અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં દીપડાની વસતી વધતી ચાલી છે. હજુ બે દિવસ પહેલા જ સાવરકુંડલાના ડેડકડીમાં ઘરની ઓસરીમાં સુતેલી મહિલા પર દીપડીએ હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે સાવરકુંડલાના છાપરી ગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલ એક દેવીપૂજક કિશોર પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે અમરેલી સીવીલમાં ખસેડવામાં આવેલ છે.
સાવરકુંડલા તાલુકો જાણે દીપડાનું ઘર બની ગયો છે. અહિં દીપડાની વસતી વધી ગઇ હોય અવાર નવાર દીપડા અને લોકોનો સામનો થઇ જાય છે. આજે સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના નિકુંજ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ. ૧૭) નામના દેવીપૂજક કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો. આ કિશોર ગામના બચુભાઇ મેઘજીભાઇની વાડીમાં ખેતમજુરીનું કામ કરે છે.
આજે સવારે આ કિશોર વાડીમાં સાંતી હાંકતો હતો ત્યારે બળદને હાંકલા પડકારા કરતા વાડમાંથી અચાનક જ દીપડો ધસી આવ્યો હતો. અને પાછળથી હુમલો કર્યો હતો. દીપડાએ આ યુવકને પછાડી દઇ તેના માથા પર, હાથ પર તથા પીઠમાં દાંત તથા નહોર બેસાડી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. દેકારો થતા આ કિશોરના કાકા દોડી આવ્યા હતા અને હાંકલા પડકારા કરી આ દીપડાને ભગાડ્યો હતો.
લોહી લુહાણ હાલતમાં આ કિશોરને સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને અને ત્યાથી વધુ સારવાર માટે અમરેલી દવાખાને રીફર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ સાવરકુંડલાના ડેડકડીમાં એક કોળી મહિલા ઘરની ઓસરીમાં સુતી હતી ત્યારે શિકારની શોધમાં ચડી આવેલા દીપડાએ તેના પર હુમલો કરી આ મહિલાને ઘાયલ કરી દીધી હતી.
No comments:
Post a Comment