું કામ કર્યું છે. ગીરનું જંગલ અને ગીરકાંઠો સોળેકળાએ ખીલ્યો છે. અહિંની લીલોતરી આંખોને ઠંડક આપી રહી છે. કારણ કે વનરાજી ખીલી ઉઠી છે.

ગીરનું જંગલ ચોમાસુ આવતા જ લીલીછમ્મ ચાદર ઓઢી લે છે. ઉનાળામાં આ જંગલ પાંખુ બની જાય છે કારણ કે અહિંના ઝાડ-વેલાઓ સુકા હવામાનમાં મૃત જેવી અવસ્થામાં પહોંચી જાય છે. ઘાસના તણખલાનું તો જાણે નામોનીશાન રહેતુ નથી. ઉનાળાની આગમાં જંગલ ખુબ જ તપે છે. અહિંના ડુંગરઓ પણ જાણે ખાવા દોડે છે. ઝાડના ઠુંઠાઓને સાચવતા આ ડુંગરા સુકાભઠ્ઠ લાગે છે. પરંતુ વરસાદનુ આગમન થતા જ ચિત્ર સમુળગુ બદલાઇ જાય છે.

રાજુલા ખાંભા વચ્ચેના રસ્તા પર ૧૪ સાવજોનું ટોળું આવી ચડ્યું.


Bhaskar News, Rajula | Jun 28, 2013, 02:31AM IST - સિંહદર્શનની મજા સાથે જ ગ્રામજનોમાં ફફડાટની લાગણી

રાજુલાથી ખાંભા રોડની વચ્ચે આવેલા પથ્થરમાર વિસ્તારમાં ગત મોડીરાત્રીના એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આંટાફેરા મારી રહ્યું હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવજોની ડણકોથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અહી ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. વનવિભાગને જાણ થતા અહી સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજુલાથી ખાંભા વચ્ચે આવેલા પથ્થરમાર ડુંગરાળ વિસ્તારમાં એક સાથે ૧૪ સાવજો આવી ચડયા હતા. એક સાથે આટલા બધા સાવજોનું ટોળુ આવી ચડતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

હાલમાં રાજુલા પંથકમાં વરસાદ પડી જતા ડુંગરાળ વિસ્તારો લીલાછમ બની ગયા છે. આ વિસ્તારોમાં આમ તો સાવજો જોવા મળે જ છે. પરંતુ ગઇકાલે એક્સાથે ૧૪ સાવજોનું ટોળુ આવી ચડયુ હતુ. સાવજોની ડણકોથી અહીથી પસાર થતા વાહન ચાલકો થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. એક સાથે ૧૪ સાવજોનું ટોળુ આ વિસ્તારમાં આવી ચડયુ હોય ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ભય ફેલાયો છે. અને ખેડુતો વાડી ખેતરોમાં જતા પણ ભય અનુભવી રહ્યાં છે.

એક જ વર્ષમાં દિપડાએ પાંચ માનવ જિંદગીનો ભોગ લીધો.


Bhaskar News, Liliya | Jun 26, 2013, 23:29PM IST - અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજ અને દિપડાના હુમલાની એક વર્ષમાં ૩૮ ઘટના

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દિપડાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આ બન્ને વન્ય પ્રાણીઓ દ્વારા માણસ પર હુમલાની સંખ્યાઓ પણ વધી છે. ગત વર્ષે અમરેલી જીલ્લામાં દિપડાના હુમલામાં કુલ પાંચ વ્યક્તિના મોત થયા હતાં. જ્યારે દિપડા દ્વારા લોકોને ઘાયલ કરવાની ૨૭ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વસતી વધી છે ખરી પરંતુ આ વન્ય પ્રાણીઓ પૈકી સૌથી વધુ જોખમી પ્રાણી દિપડો સાબિત થઇ રહ્યો છે. અમરેલી જીલ્લામાં સાવજોની સંખ્યા પણ સૌથી વધુ છે. સિંહદર્શન માટે લોકો એકઠા થાય છે. ક્યારેય કાંકરી ચાળો પણ થાય છે. આમ છતાં સાવજોના હુમલાની ઘટના ભાગ્યે જ બને છે. પરંતુ લોકોની નઝરે ચડતો ન હોવા છતાં દિપડાના હુમલાની ઘટના મોટા પ્રમાણમાં બને છે.

ગત વર્ષે અમરેલી જીલ્લામાં દપિડાના હુમલાથી પાંચ વ્યક્તિઓના મોત થયા હતાં. જળ જીવડીના હકાભાઇ શામજીભાઇ, માલસીકાના શૈલેષભાઇ ભીખાભાઇ સહિત પાંચનો દપિડાએ ભોગ લીધો હતો. વન વિભાગ દ્વારા દપિડાના આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દોઢ-દોઢ લાખની સહાય પણ અપાઇ હતી. વાડી-ખેતરોમાં લોકો કામ કરતા હોય ત્યારે અચાનક જ દિપડો હુમલો કરી બેસે છે. ઉભા પાક કે વાડમાંથી પાછળથી દિપડો ધસી આવે છે. સામાપક્ષે વાડીમાં સાવજની હાજરી હોવા છતાં લોકો ખેતીકામ કરતા હોય તો પણ સાવજના હુમલાની ઘટના ભાગ્યે જ બને છે.

-  દિપડાએ ૨૭ લોકોને ઘાયલ કર્યા

દિપડાએ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પાંચ માનવ જીંદગીના ભોગ લેવા ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં હુમલા કરી ૨૭ લોકોને ઘાયલ કરી દીધા હતાં. મોટાભાગના આ બનાવો સાવરકુંડલા, ધારી, ખાંભા તાલુકામાં બન્યા હતાં. આ ઉપરાંત સાવજો દ્વારા માણસ પર હુમલાની અગીયાર ઘટનાઓ પણ બની હતી.

છાપરીમાં વાડીમાં કામ કરતા કિશોર પર દીપડાનો હુમલો.


Bhaskar News, Amreli | Jun 21, 2013, 02:26AM IST - વાડમાંથી ધસી આવી કિશોરને લોહી લુહાણ કરી દીધો

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દીપડાની વસતી વધતી ચાલી છે. હજુ બે દિવસ પહેલા જ સાવરકુંડલાના ડેડકડીમાં ઘરની ઓસરીમાં સુતેલી મહિલા પર દીપડીએ હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે સાવરકુંડલાના છાપરી ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલ એક દેવીપૂજક કિશોર પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે અમરેલી સીવીલમાં ખસેડવામાં આવેલ છે.

સાવરકુંડલા તાલુકો જાણે દીપડાનું ઘર બની ગયો છે. અહિં દીપડાની વસતી વધી ગઇ હોય અવાર નવાર દીપડા અને લોકોનો સામનો થઇ જાય છે. આજે સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના નિકુંજ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ. ૧૭) નામના દેવીપૂજક કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. આ કિશોર ગામના બચુભાઇ મેઘજીભાઇની વાડીમાં ખેતમજુરીનું કામ કરે છે.

આજે સવારે આ કિશોર વાડીમાં સાંતી હાંકતો હતો ત્યારે બળદને હાંકલા પડકારા કરતા વાડમાંથી અચાનક જ દીપડો ધસી આવ્યો હતો. અને પાછળથી હુમલો કર્યો હતો. દીપડાએ આ યુવકને પછાડી દઇ તેના માથા પર, હાથ પર તથા પીઠમાં દાંત તથા નહોર બેસાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. દેકારો થતા આ કિશોરના કાકા દોડી આવ્યા હતા અને હાંકલા પડકારા કરી આ દીપડાને ભગાડ્યો હતો.

લોહી લુહાણ હાલતમાં આ કિશોરને સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને અને ત્યાથી વધુ સારવાર માટે અમરેલી દવાખાને રીફર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ સાવરકુંડલાના ડેડકડીમાં એક કોળી મહિલા ઘરની ઓસરીમાં સુતી હતી ત્યારે શિકારની શોધમાં ચડી આવેલા દીપડાએ તેના પર હુમલો કરી આ મહિલાને ઘાયલ કરી દીધી હતી.

દિપડીનાં બચ્ચાને બચાવવા પાંચ કલાક ચાલ્યું રેસ્કયુ, લોકો ઉમટ્યાં.


દિપડીનાં બચ્ચાને બચાવવા પાંચ કલાક ચાલ્યું રેસ્કયુ, લોકો ઉમટ્યાં

Bhaskar News, Rajula   |  Jun 19, 2013, 00:00AM IST
- ગ્રામજનો અને વનવિભાગની પાંચ કલાકની મહેનત બાદ આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યુ

રાજુલા તાલુકાના રાજપરડા ગામની સીમમાં આવેલ એક કુવામાં દિપડીનું બચ્ચુ પડી ગયુ હતુ. આ અંગે જાણ થતા ગ્રામજનો અહી ઉમટી પડ્યા હતા. બાદમાં વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. ગ્રામજનો અને વનવિભાગ દ્વારા પાંચેક કલાકની જહેમત બાદ આ બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યુ હતુ.

દિપડીનું બચ્ચુ કુવામાં પડી જવાની આ ઘટના આજે સવારે રાજુલા તાલુકાના રાજપરડા ગામની સીમમાં બની હતી. જ્યાં કથડભાઇ લખમણભાઇ વાઘની વાડીમાં આવેલ કુવામાં સવારના સુમારે એક દિપડીનું બચ્ચુ આંટા મારી રહ્યું હોય તેની પાછળ કુતરાઓ દોડતા પ્રથમ આ બચ્ચુ લીમડાના વૃક્ષ પર ચડી ગયુ હતુ બાદમાં ભાગવા જતા તે કુવામાં ખાબક્યુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ.


દિપડીનાં બચ્ચાને બચાવવા પાંચ કલાક ચાલ્યું રેસ્કયુ, લોકો ઉમટ્યાં
બચ્ચુ કુવામાં પડી ગયુ હોવાની જાણ થતા જ અહી ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો. અને મહામહેનતે દિપડીના બચ્ચાને કુવામાંથી બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક દિપડો હડમતીયા ગામે તાર ફેન્સીંગમાં ફસાઇ જતા મોતને ભેટયો હતો. આ વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી અવારનવાર દપિડાઓ છેક ગામમાં આવી ચડતા હોય લોકોમાં ભય ફેલાઇ છે.