Bhaskar News, Amreli
| Jul 06, 2013, 00:11AM IST
ગીર વનવિભાગના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવાએ અમરેલી જિલ્લાના ધારી ખોડિયાર ડેમ નજીક આકાર પામતા સફારી પાર્કની મુલાકાત લીધી હતી. અંદાજે ૪૦૦ હેકટરમાં પથરાયેલ સફારી પાર્કની ચારેબાજુ મંત્રીએ ચાલુ વરસાદે પ્રવાસ ખેડી ૧૦ ફુટ ઉંચી અને આશરે ૮૬૨૫ મીટરની લંબાઇમાં થઇ રહેલ વાયર ફેન્સીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.
આ પ્રસંગે મંત્રી વસાવાએ જણાવ્યુ હતુ કે ધારી ગીર પુર્વના વન વિસ્તારની મારી આ પ્રથમ મુલાકાત દરમિયાન વનકર્મીઓની ગંભીરતાપુર્વકની કામગીરીને કારણે સિંહોની વસતી વધી હોવાનું જાણવા અને જોવા મળેલ છે. વિશ્વમાં એશિયાટિક લાયન માટે ગીર અભ્યારણ્ય સુવિખ્યાત છે. ત્યારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી નિભાવતા વનકર્મીઓની કર્તવ્ય ભાવનાને બીરદાવી હતી.
ગીરના જંગલમાં જો કોઇ ઘટના બને તો દેશ અને વિશ્વમાં તેની ચર્ચા થતી હોય તેની ગંભીરતા સમજવા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. સફારી પાર્ક ખાતે ખુબ જ ટુંકા ગાળામાં કરવામાં આવેલ તાર ફેન્સીંગની કામગીરીની સરાહના કરી કર્મચારીઓની કામગીરીની સરાહના કરી હતી.
જુનાગઢ મુખ્ય વન સંરક્ષક મીનાએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર અને વનવિભાગ સિંહોનુ સ્થળાંતર ન થાય તેવા પ્રયત્નો કરી રહી છે. સિંહોની વસતી વધતા સિંહો રેવન્યુ વિસ્તારમાં વહિરતા હોય ત્યારે સિંહોના સંરક્ષણ માટે લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવા વનકર્મીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે નાયબ વન સંરક્ષક ડૉ. અંશુમન શર્મા, આરએફઓ સી.પી.રાણપરીયા, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, નાયબ વન સંરક્ષક જે.કે.મકવાણા, કે.રમેશ, ડૉ. સંદપિકુમાર, એમ.એમ.મુની, આર.ધનપાલ, એ.વી.ઠાકર, એન.આર.વેગડા સહિત વનકર્મીઓ અને વન સહાયકો ઉપસ્થિત રહ્યાં હતા.
No comments:
Post a Comment